સિલન્પા, ફ્રાન્સ એમિલ (જ. 16 સપ્ટેમ્બર 1888, કીરિક્કલા, ફિનલૅન્ડ; અ. 3 જૂન 1964, હેલસિન્કી) : 1939નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફિનલૅન્ડના સર્વપ્રથમ સાહિત્યકાર.
ફ્રાન્સ એમિલ સિલન્પા
તેમના સમયના તેઓ સૌથી અગ્રણી લેખક બની રહ્યા. તેઓ ખેડુ-પુત્ર હતા. થોડો સમય તેમણે પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો, પછી પૂરો સમય તેમણે લેખનકાર્ય પાછળ ગાળ્યો. તેમની મુખ્ય કૃતિઓ તે ‘મીક હૅરિટેજ’ (1919), તેમાં ફિનલૅન્ડના આંતરવિગ્રહનું સુંદર આલેખન છે. બીજી કૃતિ ‘ફૉલન અસ્લીપ વ્હાઇલ યંગ’(1933)માં ફિનલૅન્ડનાં પરંપરાગત મૂલ્યોની અવનતિનું કથાનક છે.
1915થી તેમણે અનેક ટૂંકી વાર્તાઓ પ્રગટ કરી. 1924થી 1927 સુધી તેમણે એક પ્રકાશકને ત્યાં કામ કર્યું. 1930નાં પ્રારંભિક વર્ષોથી તેમનો સર્જનાત્મક ગાળો શરૂ થયો. તેમની તમામ રચનાઓમાં સ્વયંજીવન એક પ્રેરક બળ બની રહ્યું છે. પ્રકૃતિ એ કેવળ પશ્ર્ચાદ્ભૂમિકા નથી રહી પણ માનવજીવન-મનુષ્યસૃષ્ટિને પ્રકૃતિના અંગ રૂપે જ તેમણે આલેખેલ છે.
તેમની પ્રથમ નવલ ‘લાઇફ ઍન્ડ સન’ 1916માં પ્રગટ થઈ. ‘મીક હૅરિટેજ’ (1919) 1918ના ફિનિશ આંતરવિગ્રહની આઘાતજનક પ્રતિક્રિયા રૂપે લખાઈ છે. ‘ધ કોર્સ ઑવ્ અ જનરેશન’(1932)માં એક યુવાન ખેડૂત પ્રૌઢાવસ્થા પ્રાપ્ત કરે છે તેવી વિગત-કથા છે. તેમની સૌથી જાણીતી કૃતિ ‘ફૉલન અસ્લીપ વ્હાઇલ યંગ’(1933)માં પ્રાચીન ખેડૂત-પરિવારની કથા છે. તેમની સૌથી સંપૂર્ણ અને વિલક્ષણ શૈલીથી રચાયેલી નવલકથા છે ‘પીપલ ઇન એ સમર-નાઇટ’ (1934).
મહેશ ચોકસી