સિંહપુર : ‘પ્રબંધચિંતામણિ’માં જણાવ્યા મુજબ વાળાક દેશની વિકટ ભૂમિમાં વસાવેલ બ્રાહ્મણોનો અગ્રહાર. ઈ. સ. 4થી સદીના ‘દીપવંશ’માં તથા છઠ્ઠી સદીના ‘મહાવંશ’માં સિંહપુરનો ઉલ્લેખ થયો છે. ‘સિંહપુર’ ક્યાં એ વિષયમાં વિદ્વાનોમાં મતભેદ છે. એમાંના એક અભિપ્રાય અનુસાર એ સિંહપુર સૌરાષ્ટ્રના પૂર્વપ્રદેશમાં આવેલું ‘સિહોર’ હોવું સંભવે છે. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું વડું મથક સિહોર ગુજરાતના ઇતિહાસમાં સિંહપુર તરીકે પ્રાચીન સમયથી પ્રસિદ્ધ છે. મૈત્રક રાજા ધ્રુવસેન 1લાનાં ઈ. સ. 525 તથા 528નાં દાનશાસનોમાં ધરસેન 4થાના ઈ. સ. 645ના દાનશાસનમાં તથા શીલાદિત્ય 3જાના ઈ. સ. 664ના દાનશાસનમાં દાન લેનાર બ્રાહ્મણોના નિવાસસ્થાન તરીકે સિંહપુરનો ઉલ્લેખ થયેલો છે. ખંભાતના ચિંતામણિ પાર્શ્ર્વનાથના દેરાસરના ઈ. સ. 1296ના અભિલેખમાં, અર્જુનદેવ વાઘેલાના સમયના એક જૈન સજ્જનને ‘સિંહપુરવંશજન્મા’ કહ્યો હોવાથી તેનો પરિવાર સિંહપુર નગરથી આવ્યો હતો એમ કહી શકાય.

પ્રબંધોમાં પણ સિંહપુરના ઉલ્લેખો થયા છે. પ્રભાવક-ચરિતમાં નોંધવામાં આવ્યું છે કે સિદ્ધરાજ જયસિંહ બ્રાહ્મણોને દાનમાં ‘સિંહપુર’ આપીને પછી શત્રુંજય પર્વત ઉપર ગયો હતો. ‘વિવિધતીર્થકલ્પ’માં યાત્રાનું પુણ્ય સો-ગણું મળે એવાં શહેરોમાં સિંહપુરને ગણાવ્યું છે; ત્યાં 84 તીર્થોમાં સિંહપુરમાંનાં વિમલનાથ તથા નેમિનાથનાં દેરાસર ગણવામાં આવ્યાં છે.

જયકુમાર ર. શુક્લ