સિલા નેરાંગલિલ સિલા મનિથાર્ગલ (1970) : તમિળ લેખક ડી. જયકાંતન્ (જ. 1934) રચિત નવલકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1972ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો.
તેમનો ઉછેર સામ્યવાદી પક્ષની કચેરીમાં થયો હતો અને ત્યાં તેમણે આપમેળે શિક્ષણ મેળવ્યું. જુદી જુદી નાનીમોટી કામગીરી બજાવ્યા પછી તેઓ સ્વતંત્ર લેખક તરીકે બહાર આવ્યા.
તેઓ નવલકથા, લેખક, કટારલેખક તથા ચિત્રસર્જક તરીકે ખ્યાતિ પામ્યા છે અને તમિળભાષી પ્રજામાં ખૂબ આદર ધરાવે છે. તેમની 200 ઉપરાંત ટૂંકી વાર્તાઓના 12 સંગ્રહો છે; તેમાં નિમ્ન મધ્યમવર્ગીય લોકોની માનવતા તથા વીરભાવના જોવા મળે છે તથા તેમાં ઝડપથી બદલાતા જતા સમાજનું વાસ્તવિક ચિત્ર પણ આલેખાયું છે. તેમની આ નવલકથા પરથી 2 ફિલ્મ પૈકીના એક ચલચિત્રને ભારતના રાષ્ટ્રપતિનો ઍવૉર્ડ મળ્યો હતો.
પુરસ્કૃત કૃતિમાં નિર્લજ્જ તત્ત્વોનો ભોગ બનેલ યુવતીની દર્દનાક કથા છે. કૌમાર્યભંગ થયાનાં 12 વર્ષ પછી આ સ્ત્રી પોતાનું વ્યક્તિત્વ – પોતાની અસ્મિતા મેળવવા જે કોશિશ કરે છે તે કથાનો કેન્દ્રવર્તી વિષય છે. તીવ્ર ભાવનાઓ તથા તાદૃશ પાત્રચિત્રણ જેવી વિશેષતાઓને કારણે આ કૃતિ તમિળ સાહિત્યમાં મહત્ત્વનું ઉમેરણ લેખાઈ છે.
મહેશ ચોકસી