સિટીઝન કેન : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1941. ભાષા : અંગ્રેજી. શ્વેત અને શ્યામ. નિર્માતા અને દિગ્દર્શક : ઓરઝન વેલ્સ. પટકથા : ઓરઝન વેલ્સ, હર્મન મેન્કિવિક્ઝ. છબિકલા : ગ્રેગ ટોલૅન્ડ. સંગીત : બર્નાર્ડ હરમાન. મુખ્ય કલાકારો : ઓરઝન વેલ્સ, હેરી શેનન, જૉસેફ કોટન, ડોરોથી કમિંગોર, રે કોલિન્સ, જ્યૉર્જ કોલોરિસ, પોલ સ્ટુઅર્ટ, રૂથ વૉરિક.

ચિત્રની કથા એક અખબારી સામ્રાજ્યના માલિક ચાર્લ્સ ફૉસ્ટર કેનને કેન્દ્રમાં રાખે છે, પણ એ વખતના અખબારી માંધાતા વિલિયમ રેન્ડૉલ્ફ હર્સ્ટના જીવન પરથી તે લેવાઈ હોવાનું ચર્ચાસ્પદ બનતાં આ ચિત્રને પ્રદર્શિત થતું અટકાવવા માટે હર્સ્ટે તમામ પ્રકારના પ્રયાસ કર્યા હતા, પણ અંતે ચિત્ર પ્રદર્શિત થયું જ હતું. વાર્તાનું કેન્દ્રીય પાત્ર ચાર્લ્સ ફૉસ્ટર કેન ધનાઢ્ય અને વગદાર છે. ‘સિટીઝન કેન’ નામના અખબારનો તે માલિક છે. તે કોઈ પણ રાજકીય નેતાની કારકિર્દી બનાવી કે બગાડી શકે એવો સક્ષમ છે. 78 વર્ષની ઉંમરે જ્યારે તે અંતિમ શ્વાસ લે છે ત્યાંથી ચિત્રનો પ્રારંભ થાય છે. તેના અંતિમ શબ્દો છે ‘રોઝ બડ’. આ શબ્દો હરકોઈ માટે એક રહસ્ય ઊભું કરે છે. આ શબ્દો પાછળનું રહસ્ય શું છે તે જાણવા બધા આતુર છે. ‘માર્ચ ઑવ્ ધ ન્યૂઝ’ નામના દસ્તાવેજી ચિત્રોના સંપાદકને પણ તેમાં રસ પડે છે. તે આ શબ્દો પાછળનો ભેદ જાણી લાવવા એક પત્રકારને કામ સોંપે છે. શા માટે ચાર્લ્સ કેને ‘રોઝ બડ’ શબ્દો જ ઉચ્ચાર્યા ? – એમ કહીને તે શું કહેવા માંગતો હતો તેનો ભેદ ઉકેલવા પત્રકાર કામે લાગી જાય છે. તે કેન સાથે સંકળાયેલા અનેક પ્રકારના લોકોને મળે છે, અને તેનું બાળપણ, તેની રાજકીય કારકિર્દી અને મહત્ત્વાકાંક્ષાઓ, સ્ત્રીઓ સાથેના તેના સંબંધો, ચલચિત્રજગતમાં તેની દખલગીરી અને કલાકારો તથા ખાસ કરીને અભિનેત્રી સાથેની તેની નિકટતા તથા તેના પોતાના અખબારી વ્યવસાયને લગતી તમામ પ્રકારની માહિતી તે એકઠી કરે છે. આ માહિતી વિવિધ સ્વરૂપે પ્રેક્ષકો સામે આવતી રહે છે અને તેમાંથી બાળપણથી માંડીને 78 વર્ષની વય સુધીના કેનની જીવનકિતાબનાં પાનાં ખૂલતાં જાય છે. જુદી જુદી વ્યક્તિઓ પાસેથી તેઓ જે રીતે કેનને ઓળખતા હતા કે મૂલવતા હતા તે વિગતોમાંથી એક પછી એક કડી જોડાતી રહે છે. આ બધા પ્રસંગો કાળની દૃષ્ટિએ ક્રમબદ્ધ નહિ, પણ આગળપાછળ દર્શાવાયા છે, કારણ કે માહિતી આપનારા કેનના જીવનના કોઈ પણ સમયગાળાની વાત કરતા હોય છે. અંતે ‘રોઝ બડ’ શબ્દો સુધી પ્રેક્ષકો પહોંચી જાય છે. કેન નાનપણમાં એક ગાડી વડે રમતો. એ ગાડીનું નામ ‘રોઝ બડ’ હતું. ગાડી પર એ શબ્દો લખેલા હતા. મકાનમાં આગ લાગવાને કારણે ઘણા સામાન સાથે એ ગાડી પણ ખાખ થઈ ગઈ હતી. મૃત્યુ વખતે કેનને બીજું કંઈ નહિ, પણ તેની એ ગાડી યાદ આવી હતી, પણ તેને લઈને કથાનકની રીતે ગૂંથણી કરાઈ અને કેનનું ચરિત્ર ઉપસાવાયું એ અદભત બની રહ્યું. ચિત્રમાં ચાર્લ્સ કેનનું કેન્દ્રીય પાત્ર દિગ્દર્શક ઓરઝન વેલ્સે ભજવ્યું હતું. આ ચિત્રને શ્રેષ્ઠ પટકથાનો ઓસ્કાર મળ્યો હતો.

ઓરઝન વેલ્સ કઈ રીતે હૉલિવુડમાં આવ્યા અને પ્રથમ ચિત્ર ‘સિટીઝન કેન’ બનાવવાનો વિચાર કઈ રીતે ઉદ્ભવ્યો ત્યાંથી માંડીને ચિત્રના નિર્માણ દરમિયાન અને તે પછી જે ઘટનાઓ બનતી રહી, ખાસ કરીને અખબારી માંધાતા વિલિયમ રેન્ડોલ્ફ હર્સ્ટે આ ચિત્રને માત્ર પ્રદર્શિત ન થવા દેવાના જ નહિ, તેનો નાશ કરવાના જે પ્રયાસો કર્યા હતા તેનું નિરૂપણ કરતું એક ચિત્ર ‘આરકેઓ 281’ 1999માં ટેલિવિઝન માટે બનાવાયું હતું. તેનું દિગ્દર્શન બેન્જામિન રોઝે કર્યું હતું અને તેમાં લેવ શ્રેઇબરે ઓરઝન વેલ્સની, જેમ્સ ક્રોમવેલે વિલિયમ રેન્ડૉલ્ફ હર્સ્ટની અને જૉન માલકૉવિચે પટકથાલેખક હર્મન મેન્કિવિક્ઝની ભૂમિકા ભજવી હતી.

હરસુખ થાનકી