સિટવેલ ડેઇમ એડિથ

January, 2008

સિટવેલ, ડેઇમ એડિથ (. 7 સપ્ટેમ્બર 1887, સ્કારબરૉ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; . 9 ડિસેમ્બર 1964, લંડન) : અંગ્રેજ કવયિત્રી. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તીવ્ર સંવેદના અને માનવસંબંધોનાં ઊંડાણો વિશેની સમજ ધરાવનાર કવયિત્રી તરીકે તેમનું નામ જાણીતું થયું.

ડેઇમ એડિથ સિટવેલ

 તેમનું વ્યક્તિત્વ સમજવું અત્યંત અઘરું છે. તેમનો પહેરવેશ એલિઝાબેથના યુગનો હતો. તેમના અભિપ્રાયો હંમેશ માટે તરંગી અને વિચિત્ર લાગે તેવા હતા. પિતા સર જ્યૉર્જ સિટવેલ અને ભાઈઓ સર ઓસ્બર્ટ અને સર સેક્વેરેલ સિટવેલ હતા. ‘ધ મધર ઍન્ડ અધર પોએમ્સ’ (1915) કાવ્યસંગ્રહ છે. ‘વ્હિલ્સ’ (1916) વાર્ષિક ધોરણે પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ છે. તેમાં ચીલાચાલુ કવિતા સામે તેમના ભાઈઓ સાથે તેમણે કરેલો બળવો છે. ‘ક્લાઉન્સ હાઉસિઝ’ (1918), ‘બ્યૂકોલિક કૉમેડીઝ’ (1923), ‘ધ સ્લીપિંગ બ્યૂટી’ (1924) કાવ્યસંગ્રહોમાં પ્રત્યક્ષ દેખાતી સંવેદના અને સંગીતનો સુમેળ થયો છે. ‘ગોલ્ડ કોસ્ટ કસ્ટમ્સ’(1929)માં આધુનિક યુરોપ અને પ્રાચીન આફ્રિકાની સરખામણી છે. તેમણે કાવ્યની સૃદૃષ્ટિમાં પોતાની કલ્પનાની સુંદર વસ્તુઓનું સર્જન, બાલસહજ અને તદ્દન અજાણ્યાં લાગે તેવાં પ્રતીકો પર ડબ્લ્યૂ. બી. યેટ્સ અને ટી. એસ. ઇલિયટની પ્રબળ અસર દેખાય છે. કવિતામાં અવાજને પોતાનું આગવું મૂલ્ય છે એમ એડિથનું માનવું હતું. ‘ફેકેડ’(1923)નાં કાવ્યો માટે સર એડવિન વૉલ્ટને સંગીત રચી આપેલું. ‘કલેક્ટેડ પોએમ્સ’(1930)માં તેમનાં કેટલાંક કાવ્યો પ્રસિદ્ધ થયાં હતાં. ‘સ્ટ્રીટ સાગ્ઝ’ (1942), ‘ગ્રીન સાગ’ (1944), ‘સૉન્ગ ઑવ્ ધ કોલ્ડ’ (1945) દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પ્રસિદ્ધ થયેલ. તેમાં કાવ્યના કસબની આગવી કાર્યરીતિ છે. ઊંડા દુ:ખની લાગણી અને આધ્યાત્મિકતા ચોખ્ખાં વરતાય છે. ‘ગાર્ડનર્સ ઍન્ડ ઍસ્ટ્રોનૉમર્સ’ (1953) અને ‘ધી આઉટકાસ્ટ્સ’(1962)માં ધાર્મિક પ્રતીકો પર વિશેષ ઝોક છે. કરુણ ભવ્યતા અને શબ્દ પર ભાર મૂકનારું કે તેના અર્થમાં વધારો કરનારી અસરકારક તીવ્રતા એડિથની કાવ્યપ્રતિભાનું આગવું લક્ષણ છે. 1955માં રોમન કૅથલિક ચર્ચે તેમને આદરસહિત પ્રવેશ આપેલો.

વિશાળ વાચન અને વિદ્વત્તા અને વિલીન થઈ ગયેલ કુલીનયુગ પરત્વેના તેમના પક્ષપાત અને અભિરુચિનો ખ્યાલ તેમના ગદ્યમાં લખાયેલાં પુસ્તકો દ્વારા મળે છે. ‘ઍલેક્ઝાન્ડર પોપ’ (1930), ‘બાથ’ (1932), ‘ધી ઇન્ગ્લિશ એક્સેન્ટ્રિક્સ’ (1933) નોંધપાત્ર છે. ‘આઇ લિવ અન્ડર અ બ્લૅક સન’ (1937) સ્વિક્ટ્ના જીવન પર આધારિત નવલકથા છે. ‘અ પોએટ્સ નોટબુક’ (1943) અને ‘અ નોટબુક ઑન વિલિયમ શૅક્સપિયર’ (1948) પણ લોકપ્રિય છે. તેઓ અમેરિકાની મુલાકાતે ગયેલાં. રાણી એલિઝાબેથની કિશોરી-અવસ્થા પરની ફિલ્મ વિશેની સ્ક્રિપ્ટ તેમણે તૈયાર કરી આપેલી. મૂળ જીવનચરિત્રનું શીર્ષક ‘અ ફેનફેર ફૉર એલિઝાબેથ’ (1946) છે. ‘સિલેક્ટેડ લેટર્સ’ (1970) લેહમૅન અને ડેરેક પાર્કરે સંપાદન કરેલ છે. ‘ડૅમ ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’ તરીકેનો ઇલકાબ તેમને 1954માં અર્પણ થયેલો. જ્હૉન પિયર્સને ‘ધ સિટવેલ્સ : અ ફેમિલી બાયૉગ્રાફી’ 1980માં પ્રસિદ્ધ કરી છે.

પંકજ સોની

વિ. પ્ર. ત્રિવેદી