સિદ્દીકી ઇખ્તિયારખાન

January, 2008

સિદ્દીકી, ઇખ્તિયારખાન : ગુજરાતના સુલતાન બહાદુરશાહ(1527-1536)ના મુખ્ય અમીરોમાંનો એક. સુલતાન બહાદુરશાહે ચિતોડ જીત્યા પછી ઈ. સ. 1535માં એને મુઘલ સમ્રાટ હુમાયૂં સાથે મંદસોર પાસે જે લડાઈ થઈ એમાં બહાદુરશાહનો પરાજય થયો. તેથી તે માંડુથી કેટલાંક સ્થળોએ જઈને ચાંપાનેર આવ્યો. હુમાયૂં પણ તેનો પીછો કરતો ચાંપાનેર સુધી આવ્યો. એટલે બહાદુરશાહે ચાંપાનેરના રક્ષણની કામગીરી એના બે વિશ્વાસુ સરદારો ઇખ્તિયારખાન સિદ્દીકી અને રાજા નરસિંહરાવને સોંપી. રાજા નરસિંહરાવ ગ્વાલિયરના રાજાના પિતરાઈ ભાઈ હતા. બહાદુરશાહ ખંભાત થઈને દીવ તરફ ગયો. હુમાયૂંએ ચાંપાનેરના (પાવાગઢના) કિલ્લા પર આક્રમણ કર્યું. રાજા નરસિંહરાવના મૃત્યુ પછી ઇખ્તિયારખાન કિલ્લાનું રક્ષણ કરી રહ્યો હતો; પરંતુ હુમાયૂંના સાહસ અને શૂરવીરતાને કારણે ઇખ્તિયારખાનનો પરાજય થયો. એણે શરણાગતિ સ્વીકારી. હુમાયૂંએ આ અજેય કિલ્લો કબજે કરી 9મી ઑગસ્ટ, 1535ના રોજ તેમાં વિજયપ્રવેશ કર્યો.

સને 1536માં સુલતાન બહાદુરશાહના અવસાન પછી ખાનદેશમાં રહેતા એના વફાદાર ભાણેજ મીર મુહમ્મદશાહને બહાદુરશાહના અમીરોએ ગુજરાતના સુલતાન તરીકે જાહેર કર્યો; પરંતુ બુરહાનપુરથી ગુજરાત આવતાં માર્ગમાં 4 મે, 1537ના રોજ એનું આકસ્મિક અવસાન થયું. એ પછી બધા અમીરોએ સુલતાન બહાદુરશાહના ભાઈ લતીફખાનના 11 વર્ષના પુત્ર મહમૂદખાનને ગુજરાતના સુલતાન તરીકે પસંદ કર્યો. એ વખતે મહમૂદખાન ખાનદેશના સુલતાન મુહમ્મદશાહ 3જાની નજરકેદમાં હતો. સુલતાનના ઉત્તરાધિકારી મુબારક 2જાએ એને સોંપવા ઇનકાર કર્યો. તેથી ગુજરાતનો અમીર ઇખ્તિયારખાન સિદ્દીકી લશ્કર લઈને ખાનદેશ ગયો અને એને અમદાવાદ લઈ આવ્યો. આ પ્રસંગ ઇખ્તિયારખાનની શક્તિ અને સાહસનો સૂચક છે. એ પછી એને તખ્તનશીન કરીને એને ગુજરાતના સુલતાન મહમૂદશાહ 3જા તરીકે જાહેર કરવામાં આવ્યો. એણે 1537થી 1554 સુધી રાજ્ય કર્યું.

શરૂઆતમાં મહમૂદશાહ 3જાની સગીરાવસ્થાને કારણે રાજ્યની બધી સત્તા એના અમીરો ભોગવતા હતા. આ અમીરોમાં દરિયાખાન હુસેન, ઇખ્તિયારખાન સિદ્દીકી, ઇમાદુલમુલ્ક મલેકજી અને આલમખાન લોદીનો સમાવેશ થતો હતો. થોડા સમય પછી આ અમીરો વચ્ચે સત્તા માટે ખટપટ અને હરીફાઈ શરૂ થઈ. દરિયાખાને ઇમાદુલમુલ્ક મલેકજીને પોતાના પક્ષમાં લીધો. એની મદદથી એણે ઇખ્તિયારખાન સિદ્દીકી તથા તેના પુત્રનાં ખૂન કરાવ્યાં અને ગુજરાત સલ્તનત પર પોતાનો સંપૂર્ણ કાબૂ જમાવ્યો.

આમ, સુલતાન બહાદુરશાહના એક શક્તિશાળી અમીર ઇખ્તિયારખાન સિદ્દીકીની કારકિર્દીનો 1540 આસપાસ અમીરોની દગાબાજીને કારણે કરુણ અંત આવ્યો. સલ્તનતકાલ દરમિયાન ગુજરાતમાં અને દિલ્હીમાં ઘણા અમીરોનાં આવી રીતે વિશ્વાસઘાતથી ખૂન થયાં હતાં.

મુગટલાલ પોપટલાલ બાવીસી