સિલ્વર નાઇટ્રેટ : સિલ્વરનું સૌથી વધુ અગત્યનું સંયોજન અને રાસાયણિક પ્રક્રિયક. રાસાયણિક સૂત્ર : AgNO3. સિલ્વરને મંદ નાઇટ્રિક ઍસિડ(HNO3)માં ઓગાળી દ્રાવણને સંકેન્દ્રિત કરતાં સિલ્વર નાઇટ્રેટના સ્ફટિક મળે છે.
3Ag + 4HNO3 → 3AgNO3 + NO↑+ 2H2O
જો સિલ્વરમાં તાંબા(કૉપર)ની અશુદ્ધિ હોય તો અવશેષને આછા રક્તતપ્ત (dull red-heat) તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે, જેથી કૉપર નાઇટ્રેટનું વિઘટન થઈ જાય છે. ત્યારબાદ અવશેષમાં પાણી ઉમેરવાથી સિલ્વર નાઇટ્રેટ દ્રાવણમાં જાય છે. દ્રાવણને ગાળી, સંકેન્દ્રિત કરી, પુન:સ્ફટિકીકરણ દ્વારા શુદ્ધ સિલ્વર નાઇટ્રેટના સ્ફટિક મેળવવામાં આવે છે.
સિલ્વર નાઇટ્રેટ રંગ અને ગંધવિહીન, પારદર્શક અને વિષમ લંબાક્ષ (rhombic) સ્ફટિકમય પદાર્થ છે. ઘનતા 4.328 અને ગ.બિં. 212° સે. છે. 320° સે. તાપમાને ગરમ કરતાં તે ઑક્સિજન ગુમાવી પ્રથમ સિલ્વર નાઇટ્રાઇટ (AgNO2) બનાવે છે; જ્યારે રક્તતપ્ત તાપમાને તે ધાત્વિક સિલ્વર આપે છે. સિલ્વર નાઇટ્રેટ કડવો (bitter), દાહક (caustic) અને ધાત્વીય (metallic) સ્વાદ ધરાવે છે. તેના પર પ્રકાશ પડતાં તે રાખોડી-ધૂસર (gray) અથવા ધૂસર-શ્યામ (grayish black) બને છે. પ્રકાશ પ્રત્યે સંવેદી હોવાથી તેને (અને તેના દ્રાવણને) ઘેરા (dark) રંગની શીશીમાં રાખવામાં આવે છે.
સિલ્વર નાઇટ્રેટ ઠંડા પાણીમાં દ્રાવ્ય છે (20° સે. તાપમાને 100 ગ્રા. પાણીમાં 222 ગ્રા.). ગરમ પાણી, ગ્લિસરોલ અને ગરમ આલ્કોહૉલમાં વધુ દ્રાવ્ય છે, પણ ઈથરમાં ઓછો દ્રાવ્ય છે. જલીય દ્રાવણ રંગવિહીન હોય છે. પાણીમાંની તેની દ્રાવ્યતાને કારણે તે ઘણો ઉપયોગી છે. પ્રયોગશાળામાં તેનું જલીય દ્રાવણ હેલાઇડ (ક્લોરાઇડ, Cl–; બ્રોમાઇડ, Br– અને આયોડાઇડ, I–) આયનોની કસોટી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ક્લોરાઇડના (દા.ત., NaClના) દ્રાવણમાં ઉમેરતાં સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ મળે છે, જે એમોનિયા અથવા એમોનિયમ હાઇડ્રૉક્સાઇડમાં દ્રાવ્ય થાય છે :
NaCl + AgNO3 → AgCl + NaNO3
બ્રોમાઇડ સાથે તે આછા પીળા અને આયોડાઇડ સાથે પીળા રંગના અવક્ષેપ આપે છે. કાગળ, બૂચ કે ચામડી વડે તે વિઘટન પામી ધાતુરૂપ સિલ્વરના કાળા ડાઘા ઉત્પન્ન કરે છે. એમોનિયા સાથે તે પ્રથમ ભૂખરા રંગના સિલ્વર ઑક્સાઇડ(Ag2O)ના અવક્ષેપ ઉત્પન્ન કરે છે, જે વધુ એમોનિયામાં સંકીર્ણ બનવાને કારણે ઓગળી જાય છે.
સિલ્વર નાઇટ્રેટ પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, સિલ્વરના અન્ય ક્ષારો બનાવવામાં મધ્યવર્તી (intermediate) તરીકે, ભૂંસી ન શકાય તેવી (indelible) શાહી બનાવવા, ઇથિલીન ઑક્સાઇડ બનાવવામાં ઉદ્દીપક તરીકે, સિલ્વરનો ઢોળ ચઢાવવામાં (પોટૅશિયમ સાયનાઇડ સાથે), અરીસાના સિલ્વરીકરણ (silvering) માટે, જંતુનાશક (germicide) અને ચેપનાશક (antiseptic) તરીકે તથા વાળ રંગવામાં વપરાય છે. પેન્સિલના રૂપમાં તે મસા (warts) દૂર કરવા તથા ઘાને બાળી નાંખવા (cauterizing) માટે ઉપયોગમાં લેવાય છે. આલ્ડિહાઇડની કસોટી માટેના ટોલેન્સના પ્રક્રિયક (એમોનિયામય AgNO3) તરીકે તે વપરાય છે. કસોટી દરમિયાન કસનળી(test-tube)ના અંદરના ભાગ ઉપર ચાંદીનું દર્પણ જેવું પડ જામે છે. વૈશ્લેષિક રસાયણમાં સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણો હેલાઇડ, સાયનાઇડ અને થાયૉસાયનેટના કદમાપક પૃથક્કરણ માટે ઉપયોગમાં લેવાય છે.
આ ઉપરાંત ફોટોગ્રાફીમાં ફિલ્મો અને પ્લેટો ઉપર પડ ચઢાવવા માટેના ફોટોગ્રાફિક પાયસો (emulsions) બનાવવા માટે તેનો ઘણો ઉપયોગ થાય છે.
પેટમાં જાય તો સિલ્વર નાઇટ્રેટ પેટમાં દુખાવો, ઊલટી અને અતિસાર ઉત્પન્ન કરે છે. સારવાર માટે મીઠાનું દ્રાવણ, દૂધ (અથવા ઈંડાની સફેદી અને પાણી) તેમજ સાબુનું જલીય દ્રાવણ આપવામાં આવે છે; જેથી ઝેરી એવાં મુક્ત સિલ્વર આયનો(Ag+)નું સિલ્વર ક્લોરાઇડ જેવા અવક્ષેપન થતાં અન્નનળી અને હોજરીની અંત:ત્વચાને બચાવી શકાય.
જ. દા. તલાટી