સિદ્દીકી ઑબેદ

January, 2008

સિદ્દીકી ઑબેદ (. 1 જાન્યુઆરી 1932, બસ્તી, .પ્ર.) : ખ્યાતનામ આનુવંશિક-શાસ્ત્રવિદ (જનીનશાસ્ત્રવિદ) (geneticist). અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એસસી. અને એમ.એસસી.નું શિક્ષણ લીધું. 1961માં ગ્લાસ્ગો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1961-62માં પેન્સિલવેનિયા યુનિવર્સિટી(ફિલાડેલ્ફિયા)માં પોસ્ટ ડૉક્ટરલ-સંશોધનકાર્ય કર્યું.

1953-57 દરમિયાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું. 1958-61 દરમિયાન ગ્લાસ્ગો યુનિવર્સિટીના આનુવંશિક-વિજ્ઞાન-વિભાગમાં સંશોધન સ્કૉલર તરીકે કાર્ય કર્યું. 1961માં ગોલ્ડ સંપ્રગ હાર્બર બાયૉલૉજિકલ લૅબોરેટરી(યુ.એસ.)માં સંશોધન-વિજ્ઞાની તરીકે રહ્યા. 1961-62માં પેન્સિલવેનિયા યુનિવર્સિટી(યુ.એસ.)માં સંશોધન-વિજ્ઞાની તરીકે રહ્યા. 1970-71માં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(યુ.એસ.)માં જીવવિજ્ઞાનના મુલાકાતી અધ્યાપક તરીકે કામગીરી બજાવી. 1972-73માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં ગોસ્ની (Gosney) ફેલો તરીકે રહ્યા. 1981-82માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં શેરમાન ફૅરચાઇલ્ડ વિશ્રુત સ્કૉલર તરીકે રહ્યા. 1962માં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ(મુંબઈ)માં આણ્વિક જીવશાસ્ત્ર-(molecular biology)ના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા.

ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સિઝ; ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી; રૉયલ સોસાયટી ઑવ્ લંડન (1984); થર્ડ વર્લ્ડ એકૅડેમી ઑવ્ સાયન્સિઝ તથા મહારાષ્ટ્ર એકૅડેમી ઑવ્ સાયન્સિઝના ફેલો તરીકે રહ્યા.

1976માં શાંતિસ્વરૂપ ભટનાગર પારિતોષિક; 1984માં ‘પદ્મભૂષણ’નો ઍવૉર્ડ; 1986માં ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીનો ગોલ્ડન જ્યુબિલી ચંદ્રક; 1989માં બિરલા સ્મારક કોષ રાષ્ટ્રીય પુરસ્કાર તથા 1996નો આર્યભટ્ટ ચંદ્રક તેમને મળ્યા. 1984માં અલીગઢ યુનિવર્સિટીએ તથા 1991માં બનારસ હિન્દુ યુનિવર્સિટીએ માનાર્હ ડી.એસસી.ની ઉપાધિ આપી.

પ્રો. સિદ્દીકી જનીનશાસ્ત્રના અભ્યાસી હોવાને નાતે તેમણે જનીન-સ્થાનાંતરણ(gene-transfer)ના ક્ષેત્રે, સૂક્ષ્મજીવમાં પુનર્યોજન-ક્ષેત્રે તથા જનીન-અભિવ્યક્તિના નિયમન-ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપ્યો છે. તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત સામયિકોમાં કેટલાય સંશોધનલેખો પ્રગટ કર્યા છે.

તેમણે ‘મૉલેક્યુલર અને જનરલ જેનેટિક્સ’, ‘જર્નલ્સ ઑવ્ બાયૉસાયન્સિઝ’, ‘ઇન્ડિયન જર્નલ ઑવ્ એક્સપેરિમેન્ટલ બાયૉલૉજી’, ‘જર્નલ ઑવ્ જેનેટિક્સ ઍન્ડ કેમિકલ સાયન્સિઝ’ વગેરેના સંપાદક-મંડળના સભ્ય તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી છે. ‘પ્રૉસિડિંગ્ઝ ઑવ્ રૉયલ સોસાયટી’(લંડન)ના સંપાદક તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે.

પ્રહલાદ છ. પટેલ