સિકંદર મંઝૂ (. 1553, મહેમદાવાદ; . 1630) : ગુજરાતના પ્રથમ પંક્તિના ફારસી ઇતિહાસ ‘મિરાતે સિકંદરી’ના ખ્યાતનામ લેખક. તેમનું પૂરું નામ સિકંદર ઇબ્ન મુહમ્મદ ઉર્ફે મંઝૂ ઇબ્ન અકબર. તેમની આ કૃતિ મધ્યકાલીન ગુજરાતના રાજકીય બનાવોનું સંપૂર્ણ વૃત્તાંત આપવાની સાથે તે સમયની સાંસ્કૃતિક, સામાજિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓનો પણ વિસ્તૃત અહેવાલ ધરાવે છે. તેઓ પોતાની કૃતિમાં ઇતિહાસ-લેખન-પદ્ધતિ(historiography)ના સિદ્ધાંતોને અનુસરે છે; તેથી ભારતભરના ઇતિહાસ-લેખકોમાં તેઓ માનભર્યું, ઉચ્ચ સ્થાન ધરાવવાના અધિકારી ગણાયા છે.

તેમના પિતા મુહમ્મદ ઉર્ફે મંઝૂ મધ્ય એશિયામાંથી મુઘલો સાથે હિન્દમાં આવ્યા હોય તેમ જણાય છે. 1535માં મુઘલ શહેનશાહ હુમાયુંના ગુજરાત ઉપરના આક્રમણ વખતે મુહમ્મદ ઉર્ફે મંઝૂ; હુમાયુંના ગ્રંથપાલ હતા. ગુજરાતમાંથી હુમાયુંના ગયા પછી તેઓ ગુજરાતમાં રહી ગયા હતા અને સૈયદ મુબારક બુખારીના અનુયાયી બન્યા હતા. બુખારી સૈયદો સાથે રહીને મંઝૂએ ગુજરાતની રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. સૈયદ મુબારકના અવસાન બાદ તેમના દીકરા સૈયદ મીરાનની સેવામાં જોડાયા હતા. 1573માં સૈયદ મીરાનના અવસાન બાદ તેમના દીકરા સૈયદ હામિદ સાથે રહીને સિકંદરે રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું હતું. ગુજરાતમાં શહેનશાહ અકબરના આગમન બાદ મુઘલ સૈન્ય સાથે રહીને તેમણે ખંભાતના ઘેરામાં પણ ભાગ લીધો હતો. 1610માં જહાંગીરના રાજઅમલ દરમિયાન તેઓ શાહી નોકરીમાં હતા. જહાંગીરે પોતાની આત્મકથામાં સિકંદરનો ‘શેખ સિકંદર’ તરીકે નિર્દેશ કર્યો છે. 1617-18માં જહાંગીરની અમદાવાદની મુલાકાત દરમિયાન હિન્દના શહેનશાહે સિકંદરની હવેલીએ જઈને તેમનું બહુમાન કર્યું હતું તેમજ ગુજરાતના સુલતાનો વિશેના તેમના વિસ્તૃત જ્ઞાનની પ્રશંસા કરી હતી.

સિકંદર શાહી નોકરી દરમિયાન ગુજરાતના સુલતાનોના ઇતિહાસનો સઘન અભ્યાસ કરતા રહ્યા હતા અને તેમના પોતાના કથન અનુસાર ગુજરાતના વિશ્વાસુ તેમજ જાણકાર લોકો પાસેથી સંબંધિત માહિતી એકત્ર કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમના આ અભ્યાસના પરિણામ-સ્વરૂપે ‘મિરાતે સિકંદરી’ રચાયું હતું. આ ઇતિહાસ એપ્રિલ 29, 1613માં પૂર્ણ થયો હતો. ત્રણ વર્ષ પછી જાતે આગ્રા જઈને પોતાની કૃતિ નોંધપાત્ર ઉમરાવો સમક્ષ રજૂ કરી હતી. આ કૃતિએ સિકંદરને સલ્તનતકાળના નિષ્ણાત તરીકેનું અધિકૃત માન અપાવ્યું હતું.

બુખારી સંપ્રદાયના સૂફીઓના સંપર્કમાં રહીને તેમણે સૂફીવાદનો આસ્વાદ કર્યો હતો અને તસવ્વુફના વિષય ઉપર પણ ‘નિકાતુલ આરિફીન’ નામનો ફારસી ગ્રંથ રચ્યો હતો. જોકે, સિકંદરની તમામ ખ્યાતિ તેના ઇતિહાસના પુસ્તકને લઈને છે; જેનો અનુવાદ ગુજરાતી ઉર્દૂ તથા અંગ્રેજીમાં પણ થયેલ છે અને મૂળ ફારસી કૃતિ પણ અનેક વાર મુદ્રિત થઈ છે. ‘મિરાતે સિકંદરી’ના અભ્યાસ ઉપરથી પ્રતિપાદિત થાય છે કે સિકંદરનો ફારસી તથા અરબી ભાષા ઉપર સારો કાબૂ હતો અને તેઓ કવિતામાં પણ રસ ધરાવતા હતા. આ ગ્રંથમાંની કેટલીક ઐતિહાસિક ઘટનાઓનું વર્ણન સાહિત્યિક રૂપ પણ ધારણ કરી લે છે અને વાચકોનો રસ તેથી વધે છે અને ટકે છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી