સિકંદર (ઍલેક્ઝાંડર, ધ ગ્રેટ) (જ. ઈ. પૂ. 356, પેલ્લા, મેસિડોનિયા; અ. 13 જૂન 323, બેબિલોન) : મેસિડોનિયાનો રાજા અને મહાન સેનાપતિ. તેનો પિતા ફિલિપ બીજો મેસિડોનિયાનો સમ્રાટ હતો. (ઈ. પૂ. 360થી ઈ. પૂ. 336). ફિલિપનું ખૂન થતાં સિકંદર(ઍલેક્ઝાંડર)ને ઉમરાવોએ રાજગાદી સોંપી (ઈ. પૂ. 336). તેણે પ્રસિદ્ધ દાર્શનિક એરિસ્ટોટલ પાસે ગ્રીક સાહિત્ય, વિજ્ઞાન, હોમરનાં મહાકાવ્યો, વીરકથાઓ વગેરેનો અભ્યાસ કર્યો હતો. નાનપણથી જ વિશ્વવિજયનાં સ્વપ્નો જોવાની ટેવ તેણે કેળવી હતી. પિતાની યુદ્ધપ્રતિભા, મુત્સદ્દીગીરી અને વ્યવહારુ બુદ્ધિ તથા માતાના ગર્વિષ્ઠ અને આવેશમય સ્વભાવનું તેનામાં મિશ્રણ થયું હતું. ફિલિપનું ખૂન થયું અને સિકંદર ગાદીએ આવ્યો, તે દરમિયાનમાં ગ્રીક રાજ્યોએ મેસિડોનિયા વિરુદ્ધ બળવો કર્યો. પ્રથમ થેસલીએ બળવો કર્યો. તે વ્યાપક બને તે અગાઉ તો સિકંદરે તેના પર હુમલો કર્યો. બળવાખોરોએ ગભરાઈ જઈને સિકંદરને મુખ્ય આર્કન તરીકે ચૂંટ્યો. થીબ્સ અને બીજાં ગ્રીક નગરરાજ્યોએ મેસિડોનિયાનાં લશ્કરી થાણાં ખસેડવાના પ્રયાસો કર્યા; પરંતુ થેસલીના સમર્પણથી બધાં જ ગ્રીક રાજ્યો શાંત રહ્યાં. સિકંદરે થેસલી તરફથી એથેન્સ, કોરિન્થ તથા અન્ય ગ્રીક રાજ્યો તરફ પ્રયાણ કર્યું. એથેન્સે અને કોરિન્થે લડાઈ કર્યા વિના જ સિકંદરનું આધિપત્ય સ્વીકારી લીધું. કોરિન્થમાં મળેલી ગ્રીક નગરરાજ્યોની સભાએ સિકંદરને ગ્રીક સંઘના મુખ્ય આર્કન તરીકે ચૂંટ્યો. આમ ગાદીએ આવ્યા પછી ફક્ત એક વર્ષમાં તેણે ગ્રીસમાં પોતાનું અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું.
સિકંદર
થીબ્સે પોતાને ત્યાંના મેસિડોનિયાના લશ્કરી થાણાને – ઘેરીને ઘણાખરા સૈનિકોને મારી નાખ્યા; સિકંદરની ધૂંસરી ફગાવી દીધી. એ જાણીને સિકંદર લશ્કર સાથે ત્યાં ધસી ગયો. ખૂનખાર યુદ્ધમાં થીબ્સને હરાવ્યું. થીબ્સનો નાશ કરવામાં આવ્યો ત્યારે સિકંદરે થીબ્સના મહાકવિ પિન્ડારનું ઘર બચાવી લીધું. થીબ્સની ભૂમિને ગ્રીક સંઘે અંદરોઅંદર વહેંચી લીધી.
પૂર્વમાં વિજયો : સિકંદરે એશિયા માઇનોર ઉપર આક્રમણ કરવા વિશાળ ભૂમિદળ અને નૌકાદળ સાથે કૂચ કરી. સૌપ્રથમ તેને ગ્રીનિક્સ નદી પાસે ઈરાની લશ્કર સામે થયેલા યુદ્ધમાં તેણે ઈરાની લશ્કરને નસાડી મૂક્યું. આ યુદ્ધમાં સિકંદર ઉપર ઘાતક હુમલો થયો; પરંતુ ક્લિટસ નામના સરદારે તેનો જીવ બચાવ્યો. તેણે એક પછી એક એશિયા માઇનોરના પ્રદેશો જીતી લીધા અને તેણે એશિયા માઇનોરના ઈરાની સામ્રાજ્યનો અંત આણ્યો અને તે પ્રદેશો મેસિડોનિયામાં ભેળવી દીધા. પૂર્વમાં ઇસસના અખાતમાં સોકોઈના મેદાનમાં ઈરાનના સમ્રાટ દરાયસ ત્રીજાએ વિશાળ લશ્કર સાથે સિકંદરનો સામનો કર્યો. તેઓ બંને વચ્ચે ભયંકર યુદ્ધ લડાયું. દરાયસ ત્રીજો ઘવાયો અને નાસી ગયો. દરાયસે સિકંદર સાથે સમાધાનની ઇચ્છા દર્શાવી હતી, જે સિકંદરે ફગાવી દીધી. પોતાના પિતાના સમયના વિશ્વાસુ સેનાપતિ અને વૃદ્ધ સાથીદાર પાર્મેનિયોની સમાધાનની ભલામણને પણ તેણે નકારી કાઢી હતી.
સિકંદરે ત્યારબાદ, ઇજિપ્ત જે ઈરાનનો એક પ્રાંત હતો તે પણ જીતી લીધો. તેના બચાવ વાસ્તે રાખેલ ઈરાની સૈન્ય નાસી ગયું. અહીં તેણે ઍલેક્ઝાન્ડ્રિયા નામના નગરની સ્થાપના કરી. ફિનિશિયાનાં બધાં જ બંદરો પણ તેણે જીતી લીધાં હતાં. આ વિજયોના પરિણામે ઈરાની નૌકાકાફલો વેરવિખેર થઈ ગયો.
ઈ. પૂ. 331ના અરસામાં સિકંદર એશિયાના આરબેલા પાસે પહોંચ્યો. ત્યાં ફરીથી દરાયસ ત્રીજો લશ્કર સાથે સિકંદર સાથે યુદ્ધ કરવા તૈયાર હતો; પરંતુ ગ્રીક સૈન્યના પ્રચંડ ધસારા અને સિકંદરની વ્યૂહરચના સામે તે ફાવી શક્યો નહિ. દરાયસ પર્વતીય પ્રદેશોમાં નાસી ગયો, જ્યાં કોઈ અંગરક્ષકે તેની હત્યા કરી. તે પછી સિકંદરે ઈરાનના મહત્વના નગર પર્સિપૉલિસને બાળી નાખીને તેનો નાશ કર્યો. સિકંદરનું આ કૃત્ય જંગલી હતું. પૂર્વના દેશોના પ્રભાવથી તે દરબાર ભરવા લાગ્યો. ઈરાનની રાજકુમારી રુકસાના સાથે તેણે લગ્ન કર્યું. તેને અનુસરીને તેના સેનાપતિઓ, સરદારો તથા સૈનિકોએ પણ ઈરાનમાં લગ્નસંબંધો બાંધ્યા.
સિકંદરે તે પછી ઈ. પૂ. 300માં એકબટાના જીતી લીધું અને પૂર્વ તરફ આગળ વધ્યો. ઑક્સસ નદી પાર કરી તે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં પ્રવેશ્યો. બલૂચિસ્તાનના કેટલાક પ્રદેશો પર તેનું આધિપત્ય સ્થપાયું. ઈ. પૂ. 328ના અરસામાં તેણે પૂર્વ અફઘાનિસ્તાન, બૅક્ટ્રિયા અને તુર્કસ્તાન જીતી લીધાં.
ભારત પરનું આક્રમણ : ઈરાનના વિજયે સિકંદરને ભારત ઉપર આક્રમણ કરવા પ્રેર્યો. ભારત ઉપર આક્રમણ કરવાનો નિર્ણય કરી તેણે પોતાના સૈન્યને બે ભાગમાં વહેંચી દીધું. એક વિભાગ સાથે તેણે પોતે હિંદુકુશ તથા જલાલાબાદના માર્ગે કૂચ કરવાનું સ્વીકાર્યું. સૈન્યના બીજા વિભાગને તેણે સેનાપતિ હેફાઇસ્ટનને સોંપી સિંધુ પાસે મળવાનું નક્કી કર્યું.
આ સમયે ભારતમાં જેલમના પ્રદેશમાં એમ્ફિસનું, કાશ્મીર અને હજીરાના પ્રદેશમાં અભિસારનું, ચિનાબની આસાપસના પ્રદેશોમાં પોરસનું તથા રાવી અને બિયાસની આજુબાજુના પ્રદેશોમાં કઠ, માલવ, સૌભૂત વગેરે જાતિના લોકોનાં રાજ્યો આવેલાં હતાં.
સેનાપતિ હેફાઇસ્ટને સૈન્ય સાથે કૂચ કરતાં માર્ગમાં હસ્તીનો દુર્ગ જીત્યો અને કાબૂલ નદી તરફ આગળ વધ્યો. સિકંદરને પણ અફઘાનિસ્તાનથી પ્રયાણ કરી, આગળ વધતાં જુદાં જુદાં રાજ્યો સાથે લડાઈઓ કરવી પડી. તેણે આસમેસિયન લોકો સામે જીતી 40,000 કેદીઓ અને 2,30,000 બળદો મેળવ્યા. તેણે અસકેનોઈ લોકો સાથેની લડાઈમાં તેના રાજાને મારી નાખ્યો. રાણીને કેદ પકડી અને 7,000 સૈનિકોને કેદ કર્યા. આ કેદી સૈનિકોએ તેના લશ્કરમાં જોડાવાનો ઇનકાર કરતાં, તે બધાની કતલ કરાવી. આ પણ તેનું નિર્દયી અને ઘાતકી કૃત્ય હતું.
ભારતની વાયવ્ય સરહદે આવેલા તક્ષશિલાનો રાજા આંભી દેશદ્રોહી થયો. તેણે સિકંદરને 5,000 સૈનિકો સહિત કીમતી ભેટો આપી. અભિસારનો રાજા પણ સિકંદરના તાબે ગયો. તે પછી સિકંદરે ભારતનાં રાજ્યોને તેની શરણાગતિ સ્વીકારવા જણાવ્યું. પંજાબના રાજા પોરસે તેના જવાબમાં યુદ્ધભૂમિમાં મળવા જણાવ્યું. સિકંદરે ઝડપથી કૂચ કરી સિંધુ ઓળંગી, જેલમને સામે કાંઠે આશરે 50 હજારની સેના સાથે તૈયાર થઈને ઊભો રહ્યો. પોરસને છેતરવા માટે સિકંદરે નદી ઓળંગવાના અવારનવાર દેખાવો કર્યા. તે પછી ઉપરવાસમાં જેલમના વળાંક પાસેથી એક રાત્રે ચુનંદા સૈનિકો સાથે સિકંદરે જેલમ ઓળંગી અને તેની સેના ઝાડીમાં સંતાઈ ગઈ. સવારે પોરસને જાણ થતાં સિકંદરને આગળ વધતો અટકાવવા પોતાના પુત્રને લશ્કરની ટુકડી સાથે મોકલ્યો; પરંતુ તે લડતાં લડતાં મૃત્યુ પામ્યો. તેથી પોરસ પોતે પણ પોતાના સૈન્ય સાથે સિકંદર સામે ધસી ગયો. તે દરમિયાન સિકંદરનું બાકીનું સૈન્ય પણ જેલમ ઓળંગીને આવી ગયું હતું. બંને વચ્ચે ખૂનખાર જંગ ખેલાયો. આખરે પોરસ હાર્યો અને કેદ પકડાયો. પરાજિત પોરસને સિકંદરે તેની સાથે કેવી રીતે વર્તવું તેમ પૂછતાં તેણે જવાબ આપ્યો કે ‘એક રાજા બીજા રાજા સાથે વર્તે તે રીતે.’ આ જવાબથી પ્રભાવિત થઈ સિકંદરે તેનું રાજ્ય પાછું સોંપ્યું અને તેણે જીતેલા નજીકના બીજા પ્રદેશો પણ તેના વહીવટ હેઠળ મૂક્યા. સિકંદરે તેના વિજયની યાદમાં તે વિસ્તારમાં બે નગરો વસાવ્યાં અને તેના નામના સિક્કા પડાવ્યા.
ત્યારબાદ પંજાબનાં અન્ય રાજ્યો સાથે પણ તેણે લડાઈઓ કરી. ત્યાંથી આગળ વધીને મગધના સામ્રાજ્ય સાથે યુદ્ધ કરવાની તેની મહેચ્છા હતી; પરંતુ તેના લશ્કરે આગળ વધવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને મક્કમતાપૂર્વક સ્વદેશ પાછા જવાનો ઇરાદો જણાવ્યો. સિકંદરે તેના સૈનિકોની માગણી સ્વીકારવી પડી અને મેસિડોનિયા પાછા ફરવા વાસ્તે સંમતિ આપી.
તેણે મેળવેલા વિજયોની સ્મૃતિમાં તેણે બિયાસ નદીના કિનારે ગ્રીસના દેવોની વેદીઓ કરાવી તેની પૂજા કરી. પાછા ફરતાં શિબિ જાતિના ગણરાજ્યને તેણે હરાવ્યું. ત્યાંથી આગળ વધતો હતો ત્યાં માલવ પ્રજાએ તેનો સામનો કર્યો. તેઓના સંગલ નગરનો કબજો લેતાં તે સખત ઘવાયો; પરંતુ બચી ગયો. આ નગરનાં સ્ત્રીઓ અને બાળકો સહિત તમામ નાગરિકોની તેણે નિર્દયતાપૂર્વક કતલ કરી. શુદ્રક ગણરાજ્યે તેને કીમતી ભેટો આપી, તેથી તેમની સાથે સિકંદર ઉદારતાથી વર્ત્યો. પાછા ફરતાં તેના લશ્કરે જમીનમાર્ગે અને જલમાર્ગે – એમ બે વિભાગમાં, સિંધુથી યુફ્રેટીસ સુધી મુસાફરી કરી અને ઈ. પૂ. 324માં સુસા નગરમાં લશ્કર આવી પહોંચ્યું; પરંતુ રસ્તામાં ભૂખ, તરસ અને થાકથી તેના અનેક સૈનિકો અને પશુઓ મૃત્યુ પામ્યાં હતાં. સિકંદરનો પ્રિય સેનાપતિ હેફાઇસ્ટન પણ મૃત્યુ પામ્યો અને ભારતમાં તેણે જીતેલા પ્રદેશોમાં બળવો થયાના સમાચારથી તે દુ:ખી થયો અને તેને આઘાત પણ લાગ્યો. સુસાથી સિકંદર બૅબિલોન પહોંચ્યો. ત્યાં તેને સખત તાવ ચઢ્યો અને છ દિવસની ટૂંકી માંદગીમાં 32 વર્ષની યુવાન-વયે અવસાન પામ્યો.
જયકુમાર ર. શુક્લ