સિલાજિનેલેલ્સ

January, 2008

સિલાજિનેલેલ્સ : ત્રિઅંગી વનસ્પતિઓના લાયકૉપ્સિડા વર્ગનું એક ગોત્ર. આ ગોત્ર એક જ કુળ સિલાજિનેલેસીનું બનેલું છે. આ કુળ એક જીવંત પ્રજાતિ સિલાજિનેલા ધરાવે છે. એક અશ્મીભૂત પ્રજાતિ સિલાજિનેલાઇટિસ પુરાજીવ (Carboniferous) ભૂસ્તરીય યુગમાં મળી આવે છે. આ પ્રજાતિ Selaginellites crassicinctus, S. canonbiensis, S. sussei, S. polaris અને S. primaevae દ્વારા પ્રતિનિધિત્વ દર્શાવે છે. સિલાજિનેલાની 700 જેટલી જાતિઓ વિવિધ પ્રકારના પર્યાવરણમાં બહોળું વિતરણ પામેલી છે. મોટાભાગની જાતિઓ દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં છાયા અને ભેજવાળી જમીનમાં થાય છે. તેઓ સમશીતોષ્ણ પ્રદેશમાં અલ્પ પ્રમાણમાં થાય છે અને ઉચ્ચપર્વતીય (alpanine) પ્રદેશમાં લગભગ ગેરહાજર હોય છે. કેટલીક જાતિઓ મરૂદભિદ (xerophytic) છે; દા.ત., S. lepidophylla, S. oregana પરરોહી (epiphytic) છે. S. picta, S. pygmea, S. kraussiana જેવી કેટલીક જાતિઓ તેમના નાજુક પીંછાંકાર પર્ણસમૂહને લઈને શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.

આકૃતિ 1 : સિલાજિનેલા : (અ) સ્વરૂપ, (આ) પર્ણોની ગોઠવણી (પૃષ્ઠનો દેખાવ), (ઇ) પ્રકાંડનો આડો છેદ, (ઈ) મૂળનો આડો છેદ, (ઉ) શંકુ

ઉત્તર અમેરિકામાં 37 જેટલી જાતિઓ મળી આવે છે. 15 જેટલી જાતિઓ પશ્ચિમ અને દક્ષિણ મૅક્સિકો અને 11 જેટલી જાતિઓ પૅસિફિકના કિનારાનાં રાજ્યોમાં નોંધાઈ છે.

ભારતમાં સિલાજિનેલાની 71 જેટલી જાતિઓ ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય જંગલોમાં, હિમાલય અને સપાટ મેદાનોમાં થાય છે. S. wightii, S. rependa જેવી જાતિઓ મરૂદ્ભિદ છે. S. biformis, S. adunca, S. monospora, S. caulescens, S. ciliaris, S. intermedia જેવી મોટાભાગની જાતિઓ પૂર્વ હિમાલયમાં થાય છે. S. chrysocaulos, S. chrysorhizos, S. pellidissima જેવી તુલનામાં ઘણી ઓછી જાતિઓ ઉત્તર-પશ્ચિમ હિમાલયમાં થાય છે. મધ્યભારતમાં પંચમઢીમાં S. exigua ઊગે છે. S. hallei અને S. amesiana સ્વીડન અને ઇલિનૉઇસમાંથી મળી આવેલી અશ્મીભૂત જાતિઓ છે.

આ ગોત્રનાં મુખ્ય લક્ષણો આ પ્રમાણે છે :

(1) બીજાણુજનક (sporophyte) લાયકોપોડ જેવા શાકીય હોય છે.

(2) મોટાભાગની જાતિઓ પૃષ્ઠવક્ષી (dorsiventral) હોય છે, જોકે થોડીક જાતિઓ અરીય (radial) હોય છે. પ્રકાંડ ટટ્ટાર કે ભૂપ્રસારી અને દ્વિશાખી કે પાર્શ્ર્વીય શાખાઓવાળું હોય છે. પ્રકાંડની પ્રાથમિક વૃદ્ધિ અગ્રસ્થ કોષ કે કોષો દ્વારા (દા.ત., S. oregana) – એમ બંને રીતે થાય છે.

(3) મૂળ ધારણ કરતી મૂલવૃંત (rhizophore) નામની વિશિષ્ટ રચના જોવા મળે છે.

(4) પર્ણો નાનાં અને માત્ર એક જ શિરા ધરાવતાં હોવાથી તેમને લઘુપર્ણો (microphyllous) કહે છે. પર્ણોના તલસ્થ ભાગે પૃષ્ઠસપાટીએ ત્વચામય પ્રવર્ધ જોવા મળે છે, જેને જિહિવકા (ligule) કહે છે.

(5) પ્રકાંડમાં આદિમધ્યરંભીય (protostelic) પ્રકારનું વાહકપેશીતંત્ર જોવા મળે છે. પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી. સિલાજિનેલાની કેટલીક જાતિઓમાં જલવાહક પેશીમાં જલવાહિનીઓ (vessels) હોય છે. ઘણીખરી જાતિઓમાં મધ્યરંભની સંખ્યા એકથી વધારે હોય છે. આ સ્થિતિને બહુરંભી (polystelic) કહે છે.

(6) બીજાણુજનક પર બે પ્રકારનાં અસમાન બીજાણુઓ ઉત્પન્ન થતાં હોવાથી તે વિષમબીજાણુક (heterosporous) વનસ્પતિ છે.

(7) બીજાણુધાની બીજાણુપર્ણ પર કે તેની કક્ષમાંથી ઉદભવે છે. આ બીજાણુપર્ણો શિથિલ રીતે કે ખીચોખીચ રીતે ગોઠવાઈ શંકુની રચના બનાવે છે.

(8) કેટલીક જાતિઓના શંકુમાં મહાબીજાણુપર્ણો (megasporophylls) નીચેની તરફ અને લઘુબીજાણુપર્ણો (microsporophylls) ઉપરની તરફ ગોઠવાયેલાં હોય છે; દા.ત., S. krausiana. કેટલીક જાતિઓમાં શંકુ માત્ર લઘુબીજાણુપર્ણો કે મહાબીજાણુપર્ણો ધરાવે છે; દા.ત., S. gracilis. કેટલીક જાતિઓમાં શંકુના અક્ષની એક બાજુએ લઘુબીજાણુપર્ણો અને બીજી બાજુએ મહાબીજાણુપર્ણો આવેલાં હોય છે; દા.ત., S. oregana. સિલાજિનેલા માર્ટેન્સીમાં લઘુબીજાણુપર્ણો અને મહાબીજાણુપર્ણોની અવ્યવસ્થિત ગોઠવણી જોવા મળે છે.

(9) લઘુબીજાણુધાની કદમાં નાની, અંડાકાર, ગોળાકાર કે મૂત્રપિંડ આકારની અને રંગે લાલ અથવા પીળીથી માંડી બદામી રંગની હોય છે; જેમાં લગભગ 600 જેટલાં લઘુબીજાણુઓ (microspores) ઉદભવે છે. પ્રત્યેક લઘુબીજાણુનું કદ 0.015થી 0.05 મિમી. હોય છે.

(10) મહાબીજાણુધાની લઘુબીજાણુધાનીની તુલનામાં કદમાં વધારે મોટી હોય છે અને વધારે ટૂંકો દંડ ધરાવે છે. પરિપક્વતાએ તે ચતુષ્ખંડી હોય છે. તે રંગે લીલી કે આછા પીળા રંગની, સફેદ કે ઘેરા બદામી રંગની હોય છે. સામાન્યત: મહાબીજાણુધાનીમાં 4 મહાબીજાણુઓ ઉત્પન્ન થાય છે. તેમનું કદ 1.5 મિમી.થી 5.0 મિમી. જેટલું હોય છે. લઘુબીજાણુધાની અને મહાબીજાણુધાનીઓનો વિકાસ સુબીજાણુધાનીય (eusporangiate) પ્રકારનો હોય છે.

(11) નરજન્યુજનક (male gametophyte) અને માદાજન્યુજનક(female gametophyte)ના કદમાં સ્પષ્ટ તફાવત હોય છે. નરજન્યુજનક કદમાં નાનો અને માદાજન્યુજનક કદમાં મોટો હોય છે. જન્યુજનકો અંત:બીજાણુક (endosporic) હોય છે.

(12) બીજાણુનું અંકુરણ કાલપૂર્વ (precocious) હોય છે.

(13) ચલપુંજન્યુઓ (antherozoids) દ્વિકશાધારી હોય છે.

(14) અન્ય જીવંત લાયકોપડથી વિપરીત ભ્રૂણ બે બીજપત્રો ધરાવે છે.

આકૃતિ 2 : સિલાજિનેલા : (અ) સિ. હેલ્વીટીકા-શંકુનો ઊભો છેદ, (આ) સિ. ઓરેગાના-શંકુનો ઊભો છેદ, (ઇ) અને (ઈ) સિ. ઓરેગાના મહાબીજાણુધાની અને લઘુબીજાણુધાનીનો ઊભો છેદ; (ઉ) સિ. રૂપેસ્ટ્રીસ-શંકુમાં ઉત્પન્ન થયેલા તરુણ બીજાણુજનક; (ઊ) નરજન્યુજનક અવસ્થાનો વિકાસ; (ઋ) માદાજન્યુજનક; (એ) માદાજન્યુજનકના ઊભા છેદમાં સુવિકસિત ભ્રૂણ.

સિલાજિનેલામાં જોવા મળતી વિષમબીજાણુકતા અને માદા જન્યુજનકનો અંત:બીજાણુક વિકાસ ઉચ્ચ કક્ષાનાં લક્ષણો ગણાય છે, જે વાહકપેશીધારી (Tracheophyta) વનસ્પતિઓને બીજવિકાસ તરફ દોરી ગયાં હોવાનું મનાય છે.

યોગેશ ડબગર

બળદેવભાઈ પટેલ