સિલ્વર ઓક : દ્વિદળી વર્ગમાં આવેલા પ્રોટિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Grevillea robusta A. cunn. (અં. સિલ્વર ઓક, સિલ્કી ઓક) છે. તે એક સદાહરિત લીલ છે અને લાંબો શંકુ આકારનો પર્ણમુકુટ (crown) ધરાવે છે. તે ઑસ્ટ્રેલિયાની મૂળ વતની છે અને ત્યાં 45 મી. સુધીની ઊંચાઈ પ્રાપ્ત કરે છે; પરંતુ ભારતમાં તે મધ્યમ કદ (12-13 મી.ની ઊંચાઈ) ધારણ કરે છે. તેનાં પર્ણો 15 સેમી.થી 30 સેમી. લાંબાં, એકાંતરિક, હંસરાજ જેવાં, ઊંડા-પક્ષવત્ દર (pinnatifid) પ્રકારના છેદનવાળાં, ઉપરની સપાટીએ ઘેરાં લીલાં અને નીચેના ભાગેથી રૂપેરી લીલાં હોય છે. પુષ્પો નારંગી રંગનાં, એકાકી કે ગુચ્છમાં 7.5 સેમી.થી 10 સેમી. લાંબી કલગી(raceme)-સ્વરૂપે જૂનું કાષ્ઠ ધરાવતી પર્ણવિહીન ટૂંકી શાખાઓ પર માર્ચથી મે દરમિયાન ઉત્પન્ન થાય છે. ફળ ચર્મિલ (coriaceous), એકસ્ફોટી (follicle) પ્રકારનું હોય છે; જે 1 અથવા 2 બીજ ધરાવે છે.

વૃક્ષ સમગ્ર ભારતમાં 600 મી.થી 1800 મી.ની ઊંચાઈ સુધી ઉગાડવામાં આવે છે અને કુદરતી રીતે બીજ દ્વારા પ્રસર્જન કરે છે.

વૃક્ષ નાનાં હોઈ સુંદર લાગે છે. ઉદ્યાનોમાં રોપાતા વૃક્ષને 7-8 વર્ષ પછી કૃંતન (prunning) કરવામાં આવે તો તેની સુંદરતા ફરી દેખાય છે. તેના રોપ 6-7 મહિનામાં 60-70 સેમી. ઊંચા બને છે અને થોડો સમય કૂંડામાં શોભાના છોડ તરીકે ઉદ્યાનમાં રાખવામાં આવે છે.

સિલ્વર ઓક(Grevillea robusta)ની પુષ્પીય શાખા

તે શુષ્કતારોધી છે અને હિમનો પણ સારા પ્રમાણમાં પ્રતિકાર કરે છે; પરંતુ તે બરડ હોવાથી ભારે પવનોવાળી સ્થિતિમાં ઉછેરવામાં આવતું નથી.

ચા અને કૉફીના વાવેતર વચ્ચે છાયાવૃક્ષ તરીકે અને ઉદ્યાનોમાં વૃક્ષવીથિ (avenue) તરીકે ઉગાડવામાં આવે છે. પુષ્પો મધમાખીઓને આકર્ષે છે.

વૃક્ષને Trametes singulata Berk. દ્વારા સફેદ પોચો સડો અને રેસાવાળો સડો અને T. persoonii Fr. દ્વારા સફેદ પોચો સડો થાય છે.

ચા અને કૉફીના વાવેતરમાં તેનાં પર્ણો લીલા ખાતર તરીકે ઉપયોગી છે. પર્ણોનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 50.9 %, કાર્બનિક દ્રવ્ય 45.9 %, ભસ્મ 3.2 %, નાઇટ્રોજન 0.53 %, કૅલ્શિયમ (CaO) 1.3 %, પોટૅશિયમ (K2O) 0.42 % અને ફૉસ્ફરસ (P2O5) 0.06 %.

પર્ણોમાં ક્વેબ્રેકિટોલ (0.4 %) અને એર્બુટિન હોય છે. ક્વેબ્રેકિટોલના ગુણધર્મો મેનિટોલ, સોર્બિટોલ અને ઇનોસીટોલ જેવા હોય છે અને તેનો ઉપયોગ રોગાન કે વાર્નિશ બનાવવામાં થાય છે. પુષ્પો β-કૅરોટિન (215 મિગ્રા./કિગ્રા. શુષ્ક દ્રવ્ય) ધરાવે છે. γ અને α કૅરોટિનનો અભાવ હોય છે. અન્ય ઝેન્થોફિલ દ્રવ્યોમાં લ્યુટિન અને ક્રિપ્ટોઝેન્થિન હોય છે.

વૃક્ષની છાલમાંથી પીળો ગુંદર નીકળે છે, જે પાણી 15.5 %, રાળ 5-6 %, ભસ્મ 2.7 % અને CaO 1.4 % ધરાવે છે. ગુંદરના જલાપઘટનથી ગેલેક્ટોઝ અને એરેબિનોઝ ઉત્પન્ન થાય છે. છાલમાં ટેનિંગ દ્રવ્ય હોય છે.

કાષ્ઠ સખત, હલકું (576-720 કિગ્રા./ઘમી.), રતાશ પડતું બદામી, સ્થિતિસ્થાપક અને ટકાઉ હોય છે. તેનું કાળજીપૂર્વકનું સંશોષણ (seasoning) જરૂરી છે. તે કૅબિનેટ, પીપડાં, રાચરચીલું, રમકડાં, ચીપ ચઢાવવામાં અને પ્લાયવૂડ બનાવવામાં ઉપયોગી છે. તેનું કાષ્ઠ બોબિન અને કાગળનો માવો બનાવવા માટે યોગ્ય ગણાય છે. તે મધ્યમસરનું સારું બળતણ છે.

હવે સિલ્કી ઓક નામ Cardiocllia sublimiss F. Muell. તે જ કુળની વનસ્પતિને આપવામાં આવ્યું છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ