સિમેન્ટ અને સિમેન્ટઉદ્યોગ

સિમેન્ટ

ચણતરકામમાં ઈંટો, પથ્થર કે કપચીના બંધક તરીકે બહોળા પ્રમાણમાં વપરાતો પદાર્થ. 1824માં એક અંગ્રેજ કડિયાએ જલીય ચૂના તરીકે સિમેન્ટની શોધ માટી અને ચૂનાનું મિશ્રણ કરીને કરી હતી. સિમેન્ટની બનાવટમાં કૅલ્કેરિયસ (ચૂનામય) અને આર્જિલેસીય (માટીમય) જેવા કાચા માલનો ઉપયોગ કરવામાં આવે છે. ચૂનાના માલ તરીકે સિમેન્ટ-પથ્થર, ચૂનાનો પથ્થર, ચીકણી માટી (marl), ચૉક અને દરિયાઈ શેલ (છીપલી) વાપરવામાં આવે છે; જ્યારે માટીના માલ તરીકે માટી ઉપરાંત શેલ, શિલાપટ્ટ (slate) અને વાતભઠ્ઠી(blast furnace)નો ધાતુકાંપ વાપરવામાં આવે છે. આ ઉપરાંત બીજા માલ તરીકે ચૂનો, સિલિકા, ઍલ્યુમિના અને આયર્ન ઑક્સાઇડ પણ વપરાય છે. બનાવટ દરમિયાન ચિરોડી (gypsum) સિમેન્ટના ઠારણસમયને વિલંબિત કરવા માટે ઉમેરવામાં આવે છે.

સિમેન્ટના રાસાયણિક ઘટકો નીચે પ્રમાણે છે :

કૅલ્શિયમ ઑક્સાઇડ (CaO) 60 %થી 65 %
સિલિકા (SiO2) 20 %થી 25 %
ઍલ્યુમિના (Al2O3) 3 %થી 8 %
આયર્ન ઑક્સાઇડ (Fe2O3) 0.5 %થી 0.6 %
સલ્ફર ટ્રાયૉક્સાઇડ (SO3) 2 %થી વધુ નહિ
મૅગ્નેશિયમ ઑક્સાઇડ (MgO) 5 %થી વધુ નહિ

ચૂનાનો ઘટક સિમેન્ટને પ્રાબલ્ય આપે છે, જ્યારે સિલિકા ઠારણ-સમયમાં વૃદ્ધિ કરે છે. આયર્ન ઑક્સાઇડ ભૂખરો રંગ આપે છે.

ચૂનાના અને માટીના કાચા માલનું મિશ્રણ કરી ભઠ્ઠીમાં ગરમ કરી બાળવામાં આવે છે. તેમાંથી ભૂખરા રંગના ચળકતા રાખના અખરોટના કદના ગોળવા બહાર આવે છે. તેને ઠંડા પાડી ચિરોડી ઉમેરીને દળવાથી પૉર્ટલૅન્ડ સિમેન્ટ મળે છે. આ સિમેન્ટની બળેલી રાખ કૅલ્શિયમ સિલિકેટ, કૅલ્શિયમ ઍલ્યુમિનેટ, કૅલ્શિયમ ફેરાઇટના રૂપમાં હોય છે. તેનું સંયોજન નીચે પ્રમાણે હોય છે :

સંયોજન રાસાયણિક રૂપ ટૂંકું રૂપ ટકામાં સરેરાશ ટકા
 ટ્રાઇકૅલ્શિયમ સિલિકેટ 3CaO, SiO2 C3S 25 %થી 50 % 40 %
 ડાઇકૅલ્શિયમ સિલિકેટ 2CaO, SiO2 C2S 21 %થી 45 % 32 %
 ટ્રાઇકૅલ્શિયમ ઍલ્યુમિનેટ 3CaO, Al2O3 C3A 5 %થી 11 % 10.5 %
 ટેટ્રાકૅલ્શિયમ

ઍલ્યુમિનોફેરાઇટ

4CaO, Al2O3,

Fe2O3

C4AF 9 %થી 14 % 9 %

C3S — અને C2S પ્રાબલ્ય અને પ્રતિરોધ બક્ષે છે.

C3S — જલદીથી પ્રાબલ્ય બક્ષે છે અને જલાપઘટન અને જલયોજન દ્વારા ગરમી ઉત્પન્ન કરે છે.

C2S — ક્રમશ: સખત થઈ દાબક સામર્થ્ય બક્ષે છે.

C3A — પાણી સાથે પ્રતિક્રિયા કરી સિમેન્ટનું પ્રારંભિક ઠારણ કરે છે.

C4AF — સામાન્ય રીતે સિમેન્ટને પ્રાબલ્ય બક્ષવામાં અને જલયોજન ગરમી પેદા કરવામાં નિષ્ક્રિય રહે છે.

સિમેન્ટના ગુણધર્મો અને કસોટી : (1) સૂક્ષ્મતા (fineness) : આ કસોટી સિમેન્ટના કણોનું માપ આપે છે. આઇ. એસ. ચારણી નં. 9 પર ચાળતાં 10 %થી વધુ અવશેષ (residue) ન હોવો જોઈએ.

(2) ઠારણ-સમય : પ્લાસ્ટિસિટી ગુમાવવાનું માપ. પ્રારંભિક સમયથી તે 30 મિનિટથી વધારે હોવો જોઈએ નહિ. અંતિમ ઠારણ-સમય, જે સિમેન્ટની સખ્તાઈનું માપ છે તે, 10 કલાકથી વધારે હોવો જોઈએ નહિ.

(3) દૃઢતા (soundness) : લી-ચેટેલિયર સાધન પર સિમેન્ટનું પ્રસારણ 10 મિમી.થી વધારે હોવું જોઈએ નહિ.

(4) દાબક-સામર્થ્ય (compression strength) : 50 ઘન સેમી.(7.06 સેમી. માપના ઘન બ્લૉક)ના 1 : 3 સિમેન્ટ કોલના બનાવેલા ઘનનો 7 દિવસ પછી કસોટી કરતાં દાબક-પ્રતિબળ 125 કિગ્રા./સેમી.2 હોવું જોઈએ.

(5) રંગ : સિમેન્ટનો રંગ ભૂખરો અથવા લીલાશ પડતો ભૂખરો હોવો જોઈએ.

(6) વિશિષ્ટ ઘનતા (specific density) : સિમેન્ટની વિશિષ્ટ ઘનતા 1200થી 1800 Kg/m3 હોવી જોઈએ.

(7) વિશિષ્ટ પૃષ્ઠ-ક્ષેત્ર (specific surface area) : સામાન્ય સિમેન્ટનું વિશિષ્ટ પૃષ્ઠ-ક્ષેત્ર 2250 Cm2/gram.

(8) તનન-પ્રતિબલ (tensile stress) : સિમેન્ટનું સરેરાશ તનન-પ્રતિબલ 25 Kg/cm2થી ઓછું હોવું જોઈએ નહિ.

(9) સંયોજન-અંક (cementation index) : આઇ. એસ. 269 પ્રમાણે સિમેન્ટનું રાસાયણિક સંયોજન નીચે દર્શાવેલ સૂત્ર પ્રમાણે હોય છે :

ચૂના અને સિલિકા, ઍલ્યુમિના, આયર્ન ઑક્સાઇડનો ગુણોત્તર 0.6થી 1.02 હોવો જોઈએ. અદ્રાવ્ય અવશેષ 1.5 %થી વધુ ન હોવો જોઈએ. એ રીતે સલ્ફરની માત્રા 2.75 %થી અને મૅગ્નેશિયાની માત્રા 5 %થી વધુ ન હોવી જોઈએ.

સિમેન્ટની જુદી જુદી કસોટીઓ માટે વપરાતાં સાધનો નીચે પ્રમાણે છે :

સાધનનું નામ કસોટી
વિકેટ નીડલ સિમેન્ટનો ઠારણ-સમય નક્કી કરવા વપરાય છે.
‘લી-ચેટેલિયર’ છે. સિમેન્ટનું પ્રસરણ એમ.એમ.માં નક્કી કરવા વપરાય
 મિચેઈલી સિમેન્ટનું તનન-બળ નક્કી કરવા વપરાય છે.
 કમ્પાઉન્ડ લીવર
 મશીન

દાબકસામર્થ્ય : 185 ગ્રામ સિમેન્ટ અને 555 ગ્રામ રેતીના કરેલા મિશ્રણમાં 74 ગ્રામ પાણી ઉમેરી બનાવેલા ઘનનું દાબક-સામર્થ્ય ચકાસણી-યંત્રમાં મપાય છે.

સિમેન્ટનું ઉત્પાદન કરવાની રીતો : સિમેન્ટ બનાવવાની બે રીતો છે : (1) ભીની પ્રક્રિયા, (2) સૂકી પ્રક્રિયા.

ભીની પ્રક્રિયા ત્રણ તબક્કામાં વહેંચવામાં આવેલી છે. પ્રથમ તબક્કામાં 10 % ચૉક અને 30 % માટીને મિલમાં ભાંગીને, પીસીને છીછરી ટાંકીમાં પાણી સાથે નાંખી થોડાંક અઠવાડિયાં માટે ઠારવામાં આવે છે. પાણીનું વહન કરી બાકી રહેલા મિશ્રણને ચૂલામાં સુકાવવામાં આવે છે. બીજા તબક્કામાં સૂકવેલા મિશ્રણને 24 કલાક સુધી ઊંચા તાપમાને બૉટલ આકારની ભઠ્ઠીમાં બાળવામાં આવે છે. ચૂનાના કાર્બોનેટનું ભસ્મીકરણ થાય છે. એ સિલિકા, ઍલ્યુમિના અને આયર્ન ઑક્સાઇડ સાથે સંયોજાય છે. આ સંયોજનને ‘ક્લિન્કર’ કહેવામાં આવે છે. આ ‘ક્લિન્કર’ને 2.5થી 3.0 મીટર વ્યાસવાળી 30થી 75 મીટર લાંબી સ્ટીલ-ટ્યૂબમાં ઉપરના ભાગમાંથી નાંખવામાં આવે છે. આ સ્ટીલ-ટ્યૂબ ઢાળવાળી હોય છે. નીચલા છેડેથી બળથી ચૂર્ણિત કોલસો (grinded coal) દાખલ કરવામાં આવે છે. કોલસો બળે છે અને સખત ગરમી ઉત્પન્ન કરે છે. તેથી મિશ્રણનું ભસ્મીકરણ થાય છે.

ત્રીજા તબક્કામાં ‘ક્લિન્કર’ને દળીને પાઉડર કરવામાં આવે છે. તેને સૂકી છત પર પાથરવામાં આવે છે. તેમાં 5 % ચિરોડી ઉમેરવામાં આવે છે. આ રીતે બનાવેલ સિમેન્ટને જલાભેદ્ય થેલીમાં ભરવામાં આવે છે. આ થેલીનું વજન 50 કિલો અને તેનું કદ 0.035 m3 હોય છે.

ભીની પ્રક્રિયામાંથી બનાવવામાં આવેલ સિમેન્ટનો ચિત્રાલેખ બાજુમાં દર્શાવ્યા પ્રમાણે છે.

(1) સૂકી પ્રક્રિયા : ગળતરથી સખત ચૂનો અને માટીને દળવામાં આવે છે. દળેલ મિશ્રણને સંગૃહીત કરી પરિભ્રામી ભઠ્ઠી(rotary kiln)માં ઊંચાં તાપમાને બાળવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી મળેલ ગોળાઓને દળી જરૂરી માત્રામાં ચિરોડી (CaSO4) ભેળવીને જલાભેદ્ય થેલીમાં ભરવામાં આવે છે.

સિમેન્ટની જુદી જુદી જાતો : IS 269 પ્રમાણે સિમેન્ટની જુદી જુદી જાતો નીચે પ્રમાણે છે :

(1) પૉર્ટલૅન્ડ સિમેન્ટ (portland cement) : મકાનના બાંધ-કામમાં આ સિમેન્ટનો ઉપયોગ કોલ, પ્લેન અને પ્રબલિત કૉંક્રીટ બનાવવામાં કરવામાં આવે છે. IS ચારણી નં. 9 પર ચાળવાથી 10 %થી વધુ અવશેષ રહેવો જોઈએ નહિ. આ સિમેન્ટનું પ્રસરણ 10 મિમી.થી વધુ હોવું જોઈએ નહિ. વિશિષ્ટ પૃષ્ઠ-ક્ષેત્ર 2250 સેમી.2/ગ્રામથી ઓછું હોવું જોઈએ નહિ. પ્રારંભિક ઠારણ-સમય 30 મિનિટથી વધારે હોવો જોઈએ નહિ. અંતિમ ઠારણ-સમય 10 કલાકથી વધુ હોવો જોઈએ નહિ. ત્રણ દિવસે દાબક-બળ 160 કિગ્રા./સેમી.2 અને 7 દિવસે 220 કિગ્રા./સેમી.2 થવું જોઈએ.

(2) ત્વરાથી સખત થતો સિમેન્ટ (rapid hardening cement) : જે બાંધકામમાં જલદીથી પ્રાબલ્યની જરૂરિયાત ઊભી થતી હોય ત્યાં આ સિમેન્ટ વપરાય છે. તે પૉર્ટલૅન્ડ સિમેન્ટ કરતાં હળવો હોય છે. IS ચારણી નં. 9 પર ચાળતાં અવશેષ 5 %થી વધુ હોતો નથી. વિશિષ્ટ પૃષ્ઠ-ક્ષેત્ર 3250 સેમી.2/ગ્રામ છે. સિમેન્ટનું પ્રસરણ 5 mmથી વધુ હોતું નથી. પ્રારંભિક ઠારણ-સમય 30 મિનિટ અને અંતિમ ઠારણ-સમય 10 કલાકથી વધુ હોવો જોઈએ નહિ. આ સિમેન્ટ ઝડપથી રિપેરકામ કરવામાં વપરાય છે. 1 દિવસના અંતે તેનું દાબક-બળ 160 કિગ્રા./સેમી.2 અને ત્રણ દિવસે 275 કિગ્રા./સેમી.2 થાય છે.

(3) નિમ્ન ઉષ્મા સિમેન્ટ (low heat cement) : સ્થૂળ કૉંક્રીટની અંદર ઉત્પન્ન થતી ગરમીને લીધે તેમાં તિરાડ પડે છે. આ ગરમી ઓછી કરવા ડાઇ-કૅલ્શિયમ સિલિકેટનું પ્રમાણ વધારવામાં આવે છે અને ટ્રાઇકૅલ્શિયમ ઍલ્યુમિનેટનું પ્રમાણ ઘટાડવામાં આવે છે. ટ્રાઇકૅલ્શિયમ સિલિકેટના પ્રમાણમાં વધઘટ કરવામાં આવતી નથી. આ સિમેન્ટનો કાક્રીટ-બંધમાં ઉપયોગ થાય છે. IS ચારણી નંબર 9 પર ચાળતાં અવશેષ 5 %થી વધુ હોવો જોઈએ નહિ. વિશિષ્ટ પૃષ્ઠ-ક્ષેત્ર 3200 સેમી.2/ગ્રામથી ઓછું હોવું જોઈએ નહિ. પ્રારંભિક ઠારણ-સમય 30 મિનિટથી ઓછો હોવો જોઈએ નહિ અને અંતિમ ઠારણ-સમય 10 કલાકથી વધારે હોવો જોઈએ નહિ. ત્રણ દિવસના અંતે દાબક-બળ 100 કિગ્રા./સેમી.2 અને સાત દિવસના અંતે 160 કિગ્રા./સેમી.2 અને 28 દિવસના અંતે 350 કિગ્રા./સેમી.2 થાય છે.

(4) હાઈ ઍલ્યુમિના સિમેન્ટ (high alumina cement) : આ સિમેન્ટમાં 32 % ઍલ્યુમિના હોય છે. ઍલ્યુમિના અને ચૂનાનો ગુણોત્તર 0.85થી 1.3 સુધી હોય છે. આ સિમેન્ટ ઝડપથી પ્રાબલ્ય પ્રાપ્ત કરે છે. ઠારણ થતી વખતે તેનું પ્રસરણ થતું નથી. તે તેજાબી ક્રિયા અને વધુ તાપમાન સામે રક્ષણ કરે છે. તેનું વિશિષ્ટ પૃષ્ઠ-ક્ષેત્ર 2250 સેમી.2/ગ્રામથી 3200 સેમી.2/ગ્રામ છે. તેનો પ્રારંભિક ઠારણ-સમય 30 મિનિટથી ઓછો અને અંતિમ ઠારણ-સમય 10 કલાકથી વધારે હોવો જોઈએ નહિ.

(5) સુપર સલ્ફેટ સિમેન્ટ (IS 6909) : સુપર સલ્ફેટ સિમેન્ટમાં 80 % વાતભઠ્ઠી (blast furnace) ધાતુકાંપ, 10 %થી 15 % કૅલ્શિયમ સલ્ફેટ અને 5 % પૉર્ટલૅન્ડ સિમેન્ટ હોય છે. આ સિમેન્ટનો દરિયાઈ બાંધકામ તેમજ સલ્ફેટના હુમલાના રક્ષણ માટે વપરાતા સ્થૂળ કૉંક્રીટ(mass concrete)માં ઉપયોગ થાય છે. વિશિષ્ટ પૃષ્ઠ-ક્ષેત્ર 4000થી 5000 સેમી.2/ગ્રામથી ઓછું હોવું જોઈએ નહિ. પ્રારંભિક ઠારણ-સમય 20 મિનિટથી ઓછો અને અંતિમ ઠારણ-સમય 10 કલાકથી વધારે હોવો જોઈએ નહિ. દાબક-બળ 3 દિવસના અંતે 150 કિગ્રા./સેમી.2, 7 દિવસના અંતે 220 કિગ્રા./સેમી.2 અને 28 દિવસના અંતે 300 કિગ્રા./સેમી.2 હોવું જોઈએ.

(6) વાતભઠ્ઠી ધાતુકાંપ સિમેન્ટ (blast furnace slag cement) : કાચા લોખંડ(pig iron)ની બનાવટમાં બિનઉપયોગી અવશેષ કે જેમાં ચૂનો, સિલિકા અને ઍલ્યુમિના હોય છે તેનું પૉર્ટલૅન્ડ સિમેન્ટ સાથે 2 : 1ના પ્રમાણમાં મિશ્રણ કરી તેને દળી આ સિમેન્ટ બનાવવામાં આવે છે. સખ્તાઈનું પ્રમાણ ઓછું હોવાથી જલયોજન ગરમી (heat of hydration) ઓછી ઉત્પન્ન થાય છે. તે સલ્ફેટના હુમલાથી રક્ષણ આપે છે; તેથી તે સ્થૂલ કૉંક્રીટ અને દરિયાઈ બાંધકામમાં વપરાય છે.

(7) સફેદ સિમેન્ટ (white cement) : આ સિમેન્ટમાં આયર્ન ઑક્સાઇડ અને મૅંગેનીઝ ઑક્સાઇડ ઘણા ઓછા પ્રમાણમાં હોય છે. તેનો ઉપયોગ સ્થાપત્યના કામમાં વિશેષ થાય છે.

સફેદ સિમેન્ટમાં 50 %થી 52 % ટ્રાઇકૅલ્શિયમ સિલિકેટ, 25 %થી 27 % ડાઇકૅલ્શિયમ સિલિકેટ, 10 %થી 11 % ટ્રાઇકૅલ્શિયમ ઍલ્યુમિનેટ અને 1 % ટેરાકૅલ્શિયમ ઍલ્યુમિનો ફેરાઇટ હોય છે.

સિમેન્ટનો સંગ્રહ (storing of cement) : સિમેન્ટનો સંગ્રહ કરવામાં નીચેની સાવચેતી રાખવી જરૂરી બને છે :

(1) સિમેન્ટનો સંગ્રહ ટૂંકા સમય માટે કરવો જોઈએ; (2) સૂકા હવામાનવાળા રૂમમાં સંગ્રહ કરવો આવશ્યક છે; (3) ભેજવાળી વખાર અને છતનો ઉપયોગ કરવો જોઈએ નહિ; (4) દીવાલથી 0.6 મીટર દૂર સંગ્રહ કરવો જોઈએ; (5) સિમેન્ટનો સંગ્રહ બંધિયાર રચનામાં કરવો જોઈએ અને તેના પર પ્લાસ્ટિકનું કાપડ ઢાંકવું જરૂરી છે; (6) એક થપ્પી દસથી વધુ થેલીઓની રાખવી જોઈએ નહિ.

400 થેલીઓનો સંગ્રહ કરવા 4 હાર આવશ્યક છે, દરેક હારમાં 10 થેલીઓ, એવી 10 થપ્પીઓ 4.5 મીટર  2.5 મીટર  20 મીટર ઊંચી રાખી શકાય. 20 ટન સિમેન્ટના સંગ્રહ માટે 6.0 મીટર  3.5 મીટરનો શેડ પૂરતો છે.

નગીનલાલ હી. મોદી

સિમેન્ટઉદ્યોગ

સિમેન્ટ-ઉદ્યોગનો વિકાસ અને અવકાશ.

સિમેન્ટ એક આસંજક અને સસંજક પદાર્થ છે. તે અન્ય ખનિજ-પદાર્થો સાથે સામાન્ય સંજોગોમાં આબંધનનો ગુણ ધરાવે છે. તેનો ઉપયોગ રહેઠાણો, ઇમારતો, પુલો, રસ્તાઓ, નહેરો, બંધો, બંદરો, હવાઈપટ્ટીઓ, ઍસ્બેસ્ટૉસ-સિમેન્ટનાં પતરાં, પાઇપો વગેરે બનાવવામાં થાય છે. સિમેન્ટમાં કપચી કે ગ્રીટનું મિશ્રણ કરી કૉન્ક્રીટ બનાવવામાં આવે છે; જે ઘણો મજબૂત હોય છે. સિમેન્ટને લૂણો લાગતો નથી; તેથી તે પ્લાસ્ટર, ટીપકામ, કૉન્ક્રીટ વગેરેમાં ઉપયોગમાં લઈ શકાય છે. સિમેન્ટ અનેક રીતે ઉપયોગી પદાર્થ હોવાથી દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં તેનો મહત્વનો ફાળો છે. અગત્યના સંદર્ભમાં તેનો ક્રમ લોખંડ પછી બીજો આવે છે.

ચૂનો અને ચિનાઈ માટી સિમેન્ટ-ઉત્પાદન માટેની મહત્વની ખનિજો છે. તેમાં કૅલ્શિયમ કાર્બોનેટ, સિલિકા, ઍલ્યુમિના, લોહ-ઑક્સાઇડ મુખ્ય તત્ત્વો છે. આ ખનિજોને ઝીણી રીતે દળી, યોગ્ય પ્રમાણમાં મિશ્ર કરી, ઈંટોથી અસ્તર કરેલ 2.44થી 3.66 મીટર(8થી 12 ફૂટ)નો વ્યાસ ધરાવતી 30.5થી 45.7 મીટર (100થી 150 ફૂટ) લંબાઈની નળાની બનાવેલી ઢળતી સમક્ષિતિજ પરિભ્રામી ભઠ્ઠીમાં આશરે 1350° સે. તાપમાને પકાવવામાં આવે છે. તેમાંથી મળેલ એકરૂપ ભૂખરા રંગના અખરોટના કદના ગોળવાઓને ખૂબ બારીક રીતે દળી ચૂર્ણ બનાવવામાં આવે છે. આ ચૂર્ણ ખૂબ ત્વરાથી સઘન સ્થિતિ પ્રાપ્ત કરે છે. તેથી સઘનતાની ગતિ મંદ કરવા માટે તેમાં ચિરોડી (gypsum) ઉમેરવામાં આવે છે.

સિમેન્ટ બનાવવા માટે ભીની તેમજ સૂકી પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ભીની પ્રક્રિયામાં કાચા માલને જીર્ણ પીસી પાણી સાથે ભેળવી રગડો ભઠ્ઠીમાં ઉમેરવામાં આવે છે. તેમાં આશરે 30થી 40 % ભીનાશ હોવાથી બળતણનો ખર્ચ વધુ આવે છે; જ્યારે સૂકી પ્રક્રિયામાં ઓછા બળતણ-ખર્ચે ઉત્પાદન પણ વધુ થાય છે. ભારતમાં હાલમાં ફક્ત 6 % એકમો જ ભીની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. ભારતમાં સિમેન્ટ-ઉદ્યોગે વિશ્વમાં પ્રચલિત ઉત્પાદનની આધુનિક તકનીક અપનાવી છે, જેના પરિણામે સ્વયંસંચાલિત ઉત્પાદન સાથે ગુણવત્તામાં વૃદ્ધિ અને બળતણમાં કરકસર સાધી શકાઈ છે. આ ઉપરાંત પ્રદૂષણને અંકુશમાં રાખવાનાં સાધનોને પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ભારત આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધરાવતો સિમેન્ટ ઓછા ખર્ચે ઉત્પન્ન કરે છે; તેથી તેની નિકાસ માટે સારો એવો અવકાશ છે.

ભારતમાં ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના સિમેન્ટની માહિતી નીચે સંક્ષેપમાં આપી છે :

(1) પૉર્ટલૅન્ડ સિમેન્ટ(portland cement)માં આશરે 95 % ક્લિન્કર અને 5 % ચિરોડી હોય છે. દેશમાં સૌથી વધુ વપરાતા આ સિમેન્ટનો હિસ્સો 70 % જેટલો અંદાજવામાં આવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે રહેઠાણો, ઇમારતો, રસ્તાઓ, નહેરો, પુલો વગેરેના બાંધકામમાં કરવામાં આવે છે.

(2) પૉર્ટલૅન્ડ પૉઝોલોના સિમેન્ટ(portland pozzolona cement)માં 80 % ક્લિન્કર, 15 % પૉઝોલોના (રાખ) અને 5 % ચિરોડી હોય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ઇમારતોના પાયાના બાંધકામમાં કરવામાં આવે છે. સિમેન્ટની કુલ વપરાશમાં તેનો હિસ્સો આશરે 18 % જેટલો અંદાજવામાં આવે છે.

(3) ત્વરાથી સખત થઈ જતો સિમેન્ટ (rapid hardening cement) તેલના કૂવાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે તેલના કૂવાઓના સિમેન્ટ (oilwell cement) તરીકે પણ જાણીતો છે.

(4) નિમ્ન ઉષ્મા સિમેન્ટ(low heat cement)નો ઉપયોગ કૉન્ક્રીટમાં સામાન્ય સિમેન્ટથી ઉત્પન્ન થતી ગરમીને નિવારવા માટે તેની અવેજી તરીકે થાય છે. તેનો ઉપયોગ મહદ્અંશે બંધોમાં થાય છે.

(5) ઍલ્યુમિના સિમેન્ટ(allumina cement)નો ઉપયોગ વાતભઠ્ઠીઓ તેમજ તેજાબી પ્રક્રિયાનાં સાધનોમાં કરવામાં આવે છે. તે ઝડપથી પ્રાબલ્ય પ્રાપ્ત કરે છે, ઉચ્ચ તાપમાન સહી શકે છે અને તેનું પ્રસરણ સીમિત રહે છે.

(6) સુપર સલ્ફેટ સિમેન્ટ (super sulphate cement) ક્ષાર સામે રક્ષણ માટે મુખ્યત્વે દરિયાઈ બાંધકામ અને બંદરો બાંધવાના ઉપયોગમાં લેવાય છે.

(7) વાતભઠ્ઠી ધાતુમલ સિમેન્ટ(blast furneas slag cement)માં 45 % ક્લિન્કર, 50 % ધાતુમલ અને 5 % ચિરોડી હોય છે. તેનો ઉપયોગ મહદ્અંશે ભારે બાંધકામ અને બંધોમાં કરવામાં આવે છે. સિમેન્ટની કુલ વપરાશના 10 ટકા હિસ્સો આ સિમેન્ટનો અંદાજવામાં આવે છે.

(8) જલવિરાગી સિમેન્ટ (hydrophobic cement) જેમાં ઝડપથી ભેજ ચૂસી લેવાનો હોય તેવી પ્રક્રિયાઓમાં વપરાય છે.

(9) સફેદ સિમેન્ટ (white cement) બનાવવામાં કોલસાને બદલે ખનિજ-તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ઠંડો પાડવા માટે પણ વિશિષ્ટ પદ્ધતિ અપનાવવામાં આવે છે. આ સિમેન્ટમાં લોહ-ઑક્સાઇડ (iron oxide) અને મૅંગેનીઝ-ઑક્સાઇડ(manganese oxide)નું પ્રમાણ નિમ્ન હોય છે. તેનો ઉપયોગ ટાઇલ્સ, આરસ લગાવવામાં તથા પ્લાસ્ટર વગેરેમાં કરવામાં આવે છે.

(10) કેટલાક વિશિષ્ટ પ્રકારના સિમેન્ટમાં ઉપયોગિતા અનુસાર પ્લાસ્ટિક, રેઝિન વગેરે ઉમેરવામાં આવે છે; દા.ત., સિમેન્ટમાં મિથાઇલ મીથાક્રિલેટ મોનોમર(methyl methacrylate monomer)નો ઉપયોગ બંધોને ખૂબ મજબૂત બનાવવા માટે તેમજ પાણી ગળતું અટકાવવા માટે કરવામાં આવે છે.

કેટલાક સમયથી ઉત્પાદકોએ તૈયાર મિશ્ર કૉન્ક્રીટ (ready mix concrete) બજારમાં પ્રસ્તુત કર્યો છે; જેને એમાં પાણી ઉમેરી તુરંત ઉપયોગમાં લઈ શકાય છે. તેના મિશ્રણમાં આવશ્યકતા અનુસાર ફેરફાર પણ કરવામાં આવે છે.

ભારતીય માનક સંસ્થા(Indian Standards Institution)એ વિવિધ સિમેન્ટનાં ધોરણો નક્કી કર્યાં છે.

સિમેન્ટના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા ચૂનાના પથ્થરો, ચાક, ખનીજ-કોલસો તથા ચિરોડી એ મુખ્ય કાચો માલ છે. વિશાળ જથ્થામાં ઉપયોગમાં લેવાતો આ કાચો માલ ભારે વજનદાર અને તેનું પરિવહન ખર્ચાળ હોવાથી તેમજ ઉત્પાદન દરમિયાન ગણનાપાત્ર પ્રમાણમાં વજન ગુમાવતો હોવાથી સિમેન્ટનાં કારખાનાં કાચો માલ જ્યાંથી મળે તેવી ખાણોની નજદીક સ્થાપવામાં આવે છે. વળી બળતણની ઉપલબ્ધતા અને બજાર પણ સ્થળની પસંદગી પર પ્રભાવ પાડે છે.

મુખ્ય કાચા માલના ચૂનામાં શક્ય તેટલી ઓછી અશુદ્ધિ હોય તે જરૂરી છે. ચૂનાના પથ્થરોની અનામતોનું બંધારણ સ્તરે સ્તરે બદલાતું હોવાથી દરેક સ્તરે ચૂનાનાં તત્ત્વોની ચકાસણી આવશ્યક બની રહે છે. ક્વચિત્ ચૂનાનું સજ્જીકરણ (beneficiation) કરી તેને ઉપયોગમાં લેવાય છે. ભારતમાં સારી ગુણવત્તા ધરાવતો ખનિજ-કોલસો ફક્ત રાણીગંજ અને ઝરિયાની ખાણોમાંથી જ મળી આવે છે; તેથી બીજા પ્રદેશોમાં સ્થપાયેલ કારખાનાંઓને ઊંચો પરિવહન-ખર્ચ ભોગવવો પડે છે. વળી બીજા પ્રદેશોમાં ઉપલબ્ધ ખનિજ-કોલસાની ગુણવત્તા ઊંચી ન હોવાથી વધુ પ્રમાણમાં કોલસાના વપરાશથી ખર્ચમાં વૃદ્ધિ થાય છે; તેમાં રાખ પણ વધુ બને છે, જે ઉત્પાદન-પ્રક્રિયાને મંદ પાડે છે. કેટલાક એકમો કોલસાની આયાત કરે છે. કોલસાની અવેજીમાં લિગ્નાઇટ, ખનિજ-તેલ, પેટ્રોલિયમ ક્રોક અથવા વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે.

સિમેન્ટ બનાવવા માટે ચૂનામાં મિશ્ર કરવામાં આવતી ચિનાઈ માટીના વિકલ્પ તરીકે વાતભઠ્ઠીમાંથી મળતો ધાતુમલ, વીજળીના કારખાનામાંથી મળતી કોલસાની રાખ, ખાતરોનાં કારખાનાંઓમાંથી મળતો આપંક, ખાંડના કારખાનામાંથી મળતો રગડો, દરિયાઈ રેતી, શંખ, છીપ વગેરેનો ઉપયોગ થાય છે.

પ્રાચીન કાળથી, સિમેન્ટની શોધ થઈ ન હતી તે પહેલાં, બાંધકામ માટે ચૂનાનો ઉપયોગ પ્રચલિત હતો. મોહેં-જો-ડેરો અને લોથલમાં તેમજ રોમનોના સમયમાં બાંધકામ માટે ચૂનાનો ઉપયોગ થતો હતો. પૉર્ટલૅન્ડ સિમેન્ટની શોધનું શ્રેય લીડ્ઝ, ઇંગ્લૅન્ડના કડિયા જોસેફ એસ્પિડિન(Joseph Aspidin)ને ફાળે જાય છે. તેમના બનાવેલા સિમેન્ટનો રંગ પૉર્ટલૅન્ડના ભૂખરા રંગને મળતો હોવાથી તે પૉર્ટલૅન્ડ સિમેન્ટ તરીકે પ્રચલિત થયો હતો. ઈ. સ. 1824માં એસ્પિડિને તેની પ્રક્રિયાની પેટંટ મેળવી હતી. તે સમયે બાંધકામમાં ઉપયોગમાં લેવાતા બીજા પદાર્થો કરતાં તે વધુ મજબૂત અને જલપ્રતિરોધક હોવાથી લોકપ્રિય બન્યો હતો.

ભારતમાં સૌપ્રથમ સિમેન્ટનું ઉત્પાદન ધ સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિયલ લિમિટેડે સેલમ, તમિલનાડુમાં ઈ. સ. 1904માં શરૂ કર્યું હતું. તેમાં ચૂનાને બદલે દરિયાઈ છીપનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ સાહસ નિષ્ફળ નીવડ્યું હતું. ઈ. સ. 1914માં ઇન્ડિયન સિમેન્ટ કંપનીએ પોરબંદર, ગુજરાતમાં બ્રિટિશ ધોરણો અનુસાર પૉર્ટલૅન્ડ સિમેન્ટના ઉત્પાદનનો આરંભ કર્યો હતો. ઈ. સ. 1915માં કટની સિમેન્ટ ઍન્ડ ઇન્ડિયન કંપની લિમિટેડે મધ્યપ્રદેશમાં કટનીમાં સિમેન્ટનું ઉત્પાદન શરૂ કર્યું હતું. ઈ. સ. 1916માં બુન્દી પૉર્ટલૅન્ડ સિમેન્ટ લિમિટેડે રાજસ્થાનમાં લાહેરીમાં સિમેન્ટનું કારખાનું સ્થાપ્યું હતું. ઈ. સ. 1916માં આ ત્રણેય એકમોનું કુલ ઉત્પાદન 76,000 ટન અંદાજવામાં આવ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સિમેન્ટની આયાત ઘટતાં ઈ. સ. 1918માં ઉત્પાદન 85,000 ટન પહોંચ્યું હતું.

યુદ્ધ દરમિયાન રેલવેએ પુલો અને બીજાં બાંધકામો હાથ ધરતાં સિમેન્ટની માંગમાં વૃદ્ધિ થઈ હતી. અસ્તિત્વમાં ત્રણેય કારખાનાંના વિસ્તરણ ઉપરાંત સાત નવાં કારખાનાં સ્થપાયાં હતાં. ઈ. સ. 1924માં સિમેન્ટ-ઉદ્યોગની કુલ ઉત્પાદનક્ષમતા 5.59 લાખ ટન અને ઉત્પાદન આશરે 2.37 લાખ ટન થયું હતું. ભારતમાં સિમેન્ટ-ઉદ્યોગ પ્રગતિ કરતો હતો ત્યારે સિમેન્ટની આયાતને મંજૂરી અપાતાં તીવ્ર હરીફાઈનો આરંભ થયો હતો. કેટલાક એકમોને પડતરથી પણ નીચા ભાવે વેચાણ કરવાની ફરજ પડી હતી. પરિણામે ત્રણ કંપનીઓ ફડચામાં ગઈ હતી. સિમેન્ટ-ઉત્પાદકોની જકાતી સંરક્ષણ આપવાની વિનંતી સરકારે નકારી કાઢી હતી. ઉદ્યોગની ઉત્પાદનક્ષમતામાં ગણનાપાત્ર વૃદ્ધિ થતાં સ્પર્ધા તીવ્ર બની હતી. તેથી ઉત્પાદકોએ સ્વહિતાર્થે ભાવનિયમનના હેતુથી ભારતીય સિમેન્ટ ઉત્પાદક મંડળ(Indian Cement Manufacturers’ Association)ની રચના કરી હતી. ઈ. સ. 1927માં ગ્રાહકોને સિમેન્ટના ઉપયોગો અને લાભોથી માહિતગાર કરી તેને લોકોપભોગી બનાવવા માટે ભારતીય કૉન્ક્રીટ મંડળ(Concrete Association of India)ની શરૂઆત કરી હતી. ઈ. સ. 1930માં ભાવોનું નિયંત્રણ કરી વિતરણ-વ્યવસ્થા સંગીન કરવા માટે સિમેન્ટ માર્કેટિંગ કંપની ઑવ્ ઇન્ડિયા(CMI)ની સ્થાપના કરી હતી. આ સંગઠિત પ્રયત્નોને પરિણામે સિમેન્ટની ઉત્પાદનક્ષમતા ઈ. સ. 1934માં 10.39 લાખ ટન થઈ હતી. સિમેન્ટની કંપનીઓનો વહીવટ કરતી ચાર મૅનેજિંગ એજન્સીઓ (1) મેસર્સ કિલિક નિકસન ઍન્ડ સન્સ લિમિટેડ; (2) ટાટા સન્સ લિમિટેડ; (3) એફ. ઈ. દિનશા લિમિટેડ અને (4) મૂળરાજ ખટાઉ ઍન્ડ સન્સ લિમિટેડે સિમેન્ટ-કંપનીઓનું એકત્રીકરણ કરી ઍસોસિયેટેડ સિમેન્ટ કંપની લિમિટેડની સ્થાપના કરી હતી અને તેની પેટાકંપની તરીકે સિમેન્ટ માર્કેટિંગ કંપની ઑવ્ ઇન્ડિયાની નિમણૂક કરી હતી. આ એકત્રીકરણની પ્રક્રિયામાં સોનવેલી પૉર્ટલૅન્ડ સિમેન્ટ કંપની લિમિટેડ સામેલ થઈ ન હતી.

ઈ. સ. 1937માં દાલમિયા-જૈન જૂથે 5 અને એ.સી.સી.એ 6 નવા એકમો શરૂ કરતાં સિમેન્ટ-ઉદ્યોગમાં 11 નવાં કારખાનાં સ્થપાયાં હતાં. ઈ. સ. 1938માં મૈસૂર રાજ્યે સિમેન્ટનું કારખાનું શરૂ કરતાં ઉદ્યોગમાં જાહેર ક્ષેત્રનો પ્રવેશ થયો હતો. ઈ. સ. 1939માં દાલમિયા-જૈન જૂથ અને એ.સી.સી. વચ્ચે સિમેન્ટના ભાવ અને વહેંચણી અંગે સમજૂતી સધાઈ હતી. તેમના માલના વેચાણની વ્યવસ્થા સિમેન્ટ માર્કેટિંગ કંપની ઑવ્ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી હતી.

ઑગસ્ટ 1942માં ભારત સંરક્ષણ નિયમો હેઠળ સિમેન્ટને એક આવશ્યક વસ્તુ જાહેર કરવામાં આવી હતી. તેની વહેંચણી પર અંકુશ મૂકવામાં આવ્યો હતો. દેશમાં ઉત્પન્ન થતા આશરે 90 ટકા સિમેન્ટનો જથ્થો સરકારે અનામત રાખ્યો હતો. ઈ. સ. 1944માં સિમેન્ટના ભાવોનું પણ નિયંત્રણ કરવામાં આવ્યું હતું. તેના વહીવટ માટે એક માનાર્હ સલાહકારની નિમણૂક કરી હતી. તેમના હાથ નીચે ઉદ્યોગના પ્રાદેશિક પ્રતિનિધિઓને સલાહકાર નીમી સમગ્ર દેશમાં સમાન ભાવે સિમેન્ટની વહેંચણીની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કોલસાના પુરવઠાનો અભાવ, રેલવે-વૅગનોની અછત, પુરાણી યંત્રસામગ્રી, આઝાદીની ચળવળને કારણે અનિશ્ચિત રાજકીય પરિસ્થિતિ, કામદારોની હડતાળો વગેરેને પરિણામે ઈ. સ. 1946-47માં ઉત્પાદન ઘટીને 14.47 લાખ ટન થયું હતું.

આઝાદી મળી ત્યારે એ.સી.સી.ના 15, દાલમિયા-જૈન જૂથના 5 અને અન્ય માલિકીનાં 5 કારખાનાં મળીને દેશમાં કુલ 25 કારખાનાંની ઉત્પાદનક્ષમતા 28.67 લાખ ટન સિમેન્ટ હતી. દેશના ભાગલા થતાં આશરે 4 લાખ ટનની ઉત્પાદનક્ષમતા ધરાવતા 5 કારખાનાં પાકિસ્તાનમાં ગયાં હતાં. ભારતમાં 20 કારખાનાંની ઉત્પાદનક્ષમતા 24.67 લાખ ટન રહી હતી.

આ સમય દરમિયાન ભારતીય માનક સંસ્થાએ સિમેન્ટનાં સૌપ્રથમ ભારતીય ધોરણો નક્કી કર્યાં હતાં. તેમાં વિશ્વના બીજા દેશોની માફક સિમેન્ટમાં મૅગ્નેશિયમના 4થી 5 ટકા અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. અગાઉ બ્રિટિશ ધોરણો અનુસાર બનાવવામાં આવતા સિમેન્ટમાં મૅગ્નેશિયમનું અસ્તિત્વ સ્વીકારવામાં આવતું ન હતું. નવાં ધોરણોને પરિણામે લાખો ટન કાચો માલ, જેનો પહેલાં ઉપયોગ થઈ શકતો ન હતો તે ઉપલબ્ધ થયો હતો. ઈ. સ. 1948માં કેન્દ્ર-સરકારના ઔદ્યોગિક નીતિના ઠરાવમાં સિમેન્ટ-ઉદ્યોગને સરકારના અંકુશ અને નિયમન હેઠળની યાદીમાં સમાવાતાં તેનો વિકાસ ખાનગી ઉદ્યોગ હસ્તક રહ્યો હતો.

પ્રથમ પંચવર્ષીય યોજના(1951-66)ના આરંભકાળે દેશમાં સિમેન્ટનાં 21 કારખાનાંઓની કુલ ઉત્પાદનક્ષમતા 32.80 લાખ ટન અને ઉત્પાદન આશરે 26.92 લાખ ટન હતું. ઉદ્યોગમાં કુલ મૂડીરોકાણ રૂ. 29 કરોડ હતું. તેમાં 33,000 કામદારો રોજી મેળવતા હતા. ઈ. સ. 1954માં ઉત્તર પ્રદેશ રાજ્યે સિમેન્ટનું કારખાનું સ્થાપતાં દેશમાં જાહેર ક્ષેત્રમાં સિમેન્ટનાં બે કારખાનાં થયાં હતાં. ઈ. સ. 1955માં એ.સી.સી.ના સીંદરીમાં આવેલ રાસાયણિક ખાતરના કારખાનાએ ચૂનામાં ખાતરનો આપંક (sludge) મિશ્ર કરી દેશમાં પ્રથમ વાર મિશ્ર સિમેન્ટનું ઉત્પાદન કર્યું હતું. જુલાઈ, 1956થી સિમેન્ટની વહેંચણીનું કાર્ય રાજ્ય વ્યાપાર નિગમ(State Trading Corporation – STC)ને સોંપવામાં આવ્યું હતું.

બીજી પંચવર્ષીય યોજના (1956-61) દરમિયાન દેશમાં પ્રથમ વાર પૉર્ટલૅન્ડ વાતભઠ્ઠી ધાતુમલ (slag) સિમેન્ટ અને સફેદ સિમેન્ટના ઉત્પાદનની શરૂઆત થઈ હતી.

ઈ. સ. 1958માં જકાતપંચ(Tarriff Commission)ની ભલામણો અનુસાર સિમેન્ટના એકમનું સ્થળ અને ઉત્પાદન-પદ્ધતિને લક્ષ્યમાં રાખીને સિમેન્ટના ભાવો રૂ. 54.50થી રૂ. 80.50 સુધીના ત્રણ સ્તરમાં નક્કી કરવાની નીતિ અપનાવવામાં આવી હતી.

ત્રીજી પંચવર્ષીય યોજના(1961-66)માં સિમેન્ટ ઉત્પાદનક્ષમતા અને ઉત્પાદન-લક્ષ્યાંકો સાધવામાં ઊણપ વરતાઈ હતી. સિમેન્ટ પરના ભાવ તથા વહેંચણીનાં નિયંત્રણો દૂર થાય તો ઉદ્યોગની ક્ષમતા તેમજ ઉત્પાદનમાં વૃદ્ધિ શક્ય બને તેવી ઉદ્યોગપતિઓની રજૂઆત સ્વીકારવામાં આવી હતી. 1 જાન્યુઆરી 1966થી સિમેન્ટની વહેંચણીની જવાબદારી સરકારે ઉત્પાદકોએ રચેલી સિમેન્ટ-ફાળવણી અને સંકલન-સંસ્થા(Cement Allocation and Coordination Organisation)ને સોંપી હતી. જાન્યુઆરી 1968થી વહેંચણીની કામગીરી જાહેરક્ષેત્રમાં શરૂ કરવામાં આવેલ સિમેન્ટ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયાને સોંપવામાં આવી હતી. દેશભરમાં સિમેન્ટ એક જ ભાવે ઉપલબ્ધ થાય તે માટે ભાડા સમતલ નીતિ (freight equalisation policy) અપનાવવામાં આવી હતી. ઈ. સ. 1969માં સરકારે ત્રણ સ્તરના ભાવની નીતિને સ્થાને સિમેન્ટની કિંમત રૂ. 100/ટન ઠરાવી હતી. ઈ. સ. 1979માં તેનો ભાવ રૂ. 169.91 નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રણ સ્તરની ભાવનીતિ પુન: અપનાવી ટનદીઠ કિંમત રૂ. 185થી રૂ. 220 સુધી રાખવાનું ઠરાવ્યું હતું. જ્યારે આ ઉદ્યોગની ઉત્પાદનક્ષમતા વધારવા, નવા એકમોને પ્રોત્સાહન આપવા માટે ભાવ રૂ. 296/ રાખવામાં આવ્યો હતો. 1 જાન્યુઆરી 1982થી સરકારે હયાત એકમો માટે ભાવ રૂ. 233થી રૂ. 268.39 અને નવા તેમજ ઉત્પાદનવૃદ્ધિ કરતા એકમો માટે ભાવ રૂ. 335 નક્કી કર્યો હતો. સરકારે થોડી છૂટછાટ આપી હયાત એકમોને તેમની ઉત્પાદનક્ષમતાના 66.66 % સરકારને લેવીના નક્કી કરેલ ભાવે અને બાકીના 33.33 % બજારભાવે વેચવાની મંજૂરી આપી હતી. તેમાં પણ માંદા એકમો માટે ઉત્પાદનક્ષમતાના 50 % લેવીમાં અને બાકીના 50 % બજારભાવે વેચવાની મંજૂરી આપી હતી. જ્યારે નવા અને ઉત્પાદનવૃદ્ધિ કરતા એકમો માટે ઉત્પાદનક્ષમતાના પહેલા વર્ષમાં 37.5 %, બીજા વર્ષે 42.5 % અને ત્રીજા વર્ષે 50 % સિમેન્ટ સરકારને ફરજિયાત લેવીમાં આપવાનું ઠરાવ્યું હતું. ઈ. સ. 1985માં લેવી માટે ઉત્પાદનક્ષમતાને બદલે ઉત્પાદનનું ધોરણ અપનાવવામાં આવ્યું હતું. આ પરથી જાણી શકાશે કે બીજા વિશ્વયુદ્ધથી ઈ. સ. 1985માં સિમેન્ટ પરના અંકુશો આંશિક રીતે હઠાવી લેવામાં આવ્યા ત્યાં સુધી આ ઉદ્યોગને ભાવનિયમન અને વહેંચણી દ્વારા અંકુશમાં રાખવામાં આવ્યો હતો. તેને પૂરતો વિકાસ કરવાની સ્વતંત્રતા ન હતી. ઈ. સ. 1985 અને ઈ. સ. 1989 વચ્ચે આંશિક અંકુશમુક્તિના ગાળામાં ઉદ્યોગની ઉત્પાદનક્ષમતા તેમજ ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ થઈ હતી.

1980ના દશકમાં સિમેન્ટની તંગીને કાંઈક અંશે નિવારવા, અણવિકસિત અને અંતરિયાળ પ્રદેશોના વિકાસ માટે કેટલીક સંશોધન-સંસ્થાઓએ તૈયાર કરેલ સિમેન્ટ-ઉત્પાદનનું અનુલંબ શાફ્ટ ભઠ્ઠી તકનીકી (vertical shaft kiln technology – VSK)-આધારિત લઘુ સિમેન્ટ ઉદ્યોગ (mini cement plants) તરીકે પ્રચલિત એકમોને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવવામાં આવી. આ તકનીકીમાં સિમેન્ટ બનાવવા માટે આવશ્યક સઘળા કાચા માલનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરી શાફ્ટમાં ઉપરથી ઉમેરવામાં આવે છે. આ મિશ્રણ ગુરુત્વાકર્ષણના બળથી નીચે આવે તેટલા ટૂંક સમયમાં તેમનું સંયોજન થઈ ક્લિન્કરના સ્વરૂપમાં સિમેન્ટ મળી આવે છે. આ એકમોની ઉત્પાદનક્ષમતા દિવસના આશરે 200 ટન અંદાજવામાં આવે છે. તેમાં ઉત્પાદિત થયેલ સિમેન્ટની ગુણવત્તા વિશાળ કદના એકમોનો મુકાબલો કરી શકતી નથી; પરંતુ તેનું સીમિત અંતરિયાળ તેમજ સ્થાનિક બજારમાં વેચાણ કરી શકાય છે. સિમેન્ટ-ઉત્પાદક મંડળની માહિતી અનુસાર ઈ. સ. 2005માં ભારતમાં 365થી વધુ લઘુ સિમેન્ટ એકમો સ્થાપવામાં આવ્યા હતા. તેમની કુલ ઉત્પાદનક્ષમતા 1.10 કરોડ ટન હતી. તેમાંથી આશરે કાર્યરત 132 કારખાનાંઓનું ઉત્પાદન 60 લાખ ટન અંદાજવામાં આવ્યું હતું. વિવિધ રાજ્યોએ સહાય યોજનાઓ નીચે પછાત વિસ્તારોમાં લઘુ સિમેન્ટ એકમોની સ્થાપનાને ઉત્તેજન આપ્યું હતું. ગુજરાત રાજ્યે સહાય કરેલ વિવિધ સંશોધન-સંસ્થાઓની તકનીકી પર આધારિત પાંચ એકમોમાંથી અત્યારે ફક્ત એક જ કાર્યરત છે.

કેટલાંક વર્ષોથી ભારતમાં રાખ તેમજ ધાતુમલ સંમિશ્રિત સિમેન્ટ બજારમાં પ્રસ્તુત કરવામાં આવે છે. તે નીચી પારગમ્યતા (low peremeability), નીચું તાપમાન (lower heat hydrogen) અને વાયુ, જળ તથા માટીનાં આક્રમક તત્ત્વો સામે પ્રતિરોધકતા બક્ષે છે. સિમેન્ટના કુલ વેચાણમાં સંમિશ્રિત સિમેન્ટનો હિસ્સો 1997-98ના 29 %થી વધીને 2003-04માં આશરે 54.5 % થયો હતો.

એ રીતે તત્કાલ મિશ્ર કૉન્ક્રીટ(ready mix concrete)ના વેચાણની શરૂઆત કરવામાં આવી છે. તેને પાણી સાથે ભેળવી સીધો જ ઉપયોગમાં લઈ શકાય છે. તેનું ભવિષ્યનું વાર્ષિક બજાર આશરે 6 કરોડ ઘનમીટર અંદાજવામાં આવ્યું છે. લાર્સન ઍન્ડ ટુબ્રો, એ.સી.સી., ગ્રાસીમ, ગુજરાત અંબૂજા વગેરે તેમાં અગ્રેસર છે.

ભારતના સિમેન્ટ-ઉત્પાદનની માહિતી નીચેની સારણીમાં પ્રસ્તુત કરી છે :

સારણી : ભારતનું સિમેન્ટ-ઉત્પાદન*

વર્ષ ઉત્પાદન (લાખ ટનમાં)
1950-51 27.00
1960-61 80.00
1970-71 143.00
1980-81 186.00
1990-91 466.09
2000-01 995.20
2002-03 1163.50
2004-05 1316.00
* સ્રોત : સિમેન્ટ ઉત્પાદક મંડળ, મુંબઈ

ઉપરની સારણી દર્શાવે છે કે સરકારના અંકુશોને પરિણામે 1950-51થી 1980-81નાં 30 વર્ષોમાં ઉત્પાદન ફક્ત 7 ગણું (આશરે 159 લાખ ટન) વધ્યું હતું; જ્યારે 1985માં આંશિક અંકુશમુક્તિ અને 1991 પછીની ઉદારીકરણની નીતિને પરિણામે ઈ. સ. 1980-81થી ઈ. સ. 2004-05 વચ્ચે ઉત્પાદન 7 ગણું (આશરે 1130 લાખ ટન) વધ્યું હતું.

ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આંતરમાળખાકીય સુવિધાઓમાં ગણનાપાત્ર વૃદ્ધિ કરી દેશનો વધુ વિકાસ કરવા સરકાર પ્રયત્નશીલ બની છે. રાષ્ટ્રીય રાજ્યમાર્ગ વિકાસ યોજના (National Highway Development Project) અનુસાર 5,846 કિલોમિટરનો ચતુર્ભુજ સુવર્ણ માર્ગ, ઉત્તર-દક્ષિણ અને પૂર્વપશ્ચિમને જોડતો 7,300 કિલોમિટર લંબાઈનો રસ્તો, ગ્રામીણ રસ્તાઓની સુધારણા, 13,000 કિલોમિટરના રાજ્યમાર્ગો પર ચારથી છ ગલીઓ (lanes) તેમજ આશરે 10,000 કિલોમિટરના નવા રાજ્યમાર્ગો બાંધવાનું આયોજન છે. આ માર્ગોનો 25 % હિસ્સો કૉન્ક્રીટનો બનાવવામાં આવે તો આશરે 100 લાખ ટન સિમેન્ટની આવશ્યકતા રહે તેમ છે. આ ઉપરાંત મકાનો, ઇમારતો, પુલો, હવાઈ મથકો, બંદરો, રેલરસ્તાઓ, નહેરો, વિવિધ ઉદ્યોગો વગેરેમાં પણ ગણનાપાત્ર જથ્થામાં સિમેન્ટની માગ ઊભી થવાની શક્યતા છે. આ સઘળું ધ્યાનમાં લેતાં ઈ. સ. 2008-09માં સિમેન્ટની માગ 1,950 લાખ ટન થવાની શક્યતા છે; જ્યારે ઉત્પાદન 1,680 લાખ ટન થવાનો અંદાજ છે, જે જથ્થો માગ સંતોષવા માટે અપૂરતો ગણી શકાય.

ભારતના ઉદ્યોગપતિઓ સિમેન્ટ-ઉત્પાદન માટે આવશ્યક અદ્યતન તકનીક અપનાવવા તત્પર રહ્યા છે. જૂનાં કારખાનાંઓમાં પણ આધુનિકીકરણની પ્રક્રિયા અપનાવાઈ છે. તેમણે સૂક્ષ્મ પ્રક્રિયકો, તર્કસંગત પ્રક્રમક નિયંત્રકો, માહિતી-પ્રદર્શકો, સીમા-સંસૂચકો, ત્રુટિનિર્દેશક પ્રયુક્તિઓ વગેરે ધરાવતી આધુનિક તકનીક દ્વારા ઉત્પાદનમાં આવતા વિક્ષેપ ઘટાડી, વધુ ઉત્પાદન ઓછા ખર્ચે મેળવવાની અને સિમેન્ટની ગુણવત્તામાં ગણનાપાત્ર સુધારો સાધવાની સફળ કામગીરી કરી છે. લોખંડના કારખાનામાંથી નીકળતો ધાતુમળ, ખાતરોના કારખાનામાંથી મળતો આપંક, વીજળીના કારખાનામાંથી મળતી રાખ, ખાંડના કારખાનામાંથી મળતો રગડો જેવા રદ્દી ને પ્રદૂષિત પદાર્થોનો સિમેન્ટમાં ઉપયોગ કરી ઉત્પાદનખર્ચ સાથે પ્રદૂષણ ઘટાડવાનો પ્રયત્ન એ રીતે ચાલતો રહ્યો છે.

સિમેન્ટ-ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને રાજ્યસરકારો વિવિધ સહાય-યોજનાઓ પ્રસ્તુત કરે છે; તેમ નિકાસ કરતા એકમો નિકાસ સામે આયાત કરેલ કોલસા કે ખનિજ-તેલ પર નિશ્ચિત ટકાવારી પ્રમાણે જકાતમાફી મેળવી શકે છે. નિશ્ચિત મૂડી-રોકાણ(હાલમાં રૂ. 1 કરોડ)ની સીમામાં સિમેન્ટ-ઉદ્યોગ સ્થાપનાર કંપનીએ પર્યાવરણ-મંત્રાલયની પરવાનગી મેળવવાની આવશ્યકતા રહેતી નથી.

ભારત છેલ્લાં કેટલાંક વર્ષોથી સિમેન્ટ તેમજ ક્લિન્કરની નિકાસ નેપાળ, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મલેશિયા, શ્રીલંકા, મધ્ય અને પશ્ચિમ એશિયાના દેશો તેમજ આફ્રિકામાં કરે છે. ઈ. સ. 1994-95માં દેશમાંથી કુલ 31.7 લાખ ટન સિમેન્ટ અને ક્લિન્કરની નિકાસની કિંમત આશરે રૂ. 225 કરોડ હતી; જે ઈ. સ. 2003-04માં વધીને 33.60 લાખ ટન સિમેન્ટ અને 48.20 લાખ ટન ક્લિકંર મળીને કિંમતમાં રૂ. 846 કરોડ હતી. ક્લિન્કરની નિકાસ મુખ્યત્વે ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, તૈવાન અને થાઇલૅન્ડમાં કરવામાં આવે છે. ગુજરાત અંબૂજા, અલ્ટ્રાટેક સિમેન્ટ, સૌરાષ્ટ્ર સિમેન્ટ વગેરે પશ્ચિમ કાંઠા પર આવેલ કંપનીઓ પશ્ચિમ એશિયાના દેશોમાં નિકાસ કરે છે. આ ઉદ્યોગને કાચા માલ પરની રૉયલ્ટી, જકાત-દર, કોલસા તેમજ ખનિજ-તેલ જેવાં બળતણો પરના વેરામાં રાહત તેમજ પરિવહન માટે આંતરમાળખાકીય સવલતો પૂરી પાડવામાં આવે તો સિમેન્ટની નિકાસ 2 કરોડ ટન થવાની શક્યતા લાગે છે. લાફાર્જ એસ.એ. ફ્રાન્સની એક વિશ્વમાં મોટી ગણાતી કંપની બાંગ્લાદેશમાં ભારતમાંથી આયાત કરેલ ચૂનામાંથી સિમેન્ટ બનાવવાનું કારખાનું શરૂ કરવાનું આયોજન કરી રહ્યું છે. તેમ થશે તો દેશની નિકાસને અસર થશે તેવી માહિતી મળે છે.

ચીન વિશ્વમાં સૌથી વધુ સિમેન્ટનું ઉત્પાદન કરી પ્રથમ ક્રમે છે. તેણે ઈ. સ. 2003માં 81.3 કરોડ ટન સિમેન્ટનું ઉત્પાદન કર્યું હતું, જે વિશ્વના કુલ ઉત્પાદનનો 50 % હિસ્સો થાય છે. ચીનમાં સિમેન્ટનું ઉત્પાદન કરતા હજારો લઘુ એકમો કાર્યરત છે, જે નીચી ગુણવત્તાનો સિમેન્ટ બનાવે છે. તેમ છતાં પણ નીચા ભાવને લીધે પૂર્વએશિયાના દેશોમાં તે સરળતાથી સ્પર્ધા કરી શકે છે.

વિશ્વના વ્યક્તિદીઠ 267 કિલોગ્રામ સિમેન્ટના વપરાશની સરખામણીમાં ભારતનો વપરાશ 110 કિલોગ્રામ અંદાજવામાં આવે છે. ચીનમાં 450 કિલોગ્રામ, જાપાનમાં 631 કિલોગ્રામ અને ફ્રાન્સમાં 447 કિલોગ્રામ સિમેન્ટનો વપરાશ થાય છે.

ભારતમાં સિમેન્ટની માગમાં ગણનાપાત્ર વૃદ્ધિ થવાની શક્યતાને આધારે વિશ્વની અગ્રણી કંપનીઓ જેવી કે લાફાર્જ એસ. એ. ફ્રાન્સ (Lafarge S.A. France), હોલ્સિમ (Holcim), ઇટાલ સિમેન્ટી (Ital Cementi), હાઇડલબર્ગ જર્મની(Heidelberge Germany)એ ભારતની કેટલીક કંપનીઓ ખરીદી લીધી છે અથવા તો તેમની સાથે સહયોગ કર્યો છે. તેઓ પોતાનાં કારખાનાં સ્થાપવાની પણ વિચારણા કરે છે.

ભારતનો સિમેન્ટ-ઉદ્યોગ વિશ્વના કુલ સિમેન્ટ-ઉત્પાદનમાં 6 % હિસ્સો ધરાવે છે. દેશમાં કુલ 129 કારખાનાંની કુલ ઉત્પાદનક્ષમતા ઈ. સ. 2005માં 1,536 લાખ ટન અંદાજવામાં આવી હતી, જ્યારે 365 લઘુ સિમેન્ટ એકમોની ઉત્પાદનક્ષમતા 111 લાખ ટન હતી. તેમાંથી 132 કાર્યરત લઘુ એકમોનું ઉત્પાદન આશરે 60 લાખ ટન હતું. આ ઉદ્યોગ આશરે 1,35,000 માણસોને સીધી અને 12 લાખ માણસોને પરોક્ષ રોજગારી પૂરી પાડે છે. વિશ્વમાં ચીન પછી સિમેન્ટના ઉત્પાદનમાં તેનો ક્રમ બીજો છે. તે લગભગ રૂ. 4,000 કરોડની જકાત અને રૂ. 4,000 કરોડનો વેચાણવેરો – એ રીતે સૌથી વધુ કર ભરે છે.

ભારતની અગ્રણી સિમેન્ટ કંપનીઓમાં એસોસિયેટેડ સિમેન્ટ કંપની લિમિટેડ, અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ગુજરાત અંબૂજા સિમેન્ટ લિમિટેડ, ઇન્ડિયા સિમેન્ટ લિમિટેડ, બિરલા કૉર્પોરેશન લિમિટેડનો સમાવેશ થાય છે. તેઓ સિમેન્ટના કુલ બજારનો 50 % હિસ્સો ધરાવે છે.

ગુજરાત રાજ્ય દેશના સિમેન્ટ-ઉત્પાદનમાં ગણનાપાત્ર ફાળો આપે છે. ગુજરાતમાં સિમેન્ટનું ઉત્પાદન કરતાં કુલ 8 કારખાનાં છે. તેમનાં નામ છે : ગુજરાત અંબૂજા સિમેન્ટ લિમિટેડ, કોડીનાર (અમરેલી); ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સિક્કા (જામનગર); ગુજરાત સિદ્ધિ સિમેન્ટ લિમિટેડ, વેરાવળ (જૂનાગઢ); સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ, રાણાવાવ (જૂનાગઢ); અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ, જાફરાબાદ અને પીપાવાવ (અમરેલી) અને મગદલ્લા (સૂરત) અને સીંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અબડાસા (કચ્છ). આ કંપનીઓ દેશના કુલ સિમેન્ટ-ઉત્પાદનમાં 20 %થી 25 %નું પ્રદાન કરે છે. વળી પશ્ચિમ એશિયાના દેશોને ગણનાપાત્ર પ્રમાણમાં સિમેન્ટની નિકાસ કરવામાં આવે છે.

કાચા માલની ગણનાપાત્ર જથ્થામાં ઉપલબ્ધિને પરિણામે અને વધતી જતી માગને ધ્યાનમાં લેતાં સિમેન્ટ-ઉદ્યોગનું ભાવિ ઉજ્જ્વળ છે.

જિગીશ દેરાસરી