સિંધુ, કમલજિત (. 20 ઑગસ્ટ 1948, ફીરોજપુર, પંજાબ) : ભારતીય દોડ-વીરાંગના. પિતાનું નામ મોહિન્દરસિંઘ. પિતા ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે સેવાઓ આપતા હતા. કમલજિત સિંધુએ ઍથ્લેટિક્સમાં દોડ-વીરાંગના તરીકે જે નામના કાઢી તે પહેલાં તે બાસ્કેટબૉલની રમતનાં ખેલાડી હતાં. 1969માં પંજાબ રાજ્ય તરફથી નૅશનલ બાસ્કેટબૉલ ચૅમ્પિયનશિપ રમી રમતજગતમાં પ્રવેશ કર્યો. 1970માં ઍથ્લેટિક્સને રમત તરીકે અપનાવી. 1970માં નૅશનલ ચૅમ્પિયનશિપમાં 200 મી. અને 400 મી. દોડમાં પંજાબ રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું અને સુવર્ણચંદ્રક મેળવ્યો. 1970ની બૅંગકોક એશિયાઈ રમતોત્સવમાં 400 મી.ની દોડ 57.3 સેકન્ડમાં પૂરી કરીને ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો. આમ એશિયાઈ રમતોત્સવમાં ભારતને વૈયક્તિક રમતોમાં સુવર્ણચંદ્રક અપાવનાર સૌપ્રથમ મહિલા ખેલાડી બન્યાં. 1971ના ઇટાલીના તુરિન શહેરમાં યોજાયેલ વર્લ્ડ યુનિવર્સેડ ચૅમ્પિયનશિપમાં 400 મી.ની દોડની ફાઇનલમાં દોડવાનું બહુમાન પ્રાપ્ત કર્યું. 1972ની મ્યૂનિક ઑલિમ્પિક રમતોત્સવમાં ભારતીય ઍથ્લેટિક્સ-ટીમમાં સ્થાન પામીને 400 મી.ની દોડમાં ભાગ લીધો. 1972 પછી ઍથ્લેટિક્સમાંથી નિવૃત્તિ લીધી. પતિયાલાની નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટ્સનો કોચિંગનો ડિપ્લોમા ઉપરાંત જર્મનીનો ઍથ્લેટિક્સ સર્ટિફિકેટ કોર્સ પણ મેળવ્યો. 1971માં ભારત સરકારે ‘પદ્મશ્રી’ અર્પણ કરી તેમનું બહુમાન કર્યું હતું.

હર્ષદ ઈ. પટેલ