સિલહટ (Sylhet) : બાંગ્લાદેશના ચિતાગોંગ વિભાગમાં આવેલા સિલહટ જિલ્લાનું નગર તથા જિલ્લા વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : તે 24° 54´ ઉ. અ. અને 91° 52´ પૂ. રે. પર સુરમા નદીના જમણા કાંઠે વસેલું છે.

જિલ્લો : સિલહટ જિલ્લાનો વિસ્તાર 12,388 ચોકિમી. જેટલો છે. 1947 સુધી તો સિલહટ ભારતનો એક ભાગ હતું. સુરમા (બરાક) નદીરચનાનો હેઠવાસનો ભાગ ફળદ્રૂપ કાંપથી બનેલો છે. તે ઉત્તર અને દક્ષિણ તરફ પર્વતોથી ઘેરાયેલો છે. આ ફળદ્રૂપ પ્રદેશમાં દેશની ગીચ વસ્તી જોવા મળે છે. ઉત્તર તરફની જેંતિયા અને ખાસીની ટેકરીઓમાંથી વહી આવતા પાણીથી વર્ષાઋતુ દરમિયાન પૂર આવે છે, પરિણામે સરોવરો અને કળણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ જાય છે. જિલ્લાના કૃષિપાકોમાં ડાંગર, શેરડી, તેલીબિયાં અને શણનો સમાવેશ થાય છે. અગ્નિભાગમાં ચાના બગીચાઓ છે, તે બાંગ્લાદેશની 95 % જેટલી ચા પૂરી પાડે છે. જિલ્લામાં કોલસો, લિગ્નાઇટ, કુદરતી વાયુ અને ચૂનાખડકનું ઉત્પાદન લેવાય છે. સ્થાનિક ઉદ્યોગોમાં વહાણબાંધકામ, સાદડીઓ, સ્વચ્છ જળનાં છીપલાંમાંથી બટન, પિત્તળનું જડતરકામ તેમજ સુગંધી દ્રવ્યોનો સમાવેશ થાય છે.

શહેર : સુરમા નદીની ખીણમાં આવેલું આ મહત્ત્વનું નગર કોમિલ્લા, છાટક અને હબીગંજ સાથે સડકમાર્ગે તેમજ રેલમાર્ગે, ભારતનાં આસામ અને મેઘાલય સાથે સડકમાર્ગે તથા ઢાકા સાથે હવાઈ માર્ગે સંકળાયેલું છે.

સિલહટ નેતર તથા તેમાંથી બનતી ચીજવસ્તુઓ માટે જાણીતું છે. અહીં ચા, દીવાસળી અને વનસ્પતિ-તેલનું ઉત્પાદન લેવાય છે. આ ઉપરાંત અહીં હસ્તકલાકારીગરીના ગૃહ-ઉદ્યોગો પણ વિકસેલા છે.

1878માં અહીં નગરપાલિકાની સ્થાપના થયેલી છે. અહીં ચિતાગોંગ યુનિવર્સિટી સંલગ્ન સરકારી કૉલેજો તેમજ તબીબી કૉલેજ આવેલી છે. આ નગર ચૌદમી સદીમાં શાસન કરતા રાજા ગૌરગોવિંદનું પાટનગર રહેલું. તે પછીથી તે મુસ્લિમ સંસ્કૃતિનું મથક બનેલું. અહીંનાં ઐતિહાસિક સ્થળોમાં શાહજલાલની મસ્જિદ તથા અનેક મુસ્લિમ સંતોની કબરોનો સમાવેશ થાય છે.

જાહનવી ભટ્ટ