સિમેલ, જ્યૉર્જ (. 1858; . 1918) : જર્મન તત્વચિંતક અને સમાજશાસ્ત્રી. જ્યૉર્જ સિમેલ જન્મે યહૂદી હતા; પરંતુ પાછળથી તેઓ લ્યૂથેરાન ખ્રિસ્તી બન્યા હતા. સમગ્ર જીવનકાળ દરમિયાન તેમનાં વિદ્વત્તાપૂર્ણ 31 નાનાંમોટાં પુસ્તકો અને 256 નિબંધો/લેખો પ્રકાશિત થયાં હતાં. તેમનાં 100 જેટલાં લખાણોનો અન્ય ભાષાઓમાં અનુવાદ થયો હતો. આવા એક પ્રખર વિચારક અને વિદ્વાન હોવા છતાં પૂર્ણ પ્રાધ્યાપકપદ (full professorship) તો તેમને પોતાના મૃત્યુના માત્ર 4 વર્ષ અગાઉ જ પ્રાપ્ત થયું હતું. આવા સર્જક પ્રતિભાવાન વિદ્વાનની આટલી મોડી થયેલી કદર માટે તેમનો પરંપરામુક્ત સ્વતંત્ર મિજાજ તથા કેટલાક સમોવડિયા વિદ્વાનોનું ખાસ યહૂદી-વિરોધી વલણ જવાબદાર જણાય છે.

સિમેલને મતે કોઈ અખંડ (whole) કે સમગ્ર (total) સ્વરૂપને સમજવું શક્ય ન હોય ત્યારે તેના કોઈ ભાગનો અભ્યાસ અખંડ/સમગ્ર સ્વરૂપની સમજ પ્રતિ દોરી જઈ શકે. તદનુસાર, તેઓ શૈલી તથા અભિગમ બાબતે પોતાની વિભાજિત ખંડકેન્દ્રિત તપાસ, વિચારણા અને રજૂઆતની લાક્ષણિકતા દ્વારા સમકાલીન અન્ય પ્રતિષ્ઠિત સમાજશાસ્ત્રીઓથી જુદા પડતા હતા. આ લાક્ષણિકતાને કારણે તેમનાં લખાણોનાં સંક્ષેપ કે પદ્ધતિસરનું સંકલન કરવાનું લગભગ અશક્ય છે. વળી તેમ કરવાના પ્રયત્નના તેઓ પોતે પણ વિરોધી હતા. તેમણે સૂક્ષ્મતાલક્ષી સમાજશાસ્ત્ર (microsociology) ક્ષેત્રે મુખ્યત્વે સામાજિક આંતરક્રિયા તેમજ સમૂહ-ગતિશાસ્ત્ર (group dynamics) પર વિશેષ ભાર આપ્યો હતો. તે સાથે તેમણે સામાજિક પ્રક્રિયાના પ્રકારો તથા સમાજના વિભાવનાત્મક વિશ્લેષણ(conceptual analysis)ને પણ પ્રાધાન્ય આપ્યું. વળી, પોતાનાં લખાણોમાં તાત્વિક સામાન્યીકરણ (abstract generalization) કરતાં વસ્તુત: ઝીણી વિગતો(details)ને જ તેમણે વિશેષ મહત્વ આપ્યું છે. તેમની દૃષ્ટિએ સમાજશાસ્ત્રે સામાજિક જીવનનાં સ્વરૂપો(forms)નો અભ્યાસ કરી વ્યક્તિઓ વચ્ચેના પારસ્પરિક સંબંધોના બનેલા સમાજમાં પ્રવર્તતા બંધનકારક સામાજિક કાનૂન સ્વરૂપનાં નીતિનિયમો પર પ્રકાશ પાડવો જોઈએ.

જ્યૉર્જ સિમેલ

1900માં પ્રકાશિત ‘નાણાંનું તત્વજ્ઞાન’(Philosophie des Geldes)માં તેમણે નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાની તથા વિજ્ઞાનની તર્કસંગતતા અને મૂડીવાદ વચ્ચેના સંબંધની સમાજ અને સામાજિક જીવન પર પડતી અસરો તપાસી-ચર્ચી છે. 1908માં તેમનો ‘સમાજશાસ્ત્ર’ (sociolagie) ગ્રંથ પ્રકાશિત થયો. તેમાં તેમણે વિવિધ પારસ્પરિક આંતરક્રિયાઓ અને સંબંધો, સામાજિક સંઘર્ષની કાર્યાત્મકતા, આધુનિક શહેરી જીવન, વ્યક્તિમત્તા (personality), સમૂહનાં સ્વરૂપો, સત્તા/અધિકાર (authority) અને અધીનતા (subordination) વગેરે સમાજજીવનનાં અનેકવિધ પાસાં તપાસ્યાં-ચર્ચ્યાં છે. તેમની તપાસ, વિચારણા અને લખાણોમાં કળા, સંસ્કૃતિ, ધર્મ, નૈતિકતા અને પ્રેમને પણ ઓછે-વત્તે અંશે આવરી લેવાયાં છે. આમ, તેમની તપાસ, ચર્ચા-વિચારણા અને લખાણોનો વિષયવ્યાપ વિવિધતાભર્યો અને વિશાળ છે.

તેમના સમકાલીનોમાં ટોનિસ (Tonnies) તેમના પ્રશંસક હતા અને વેબરે પણ આદરપૂર્વક તેમનાં કેટલાંક પ્રતિપાદનો તથા વિભાવનાઓનો પોતાનાં પાછળનાં લખાણોમાં ઉપયોગ કર્યો હતો. જોકે, સિમેલ સામાન્યત: આધુનિક સમાજશાસ્ત્રના એક ઉપેક્ષિત પ્રણેતા મનાયા છે; પરંતુ તેમનાં લખાણોનાં ભાષાંતરો મારફત અમેરિકન સમાજશાસ્ત્રના કેટલાક અગ્રણી આધુનિક વિદ્વાનો પરનો તેમનો પ્રભાવ સાવ અણછતો રહ્યો નથી. પૉલ રૉકે (1979) તેમને પ્રતીકાત્મક આંતરક્રિયાવાદ(symbolic interactionism)ના ચાવીરૂપ પ્રણેતાઓમાંના એક ગણાવ્યા છે. વળી, સમાજશાસ્ત્રની શિકાગો શાખાના રૉબર્ટ પાર્ક અને અન્ય સભ્યો માટે સિમેલ એક અગત્યના માર્ગદર્શક મનાયા છે. રૉબર્ટ મર્ટનના કાર્યાત્મકવાદ(functionalism)માં ખાસ કરીને, સંદર્ભ-સમૂહ-સિદ્ધાંત (reference group theory) તથા ભૂમિકા-સિદ્ધાંત(role theory)માં પણ સિમેલના કેટલાક વિચારો પ્રતિબિંબિત થતા જોવા મળે છે. વળી કોઝર(Coser Lewis)ના ‘સામાજિક સંઘર્ષનાં કાર્યો’(1956)માં પણ સિમેલના ચિંતનનો પ્રભાવ અણછતો નથી. તદુપરાંત, તેમના ઘણા સમાજશાસ્ત્રીય વિચારો તેમના નામે ચડ્યા ન હોવા છતાં સમાજશાસ્ત્રમાં ચલણી બન્યા છે. હવે તો, આધુનિકતા અને અનુઆધુનિકતા(modernity & post-modernity)ને ચર્ચામાં લાવનારા સમાજશાસ્ત્રી તરીકે પણ તેઓ સ્વીકારાતા થયા છે.

ડેવિડ ફ્રિસબાઈ(David Frisby)ની ‘જ્યૉર્જ સિમેલ’ (1984) તથા અન્ય કૃતિઓમાં સિમેલની થયેલી એકંદર ઉપેક્ષા અને તેમના સમાજશાસ્ત્રીય મહત્વ પર સારો એવો પ્રકાશ પાડવામાં આવ્યો છે.

હસમુખ હ. પટેલ