સિમેનોં જ્યૉર્જ (જોસેફ ક્રિશ્ચિયન) (. 13 ફેબ્રુઆરી 1903, લીજ, બેલ્જિયમ; . 1989) : પોતાના સમકાલીનોમાં સૌથી વધુ લખનાર બેલ્જિયન-ફ્રેન્ચ નવલકથાકાર અને ટૂંકી વાર્તાકાર. રહસ્ય અને ગુનાખોરી અંગેના સર્જક. ફ્રેંચ પિતા અને ડચ માતાનું સંતાન. ભેદભરમથી ભરપૂર લેખનને સાહિત્યના દરજ્જા સુધી પહોંચાડીને દુનિયાભરના બૌદ્ધિકો દ્વારા પ્રશંસા પામનાર વિચક્ષણ સાહિત્યકાર.

જ્યૉર્જ સિમેનોં

16 વર્ષની વયે છાપામાં નોકરી કરીને 19મે વર્ષે પૅરિસ ચાલ્યા ગયા. 1922થી 1936 દરમિયાન 1,500 ટૂંકી વાર્તાઓ લખી. 200 જેટલી નવલકથાઓ પણ લખી. 400 જેટલી નવલકથાઓ તખલ્લુસથી લખી. 1931માં સિમેનોંએ તેના અત્યંત લોકપ્રિય ગુપ્તચર મેઇગ્રેટ નામના પાત્રનું સર્જન કર્યું. જેને તે સદીના અત્યંત વિશ્વસનીય ગુપ્તચરનો દરજ્જો પ્રાપ્ત થયો; પરંતુ તેની શ્રેષ્ઠ કૃતિઓમાં મેઇગ્રેટની ગેરહાજરી દેખાય છે. 1949માં સર્જાયેલ ‘ધ સ્ટેઇન ઑન ધ સ્નો’માં તેમણે નાઝી શાસન દરમિયાન ત્યાંના જીવનનું હૂબહૂ ચિત્ર નિરૂપિત કર્યું છે. એક જર્મનની હત્યા કરનાર માનવીના ઇરાદા અને અંજામની એ કથા છે. ‘ધ કેસ ઑવ્ પીટર ધ લેટ’ (અનુ.) 1933માં પ્રકાશિત થઈ. 1967માં તેમની નવલકથા ‘લ દેમેંજમેન્ત’ના પ્રકાશનની સાથે ફ્રાન્સ અને ઇટાલીમાં તેમના સમસ્ત સર્જનનું પ્રકાશન થયું. માનવશાસ્ત્રીય અને રહસ્યકથાઓની સાથે તેમણે પ્રેમકથાઓ તેમજ સામાજિક અને નૈતિક પ્રશ્નોની છણાવટ કરતી વાર્તાઓ લખી. 1945થી એક દશકા સુધી તેઓ અમેરિકામાં રહ્યા અને પાછળથી ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લૅન્ડ ગયા હતા. – 1948માં લખાયેલ ‘પેડિગ્રી’ પોતાના શૈશવકાળનાં સ્મરણો વર્ણવતી આત્મકથાનક કૃતિ છે. 1965માં નિર્માણ પામેલી તેમની કૃતિ ‘ધ લિટલ સેઇન્ટ’માં એક વામન કઈ રીતે ખ્યાતનામ ચિત્રકાર બને છે તેની કથા છે. સ્વાભાવિક કાવ્યશક્તિ ધરાવતા સિમેનોં જ્યૉર્જ વ્યક્તિના વર્તનને નૈતિક ધોરણોથી પર રહીને તટસ્થતાપૂર્વક આલેખવાની શક્તિ ધરાવે છે. તેમની કથાઓમાં માનવીની લોલુપતા, ક્રૂરતા તથા હત્યા અને હિંસા આચરવાની ભાવના ને પરંપરાગત નૈતિક મૂલ્યો અને દયાભાવના વ્યક્ત કરતી જૂજ ઘટનાઓ સામે રજૂ કરીને તેમાં રહેલી વિસંવાદિતાનું અત્યંત તટસ્થતાપૂર્વક તેઓ મનોવિશ્લેષણાત્મક નિરૂપણ કરે છે. બૌદ્ધિક મનોરંજન પૂરું પાડવાની તેમની શક્તિથી અનેક મેધાવી વ્યક્તિઓ જેવી કે જીદ, ફૉર્ડ, એલિયટ, મૉન્ટેલ, ગ્રેવ્ઝ વગેરે તેમની પ્રશંસક બની હતી. ઘટનાનું સ્થળ, તેનો સમય વગેરેનું તેમણે કરેલ વર્ણન જાણે કે લેખક પોતે જ તે સ્થળે હાજર હોય અને પોતે જ જાણે કે નજરોનજર જોયું હોય તેવું હૂબહૂ હોવાથી કૃતિઓ અત્યંત દિલચસ્પ બની છે. લેખક પહેલાં પાત્ર પસંદ કરે છે અને તેને અનુરૂપ ઘટનાઓ નિર્મિત કરીને કથાનું માળખું રચે છે. તેમની સર્જનકળાની આ આગવી પ્રયુક્તિ છે. વૃદ્ધાવસ્થામાં સમૂહ-માધ્યમોનો શિકાર બનેલા સિમેનોં પોતાની મૂળ કલા-વિભાવનાથી વિચલિત થયા નહિ, પણ તેમની મર્યાદા એ રહી કે ગુનાખોરીની ઘટનાઓના માધ્યમ વિના સર્જન કરવું તેમને માટે મુશ્કેલ રહ્યું. એમની કથાઓ ઉપર અનેક ફ્રેંચ ફિલ્મોનું નિર્માણ થયું છે. ‘મૅમોયર્સ ઇનટાઇમ્સ’ (‘ઇન્ટિમેટ મૅમોયર્સ’) 1981માં ફ્રાન્સમાં અને 1984માં અમેરિકામાં પ્રકાશિત થઈ.

પંકજ સોની

વિ. પ્ર. ત્રિવેદી