સીમિત વિવેકબુદ્ધિવાદ (Bounded Rationality)

January, 2008

સીમિત વિવેકબુદ્ધિવાદ (Bounded Rationality) : સંપૂર્ણ તાર્કિક વર્તન કરવા અંગેની પ્રત્યેક વ્યક્તિની બોધાત્મક મર્યાદિત ક્ષમતા. વિવેકબુદ્ધિવાદનું મૂળ તત્વ બુદ્ધિ છે, તેથી હકીકતો(facts)ને તે બધી બાજુથી તપાસવાનું વલણ ધરાવે છે. એ હકીકતો વચ્ચેના સંબંધોને શોધે છે અને જો કોઈ હકીકતો વચ્ચે કાર્યકારણના સંબંધો માલૂમ પડે તો તેવા સંબંધોની એકાધિક કસોટીઓ કરી તેવા પ્રસ્થાપિત સંબંધોના હોવાને સ્વીકારે છે. આવા સંબંધોના સિલસિલાબદ્ધ વર્ણન થકી તેની ઉપપત્તિ (theory) તૈયાર કરે છે. આવી ઉપપત્તિને લાંબા સમય સુધી તપાસવામાં આવે છે. જો તેમાં કોઈ અપવાદ માલૂમ નહિ પડે તો તેવા કાર્યકારણના સંબંધને સિદ્ધાંત (principle) તરીકે ઘોષિત કરે છે.

અવલોકન, અનુભવો અને પ્રયોગોની મદદથી વિવેકબુદ્ધિવાદ કાર્યકારણના સંબંધોને સતત શોધ્યા કરે છે અને શોધેલા સંબંધોની ચકાસણી કર્યા કરે છે. આમ કરતાં એક વાર કાર્યકારણના જે સંબંધ માલૂમ પડ્યા હોય તે ખોટા પડવાની કે અંશત: સાચા પડવાની સંભાવના પેદા થાય છે. વિવેકબુદ્ધિવાદની સીમાની બહાર જડતા હોવાથી ખોટા કે અંશત: સાચા પડેલા સંબંધોને અનુક્રમે ત્યજી અથવા સુધારી લે છે. ઘટનાક્રમ આખરે કારણમાં પરિણમે છે. પ્રત્યેક વ્યક્તિ સમસ્યાનો સંતોષજનક ઉકેલ શોધવાને બદલે તથાકથિત ઉદાસીનતા અને મૂંઝવણને લીધે બહુ સારો કે બહુ નઠારો નહિ તેવો ઠીક ઠીક ઉકેલ સ્વીકારવાનું વલણ ધરાવે છે. નિર્ણયોનો અધિકાર ધરાવનાર વ્યક્તિ બધી પ્રાસંગિક વિગતો ભાગ્યે જ મેળવી શકે છે અને તેમનું મૂલ્યાંકન કરી શકે છે. તેથી તે વિશિષ્ટ હેતુ સાધવા માટે મહત્તમ અને સર્વોત્તમ વ્યૂહ અપનાવવાને બદલે વિકલ્પે મર્યાદિત અને સાદી વિગતોનો આધાર લઈને મધ્યમમાર્ગીય અને સ્વીકાર્ય નિર્ણયની પસંદગી કરે છે. આ નિર્ણય સંતોષપ્રદ પરિણામપ્રાપ્તિ (satisticing) તરીકે ઓળખાય છે. આ પ્રકારના વ્યૂહને સર્વોત્તમના બદલે સંતોષજનક અને ઉપયોગી નમૂના તરીકે કંપની અને પેઢીઓના કારોબારમાં સ્વીકૃતિ મળેલી છે; દા.ત., પેઢીએ વધુમાં વધુ નફો મેળવવો હોય તો તેને માલના ઉત્પાદનની પડતર-કિંમત અને પ્રાપ્ય વકરાની સંપૂર્ણ માહિતીની જરૂર પડે છે; પરંતુ વાસ્તવમાં આવી વિગતો તો ઉત્પાદનનું વેચાણ થઈ ગયા પછી મળે છે. તેથી સર્વોત્તમ પરિણામ મેળવવાનું લગભગ અશક્ય હોવાથી વ્યાપાર-ધંધામાં તેનું સ્થાન સંતોષજનક સિદ્ધિને આપવામાં આવે છે અને વ્યાપાર-ધંધા સમાધાનવૃત્તિથી ચલાવવામાં આવે છે.

સૂર્યકાન્ત શાહ