સિજવિક નેવિલ વિન્સેન્ટ

January, 2008

સિજવિક, નેવિલ વિન્સેન્ટ (. 8 મે 1873, ઑક્સફર્ડ; . 15 માર્ચ 1952, ઑક્સફર્ડ) : રાસાયણિક આબંધ(બંધ, bond)ની, ખાસ કરીને સવર્ગ (ઉપસહસંયોજક, co-ordinate) સંયોજનોમાંનાં બંધોની સમજૂતીમાં મહત્ત્વનું પ્રદાન કરનાર અંગ્રેજ સૈદ્ધાંતિક રસાયણવિદ. રસાયણશાસ્ત્રમાં સંયોજકતા સિદ્ધાંતને તેમણે વ્યવસ્થિત રૂપ આપ્યું હતું. ઑક્સફર્ડમાં વિજ્ઞાનમાં પ્રથમ ક્રમે આવ્યા બાદ બે વર્ષ પછી પ્રશિષ્ટ સાહિત્ય(classics)માં પણ ફરી પ્રથમ આવીને તેમણે કુટુંબની પરંપરા જાળવી રાખેલી.

નેવિલ વિન્સેન્ટ સિજવિક

જર્મનીમાં વધુ અભ્યાસ કર્યા બાદ તેમણે 1901માં ઑક્સફર્ડમાં પદભાર સંભાળ્યો અને જીવનભર ત્યાં રહ્યા. ત્યાં 1935-45 દરમિયાન તેઓ રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક રહ્યા. અનેક બાબતોમાં તેઓ વિચિત્ર પ્રકૃતિ(odd)ના વ્યક્તિ હતા. તેઓ યુવાનીમાં પ્રૌઢ દેખાતા; તેમનું પોતાનું પ્રાયોગિક કાર્ય બહુ મહત્ત્વનું ન હતું; સૌથી શ્રેષ્ઠ કલ્પનાઓ તેમને તેમની 50 વર્ષની વય પછી આવેલી. રસાયણશાસ્ત્ર ઉપર તેમની જે મોટી અસર પડી છે તે તેમનાં ત્રણ પુસ્તકોને કારણે હતી; જેમાં પ્રત્યેકમાં તેમણે અન્ય રસાયણજ્ઞોનાં કાર્યની સાથે પોતાના વિચારો ઉમેરીને એક સુસંબદ્ધ અને એકીકૃત અહેવાલ રજૂ કરેલ છે. આને લીધે રસાયણશાસ્ત્રમાંના કેટલાક ખ્યાલો સ્પષ્ટ બન્યા અને નવાં સંશોધન પ્રત્યે દિશા ચીંધાઈ. આ પુસ્તકો છે : (i) ‘ઑર્ગેનિક કેમિસ્ટ્રી ઑવ્ નાઇટ્રોજન’ (1910), (ii) ‘ઇલેક્ટ્રૉનિક થિયરી ઑવ્ વેલન્સી’ (1927) અને (iii) ‘કેમિકલ એલિમેન્ટ્સ ઍન્ડ ધેર કંપાઉન્ડ્ઝ’ (1950). આમાંના બીજા પુસ્તકમાં તેમણે એક પરમાણુ બંને ઇલેક્ટ્રૉનનું પ્રદાન કરી સહસંયોજક બંધ કેવી રીતે બનાવી શકે તેનો ખ્યાલ વિકસાવ્યો હતો. ત્રીજું પુસ્તક રસાયણશાસ્ત્ર અંગેની વિસ્તૃત સમીક્ષા છે અને તે ખૂબ પ્રચાર પામેલું.

અર્નેસ્ટ રધરફર્ડ સાથે તેમણે અણુઓને એકબીજા સાથે જકડી રાખનાર બળોમાં રસ વિકસાવ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ કેટલાંક કાર્બનિક સંયોજનોની વર્તણૂક સમજાવવા હાઇડ્રોજન-બંધ(hydrogen bond)નો વિચાર રજૂ કર્યો હતો. 1920 દરમિયાન તેમણે ગિલ્બર્ટ અને લેવિસના ખ્યાલને આગળ વધારતાં જણાવ્યું કે એક જ પરમાણુ ઇલેક્ટ્રૉન-યુગ્મનું બીજા પરમાણુને પણ દાન કરી શકે અને એ રીતે સવર્ગ અથવા ઉપસહસંયોજક (co-ordinate) બંધ બનાવી શકે. 1923માં તેમણે આ સવર્ગ બંધ દ્વારા વર્નરનાં સવર્ગ સંયોજનોની સંરચના સમજાવી. આને લીધે ધાતુ-સંકીર્ણોના રસાયણશાસ્ત્રનું કલેવર બદલાઈ ગયું.

બ્રિટિશ વિજ્ઞાનીઓમાં તેઓ તેમના તીખા કટાક્ષ તથા દોલતને કારણે જાણીતા હતા, જ્યારે અમેરિકામાં તેઓ વર્ષો સુધી ખૂબ પ્રસિદ્ધ બ્રિટિશ વૈજ્ઞાનિક ગણાતા હતા.

જ. પો. ત્રિવેદી