સિદ્દીકી અબ્દુલ સત્તાર (અબ્દુલ ગફ્ફાર)

January, 2008

સિદ્દીકી, અબ્દુલ સત્તાર (અબ્દુલ ગફ્ફાર) (. 26 ડિસેમ્બર 1885, સુંદેલા, જિ. હરદોઈ, ઉત્તરપ્રદેશ; . 28 જુલાઈ 1972, અલ્લાહાબાદ) : અરબી-ફારસી-ઉર્દૂના મહાન સંશોધક વિદ્વાન અને ભાષાવિદ. તેમના પિતા હૈદરાબાદ રાજ્યમાં નાણાખાતાના અફસર હતા. તેથી તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ હૈદરાબાદમાં અને ઉચ્ચ શિક્ષણ અલીગઢમાં થયું. 1907માં બી.એ., 1912માં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ વધુ અભ્યાસાર્થે જર્મનીમાં સ્ટ્રૉસ્બર્ગ યુનિવર્સિટીમાં જોડાયા. ત્યાં અરબી ભાષામાં પારંગત બન્યા.

તેઓ ઉર્દૂ, અરબી, ફારસી અને અંગ્રેજી તથા હિંદી ભાષાના જાણકાર હતા. જર્મનીમાં તેમણે અરબી-ફારસી ભાષા-સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. તુર્કી અને ઇબ્રાની ભાષાનું જ્ઞાન પણ તેમણે સંપાદન કર્યું. તેમણે અવેસ્તા, પહેલવી, ઝંદ અને પ્રાચીન ફારસીની સાથે અર્વાચીન ફારસી ભાષાઓ તથા અંગ્રેજી ધ્વનિશાસ્ત્ર (ફૉનેટિક્સ), સંસ્કૃત વ્યાકરણ અને લલિત કલા વિશે જાણકારી મેળવી. 1916માં લૅટિન ભાષામાં ઉત્તીર્ણ થયા. જર્મન અને ગ્રીક ભાષા પણ શીખ્યા. તેઓ ‘તુલનાત્મક લિસાનિયાત’ના સિદ્ધાંતોથી પરિચિત થયા. 1917માં તેમણે પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી.

1919માં તેઓ ભારત પાછા ફર્યા પછી 1920માં મુસ્લિમ યુનિવર્સિટી, અલીગઢમાં અરબીના સંશોધક-પ્રોફેસર બન્યા. 1920-24માં ઉસ્માનિયા યુનિવર્સિટીમાં આચાર્ય, 1924-28માં ઢાકા યુનિવર્સિટીમાં અરબી-ઇસ્લામિયા વિભાગના અધ્યક્ષ રહ્યા. 1925-27 દરમિયાન તેમણે એન્સાઇક્લોપીડિયા ઑવ્ ઇસ્લામમાં મહત્ત્વનું પ્રદાન કર્યું. 1928થી 1946 દરમિયાન અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં અરબી-ફારસી વિભાગના અધ્યક્ષ રહ્યા. નિવૃત્તિ બાદ તેઓ ઇમેરિટસ નિમાયા. લિંગ્વિસ્ટિક સોસાયટી ઑવ્ ઇન્ડિયાના બુનિયાદી સભ્ય તેમજ અંજુમન તરક્કી-ઉર્દૂના આજીવન સભ્ય થવાનું ગૌરવ પણ તેમણે પ્રાપ્ત કર્યું હતું.

તેમના નિબંધો મોટાભાગે વ્યુત્પત્તિ, વ્યાકરણ, જોડણી જેવા ભાષાશાસ્ત્રના અનેક વિષયોને આવરી લે છે. આ નિબંધો ભારત તેમજ પાકિસ્તાનમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. તેમને રાષ્ટ્રપતિ ઍવૉર્ડ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા