સિમેનૉવ, નિકોલે નિકોલેવિચ [. 15 એપ્રિલ (જૂની રીતે પ્રમાણે 3 એપ્રિલ) 1896, સારાટૉવ, રશિયા; . 25 સપ્ટેમ્બર 1986, મૉસ્કો, આધુનિક રશિયા] : 1956ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા રશિયન ભૌતિકરસાયણવિદ. વિજ્ઞાનમાં આ પારિતોષિક મેળવનાર તેઓ પ્રથમ રશિયન વૈજ્ઞાનિક હતા. તે અગાઉ 1933માં ઇવાન બુનિનને સાહિત્ય માટે આ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

નિકોલે નિકોલેવિચ સિમેનૉવ

સેંટ પિટર્સબર્ગમાં શિક્ષણ લઈને સિમેનૉવ ત્યાંની યુનિવર્સિટીમાંથી જ 1917માં (રશિયન ક્રાંતિના વર્ષમાં) સ્નાતક બન્યા. થોડો સમય તેમણે પશ્ચિમ સાઇબીરિયાની ટૉમ્સક યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું. 1920થી 1931 દરમિયાન તેઓ લેનિનગ્રાડ એ. એફ. આયોફે ફિઝિકોટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા હતા. 1928માં તેઓ લેનિનગ્રાડ (સેંટ પિટર્સબર્ગ) પૉલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં પ્રાધ્યાપક બન્યા. 1931 બાદ તેઓ આધુનિક રશિયાની એકૅડેમી ઑવ્ સાયન્સીઝના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિકલ ફિઝિક્સના નિયામક (director), જ્યારે 1944માં તેઓ મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક બન્યા હતા.

સિમેનૉવે શૃંખલાપ્રક્રિયાઓ(chain reactions)ની પ્રવિધિ અને વિસ્ફોટ (explosion) સાથેના તેના સંબંધ અંગે મૂળભૂત સંશોધન કર્યું છે. શૃંખલાપ્રક્રિયા દરમિયાન રાસાયણિક રૂપાંતરણ (transformation) એ સામાન્ય ઘટના છે તેમ દર્શાવનાર તેઓ પ્રથમ હતા. રાસાયણિક ગતિશાસ્ત્ર (chemical kinetics) ખાસ કરીને શૃંખલા અને શાખાન્વિત (branched) શૃંખલાપ્રક્રિયાઓ અંગેના તેમના સંશોધન બદલ તેમને સર સિરિલ હિન્સેલવૂડ સાથે 1956નું નોબેલ પારિતોષિક સંયુક્ત રૂપે એનાયત કરવામાં આવ્યું હતું.

સિમેનૉવે 1934માં કેમિકલ કાઇનેટિક્સ ઍન્ડ ચેઇન રિઍક્શન્સ પુસ્તક પ્રસિદ્ધ કરેલું. જેનો અંગ્રેજી અનુવાદ 1935માં થયો હતો. 1954માં તેમણે ‘સમ પ્રૉબ્લેમ્સ ઇન કેમિકલ કાઇનેટિક્સ ઍન્ડ રિઍક્ટિવિટી’ પ્રકાશિત કર્યું હતું.

જ. પો. ત્રિવેદી