સિલ્વેસ્ટર-1, સંત (જ. 275, રોમ; અ. 335, રોમ)

January, 2008

સિલ્વેસ્ટર1, સંત (. 275, રોમ; . 335, રોમ) : કૅથલિક સંપ્રદાયના વડા પોપ. તેઓ જન્મે રોમન હતા અને ઈ. સ. 314થી 335 સુધી પોપ હતા. પોપ થયા તેના થોડા સમય અગાઉ રોમન સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને તેના સામ્રાજ્યમાં ખ્રિસ્તી ધર્મની તરફેણમાં ધાર્મિક સ્થિતિમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા હતા. સિલ્વેસ્ટર વિશે આધારભૂત માહિતી ઘણી ઓછી મળે છે; છતાં પોપ તરીકેના તેમના લાંબા સમય દરમિયાનની ઘણી દંતકથાઓ લોકોમાં પ્રચલિત થઈ હતી. તેમાંની સૌથી વધુ જાણીતી ‘કૉન્સ્ટન્ટાઇનની સખાવત’ તરીકે ઓળખાતી દંતકથા મધ્યયુગમાં પ્રચલિત હતી. સિલ્વેસ્ટરે સમ્રાટ કૉન્સ્ટન્ટાઇનને રક્તપિત્તમાંથી સાજો કર્યો. તેથી ‘કૉન્સ્ટન્ટાઇનની સખાવત’ નામના દસ્તાવેજ પ્રમાણે તેણે સમ્રાટ તરીકેની પોતાની બધી મિલકત, અધિકારો અને સન્માન-ચિહ્નો સિલ્વેસ્ટર અને પોપના વારસોને આપી દીધાં. આ સખાવતનો દસ્તાવેજ બનાવટી હતો એમ 8મી સદીમાં સર્વત્ર સ્વીકારવામાં આવ્યું હતું.

સિલ્વેસ્ટરે પોપના ઉપયોગ માટે રોમમાં ચર્ચની મહત્ત્વની ઇમારતો મેળવી હતી.

જયકુમાર ર. શુક્લ