સિવાન (Siwan) : બિહાર રાજ્યના પશ્ચિમ છેડા પર આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 25° 50´થી 26° 25´ ઉ. અ. અને 84° 00´થી 84° 40´ પૂ. રે. વચ્ચેનો 2,213 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો પ્રાચીન સમયમાં કોશલ દેશનો એક ભાગ ગણાતો હતો. તેની ઉત્તરમાં ગોપાલગંજ, પૂર્વમાં સરન, દક્ષિણ-પશ્ચિમ અને વાયવ્યમાં ઉત્તર પ્રદેશના જિલ્લા આવેલા છે. જિલ્લામથક સિવાન જિલ્લાની ઉત્તરમાં મધ્ય ભાગમાં આવેલું છે.

સિવાન

ભૂપૃષ્ઠ : જિલ્લાનું ભૂપૃષ્ઠ નીચાણવાળા ભૂમિભાગોથી બનેલું છે. મોટાભાગની જમીનો કાંપની છે. નીચા કળણપ્રદેશોમાં સખત માટીવાળી જમીનોથી માંડીને ઊંચાણવાળી ભૂમિમાં રેતાળ ગોરાડુ જમીનો પણ જોવા મળે છે. જિલ્લામાં ખનિજ કે વન્યસંપત્તિ નથી. જંગલખાતા તરફથી રસ્તાઓ અને નહેરોની બંને બાજુઓ પર વૃક્ષવાવેતર શરૂ કર્યું છે. જિલ્લાનું લગભગ સમગ્ર ભૂમિતળ કંકરયુક્ત ચૂનાખડકોથી બનેલું છે. તે માર્ગબાંધકામમાં તથા રેલપાટા વચ્ચે બેલાસ્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. ઈંટો પાડવાનું કામ પણ તાજેતરમાં શરૂ થયેલું છે. ગંડક, ગોગ્રા, દહા અને ઝડી અહીંની મુખ્ય નદીઓ છે. જિલ્લામાં ઘણાં તળાવો અને અન્ય જળાશયો પણ છે.

ખેતી-પશુપાલન : જિલ્લાની કુલ ભૂમિનો અંદાજે 75 % ભાગ ખેતી હેઠળ છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, ઘઉં, મકાઈ, કઠોળ (તુવેર) અને તેલીબિયાં (રાઈ, અળસી) તથા અન્ય પાકોમાં શેરડી, શાકભાજી અને મરચાં થાય છે. ખેતી હેઠળની ભૂમિની 57 % ભૂમિને નહેર, ટ્યૂબવેલ કે શારકૂવાની સિંચાઈ મળી રહે છે. જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોવાથી ક્યારેક દુકાળની પરિસ્થિતિ પણ ઉદભવે છે.

અહીં મુખ્ય પશુઓમાં ગાય, બળદ, ભેંસ અને ઘેટાંબકરાંનો સમાવેશ થાય છે. મરઘાં-બતકાં ઉછેર પણ થાય છે. ખેડૂતો ખેતી ઉપરાંત આવકવૃદ્ધિ માટે પશુપાલન કરે છે. તેમના પશુધન પરથી સમાજમાં તેમનો મોભો નક્કી થાય છે. જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ગોચરો નથી, તેથી પૂરતા પોષણને અભાવે તેમની ઓલાદ ઊતરતી કક્ષાની રહે છે. આથી થરપારકર, સાહિવાલ, શાહવાડી, હરિયાણા અને બછોરથી સારી સારી ઓલાદનું પશુધન આયાત કરાય છે. જિલ્લામાં પશુઓ માટે પશુદવાખાનાંની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જિલ્લામાં નદીઓ, તળાવો અને અન્ય જળાશયો હોવા છતાં માછીમારીની પ્રવૃત્તિનું પ્રમાણ તદ્દન ઓછું છે.

ઉદ્યોગ-વેપાર : જિલ્લામાં ખાંડ અને ગોળનાં કારખાનાંના એકમો સિવાય બીજા કોઈ મોટા પાયા પરના ઔદ્યોગિક એકમો વિકસેલા નથી. મધ્યમ અને નાના પાયા પરના એકમોમાં મુદ્રણાલયો, શીતાગાર, લાટીઓ, દારૂ ગાળવાના એકમો, વાહનોના તેમજ વીજસાધનોના પુરજા, કાપડ અને સાબુ બનાવવાના, ઇજનેરી માલ અને ભઠ્ઠીઓના એકમો આવેલા છે. આ ઉપરાંત ટોપલી બનાવવાના, પિત્તળ અને માટીનાં વાસણોના, હાથસાળ-વણાટના, જિનિંગના, કાપડ-છાપકામના કુટિર-ઉદ્યોગો પણ આવેલા છે.

જિલ્લામાંથી હાથવણાટનું કાપડ, ખાંડ, અળસી, રાઈ, ચણા અને અન્ય કઠોળની નિકાસ; ખાદ્યાન્ન, કોલસો, કેરોસીન, મીઠું અને સુતરાઉ કાપડની આયાત કરવામાં આવે છે. સિવાન અને મહારાજગંજ ખાતે શણ, કંતાન, ડુંગળી, બટાટા, મરચાં તથા વણાટી કાપડનો વેપાર થાય છે.

પરિવહન : જિલ્લામાં રેલમાર્ગો સડકમાર્ગો અને વાહનોની સુવિધા પૂરતા પ્રમાણમાં છે. જુદા જુદા ગેજના રેલમાર્ગો અને પાકા રસ્તાની સગવડ છે. ઉત્તર વિભાગીય રેલમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. જિલ્લામથક સિવાન આ માર્ગ પરનું મુખ્ય રેલમથક છે. ખાંડ અને શાકભાજીની નિકાસ આ રેલમાર્ગે થાય છે. જિલ્લામાં રાજ્ય ધોરી માર્ગો નથી; પરંતુ જિલ્લામાર્ગોનું પ્રમાણ સારું છે. સિવાનથી બધી બાજુએ જતા માર્ગોની કુલ લંબાઈ 300 કિમી. જેટલી છે. ગ્રામમાર્ગો કાચા છે. ગામડાંમાં હજી ગાડાં, એક્કા, સાઇકલો અને રિક્ષાઓ ચાલે છે. 1969 પછી બિહારનું ઉત્તરપ્રદેશ સાથે સડકમાર્ગે જોડાણ થયું છે.

પ્રવાસન : જિલ્લાનાં જોવાલાયક સ્થળો આ પ્રમાણે છે :

(i) દારૌલી : સમાજવિકાસ-ઘટકનું મથક. એમ કહેવાય છે કે શહેનશાહ શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહે તે વસાવેલું. તેના નામ પરથી આ સ્થળનું ‘દારૌલી’ નામ પડેલું છે. તેનું મૂળ નામ તો ‘દારાવલી’ હતું. મુઘલ કાળના ઘણા અવશેષો અહીં આવેલા છે. ત્યાં દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાએ મોટો મેળો ભરાય છે.

(ii) અમરપુર : દારૌલીથી પશ્ચિમે ત્રણ કિમી. અંતરે આવેલું ગામ. અહીંની ગોગ્રા નદીકાંઠે લાલ ઈંટોથી બનાવેલી એક જૂની મસ્જિદના અવશેષો જોવા મળે છે. શાહજહાં(1628-1658)ના શાસન દરમિયાન નાયબ અમરસિંહે તે બંધાવેલી; પરંતુ તે અધૂરી રહી હતી. અમરસિંહના નામ પરથી આ ગામનું નામ પડેલું છે.

(iii) દોન : દારૌલી ઘટકમાં આવેલા આ ગામમાં એક કિલ્લાનું ખંડિયેર છે. કૌરવ-પાંડવોના ગુરુ દ્રોણાચાર્યના નામ સાથે ‘દોન’ નામ સંકળાયેલું છે.

(iv) હસનપુરા : હુસેનગંજ ઘટકનું ગામ. મૂળ અરબસ્તાનથી ભારત આવેલા અને પછીથી ભારતમાં જ વસેલા સંત મકદૂમ સૈયદ હસન ચિસ્તીએ આ સ્થળ વસાવેલું, તેથી ‘હસનપુરા’ નામ પડેલું છે. તેમણે ખાનકાહ નામની ધાર્મિક સંસ્થા સ્થાપેલી. આ ખાનકાહ અને દરગાહને જાળવવા ત્યારે દિલ્હીના શહેનશાહે ભૂમિ ફાળવી આપેલી. મસ્જિદ અને દરગાહની મુલાકાતે હિન્દુઓ તેમજ મુસ્લિમોની અવરજવર રહે છે.

(v) લકડી દરગાહ : મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ. પત્રિયાના મુસ્લિમ સંત શાહ અરજાનની સુંદર કાષ્ઠ-કોતરકામ ધરાવતી દરગાહ અહીં આવેલી હોવાથી આ પ્રકારનું નામ પડેલું છે. આ સંત અહીંના શાંત વાતાવરણથી પ્રેરાઈને 40 દિવસ સુધી સળંગ ધ્યાનસ્થ રહેલા અને ચિંતન કરેલું. તેમણે તે પછીથી અહીં કેટલીક ધાર્મિક પરંપરાઓ સ્થાપી આપેલી. તે બધી શહેનશાહ ઔરંગઝેબે માન્ય રાખેલી. આ સંતની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે [રબ-ઈ-અસ-સની(ર.અ.સ.)ના 11મા દિવસે] ઉજવણી થાય છે, ત્યારે ઘણા લોકોની અહીં ઠઠ જામે છે.

(vi) મહારાજગંજ : ઘટક-મથક. અગાઉના વખતમાં તે બસનૌલી ગંગાર (Basnauli Gangar) નામથી ઓળખાતું હતું. આખા જિલ્લામાં મહારાજગંજનું બજાર મોટું છે. ભારતની સ્વાતંત્ર્ય-ચળવળના સૈનિક શ્રી ફૂલેન્દ્રપ્રસાદે તેમની પ્રવૃત્તિઓ અહીં કરેલી અને અંગ્રેજો સામે લડત આપેલી.

(vii) મૈરવા : ઘટક-મથક. અહીં બ્રહ્માનું સ્થાનક આવેલું છે. તે સ્થાનિક લોકોમાં બાબાકા અસ્થાન નામે ઓળખાય છે. સંતના અવશેષો પર સ્મારક બનાવાયું છે. અહીં આહીરાણીની યાદ આપતો એક ટેકરો છે. તે ચનાનરિયામ દિહ નામે ઓળખાય છે. ડાક બંગલાની સામે ટેકરાની ટોચ પર આવેલા આ સ્થાનકની નિયમિત પૂજા થાય છે. ઝડી નદીના કાંઠે આવેલા મંદિર ખાતે કાર્તિક-ચૈત્રી પૂર્ણિમાને દિવસે મેળો ભરાય છે. અહીં આવેલા કુષ્ઠરોગ-આશ્રમમાં સેવાકાર્ય ચાલે છે.

(viii) પાપૌર : આ સ્થળ ઘણું પ્રાચીન હોવાનું કહેવાય છે. આ પવિત્ર સ્થાને એક સોની રહેતો હતો; તેના આમંત્રણથી ભગવાન બુદ્ધ તેમના અનુયાયીઓ સહિત સોનીને ત્યાં આવેલા અને સાથે બેસીને જમેલા. ‘પાપૌર’ નામ કદાચ ‘પાપારુરા’ અથવા ‘પાવાપુરા’(= પવિત્ર સ્થળ)નું અપભ્રંશ હોય.

(ix) મહેન્દર : સિસવાન ઘટકમાં આવેલું ગામ. દર શિવરાત્રિએ અહીંના એક શિવાલયમાં દર્શનાર્થીઓ ભેગા થાય છે. નજીકમાં 52 વીઘાં જેટલી જમીન આવરી લેતું એક તળાવ આવેલું છે. કહેવાય છે કે કોઈ એક નેપાળી રાજવીએ તે બંધાવેલું. તેણે તેમાં સ્નાન કરીને તેનો કુષ્ઠરોગ મટાડેલો.

(x) જિરાદેઈ : હુસેનગંજ ઘટકમાં આવેલું ગામ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ આ ગામના હતા.

(xi) કેવનતલિયા : દારૌલી ઘટકમાં સરયૂ નદીને કાંઠે આવેલું આ ગામ ભગવાન બુદ્ધની સૂચનાથી બંધાયેલા હિન્દુમંદિરના અવશેષો માટે જાણીતું છે.

(xii) ભીખાબંધ : મહારાજગંજ ઘટકમાં આવેલા આ ગામમાં એક વિશાળ વૃક્ષની છાયામાં ભૈયા-બહેનીનું મંદિર છે. તેઓ 14મી સદીમાં મુઘલ સિપાઈઓ જોડે લડીને મોતને શરણ થયેલાં. તેમની યાદમાં આ મંદિર બંધાયેલું છે.

જિલ્લામાં વારતહેવારે જુદા જુદા મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે. અહીંના સુપૌલી, દારૌલી, મહેન્દર અને રઘુનાથપુર ખાતે ઢોરના તેમજ કૃષિસાધનોના મેળા ભરાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી આશરે 27.08 લાખ જેટલી છે. અહીં સ્ત્રી-પુરુષોની વસ્તી લગભગ એકસરખી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 95 % અને 5 % જેટલું છે. અહીં હિન્દુ-મુસ્લિમ વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, શીખ, જૈન અને બૌદ્ધોનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ 30 % જેટલું છે. અહીંના આશરે 66 % જેટલાં ગામોમાં શૈક્ષણિક સગવડો ઉપલબ્ધ છે. જિલ્લામાં 11 જેટલી કૉલેજો છે. 35.4 જેટલાં ગામોમાં તબીબી સેવાની સગવડો છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 2 ઉપવિભાગોમાં, 15 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં માત્ર 3 નગરો તથા 1,535 (103 વસ્તીવિહીન) ગામો આવેલાં છે.

ઇતિહાસ : જિલ્લાનું ‘સિવાન’ નામ શિવમન નામના રાજવી પરથી પડેલું છે. તેમના વંશજોએ બાબર આવ્યો ત્યાં સુધી અહીં રાજ્ય કરેલું. લોકવાયકા મુજબ મહાભારતના દ્રોણાચાર્ય અહીંના દારૌલી ઘટકના દોન ગામના હતા. કેટલાકના કહેવા મુજબ આ સ્થાન ભગવાન બુદ્ધના દેહોત્સર્ગનું છે. અલી બક્ષના નામ પરથી આજનું સિવાન ‘અલીગંજ’ નામથી ઓળખાતું હતું.

એમ પણ કહેવાય છે કે સિવાન 8મી સદી દરમિયાન વારાણસી સામ્રાજ્યનો એક ભાગ હતું. મુસ્લિમો અહીં 13મી સદીમાં આવેલા. 15મી સદીમાં સિકંદર લોદીએ આ ભાગને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધેલો. બાબર તેની લડાઈઓમાંથી પાછા ફરતી વખતે સિસવાન નજીક અહીંથી ઘાઘરા નદીને ઓળંગીને ગયેલો. 17મી સદીના અંતમાં અહીં અંગ્રેજો અને ડચ લોકો આવેલા. 1765ના બક્સરના યુદ્ધ પછી આ ભાગ બંગાળ હેઠળ આવેલો. 1972માં સિવાન બિહાર રાજ્યનો એક જિલ્લો બન્યું છે.

ગિરીશભાઈ પંડ્યા