સિલ (Sill) : સંવાદી પ્રકારનું આગ્નેય ખડકપટ રચતું અંતર્ભેદક. જે અંતર્ભેદક જળકૃત ખડકોની સ્તર-રચનાને કે વિકૃત ખડકોની શિસ્ટોઝ સંરચનાને કે કોઈ પણ પ્રકારના ખડકોની રચનાત્મક સપાટીઓને સમાંતર ગોઠવાયેલું હોય, લગભગ સળંગ પણ સરખી જાડાઈવાળું હોય, જેની જાડાઈ તેના પટવિસ્તાર કરતાં પ્રમાણમાં ઓછી હોય એવા મૅગ્માજન્ય અંતર્ભેદકને સિલ કહેવાય છે. જે ખડકોમાં તે અંતર્ભેદન પામેલું હોય તેના કરતાં આવશ્યકપણે પછીના કાળનું હોય છે. ઇંગ્લૅન્ડના નૉર્ધમ્બરલૅન્ડ અને ડરહામની અધોભૂમિને આવરી લેતું, વિશાળ વિસ્તારમાં પથરાયેલું જગવિખ્યાત ‘ગ્રેટ વ્હીન સિલ’ અંતર્ભેદક જાણીતું છે. તેના પરથી આવા અંતર્ભેદક માટે ‘સિલ’ નામ પ્રયોજાય છે.

(અ) સાદું સિલ, (આ) બહુમુખી સિલ, (ઇ) મિશ્ર સિલ, (ઈ) સ્વભેદિત સિલ

સ્થાનભેદે સિલ નાના કે મોટા પટવાળું હોઈ શકે છે. તે ઘણા મોટા વિસ્તારને આવરી લેતું કોઈ પણ લંબાઈવાળું, જાડાઈવાળું પણ હોઈ શકે છે. મુખ્ય સિલમાંથી વચ્ચે વચ્ચે સ્તરોમાં અન્ય ફાટો મળી જાય તો ઊભી, ત્રાંસી શાખા ડાઇક રચાઈ શકે છે. સિલનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય : (1) સાદું સિલ : મૅગ્માના એક જ વખતના અંતર્ભેદનથી રચાતું એકલું સિલ. (2) બહુમુખી સિલ : એક જ સ્થાનમાં આવશ્યકપણે એક જ પ્રકારના બંધારણવાળા મૅગ્માનાં બે કે તેથી વધુ વખત થયેલાં અંતર્ભેદનોથી રચાતું સિલ. (3) મિશ્ર સિલ : એક જ સ્થાનમાં વારંવાર થયેલાં જુદા જુદા પ્રકારના બંધારણવાળા મૅગ્માનાં અંતર્ભેદનોથી રચાતું સિલ. (4) સ્વભેદિત સિલ : મોટા પાયા પર થયેલા અંતર્ભેદન દ્વારા મૅગ્માજન્ય સ્વભેદનથી બનતું સિલ. (5) અસંગતિસ્થિત સિલ : અસંગતિ સપાટી પર પથરાયેલું બે સ્તરશ્રેણી વચ્ચેનું અંતર્ભેદન.

સિલ જ્યારે સ્વભેદનવાળું હોય ત્યારે મોટેભાગે તો લોકોલિથ પ્રકારના સંવાદી અંતર્ભેદકની શાખા-સ્વરૂપે તૈયાર થયેલું જોવા મળે છે, જેમાં સિલ તેમનું માત્ર પાર્શ્ર્વ વિસ્તરણ બની રહે છે, જેમાં છતની ગોળાઈ બદલાઈને સપાટ થતી હોય છે. આ જ રીતે લોપોલિથમાં અને ક્યારેક ફેકોલિથમાં પણ બની શકે છે.

સિલની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ મૅગ્માના પ્રકાર, વેગ, સ્નિગ્ધતા, તરલતા, બંધારણ પર; પ્રાદેશિક ખડકોના પ્રકાર અને બંધારણ તેમજ ફાટના પ્રકાર જેવાં પરિબળો પર આધાર રાખે છે. લંબાઈ થોડા મીટરથી ઘણા કિલોમિટર સુધીની, પહોળાઈ થોડાક મીટરથી ઘણા મીટર સુધીની અને જાડાઈ થોડાક સેમી.થી કેટલાક મીટર સુધીની હોઈ શકે છે. મોટાભાગનાં સિલનું બંધારણ ડોલેરાઇટ, લેમ્પ્રોફાયર કે બેઝિક ખડકોથી બનેલું હોય છે. તેમની કણરચના સામાન્ય રીતે તો મધ્યમ દાણાદાર હોય છે. નાના પરિમાણવાળું સિલ ઝડપથી ઘનીભવન પામી જતું હોવાથી સૂક્ષ્મદાણાદાર અને મોટા પરિમાણવાળું સિલ સ્થૂળદાણાદાર હોય છે.

પ્રાદેશિક ખડકમાં અંતર્ભેદન પામતો મૅગ્મા ગરમ હોવાથી ઉપર-નીચેની સંપર્ક-સપાટીઓને શેકી નાખી સખત બનાવી દે અથવા ઓગળતાં જઈ આત્મસાત્ થઈ જાય છે. જો શેષભાગ રહી જાય તો આગંતુક વિભાગ તરીકે મળે છે. પ્રાદેશિક ખડક અને સિલની સંપર્ક-સપાટીઓ પરના સીમાંત ભાગોનું મૂળ બંધારણ બદલાઈ જઈ શકે છે, સંકર ખડક-વિભાગો બની શકે છે.

આબુ રોડ રેલમથક નજીક પૂર્વમાં આવેલી અરવલ્લીની હારમાળામાં ઉત્તર દક્ષિણ દિશામાં લંબાયેલી ટેકરીઓમાં બેઝિક બંધારણવાળું સિલ-અંતર્ભેદન જોવા મળે છે, જે ટુકડે ટુકડે વધુ દક્ષિણ તરફ (અત્યારે ખંડિયેર બનેલા ચંદ્રાવતીનગર સુધી) વિસ્તરેલું છે.

ગિરીશભાઈ પંડ્યા