સિજવિક હેન્રી

January, 2008

સિજવિક, હેન્રી (. 31 મે 1838, સ્કિપટૉન, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; . 28 ઑગસ્ટ 1900) : જ્હૉન સ્ટૂઅર્ટ મિલ અને જેરિ બેન્થમની જેમ જ પાશ્ર્ચાત્ય (ઇંગ્લિશ) નીતિશાસ્ત્રમાં સુખવાદી ઉપયોગિતાવાદ-(hedonistic utilitarianism)માં ખૂબ જ મહત્ત્વનું યોગદાન કરનાર વિદ્વાન. સિજવિકે કૅમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે 1869થી 1900 સુધી કેમ્બ્રિજમાં જ અધ્યાપનકાર્ય કર્યું હતું. સિજવિકે શિક્ષણસુધારણાના ક્ષેત્રે તેમજ મહિલાશિક્ષણને પ્રોત્સાહન આપવાની બાબતમાં ખૂબ જ સક્રિય રહીને કામ કર્યું હતું. ઇન્ડિયન સિવિલ સર્વિસ (ICS) માટેની સેનેટની કાઉન્સિલના પણ તેઓ સભ્ય હતા.

હેન્રી સિજવિક

‘સોસાયટી ઑવ્ સાય્કિકલ રિસર્ચ’ના તેઓ સ્થાપક હતા અને કેટલાક સમય માટે તેઓ તેના અધ્યક્ષપદે પણ રહ્યા હતા.

નૈતિકતાના આધાર તરીકે આત્માની મરણોત્તર હયાતીમાં માનવાની આવશ્યકતા સિજવિકને સમજાઈ હતી અને જો કોઈક રીતે વ્યક્તિના મરણોત્તર અસ્તિત્વના સંકેતો મળે, કોઈ અસાધારણ મનોવૈજ્ઞાનિક અનુભવો (paranormal experience) સાબિત થાય તેવી શોધનું કાર્ય તેમને મહત્ત્વનું લાગ્યું; તેથી જ આ સંસ્થામાં તેઓ સક્રિય રહ્યા. આ સંસ્થામાં અનેક સંશોધનો થયાં હતાં. મૃતાત્માને કોઈ વાહક વ્યક્તિ (medium) દ્વારા બોલાવી શકાય કે કેમ તે અંગે પણ પ્રયોગો થયા. જોકે કશું નક્કર તેવાં સંશોધનોથી સ્થપાયું તો નથી જ. સિજવિકનું સહુથી જાણીતું થયેલું પુસ્તક છે ‘ધ મેથડ્સ ઑવ્ એથિક્સ’ (The Methods of Ethics) (1874). સિજવિકના જીવનકાળ દરમિયાન જ તેની પાંચ આવૃત્તિઓ પ્રકાશિત થઈ હતી. આ પુસ્તક પછી જે તેમનું બીજું ખૂબ લોકપ્રિય પુસ્તક છે તેનું શીર્ષક છે ‘આઉટલાઇન્સ ઑવ્ ધ હિસ્ટ્રી ઑવ્ એથિક્સ ફૉર ઇંગ્લિશ રીડર્સ’ (Outlines of the History of Ethics for English Readers) (1886). આ ઉપરાંત તેમના પ્રકાશિત ગ્રંથોમાં કેટલાક આ પ્રમાણે છે : ‘ધ પ્રિન્સિપલ ઑવ્ પૉલિટિકલ ઇકૉનૉમી’ (The Principles of Political Economy) (1883); ‘ધ એલીમેન્ટ ઑવ્ પૉલિટિક્સ’ (The Element of Politics) (1891).

તેમના મૃત્યુ પછી પ્રકાશિત થયેલા કેટલાક ગ્રંથો આ પ્રમાણે છે : ‘લેક્ચર્સ ઑવ્ ધ એથિક્સ ઑવ્ ટી. એચ. ગ્રીન, એચ. સ્પેન્સર ઍન્ડ જે. માર્ટિની ડબ્લ્યૂ.’ (Lectures on the Ethics of T. H. Green, H. Spencer and J. Martinea W.) (1902); ‘લેક્ચર્સ ઑવ્ ધ ફિલૉસૉફી ઑવ્ કાન્ટ ઍન્ડ અધર ફિલૉસિફકલ લેક્ચર્સ ઍન્ડ એસેઝ’ (Lectures on the Philosophy of Kant and Other Philosophical Lectures and Essays) (1905).

સિજવિકનું મુખ્ય પ્રદાન નીતિશાસ્ત્રના ક્ષેત્રે હતું તે જોતાં, અહીં પહેલાં પાશ્ર્ચાત્ય નીતિશાસ્ત્રનો સંદર્ભ સ્પષ્ટ કર્યો છે અને પછી સિજવિકે તેમાં શું પ્રદાન કર્યું છે તેની રજૂઆત કરી છે :

(I) પાશ્ર્ચાત્ય નીતિશાસ્ત્ર : પાશ્ર્ચાત્ય નૈતિકતા-વિષયક વિચારના એટલે કે નીતિશાસ્ત્ર(ethics)ના મુખ્ય ત્રણ પ્રકાર છે : 1. મૂલ્યાંકનલક્ષી (normative) નીતિશાસ્ત્ર; 2. મૂલ્યાંકનલક્ષી વાક્યોનો, શબ્દોનો અને તેની સાથે સંકળાયેલી વિભાવનાઓનો વિશ્લેષક રીતે અભ્યાસ કરતું નીતિશાસ્ત્ર (metaethics) અને 3. વ્યવહારને લગતું પ્રયોજિત (applied) નીતિશાસ્ત્ર.

() મૂલ્યાંકનલક્ષી નીતિશાસ્ત્ર : આ ક્ષેત્રમાં મુખ્યત્વે ત્રણ સિદ્ધાંતો પ્રવર્તે છે : (1) નૈતિક પરિણામવાદ(consequentialism)ના સિદ્ધાંત મુજબ મનુષ્યનાં કાર્યોનું નૈતિક મૂલ્યાંકન માત્ર તેનાં પરિણામોને આધારે જ થવું જોઈએ. (2) કાર્યોનું નૈતિક મૂલ્યાંકન કાર્યોનાં પરિણામોને આધારે નહિ પણ તે કાર્યો કેવા પ્રકારનાં છે તેને આધારે જ થવું ઘટે તેવો સિદ્ધાંત એટલે કર્તવ્યવાદ. કર્તવ્યવાદી નીતિશાસ્ત્ર (deontological ethics) પ્રમાણે અમુક કાર્યો કર્તવ્યરૂપ હોવાથી જ નૈતિક દૃષ્ટિએ યોગ્ય છે. તેનાં પરિણામોનો વિચાર ત્યાં અપ્રસ્તુત છે. (3) નૈતિક પરિણામવાદ અને નૈતિક કર્તવ્યવાદ બંનેથી જુદો એવો સિદ્ધાંત છે – સદગુણવાદ. સદગુણવાદી નીતિશાસ્ત્ર (virtue ethics) પ્રમાણે કાર્યોનાં પરિણામો કે કાર્યોના સ્વરૂપ કરતાં પણ વ્યક્તિનું ચારિત્ર્ય મહત્ત્વનું છે; વ્યક્તિના સદગુણો મહત્ત્વના છે; કારણ કે તેને લીધે જ વ્યક્તિ ચારિત્ર્યવાન વ્યક્તિ બને છે. કાર્યો કેવાં હોવાં જોઈએ એ પ્રશ્ન અને કાર્યો કરનાર વ્યક્તિઓ કેવી હોવી જોઈએ એ પ્રશ્ન જુદા છે. સદગુણવાદી નીતિશાસ્ત્રે કોઈ વ્યક્તિએ કેવી વ્યક્તિ બનવું જોઈએ તે પ્રશ્નને કેન્દ્રમાં રાખ્યો છે. શૌર્ય, ન્યાય, પ્રજ્ઞા અને સંયમ – આ ચાર સદગુણોને પ્રાચીન ગ્રીક ચિન્તકો ખૂબ મહત્ત્વ આપતા હતા.

ગ્રીક ચિન્તકોનો સદગુણવાદ, કાન્ટનો કર્તવ્યવાદ અને મિલ, સિજવિક વગેરેનો પરિણામવાદ — આ ત્રણેને લીધે નૈતિકતા અંગેના વિચારોએ જુદી જુદી દિશા પકડી છે; પરંતુ એ ત્રણેય વચ્ચે ક્યાંય મેળ નથી તેવું કહી શકાય નહિ.

() વિશ્લેષક નીતિશાસ્ત્ર (metaethics) : આવાં નીતિશાસ્ત્રમાં મૂલ્યો રજૂ કરવામાં આવતાં નથી, પણ નૈતિક મૂલ્યાંકનને નિરૂપતાં વાક્યો, શબ્દો અને તેની સાથે સંકળાયેલી વિભાવનાઓનું વિશ્લેષણ થાય છે.

‘આ માણસ સારો છે’ તે વિધાનમાં ‘સારો’ શબ્દ મૂલ્યાંકનાત્મક છે; પણ ‘આ પાંદડું લીલું છે’, એ વાક્યમાં ‘લીલું’ એ શબ્દ વર્ણનાત્મક છે. તો પ્રશ્ન એ છે કે વર્ણનલક્ષી ભાષા અને મૂલ્યલક્ષી ભાષામાં શું ભેદ છે ? તે ભેદ શાને લીધે છે ? નૈતિક કે કલાવિષયક/સૌંદર્યાત્મક મૂલ્યાંકનો નિરૂપતાં વિધાનો, તથ્યોનું વર્ણન કરતાં વિધાનોથી કઈ દૃષ્ટિએ ભિન્ન છે ? આવા પ્રશ્નો અહીં ચર્ચાય છે.

તથ્યાત્મક (factual) વિધાનોની જેમ જ શું નૈતિક વિધાનોને સત્ય કે અસત્ય તરીકે ઘટાવી શકાય ? આ પ્રશ્ન પણ ખૂબ મહત્ત્વનો છે. નૈતિક શબ્દો દ્વારા સૂચવાતા ગુણધર્મો વાસ્તવિક છે કે કર્તાનિષ્ઠ (subjective) છે તે અંગે પણ આ ક્ષેત્રમાં વિચાર થાય છે. આમ નૈતિક મૂલ્યાંકનની ભાષા, તેમાં વ્યક્ત થતી વિભાવનાઓ અને તેનો બાહ્ય વાસ્તવિક જગત સાથેનો સંબંધ એ દૃષ્ટિએ ‘મેટાઍથિક્સ’માં વિચારણા થાય છે. જો નૈતિક વાક્યો – વિધાનો જ ન હોય તો પછી તેનું મૂલ્યાંકન સત્ય કે અસત્ય – એ દૃષ્ટિએ થાય જ નહિ તે સ્પષ્ટ છે.

() વ્યાવહારિક/પ્રયોજિત નીતિશાસ્ત્ર : પરિણામવાદ, કર્તવ્યવાદ કે સદગુણવાદ — ગમે તે સિદ્ધાંતો હોય પણ તેને જુદા જુદા વ્યવહાર-ક્ષેત્રે કેમ પ્રયોજવા તે પ્રશ્ન અંગે વ્યાવહારિક નીતિશાસ્ત્રમાં વિચાર થાય છે. તબીબી, કાનૂની, શૈક્ષણિક, પર્યાવરણ, મીડિયા, વ્યાપાર-ઉદ્યોગ, કમ્પ્યૂટર — એમ અનેક ક્ષેત્રે કામ કરનાર વ્યક્તિઓ માટેની આચારસંહિતા (code of conduct) ઘડવામાં આવે છે. સામાજિક કાર્યકરોને પણ ભ્રૂણહત્યા, વૃક્ષછેદન, પ્રદૂષણ, જંગલી પ્રાણીનો શિકાર વગેરે શા માટે અયોગ્ય છે તેની સમજૂતીઓ આપવામાં આવે છે. તેમાં નીતિશાસ્ત્રના સિદ્ધાંતો સાથે કાનૂની જોગવાઈઓ જોડાઈ જાય છે.

(II) સિજવિકનો ઉપયોગિતાવાદ : મૂલ્યાંકનલક્ષી નીતિશાસ્ત્રમાં સિજવિક પરિણામવાદી, સુખવાદી અને સર્વહિતસાધક ઉપયોગિતાવાદી ચિંતક છે.

બેન્થમ, મિલ અને સિજવિકનો ઉપયોગિતાવાદી મત ક્લાસિક (classic) નમૂનારૂપ કે પરંપરા-સ્થાપક ઉપયોગિતાવાદ છે. તે કેવા પ્રકારનો પરિણામવાદ (consequentialism) છે તેનો વિચાર નીચે મુજબ કરી શકાય :

(1) કાર્યનાં કેવળ પરિણામોને જ કાર્યનાં મૂલ્યાંકન માટે ધ્યાનમાં લેવાં.

(2) કાર્યનાં જે ખરેખર આવેલાં પરિણામો હોય તેને જ ધ્યાનમાં લેવાં.

(3) કર્તા જે કાર્ય કરે છે તે જ કાર્યનાં પરિણામોને ધ્યાનમાં લેવાં ઘટે.

(4) પરિણામોનાં મૂલ્યને લીધે જ કાર્યનું મૂલ્યાંકન થઈ શકે છે.

(5) પરિણામોનાં મૂલ્ય તરીકે સુખ અને માત્ર સુખ જ મૂલ્યવાન છે (સુખવાદ).

ઉપરનાં બધાં જ વિધાનો સહુ ચિંતકો એકસાથે જ સ્વીકારે તેવું નથી, પણ 1 અને 5નો સ્વીકાર બેન્થમ, મિલ અને સિજવિક માટે અનિવાર્ય છે.

કાર્યનું નૈતિક મૂલ્ય તેના દ્વારા ઉત્પન્ન થયેલા આનંદ(pleasure)માં છે અને કાર્યનું અપમૂલ્ય તેના દ્વારા ઉત્પન્ન થયેલી પીડા(pain)માં છે તેવો પરિણામવાદી નૈતિક મૂલ્યાંકનને લગતો મત એટલે સુખવાદી ઉપયોગિતાવાદ. અહીં કોઈ કાર્ય કેટલે અંશે પીડા અટકાવે છે અને કેટલા પ્રમાણમાં સુખ વધારે છે તે જ જોવાનું છે; કારણ કે, કષ્ટમુક્તિ અને સુખવૃદ્ધિ એ જ સ્વત: મૂલ્યો (intrinsic values) છે. બેન્થમના આ મતમાં મિલે માત્ર આનંદો વચ્ચે ઊંચી ગુણવત્તાવાળા આનંદો અને ઓછા મૂલ્યવાન આનંદોનો ભેદ કર્યો એટલું જ, બાકી મિલ પણ બેન્થમ જેવા જ સુખવાદી (hedonist), ઉપયોગિતાવાદી અને પરિણામવાદી છે. બધા ઉપયોગિતાવાદી સુખવાદી નથી; દા. ત., 1903માં બ્રિટિશ ચિંતક મૂરે આદર્શ ઉપયોગિતાવાદ રજૂ કર્યો, જેમાં સૌંદર્ય-વિષયક/કલા-વિષયક અનુભવો અને મૈત્રી/સ્નેહના સામાજિક સંબંધોને મૂળભૂત રીતે મૂલ્યવાન ગણવામાં આવ્યા છે અને કાર્યોનું નૈતિક મૂલ્યાંકન તે ધોરણે થવું જોઈએ તેવો તેમનો મત રજૂ થયો છે. બિનસુખવાદી ઉપયોગિતાવાદને રેશડોલે (1856-1924) 1907માં ‘આદર્શ (ideal) ઉપયોગિતાવાદ’ – એ શબ્દપ્રયોગથી ઓળખાવ્યો.

આનંદને સ્વત:મૂલ્ય ગણ્યો હોય તો તેની કાર્ય દ્વારા પ્રાપ્તિ થવી જોઈએ તેવો મત તે વિધાયક સુખવાદ અને કષ્ટ જો મૂળભૂત રીતે અપમૂલ્ય હોય તો તેને પોતાનાં કાર્યોથી અટકાવવું જ જોઈએ તેવો મત તે નિષેધક સુખવાદ.

(ક) ‘મૅથડ ઑવ્ ઍથિક્સ’માં સિજવિકે અંતર્જ્ઞાનવાદ, તર્કનિષ્ઠ અહમવાદ અને સર્વલક્ષી ઉપયોગિતાવાદ — એ ત્રણ પ્રકારની નૈતિકતાને લગતી વિચારપદ્ધતિઓની ચર્ચા કરી છે. ઉપયોગિતાવાદ — પ્રમાણે કાર્ય કરનાર વ્યક્તિના કાર્યથી પ્રભાવિત સર્વને વધુમાં વધુ સુખ આપે તે કાર્ય યોગ્ય.

કેટલાંક કાર્યો કરવાં જોઈએ અને કેટલાંક ન જ કરવાં જોઈએ તેવી સમજણ મનુષ્યને સીધેસીધી તાત્કાલિક રીતે અંદરની પ્રેરણાથી જ થાય છે તેવો મત અંતર્જ્ઞાનવાદ(intuitionism)નો છે. મનુષ્યની અપરોક્ષ બુદ્ધિ (intuition) કાર્યના સારા કે તેના ખરાબ હોવા વિશેની તાત્કાલિક ખાતરી કરાવી આપે છે. સામાન્ય સમજણ(common sense)થી પમાતાં નૈતિક સૂત્રોને અંતર્જ્ઞાનવાદમાં એક સિદ્ધાંતના રૂપે વ્યવસ્થિત કરવામાં આવે છે.

વ્યક્તિએ એવી રીતે વર્તવું જોઈએ કે તે તેનું પોતાનું વધુમાં વધુ શ્રેય (good) સિદ્ધ કરે તેવા મતને અહમવાદ (egoism) કહેવાય છે. અહમ્વાદ પણ પરિણામવાદી સિદ્ધાંત છે.

લાગતાવળગતા તમામ લોકોનું એટલે કે મનુષ્યનાં કાર્યથી પ્રભાવિત થતા તમામ લોકોનું વધુમાં વધુ શ્રેય સિદ્ધ થાય તેવાં કાર્યો જ નૈતિક રીતે યોગ્ય (right) છે તેવો મત એટલે ઉપયોગિતાવાદ. જે કાર્ય તેનાથી પ્રભાવિત સર્વ લોકોના સુખમાં વધુમાં વધુ વધારો કરે તે યોગ્ય.

સિજવિકને મતે મુખ્ય પ્રશ્ન તો નૈતિક અહમવાદ અને સર્વહિતસાધક ઉપયોગિતાવાદના સમન્વયનો છે.

(ખ) તેમને પ્રશ્ન એ થયો હતો કે નીતિશાસ્ત્રની ત્રણમાંથી કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે ? સિજવિક મુજબ વચન પાળવું જોઈએ, અસત્ય ન બોલવું જોઈએ વગેરે પ્રકારનાં નૈતિક સૂત્રોને આ ત્રણેય પદ્ધતિથી તપાસતાં એક પણ પદ્ધતિ સ્વયંસિદ્ધ રીતે સત્ય જણાતી નથી; તેમ છતાં, અંતર્જ્ઞાનથી જે નૈતિક સત્યો પ્રાપ્ત થાય છે તેનું ઉપયોગિતાવાદી દૃષ્ટિએ પણ સમર્થન થઈ શકે છે. તેથી અંતર્જ્ઞાનવાદ અને ઉપયોગિતાવાદ વચ્ચે તો સંગતિ સ્થપાઈ શકે છે; પરંતુ પ્રશ્ન તો અહમવાદ અને સર્વહિતલક્ષી ઉપયોગિતાવાદ વચ્ચેની સુસંગતતાનો છે. ઉપયોગિતાવાદ ‘વધુમાં વધુ લોકોના વધુ સુખ’ને નૈતિક લક્ષ્ય તરીકે ઘટાવે છે, જ્યારે અહમ્વાદ દરેક વ્યક્તિના પોતાના સુખને કે શ્રેયને નૈતિક લક્ષ્ય તરીકે વાજબી ગણે છે. કયું લક્ષ્ય ઉત્તમ ? પોતાનું શ્રેય સિદ્ધ કરવાનો આદર્શ રજૂ કરનાર અહમવાદ કે સર્વસામાન્ય હિતને કે શ્રેયને કેન્દ્રમાં રાખવાનો અનુરોધ કરનાર સર્વલક્ષી ઉપયોગિતાવાદ ? સ્વહિતસાધક અને પરહિતસાધક દૃષ્ટિકોણ વચ્ચે સિજવિક મુજબ સુસંગતતા સિદ્ધ કરવી અશક્ય જણાય છે, બંને સિદ્ધાંતો સ્વયંસિદ્ધ જણાય છે અને છતાં બંનેના ફલિતાર્થો પરસ્પરને બાધક છે. જોકે કેટલાકના મતે, જો સહુ પોતપોતાનું હિત સાધવામાં પ્રવૃત્ત થાય તો સરવાળે સહુનું હિત સિદ્ધ થશે જ.

કર્તાવ્યક્તિ(agent)ના પોતાના હિત માટે થતાં કાર્યો અને સર્વ-સામાન્ય સુખસાધક કર્મો વચ્ચે સિજવિકે સ્પષ્ટ ભેદ પાડ્યો હતો. સિજવિકના મતે અંતર્જ્ઞાનવાદ તો જરૂર ઉપયોગિતાવાદ સાથે ભળી જાય કારણ કે અંતર્જ્ઞાન(intuition)થી જે નિયમો જાણીએ છીએ તે જરૂર સર્વના હિતને માટે ઉપકારક તો નીવડે જ. મોટાભાગના અંતર્જ્ઞાન કે સામાન્ય સમજણથી જાણી શકાતાં નૈતિક સૂત્રોની તપાસ કરો તો જાણી શકાશે કે તેવાં સૂત્રો — ‘સત્ય બોલવું’, ‘ચોરી ન કરવી’ વગેરે – અંતે તો સર્વ લોકોના શ્રેયને જ એટલે કે તેમનાં સુખને જ પોષે છે.

તર્કબુદ્ધિ મનુષ્યને પોતાનું સુખ સાધવાનો વાજબી આદર્શ આપે છે એ ખરું, પણ એ જ તર્કબુદ્ધિ (reason) મનુષ્યને સર્વસામાન્ય સુખવૃદ્ધિ માટે પણ આદેશ આપે છે; તેથી અહમવાદ અને સર્વદેશી ઉપયોગિતાવાદ વચ્ચે મેળ ખાતો નથી.

સિજવિક મુખ્યત્વે બેન્થમ અને જ્હૉન સ્ટુઅર્ટ મિલને અનુસર્યા છે. બેન્થમ પ્રમાણે મનુષ્યનાં કાર્યોનાં સુખદાયક કે દુ:ખદાયક પરિણામો જ નૈતિક મૂલ્ય કે નૈતિક અપમૂલ્ય (disvalue) નક્કી કરે છે. મિલે એમ પણ કહ્યું છે કે બધાં કાર્યોનાં બધાં પરિણામો ગણતરીમાં લઈ શકાતાં ન હોવાથી કેટલાક નિયમોને પાળવાથી પણ ઉપયોગિતાવાદ સિદ્ધ થાય છે. જે કાર્ય વ્યક્તિનાં પોતાનાં જ હિતોને વધુમાં વધુ સિદ્ધ કરે તે જ તર્કસંગત છે તેવો મત એટલે તર્કનિષ્ઠ (rational) અહમવાદ.

મનોવૈજ્ઞાનિક અહમવાદ પ્રમાણે તો દરેક વ્યક્તિ અનિવાર્ય રીતે પોતાના જ હિતમાં વર્તશે એ તેનો સ્વભાવ છે, તેનાથી જુદી રીતે તે વર્તી શકે જ નહિ. જો મનોવૈજ્ઞાનિક અહમવાદ સત્ય હોય તો પછી લોકોએ બીજાના હિત માટે વર્તવું જોઈએ તેમ કહેવાનો કોઈ અર્થ જ નથી. હકીકતમાં મનુષ્યો શું ઇચ્છે છે તેનું નિરૂપણ કરનાર મનોવૈજ્ઞાનિક અહમવાદથી નૈતિક અહમવાદ (ethical egoism) તદ્દન જુદો મત છે; કારણ કે, નૈતિક અહમવાદ મુજબ તો મનુષ્યોએ પોતાનું જ હિત ઇચ્છવું જોઈએ. (અહીં ‘ought’ દ્વારા આદર્શ રજૂ થાય છે.) કેટલીક વાર લોકોએ પોતાના જ નહિ પણ બીજાના સુખ માટે પણ, બીજાના શ્રેય માટે પણ કાર્યો કરવાં જોઈએ, તેવો મત પરહિતવાદ (altruism) ગણાય છે. બટલર (16921752) મુજબ, મનોવૈજ્ઞાનિક અહમવાદ અસત્ય છે, કારણ કે મનુષ્ય-સ્વભાવ જ એવો છે કે લોકો બીજાનાં હિત માટે ક્યારેક પ્રવૃત્ત થઈ શકે છે. કેટલીક વાર તો લોકો બીજાનાં હિત માટે વર્તી શકે છે તેવો મત મનોવૈજ્ઞાનિક પરહિતવાદ (psychological altruism) તરીકે ઘટાવાય છે.

સિજવિકનો પ્રશ્ન નૈતિક અહમવાદ અને સર્વલક્ષી ઉપયોગિતાવાદનો મેળ બેસાડવાનો હતો. જ્હૉન સ્ટુઅર્ટ મિલના સૂત્ર મુજબ, ‘હમેશાં એવી રીતે વર્તો કે જેથી વધુમાં વધુ લોકોનું વધુમાં વધુ સુખ સિદ્ધ થાય.’ આ સર્વલક્ષી સુખવાદી ઉપયોગિતાવાદ છે. સિજવિક તેને માન્ય કરે છે.

સિજવિક મુજબ શું કરવું જોઈએ (ought) તે અંગે ખાતરી મેળવવાની રીત એટલે નીતિશાસ્ત્રની પદ્ધતિ. જે યોગ્ય (right) છે તે એટલા માટે યોગ્ય છે કે તે સારાં (good) પરિણામો લાવે છે. જે યોગ્ય છે તે વાજબી (reasonable) છે અને વસ્તુલક્ષી (objective) છે. આમ, good (ઇષ્ટ/શ્રેય) અને નૈતિક (right) રીતે યોગ્ય (ઉચિત) – એ બે નીતિશાસ્ત્રની મૂળભૂત વિચારકોટિઓ છે. જે કાર્યો સારાં પરિણામો લાવે તે કાર્ય યોગ્ય છે. આવો મત પરિણામવાદી મત છે. હવે તેથી આગળ જઈને જ્યારે એમ કહેવાયું હોય કે સારાં પરિણામો એટલે જ સુખદાયક પરિણામો, તો તે પરિણામવાદી મત સુખવાદી બની જાય છે. સુખ એ સ્વત: શ્રેય છે અને જે કાર્યો તેને સિદ્ધ કરે તે કાર્યો નૈતિક રીતે યોગ્ય તેવો મત ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મિલ અને સિજવિકે પ્રચલિત કર્યો અને વીસમી સદીના ઘણાબધા નૈતિકતાવિષયક વિચારકો તેને જુદી જુદી રીતે અનુસર્યા.

જો નૈતિક મૂલ્યો શાસ્ત્રપ્રમાણથી સિદ્ધ માનવાનાં ન હોય તો કાં તો તેને તર્કબુદ્ધિથી સ્વયંસિદ્ધ માનો અથવા તો અંતર્જ્ઞાન(intuition)થી સ્વયંસિદ્ધ માનો અને જ્યારે બે વિરોધી આધારસિદ્ધાંતો તર્કબુદ્ધિથી મળે ત્યારે સમસ્યા ઉદભવે છે.

ધર્મથી સ્વતંત્ર રીતે નૈતિકતા(morality)નો આધાર શોધવાનો પ્રશ્ન સિજવિક માટે મુખ્ય પ્રશ્ન હતો.

સામાન્ય સમજણ (common sense) અને અંતર્જ્ઞાનવાદી (intuitionist) નૈતિકતાની પાછળ કેટલાક આધાર સિદ્ધાંતો પ્રવર્તતા હોય છે અને તેની ઊંડા મનન-ચિંતનથી શોધ કરવી જોઈએ. પોતાના કાર્ય પાછળ રહેલું નૈતિક સૂત્ર સર્વને માટે આદર્શરૂપ બની શકતું હોવું જોઈએ એ સ્વયંસિદ્ધ સત્ય છે. તર્કનિષ્ઠ દૂરદર્શિતા કે શાણપણ (prudence) અને તર્કનિષ્ઠ પરોપકાર (benevolence) — એ બે આધાર સિદ્ધાંતો પણ નીતિશાસ્ત્રના પાયામાં છે. કોઈ એક વ્યક્તિનું હિત વિશ્વની દૃષ્ટિએ બીજી કોઈ એક વ્યક્તિના હિતની તુલનામાં જરા પણ વધારે મહત્ત્વનું નથી. સિવાય કે કોઈ એક વ્યક્તિના હિતને જાળવવાથી બીજા વિકલ્પોની તુલનામાં, સહુનો વધુ લાભ થતો હોય. સિજવિક માને છે કે તર્કનિષ્ઠ હસ્તી (rational being) તરીકે, મારા પ્રયત્નોથી, જેટલું સહુનું શ્રેય સાધી શકાતું હોય તેટલું મારે સાધવું જ જોઈએ તેવું ચોક્કસ કહી શકાય. જોકે સિજવિક મુજબ ત્યાગ/બલિદાનનો પક્ષ અને સ્વહિતસિદ્ધિના તર્કનો પક્ષ બંને ઘણી વાર સબળ લાગે છે. તેથી જ, સ્વહિતથી પરહિત તરફની નીતિશાસ્ત્રની ગતિ ખૂબ જ મૂંઝવણ ભરેલી લાગે છે. મારા ઓછા શ્રેય કરતાં બીજાનું વધુ શ્રેય મારે સિદ્ધ કરવું જોઈએ એ સિદ્ધાંત પણ વાજબી જ લાગે છે.

સિજવિક્ને મતે અંતર્જ્ઞાનવાદ અને ઉપયોગિતાવાદનું એકીકરણ એક વિચારતંત્રમાં થઈ શકે છે, પણ સ્વહિતવાદ અને સર્વહિતવાદનું તેવું એકીકરણ શક્ય નથી.

(III) ઉપયોગિતાવાદના પ્રકારો : ઉપયોગિતાવાદ મુજબ કાર્યોનાં પરિણામો અધિકમાં અધિક મૂલ્ય સિદ્ધ કરતાં હોવાં જોઈએ.

() વિધાયક ઉપયોગિતાવાદ : પોતાનાં કાર્યથી પ્રભાવિત સર્વ લોકોનું સહુથી વધુ સુખ જે લાવે તે કાર્ય નૈતિક રીતે યોગ્ય (મિલ, સિજવિક).

() નિષેધક ઉપયોગિતાવાદ : વધુમાં વધુ લોકોને વધુમાં વધુ નુકસાનથી જે બચાવે અથવા તો લોકોને ઓછામાં ઓછું કષ્ટ ભોગવવાનું આવે તેવાં કાર્યો નૈતિક રીતે યોગ્ય છે (કાર્લ પોપર).

() કાર્યનિષ્ઠ ઉપયોગિતાવાદ (active utilitarianism) : કાર્યનું મૂલ્યાંકન કરવા માટે કેવળ કાર્યની જ સુખઉત્પાદકતા કે દુ:ખ-નિવારકતાનો વિચાર થવો ઘટે તેવો મત કાર્યનિષ્ઠ ઉપયોગિતાવાદનો છે (બેન્થમ, સ્માર્ટ).

() નિયમનિષ્ઠ ઉપયોગિતાવાદ (rule utilitarianism) : નૈતિક મૂલ્યાંકન માટે કાર્ય નહિ પણ કાર્યના આધાર તરીકે પ્રવર્તતા નિયમનો પણ પરિણામલક્ષી વિચાર કરવાનો અનુરોધ કરતો મત એટલે નિયમનિષ્ઠ ઉપયોગિતાવાદ (જ્હૉન મિલ).

() પસંદગીલક્ષી ઉપયોગિતાવાદ : વીસમી સદીના હેર અને પિટર સિન્ગર જેવા ચિંતકો માને છે કે કાર્યનાં પરિણામો જ મહત્ત્વનાં છે, પણ એ પરિણામો વ્યક્તિની પસંદગીની સિદ્ધિ કરે છે કે કેમ તે જોવાનું રહે છે. – સુખ સિવાય પણ ઘણાં મૂલ્યો છે. જ્ઞાન, કલા, તાર્કિકતા, પ્રતિષ્ઠા વગેરે. જે કાર્યો વ્યક્તિની આવી પસંદગી પોષે તે કાર્યો વાજબી છે (preference utilitarianism).

મધુસૂદન બક્ષી