સિલ્વરફિશ : કીટક વર્ગનું થાયસેન્યુરા શ્રેણીનું પાંખ વગરનું અને ચાંદી જેવું ચળકાટ મારતું નાનું જીવડું.

ઉત્ક્રાંતિની દૃષ્ટિએ ચમરી કે સિલ્વરફિશ એ મનુષ્ય કરતાં પણ પહેલાંનાં છે. તેનો સમાવેશ થાયસેન્યુરા (thysanura) શ્રેણીના લેપિસ્માટિડી (lepismatidae) કુળમાં કરવામાં આવે છે. આ કીટકનો આકાર માછલી જેવો હોય છે અને ચાંદી જેવો ચળકાટ મારતો રંગ ધરાવે છે. તેથી તેને સિલ્વરફિશ તરીકે ઓળખવામાં આવે છે. કાયાન્તરણ વિના વિકાસ પામતા અને પાંખ વગરના પોચા શરીરવાળા આ કીટકની હાજરી મોટેભાગે ચોપડીઓ, જૂનાં વર્તમાનપત્રો, ભીંત, સુતરાઉ કાપડ અને ખાસ કરીને સ્ટાર્ચ ધરાવતા પદાર્થો પર જોવા મળે છે. તેનું શરીર જુદાં જુદાં ભીંગડાંઓથી/રુવાંટીથી છવાયેલું હોય છે. ઉપરાંત તેના શરીર પર ટૂંકા બરછટ વાળ હોય છે. તે શરીરના આગળના ભાગે એક જોડ લાંબી તંતુમય શૃંગિકા ધરાવે છે. તેમાં 30 કે તેથી પણ વધુ ખંડો આવેલા હોય છે. ઉદરપ્રદેશના છેડે એક પૂંછડી અને તેની આજુબાજુ એક પૂચ્છશૂળ (cerci) એમ કુલ 3 પૂંછડી જેવી લાંબી રચના હોય છે. તે ચાવીને ખાવાના મુખાંગો ધરાવે છે અને ખાસ કરીને સ્ટાર્ચ અને પ્રોટીનવાળા પદાર્થ ખાય છે. મુખાંગ શરીરની આગળની બાજુ વિકસેલ હોય છે. સિલ્વરફિશની માદા પીળાશ પડતાં સફેદ રંગનાં પોચાં ઈંડાં મૂકે છે, જે થોડા જ સમયમાં આછા બદામી રંગમાં પરિવર્તન પામે છે. માદા કીટક દરરોજના 2થી 3 ઈંડાં લેખે કુલ 100 જેટલાં ઈંડાં તેના જીવનકાળ દરમિયાન મૂકે છે. ઈંડાં-અવસ્થા જે તે વિસ્તારના તાપમાન મુજબ 19થી 43 દિવસ સુધીની હોય છે. ઈંડાં સેવાતાં તેમાંથી નીકળતાં બચ્ચાં ધીમે ધીમે વિકાસ પામી 2થી 3 વર્ષમાં પુખ્ત બને છે.

આ કીટકની કુલ પાંચ જાતો જોવા મળે છે. તે પૈકી કેટલીક જાતો ઘરમાં જોવા મળે છે. ગુજરાતમાં જોવા મળતી લેપિસ્મા સેકરિના (Lepisma saccharina L.) જાતિ માનવ-વસાહતમાં, રસોડામાં, અંધારી જગ્યાએ નકામો કચરો ખાતી જોવા મળે છે. સિલ્વરફિશની મેચિલિસ (machilis sp.) જાતિ ખાસ કરીને ઘાસચારામાં, વનસ્પતિના સૂકા ખરી પડેલા પાનની નીચે મોટા ઝાડની છાલની તિરાડોમાં, પથ્થરોની નીચે કે એવી અવાવરી જગ્યામાં જોવા મળે છે. જ્યારે થરમૉબિયા ડોમેસ્ટિકા (Thermobia domestica) જાતની સિલ્વરફિશ કે જેનો ઘરગથ્થુ કીટકમાં સમાવેશ થાય છે, તેને ભઠ્ઠી/સગડી/ગરમ પાઇપ કે તેના જેવું ગરમ/હૂંફાળું વાતાવરણ પસંદ હોવાથી ખાસ કરીને રસોડામાં જોવા મળે છે. આ કીટકની વર્તણૂકમાં ઘણી જ વિવિધતા જોવા મળે છે. તેની કેટલીક જાતો દિનચર (diurnal) હોય છે, જ્યારે કેટલીક જાતો નિશાચર (nocturnal). આ કીટકનું તબીબી ક્ષેત્રે કોઈ મહત્ત્વ નથી. થાયસેન્યુરા શ્રેણીનું માઇક્રૉકોરિફિયા (microcoryphia) અને ઝાયઝેન્ટૉમા (zygentoma) – એમ બે ઉપશ્રેણીમાં વિભાજન કરવામાં આવેલ છે. પ્રથમ ઉપશ્રેણીમાં મેચિલિડી અને મેઇનેરટેલિડી તથા બીજી ઉપશ્રેણીમાં લેપિડોસ્ટિચિડી, નિકોલેટિડી અને લેપિસ્માટિડી – એમ કુલ પાંચ કુળનો સમાવેશ થાય છે.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ