સિંહ બંધુ : ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં જાણીતા સરદાર તેજપાલસિંહ અને સરદાર સુરિંદરસિંહ નામના બે બંધુઓ. આ બેલડી હંમેશ સાથે જ ગાયન પ્રસ્તુત કરતી હોય છે.

બંનેનો જન્મ ઇજનેર પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ગોવિંદસિંહ હતું. સરદાર તેજપાલસિંહનો જન્મ લાહોરમાં 24 જુલાઈ 1937ના રોજ થયો હતો. તેમણે બાલ્યકાળથી તેમના ભાઈ જી. એલ. સરદાર પાસેથી શાસ્ત્રીય સંગીતની શિક્ષા પ્રાપ્ત કરી. જી. એલ. સરદાર પ્રજ્ઞાચક્ષુ હતા અને દિલ્હીમાં સંગીત મહાવિદ્યાલયનું સંચાલન કરતા હતા. બાલ્યાવસ્થામાં જ એક ગાયક તરીકે લાહોરમાં તેમણે ખ્યાતિ મેળવી હતી. તેમને દર્શનશાસ્ત્રી અને સંગીતસમીક્ષક ડૉ. સુધીરકુમાર સક્સેના પાસેથી પ્રેરણા મળી હતી.

તેઓ ગુડગાંવના શાસકીય મહાવિદ્યાલયમાં સંગીતના પ્રાધ્યાપકના પદ પર કાર્યરત છે.

બીજા બંધુ સરદાર સુરિંદરસિંહનો જન્મ લાહોર ખાતે 16 ઑગસ્ટ 1940ના રોજ થયો હતો. તેમણે પણ બાલ્યાવસ્થાથી પોતાના ભાઈ અને પ્રજ્ઞાચક્ષુ જી. એસ. સરદાર પાસેથી સંગીતની શિક્ષા પ્રાપ્ત કરી છે. તેમણે સંગીતની ઉચ્ચ શિક્ષા ઉસ્તાદ નસીર અમીનુદ્દિન ડાગર પાસેથી લીધી છે. તેમણે તબલાવાદનમાં પણ નિપુણતા મેળવી છે. 1961થી તેમણે વિખ્યાત ગાયક ઉસ્તાદ અમીરખાંસાહેબ પાસેથી શાસ્ત્રીય ખયાલ ગાયકીની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેઓ મુંબઈમાં નિવાસ કરે છે.

બંને ભાઈઓએ શાસ્ત્રીય સંગીતમાં પોતાની વિશિષ્ટ શૈલી વિકસાવી છે. તેમણે દેશવિદેશમાં પોતાની ગાયનકલા પ્રસ્તુત કરી પ્રશંસા મેળવી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે