સિટાઇલ આલ્કોહૉલ

January, 2008

સિટાઇલ આલ્કોહૉલ (1હેક્ઝાડેકેનોલ) : ઍલિફૅટિક આલ્કોહૉલની શ્રેણીમાં C16 કાર્બનવાળો સભ્ય. સ્પર્મવહેલમાંથી મળતા સ્પર્મેસીતિ વૅક્સને કૉસ્ટિક પોટાશ સાથે ગરમ કરીને સૌપ્રથમ 1817માં બનાવાયેલો તથા 1836માં તેનું બંધારણ CH3(CH2)15OH હોવાનું સાબિત થયેલું.

તેનું ઔદ્યોગિક ઉત્પાદન ચરબીજ પદાર્થોમાંથી મળતા પામીટિક ઍસિડને સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા દ્વારા અને ઇથિલીનનું કેટલાંક ઍલ્યુમિનિયમ-સંયોજનોની હાજરીમાં બહુલીકરણ દ્વારા કરવામાં આવે છે. તેનો પામીટિક ઍસિડ સાથે બનતો એસ્ટર લગભગ 90 % પ્રમાણમાં સ્પર્મેસીતિ વૅક્સમાં હોય છે. ઊની ચરબી(wool-fat)માં પણ તે એસ્ટર-સ્વરૂપમાં હોય છે. તેનું ગલનબિંદુ 49° સે. છે. તે પાણીમાં અદ્રાવ્ય, પણ આલ્કોહૉલ, ક્લૉરોફૉર્મ, ઈથર વગેરેમાં દ્રાવ્ય છે.

સિટાઇલ આલ્કોહૉલ સૌન્દર્ય-પ્રસાધનો, મલમો, સ્નેહકોમાં ઉમેરણ તરીકે, ફીણ ઉપજાવવા માટે તેમજ લૉન્ડ્રી-ડિટરજન્ટ તરીકે વપરાય છે. ખૂબ મોટાં જળાશયો કે જળસંગ્રાહકોમાંથી બાષ્પીભવનથી પાણી ઊડી જાય નહિ તે માટે તેમની જળસપાટી ઉપર સિટાઇલ આલ્કોહૉલનું પાતળું પડ (surface film) કરવામાં આવે છે.

આ આલ્કોહૉલ સોડિયમ આલ્કાઇલ સલ્ફેટ ROSO2ONa સ્વરૂપે પ્રક્ષાલક, આર્દ્રક, જંતુઘ્ન તેમજ ફૂગરોધક તરીકે વપરાય છે.

જ. પો. ત્રિવેદી