સિવણ : દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gmelina arborea Roxb. (સં. કાસ્મરી, શ્રીપર્ણી, ભદ્રપર્ણી, ગંભારી; હિં. ગંભારી, ગુમ્હાર, સેવન; બં. ગુંબાર, ગમારી; મ.-ગુ. સિવણ, શેવણ; તે. ગુમાર્તેક, ગુમ્માડી; ત. કુમાડી, ઉમી-થેક્કુ, પેરુન્ગુમ્પીલ; ક. શિવાની, કાસ્મીરી-મારા; મલ. કુમ્બિલ; વ્યાપારિક – ગુમ્હાર) છે. તે લગભગ 18 મી. ઊંચું, 6.0 મી.થી 9.0 મી. લાંબા મુખ્ય થડવાળું અને 1.5 મી.થી 2.1 મી.નો ઘેરાવો ધરાવતું વૃક્ષ છે અને ભારતના મોટાભાગનાં પાનખરનાં જંગલોમાં અને આંદામાનમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી તેઓ વીખરાયેલાં જોવા મળે છે. તેમને ઉદ્યાનો અને વૃક્ષવીથિ(avenue)માં પણ ઉછેરવામાં આવે છે. તેની છાલ લીસી અને સફેદ-ભૂખરી હોય છે. પર્ણો સાદાં, મોટાં, સંમુખ, પહોળાં અંડાકાર કે હૃદયાકાર અને ગ્રંથિમય હોય છે. પુષ્પો અગ્રસ્થ લઘુપુષ્પગુચ્છ(panicle)-સ્વરૂપે ગોઠવાયેલાં [તેમની અંતિમ ગોઠવણી કલગી (raceme) પ્રકારની], બદામી-પીળાં અને દ્વિઓષ્ઠી હોય છે. ફળ અષ્ઠિલ (drupe) પ્રકારનું, રસાળ, અંડાકાર અને 1થી 2 બીજવાળાં હોય છે. પુષ્પસર્જન માર્ચ-એપ્રિલમાં થાય છે અને ફળ મેમાં પાકે છે. દશમૂળ ક્વાથનું તે એક વિશિષ્ટ અંગ છે.
આકૃતિ 1 : સિવણ(Gmelina arborea)ની પુષ્પસહિતની શાખા
તે સુંદર વૃક્ષ છે અને કદી પણ જૂથમાં થતું નથી તથા સર્વત્ર પણ સામાન્યપણે થતું નથી. તે પ્રકાશાપેક્ષી (light demander); મધ્યમસરનું હિમ-સહિષ્ણુ અને અતિશુષ્કતાનું અસહિષ્ણુ છે. તે ભેજવાળી ફળદ્રૂપ અને સારા નિતારવાળી ખીણો પસંદ કરે છે. જમીન ઉપર ફળો પડતાં ચોમાસાની ઋતુમાં નૈસર્ગિક પ્રસર્જન થાય છે. ગરમી અને ભેજનું એકાંતરણ બીજાંકુરણને ઉત્તેજે છે. અપતૃણો અને ઘાસમાં પડેલાં બીજ સામાન્ય રીતે ઊગતાં નથી.
કૃત્રિમ પ્રસર્જન સીધી વાવણીથી અથવા રોપણ દ્વારા કરવામાં આવે છે. સીધી વાવણી 3.0 મી.થી 3.6 મી.ના અંતરવાળી હરોળોમાં બે છોડ વચ્ચે આશરે 0.3 મી. અંતરે કરતાં સારાં પરિણામો મળ્યાં છે. જરૂર પડ્યે ત્રીજા વર્ષે છોડનું વિરલન (thinning) કરવામાં આવે છે. બીજ (એક ખૂંટીએ 4-5 બીજ) 1.8 મી. × 1.8ના અંતરે ખરપવાથી અને છુટ્ટી વાવણી દ્વારા પણ સંતોષકારક પરિણામો મળે છે. રોપણ માટે ધરુવાડિયામાં વરસાદ પછી તરત ચાસમાં વાવવામાં આવે છે. પ્રથમ વર્ષાઋતુમાં રોપ 0.9 મી.થી 1.2 મી. ઊંચા બને ત્યારે રોપવામાં આવે છે. જો તેમને એક વર્ષ રાખવાના હોય તો પ્રથમ વરસાદે લગભગ 25.0 સેમી.ના અંતરે નાના ખાડામાં વાવવામાં આવે છે અને બીજી વર્ષાઋતુમાં પ્રકાંડ 5 સેમી. જેટલું રાખી મૂળનું 30 સેમી. જેટલું સમાકૃંતન (trimming) કરી 1.8 મી. × 1.8 મી.ના અંતરે રોપવામાં આવે છે. તેનો વૃદ્ધિનો દર ઝડપી હોય છે. ઝાડીવન (coppice) માટે પણ તે સારી રીતે અનુકૂળ છે.
પ્રાણીઓ તેનાં પર્ણો ખાય છે. Calopepla spp. જેવાં વિપત્રકો (defoliators) અને Dihamnus spp. અને Alcide spp. જેવાં વેધકો (borers) દ્વારા વૃક્ષને નુકસાન પહોંચે છે. પંકિલ માટીવાળી મૃદામાં અને છાયાવાળી સ્થિતિમાં Poria rhizomorpha નામની ફૂગ દ્વારા થડ અને મૂળના રોગો થાય છે.
આકૃતિ 2 : સિવણ(G. arborea)ના કાષ્ઠનો આડો છેદ
પ્રથમ વાર ખુલ્લું થતાં કાષ્ઠ પીળાશ પડતા રંગથી માંડી રતાશ પડતું સફેદ હોય છે અને સમય જતાં આછો રતાશ પડતો ભૂરો કે પીળો-બદામી અથવા કેટલીક વાર કાબરચીતરો રંગ ધારણ કરે છે. તે હલકાથી માંડી મધ્યમસરનું ભારે (વિ. ગુ. 0.47; વજન 480 કિગ્રા./ઘમી.), કઠોર, મજબૂત, સ્થિતિસ્થાપક, ચળકતું, લીસું, સુરેખ કે અનિયમિત, અંતર્ગ્રથિત-કણયુક્ત (interlocked-grained) અને મધ્યમ-બરછટ પોતવાળું (coarse-textured) હોય છે. અંત:કાષ્ઠ (heartwood) સ્પષ્ટ હોતું નથી. કાષ્ઠનું સંશોષણ (seasoning) તિરાડો પડ્યા સિવાય કે વીંટાયા સિવાય સારી રીતે થાય છે; પરંતુ ખુલ્લામાં કે ક્લિન (klin) સંશોષણ દ્વારા ધીમું સુકાય છે. કાષ્ઠની ખુલ્લામાં ઢાંકેલી થપ્પીઓ બનાવવાની ભલામણ કરવામાં આવેલી છે. કાષ્ઠ પાણીના સંપર્કમાં પણ ટકાઉ હોય છે. તેનું કુદરતી ટકાઉપણું લગભગ 15 વર્ષનું હોય છે.
ગુમ્હારને સરળતાથી વહેરી શકાય છે અને લીસું બનાવી શકાય છે. તે રંગ અને પૉલિશ સારી રીતે ગ્રહણ કરે છે. તેને ચક્રી સંઘાડા (rotary lathe) ઉપર સારી રીતે છોલી શકાય છે. કેટલીક વાર તે રૂપેરી ચમક દર્શાવે છે. સાગના ગુણધર્મો સાથેની તેની પ્રકાષ્ઠ (timber) તરીકેની તુલનાત્મક ઉપયુક્તતા (suitability) ટકાવારીમાં આ પ્રમાણે અભિવ્યક્ત કરવામાં આવી છે : વજન 75; પાટડા તરીકેનું સામર્થ્ય (strength) 55; પાટડા તરીકેની દુર્નમ્યતા (stiffness) 60; સ્તંભ તરીકેની ઉપયુક્તતા 55; આઘાત-રોધી ક્ષમતા (shock-resisting-ability) 65; આકારની જાળવણી 85; અપરૂપણ (shear) 90; કઠોરતા (hardness) 70.
ગુમ્હાર ભારતના સૌથી સારાં અને વિશ્વાસપાત્ર પ્રકાષ્ઠ પૈકીમાંનું એક છે. તેનો ઉપયોગ ફર્નિચર, કાષ્ઠપટ્ટ (plank), સંગીતનાં સાધનો, દંડ, ધરી, પેટીઓ, ફ્રેમ, સ્ટેથોસ્કોપ, કૃત્રિમ ઉપાંગો, બૉબિનો વગેરે બનાવવામાં તથા કોતરકામમાં થાય છે. પુલ અને વહાણ બનાવવામાં પણ તે ઉપયોગી છે. કાષ્ઠનો પ્લાયવૂડ, કાગળ, દીવાસળીઓ અને તેમની પેટીઓ બનાવવા માટે ઉપયોગ થાય છે.
મૂળ, પર્ણો, પુષ્પો, ફળો અને છાલ ઔષધ તરીકે ઉપયોગી છે. ફળો મીઠાં અને કડવાં હોય છે અને તાવ અને પૈત્તિક રોગોમાં પ્રશીતક (refrigerant), કાઢો (decoction) બનાવવામાં ઉપયોગી છે. તેનાં કુમળાં પાન શામક હોય છે. તાવમાં થતો માથાનો દુખાવો મટાડવા પાનનો મલમ લગાડવામાં આવે છે. પાનનો રસ ગંધ મારતાં ચાંદાં ધોવાં માટે વપરાય છે. રુધિરના રોગોમાં પુષ્પો ઉપયોગી છે. મૂળ કડવાં, બલ્ય, ક્ષુધાવર્ધક, રેચક અને સ્તન્યવર્ધક (galactagogue) હોય છે. અપચો, તાવ અને સર્વાંગ શોફ(anasarca)માં તેના મૂળનો આસવ કે કાઢો આપવામાં આવે છે. મૂળનું ચૂર્ણ ગાઉટ ઉપર લગાડવામાં આવે છે. તેનું મૂળ દશમૂળ નામના આયુર્વેદિક ક્વાથનું એક ઘટક છે.
ફળોમાં – અત્યંત અલ્પ પ્રમાણમાં બ્યુટિરિક અને ટાર્ટરિક ઍસિડ હોય છે. તે રાળ અને સૅકેરીન દ્રવ્ય ધરાવે છે. છાલ અને મૂળમાં આલ્કેલૉઇડ હોય છે. મૂળ પણ અત્યંત અલ્પ પ્રમાણમાં બેન્ઝૉઇક ઍસિડ, રાળ અને સૅકેરીન દ્રવ્ય ધરાવે છે. કાષ્ઠનું ઉષ્મીય માન (calorific value) 4763 કૅલરી, 8547 બી.ટી.યુ. છે. તેનું વિભંજક નિસ્યંદન કરતાં મળતી કાર્બનીકૃત (carbonized) ઊપજો આ પ્રમાણે છે : કોલસો 31.8 %, કુલ નિસ્યંદિત (distillate) 47.1 %, પાયરોલિગ્નિયસ ઍસિડ 37.1 %, ડામર (tar) 10.0 %, પિચ (pitch) અને અન્ય 2.4 %, ઍસિડ 4.47 %, એસ્ટર 3.42 %, ઍસિટોન 2.38 % અને મિથેનોલ 1.23 % (શુષ્ક વજનને આધારે), અસંઘન્ય (non-condensable) વાયુઓમાં કાર્બન ડાયૉક્સાઇડ 59 %, કાર્બન મૉનૉક્સાઇડ 31.75 %, મિથેન 4.5 %, હાઇડ્રોજન 4.15 % અને હાઇડ્રૉકાર્બન (ઇથિલીન તરીકે) 0.6 % હોય છે.
સિવણનાં પાન રેશમના કીડાના ખોરાક તરીકે અને ઢોરોના ચારા તરીકે ઉપયોગી છે.
આયુર્વેદ અનુસાર સિવણ મીઠી, તીખી, કડવી, ઉષ્ણ, મધુર, તૂરી, દીપન, પાચન, બુદ્ધિવર્ધક, ભેદક અને હૃદયને બળ આપનાર હોય છે. તે કફ, તરસ, શોષ, આમશૂળ, સોજા, વિષ, દાહ, જ્વર, રક્તદોષ, હરસ અને ભ્રમનો નાશ કરે છે. તેનાં ફળો શીતળ, પચવામાં ભારે, બળકર, ધાતુવર્ધક, કેશ્ય, સ્વાદિષ્ટ, ખાટાં, તૂરાં અને રસાયણરૂપ છે. તે ક્ષય મટાડે છે.
તેના ઔષધકીય ઉપયોગો આ પ્રમાણે છે : (1) અમ્લપિત્તમાં સિવણનાં પર્ણો અઘેડાનાં મૂળ, મોચરસ અને ગાયના તાજા સાકરવાળા દૂધ સાથે આપવામાં આવે છે. (2) દાહમાં સિવણનાં પર્ણોનો રસ શરીરે લગાડવામાં આવે છે. (3) મૂત્રાઘાતમાં સિવણનાં મૂળ ઠંડા પાણી સાથે ઘસીને પિવડાવવામાં આવે છે. (4) રક્તપિત્તમાં સિવણનાં એકથી બે ફળો મધ સાથે અપાય છે. (5) સુવારોગમાં સિવણનાં મૂળ, ગળો, ભોરિંગણી, પંચાંગ, પીપરીમૂળ અને નાગરમોથનો કાઢો આપવામાં આવે છે. ફળોની માત્રા એકથી બે અને ક્વાથની માત્રા 50 મિલી.થી 100 મિલી. હોય છે.
કાલી સિવણ તરીકે ઓળખાવાતી વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ G. asiatica Linn. છે. તે મોટી, આડીઅવળી વિકસતી કાંટાળી,
ક્ષુપ-સ્વરૂપ કે કેટલીક વાર આરોહી સ્વરૂપ ધરાવતી વનસ્પતિ છે. G. elliptica નિકોબારના ટાપુઓમાં ક્ષુપ કે નાના વૃક્ષ-સ્વરૂપે થાય છે.
G. philippensis syn. G. hystrix કાંટાળી, ક્ષુપ-સ્વરૂપ ધરાવતી જાતિ છે. તેને તેનાં મોટાં, પીળાં સુંદર પુષ્પો અને ચળકતાં રંગીન, મોટાં, જાંબલી રંગની શિરાઓવાળાં સુંદર નિપત્રો (bracts) માટે ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે.
બળદેવભાઈ પટેલ