સિથેરેક્સિલમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની ક્ષુપ કે વૃક્ષ-સ્વરૂપ ધરાવતી એક પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણ-કટિબંધીય મધ્ય અને દક્ષિણ અમેરિકામાં થયેલું છે. ભારતીય ઉદ્યાનોમાં તેની બે જાતિઓ શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે.

Citharexylum fruticosum Linn. Syn. C. subserratum Sw. (બ્લૅક ફિડલવૂડ) ક્ષુપ કે નાનું સુંદર વૃક્ષ-સ્વરૂપ ધરાવે છે. તેનું થડ 16 મી. જેટલું ઊંચું હોય છે અને 21 સેમી. વ્યાસ ધરાવે છે. પર્ણો સાદાં, સંમુખ ચતુષ્ક (opposite-decussate), 4.21 સેમી. લાંબાં અને 1.6 સેમી. પહોળાં હોય છે. પુષ્પો નાનાં, સફેદ અને સુગંધિત હોય છે અને કક્ષીય કે અગ્રીય લાંબી લટકતી કલગી(raceme)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુષ્પનિર્માણ ઑક્ટોબરની આસપાસ થાય છે. તે સમયે વૃક્ષ પરથી પર્ણો ખરી પડે છે. પુષ્પોની સુગંધી લાંબા અંતર સુધી ફેલાય છે; તેથી આ વૃક્ષ ઉદ્યાનમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.

આ વૃક્ષની શાખાઓ ત્રણ-ચાર વર્ષે એક વાર કાપવાથી નવી ફૂટ આવે છે, જેથી તે વધારે સુંદર દેખાય છે. તેની વંશવૃદ્ધિ તેની શાખાઓના લાંબા કટકાઓના રોપણ દ્વારા કરવામાં આવે છે.

તેનું કાષ્ઠ ખૂબ સખત, ભારે અને મજબૂત હોય છે. તેનો ઉપયોગ ફર્નિચર, સંગીતનાં સાધનો અને ઘરના બાંધકામ માટે થાય છે. પ્રકાંડનો ઉપયોગ વાડના જીવંત થાંભલા તરીકે પણ થાય છે. કાષ્ઠનો ઉપયોગ કોલસો બનાવવામાં થાય છે. વૃક્ષ મધમાખીઓ માટે મધનો સ્રોત ગણાય છે. પર્ણો ઇરિડોઇડ ગ્લાયકોસાઇડ, 5, 4´-ડાઇહાઇડ્રૉક્સિ-7-3´-ડાઇમિથોક્સિફ્લેવૉન-6-ગ્લુકોસાઇડ, મિથાઇલ મિથૉક્સિસિનેમેટ, મિથાઇલ સિનેમેટ, સિટોસ્ટેરોલ અને તેનો ગ્લુકોસાઇડ અને અર્સોલિક ઍસિડ અને તેનો એસિટેટ ધરાવે છે.

C. spinosum Linn. Syn. C. quadrangular Jacq. (સફેદ ફીડલવૂડ) ક્ષુપ કે વૃક્ષ છે અને તેનાં સુગંધિત પુષ્પો માટે ઉદ્યાનોમાં વાવવામાં આવે છે. કાષ્ઠનો ઉપયોગ C. fruticosum-ની જેમ જ થાય છે. વૃક્ષનો ઉપયોગ અન્ય વનસ્પતિઓની સાથે વાતરોધ (windbreak) માટે કરવામાં આવે છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ