સિલ્વેનાઇટ (Sylvanite) : સોનાનું ધાતુખનિજ. રાસા. બં. : સોના-ચાંદીનું ટેલ્યુરાઇડ (Au.Ag)Te2, જેમાં Au : Ag = 1 : 1, ટેલ્યુરિયમ : 62.1 %, Au : 24.5 %, Ag : 13.4 %. સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : શાખાકારી, પતરીમય, અપૂર્ણ સ્તંભાકારથી દાણાદાર. યુગ્મતા : (110) ફલક પર. સંભેદ : (010) પૂર્ણ. પ્રભંગ : ખરબચડો, બરડ. કઠિનતા : 1.5થી 2. વિ. ઘ. : 7.9થી 8.3. ચમક : ધાત્વિક, તેજસ્વી. રંગ અને ચૂર્ણ રંગ : શુદ્ધ પોલાદ જેવો રાખોડીથી પીળી ઝાંયવાળો રજતશ્વેત.

પ્રાપ્તિસ્થિતિ : સામાન્યત: પ્રાકૃત સોના કે સોના-ચાંદીના અન્ય ટેલ્યુરાઇડ સાથે શિરાઓમાં મળે; ક્યારેક પાયરાઇટ કે અન્ય સલ્ફાઇડ તેમજ ક્વાટર્ઝ, કૅલ્શાઇટ, ફ્લોરાઇટ વગેરે સાથે પણ મળે. અગ્નિકૃત ખડકો સાથે કે પોપડાના ઉપલા વિભાગમાં નિક્ષેપો સાથે મળે; માત્ર ઑસ્ટ્રેલિયામાં ઊંડાઈના નિક્ષેપો સાથે મળે છે.

પ્રાપ્તિસ્થાનો : રુમાનિયા (ટ્રાન્સિલ્વેનિયા), કાલગુર્લી (પશ્ચિમ ઑસ્ટ્રેલિયા), કૉલોરાડો, કૅલિફૉર્નિયા (યુ.એસ.).

આ ખનિજ સર્વપ્રથમ ટ્રાન્સિલ્વેનિયામાંથી મળેલું હોવાથી તેને ‘સિલ્વેનાઇટ’ નામ અપાયેલું છે.

ગિરીશભાઈ પંડ્યા