સિંધુ-ગંગાનાં મેદાનો (Indo-Gangetic Plains)

January, 2008

સિંધુગંગાનાં મેદાનો (Indo-Gangetic Plains) : સિંધુ-ગંગા તથા તેમની સહાયક નદીઓના કાંપથી બનેલાં વિશાળ વિસ્તાર આવરી લેતાં મેદાનો. પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર અને ભૌગોલિક દૃષ્ટિએ જોતાં ભારતનો સમગ્ર વિસ્તાર ત્રણ સ્પષ્ટ એકમો(વિભાગો)નો બનેલો છે : (1) શ્રીલંકાના દ્વીપ સહિત વિંધ્ય પર્વતોની દક્ષિણે આવેલો દ્વીપકલ્પીય ભારતનો ત્રિકોણાકાર ઉચ્ચપ્રદેશ. (2) ભારતની પશ્ચિમે, ઉત્તરે અને પૂર્વમાં આવેલો પર્વતીય વિસ્તાર; જેમાં અફઘાનિસ્તાન, બલૂચિસ્તાન તેમજ મ્યાનમારના પર્વત-પ્રદેશોનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તાર બાહ્ય-દ્વીપકલ્પ વિભાગ તરીકે ઓળખાય છે. (3) આ બંને વિસ્તારોને અલગ પાડતું સિંધુ-ગંગાનું મેદાન, જે સિંધુની ખીણથી માંડીને પૂર્વોત્તર રાજ્યોમાં આવેલી બ્રહ્મપુત્રની ખીણ સુધી વિસ્તરેલું છે.

આ રીતે સિંધુ-ગંગાનાં કાંપનાં વિશાળ મેદાનો એ ભારતનો ત્રીજો પ્રાકૃતિક ભૂસ્તરીય વિભાગ છે. ઐતિહાસિક અને કૃષિવિષયક દૃષ્ટિએ તે ખૂબ જ રસપ્રદ અને મહત્વનો વિસ્તાર હોવા છતાં ભૂસ્તરીય દૃષ્ટિએ તેનું ખાસ મહત્વ નથી. ભારતના લાંબા ભૂસ્તરીય ઇતિહાસના સંદર્ભમાં તો તે હજી હમણાં બનેલી ઘટના ગણાય છે. સિંધુ-ગંગા-બ્રહ્મપુત્ર અને તેમની સહાયક નદીઓ દ્વારા હિમાલય પર્વતમાળામાંથી ઘસડાઈ આવેલા અને તેની તળેટીમાં એકઠા થયેલા પ્લાયસ્ટોસીન અને પ્રાગ્-અર્વાચીન કાળના ભરપૂર કાંપનિક્ષેપોથી બનેલો આ મેદાની વિસ્તાર છે. વખતોવખત જામતા રહેતા કાંપમય નિક્ષેપો મેદાનોના સપાટી-આકારને બદલતા રહે છે. નદીઓની માટી અને કાંપથી બનેલા હજારો મીટરની ઊંડાઈ સુધીના આવરણને કારણે આ મેદાની વિસ્તારે જૂની ભૂમિસપાટીને સંપૂર્ણપણે ઢાંકી દીધી છે, પરિણામે દ્વીપકલ્પીય ભારતની ઉત્તરતરફી જૂની ભૂમિહદ અને હિમાલયની દક્ષિણતરફી સીમા ક્યાં સુધી વિસ્તરેલી છે તે જાણી શકાતું નથી. દ્વીપકલ્પીય ભારત અને હિમાલય વચ્ચેનો પ્રાકૃતિક અને ભૂસ્તરીય સંબંધ જાણવાના કોઈ દૃષ્ટ પુરાવા પણ સરળ રીતે ઉપલબ્ધ થતા નથી. મેદાની કાંપની નિક્ષેપક્રિયા હિમાલયના અંતિમ ઊર્ધ્વગમનના તબક્કારૂપ શિવાલિક હારમાળાનું ઉત્થાન થયા બાદ શરૂ થઈ, જે પ્લાયસ્ટોસીન સમય દરમિયાન તેમજ આજ સુધી ચાલુ રહી છે. ભારતનાં આ મેદાનો આ દૃષ્ટિએ જોતાં, પૃથ્વી પર જળવાયેલા ભૂસ્તરીય હેવાલોની અપૂર્ણતાનું સાંકેતિક દૃષ્ટાંત પૂરું પાડે છે.

વિસ્તાર અને જાડાઈ : સિંધનો મોટો ભાગ, ઉત્તર રાજસ્થાન, પંજાબ-હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને પૂર્વોત્તર રાજ્યોના ઉત્તર વિભાગને આવરી લેતાં કાંપનાં આ મેદાનોનું ક્ષેત્રફળ 7,77,000 ચોકિમી. જેટલું છે. પહોળાઈમાં આ મેદાનો પશ્ચિમ ભાગમાં વધુમાં વધુ 500 કિમી.થી માંડીને પૂર્વમાં 150 કિમી. કરતાં ઓછી પહોળાઈ સુધી બદલાતાં રહે છે.

છેલ્લાં પચાસ વર્ષોમાં કરવામાં આવેલાં તેલ કે જળ માટેનાં સંશોધનાત્મક શારકામો પરથી, ગંગાના થાળાના તળની આકારિકીના સંકેતો મેળવી શકાયા છે. તળવિભાગમાં રચનાત્મક એકધારાપણું નથી, પરંતુ તેમાં ઉદભવેલા સ્તરભંગને કારણે તે ડુંગરધારો અને ગર્તવિભાગોમાં ફેરવાયેલું છે. ચુંબકીય સર્વેક્ષણો પરથી તેની તલસપાટી પર સ્થાનિક ઊંચાણ-નીચાણ હોવાનું સમર્થન મળેલું છે. તળનાં આ સ્થળ દૃશ્યોનો ઢોળાવ ઉત્તરતરફી ઉગ્ર હોવાનું નક્કી થયું છે. ભૂગર્ભજળનો પુરવઠો મેળવવાના હેતુથી જે શારકામ થયાં છે તે પરથી સપાટીથી તળભાગની ઊંડાઈ સ્થાનભેદે 100 મીટરથી 400 મીટર સુધીની પરિવર્તી જણાઈ છે.

ભૂસ્તરીય પ્રમાણો પરથી ઓલ્ડહામે કાંપની ઊંડાઈ તેની ઉત્તર સીમા નજીક આશરે 4,600 મીટરની અંદાજી છે, જ્યાંથી તેની દક્ષિણ ધાર સુધી જતાં કાંપના થાળાનું તળ ઉપરતરફી ઢોળાવવાળું બને છે અને છેવટે વિંધ્યપ્રદેશનાં ઊંચાં ભૂમિસ્વરૂપોમાં ભળી જાય છે; જોકે તાજેતરનાં ભૂમિમાપન-સર્વેક્ષણો તૃતીય જીવયુગના તળખડકો પર રહેલા નિક્ષેપો માટે વધુ જાડાઈ હોવાની ગણતરી મૂકે છે. હિમાલયના તળેટી-ટેકરી વિભાગના મરી અને શિવાલિક નિક્ષેપો કાંપની નીચે દક્ષિણ તરફ ક્યાં સુધી વિસ્તરેલા છે તેના નિર્ણય માટે કદાચ ભૂભૌતિક મોજણીના અપવાદ સિવાય બીજી કોઈ આધારસામગ્રી ઉપલબ્ધ નથી. કાંપની વધુમાં વધુ ઊંડાઈ દિલ્હી અને રાજમહાલ ટેકરીઓ વચ્ચે છે. રાજસ્થાનમાં તેમજ રાજમહાલ-આસામ વચ્ચે કાંપનિક્ષેપો છીછરા છે. રાજમહાલ-આસામ વચ્ચેનો વિભાગ અર્વાચીન ઉત્પત્તિવાળો છે. વળી આ બંને પ્રદેશો ભૂમિથી નીચે થોડી ઊંડાઈએ જોડાયેલા છે. આ બધાં નિરીક્ષણો સૂચવે છે કે ગંગાના થાળાનું તળ એકસરખું સમતળ નથી, પરંતુ દટાયેલી ડુંગરધારો અને અનિયમિતતાઓથી અસમાન બનેલું છે. આ પ્રકારની બે ડુંગરધારો અસ્તિત્વ ધરાવતી હોવાનું ભૂમિમાપન-સર્વેક્ષણ દ્વારા દર્શાવાયું છે. આ પૈકીની એક ડુંગરધાર દિલ્હી અને હરદ્વાર વચ્ચે અરવલ્લીની અક્ષ સાથે રચનાત્મક વિસ્તરણ દિશામાં આર્કિયન ખડકોના ઊર્ધ્વવળાંકની બનેલી છે; બીજી ડુંગરધાર દિલ્હીથી સૉલ્ટ-રેઇન્જ સુધી વાયવ્ય તરફ સ્તરનિર્દેશનવાળી છે, જે પંજાબના કાંપ હેઠળ રહેલી છે.

આ આખોય નિમ્નવળાંક કે જેણે ગંગાપ્રદેશની ભૂસંનતિ (પ્રારંભિક પરિસ્થિતિના હંગામી અપવાદો સિવાય આ અવતલન તેના પ્રદેશને સમુદ્રસપાટીથી નીચે લઈ જવા જેટલું ઊંડું ન હતું) ઉત્પન્ન કરી તે લગભગ મધ્ય ઇયોસીનમાં થયેલો હોવો જોઈએ અને ઉત્તરમાંના હિમાલયના ઊર્ધ્વગમન સાથે સમકાલીન હોવો જોઈએ. પછીથી ઉત્થાન પામતા જતા પર્વતોના શિલાચૂર્ણની નિક્ષેપક્રિયા અને આ થાળાના અવતલનની ક્રિયા ટર્શ્યરીથી અંતિમ પ્લાયસ્ટોસીન અને પ્રાગ્-અર્વાચીન સમય દરમિયાન સાથે સાથે થઈ હોવી જોઈએ.

થાળાની ઉત્તર કિનારી મોટા પાયા પર ગેડીકરણ અને સ્તરભંગક્રિયાની અસરવાળી હોવાના પુરાવા મળી રહે છે. અહીંથી હિમાલયની તળેટી તરફ જતાં સીમા સ્તરભંગવાળા વિવિધ વિભાગોમાં તે ભળી જાય છે. નિમ્નવળાંકવાળા થાળાના તળ પર દક્ષિણ તરફ જતાં અમુક પ્રમાણમાં ગેડીકરણ અને સ્તરભંગો વિસ્તરતા હોવાની સંભાવના છે. ગમે તેમ, આ વિશાળ થાળાની ઉત્તર કિનારી મોટા પાયા પરની ભૂસંચલનજન્ય વિરૂપતા હેઠળ સામેલ થયેલી છે, જે આગળ વધતાં નિમ્નવળાંકની સાથે થયેલી અવતલનની ક્રિયાને કારણે છે અને પર્વતોની તળેટીમાં ભળી જાય છે. ઉત્તર ભારતમાં થયેલા મોટાભાગના જાણીતા ભૂકંપોનાં નિર્ગમનકેન્દ્રોને આવરી લેતો આ ઉત્તર ધારની કિનારી પરનો ભૂકંપીય અસ્થિરતાવાળો પટ્ટો ભૂસંચલનજન્ય વિરૂપતાને કારણે બનેલો છે. 1934નો બિહારનો ભૂકંપ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ થાળાની દક્ષિણ સીમા કોઈ પણ પ્રકારનાં અગત્ય ધરાવતાં રચનાત્મક લક્ષણો બતાવતી નથી.

સિંધુગંગાના ગર્તનાં ઉત્પત્તિજન્ય લક્ષણો : પ્લાયસ્ટોસીન સમયમાં, ભારતીય ઉપખંડનાં અત્યંત મહત્વનાં ભૌગોલિક લક્ષણો અસ્તિત્વમાં આવ્યાં અને ભારતે તેનો વર્તમાન આકાર તેમજ સ્થળદૃશ્યનાં તેનાં પ્રધાન લક્ષણો પ્રાપ્ત કર્યાં, સિવાય કે નવા ઉત્થાન પામેલા પર્વતોની આગળના ભૂમિભાગમાં વિશાળ લંબાઈવાળું થાળું આકાર પામ્યું, જે પર્વતોના ઘસારાજન્ય શિલાચૂર્ણ દ્વારા ઝડપથી પુરાતું જતું હતું. પર્વતોની તળેટીમાં અસ્તિત્વમાં આવેલા આ ગર્તની ઉત્પત્તિ આ રીતે નિ:શંકપણે પર્વતોની ઉત્પત્તિ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે, જોકે તેમની વચ્ચેના સંબંધનાં લક્ષણો જાણવા મળ્યાં નથી તેમજ આ બાબત ચર્ચાસ્પદ પણ રહી છે. જાણીતા ભૂસ્તરશાસ્ત્રી એડવર્ડ સ્વેસે સૂચવ્યું છે કે તે હિમાલયના મોટા ભૂમિતરંગોનો, તેમની દક્ષિણ તરફની ગતિમાં દ્વીપકલ્પના નક્કર ભૂકવચને કારણે, અવરોધ થવાથી અસ્તિત્વમાં આવેલું ‘અગ્રઊંડાણ’ (fore-deep) છે. આ અભિપ્રાય મુજબ, આ થાળું અધોવાંક લક્ષણવાળી ‘અધોવાંકમાળા’ (synclinorium) છે.

પ્રાકૃતિક અને ભૂમિમાપન બાબતોને અનુલક્ષીને સર એસ. બુરાર્ડે આ થાળાની ઉત્પત્તિ માટે તદ્દન જુદો જ અભિપ્રાય સૂચવેલો છે. તેઓ ધારણા મૂકે છે કે સિંધુ-ગંગાનાં મેદાનોએ ઊંડી ‘ફાટખીણ’ (rift valley) આવરી લીધી છે, જે તેની બંને બાજુઓ પર થયેલા સમાંતર સ્તરભંગ(કે ભંગાણ)ની વચ્ચે આંતરપોપડામાં પડેલી વિશાળ ફાટમાં ઊતરી ગયેલો ભૂમિપ્રદેશનો એક વિભાગ છે. જોકે, આ અભિપ્રાયની તરફેણમાં ભૂસ્તરીય હકીકતો ઓછી છે અને ભૂસ્તરવિદો દ્વારા તેને સ્વીકૃતિ મળી નથી. તેઓ બધા એમ માને છે કે સિંધુ-ગંગાનાં મેદાનો વાસ્તવમાં એક અગ્રઊંડાણ જ છે, હિમાલયની અગ્રભૂમિમાં આવેલો નિમ્નવળાંક છે અને પરિવર્તી ઊંડાઈ ધરાવે છે તેમજ તેનું નિક્ષેપક્રિયાથી સપાટ મેદાનોમાં રૂપાંતર થયેલું છે. આ અભિપ્રાય મુજબ, લાંબા ગાળાની વિપુલ કણજમાવટને પરિણામે ઉદ્ભવેલા દાબથી ક્રમશ: નીચે બેસતા જતા આ મર્યાદિત વિભાગ પર બોજ વધતો ગયો, સાથે સાથે અવતલન થતું ગયું, તેમાં અરવલ્લી, વિંધ્ય અને ગોંડવાના તેમજ ક્રિટેસિયસ સમયના સ્તરોવાળો દ્વીપકલ્પીય ભારતનો પટ્ટો, તેમનાં વિવિધ ભૂસંચલનજન્ય અને રચનાત્મક લક્ષણો તથા સ્થળશ્યો સહિત, ઢંકાઈ ગયો. આમ ભારતનું આ વિશાળ સંચલનજન્ય થાળું અસ્તિત્વમાં આવ્યું. તાજેતરનાં ગુરુત્વ, ચુંબકીય અને ભૂકંપીય સર્વેક્ષણો મુજબ કાંપના આવરણની ઊંડાઈ 1000 કે તેનાથી ઓછા મીટરથી માંડીને 2000 મીટરથી વધુ સુધીની પરિવર્તી છે. કાંપના આવરણની નીચે હિમાલયના તળેટી-ભાગ હેઠળ ઓછા ઘનિષ્ઠ શિવાલિક ખડકો અને જૂના ટર્શ્યરી નિક્ષેપો છે. વળી તેમની નીચે ગોંડવાના તેમજ ક્રિટેસિયસ જેવી ઘનિષ્ઠ જૂની રચનાઓ છે; આ રચનાઓ હોવાની ખાતરી ભૂકંપીય તરંગોના પરાવર્તનથી થયેલી છે. તળની ઊંડાઈ અનિયમિત છે, દક્ષિણ વિભાગ કરતાં ઉત્તર વિભાગ વધુ ઊંડો છે. ગર્તની ઉત્તર કિનારી, જ્યાં તે પર્વતોના તળેટી-વિભાગના સંપર્કમાં આવે છે, ત્યાં નોંધપાત્ર સ્તરભંગક્રિયાની અસરવાળી છે; એટલું જ નહિ, તે રચનાત્મક વિરૂપતા હેઠળ રહેલી છે. અન્ય એક સંભાવના પણ છે કે કાંપ-આવરણના આ ગર્ત પર બે કે ત્રણ આડી ટેકરીઓ તથા ત્રણ કે ચાર પૂર્વ-ટર્શ્યરી થાળાં રહેલાં છે.

સિંધુ-ગંગાનું આ અતિવિશાળ થાળું, હિમાલય ગિરિનિર્માણની અસરને પરિણામે ઉદભવ્યું. ત્યારબાદ ઉત્તરોત્તર થતી ગયેલી ઉત્થાનની મહાપ્રક્રિયાના લાંબા કાળગાળા દરમિયાન, પર્વતોમાંથી નીકળતી અસંખ્ય નદીઓએ લાવેલા શિલાચૂર્ણના જથ્થાની નિક્ષેપક્રિયા દ્વારા પૂરણી પામીને તે મેદાનોમાં ફેરવાયેલું છે. પર્વતોના ક્રમિક ઉત્થાનને કારણે નદીઓનો વારંવાર કાયાકલ્પ થતો રહ્યો હશે. તેમની ઘર્ષણક્ષમતા તથા વાહકક્ષમતા પણ અનેકગણી વધતી ગઈ હશે. ખડકોનું વિભંજન પણ અત્યંત શીઘ્રતાથી થયું હશે. પર્વતોની તળેટીમાંનાં સંચયસ્થાનોમાં નિક્ષેપના ઝડપી સંગ્રહ માટે સંજોગો અનુકૂળ બન્યા હશે, જેને પરિણામે આજે ભારતના આ અફાટ મેદાની વિસ્તારનો રહેવા માટે, જળઉપલબ્ધિ માટે તથા ખેતી માટે ઉપયોગ કરાય છે.

સિંધુ-ગંગાની અધોવાંકમાળાનો છેદ

ખડકવિદ્યા : સિંધુ-ગંગાનાં મેદાનો અર્વાચીન નદીઓના કાંપ, કાદવ અને રેતીને મળતા આવતા રેતીમય કે ચૂનામય માટીના જથ્થાવાળા સ્તરોથી બનેલાં છે. તેમની ઉત્પત્તિ પાર્થિવ કે નદીજન્ય છે. પર્વતો નજીક ગ્રૅવલવાળા કૉંગ્લોમરેટ જોવા મળે છે. ટેકરીઓથી અંતર વધતું જાય છે તેમ ગ્રૅવલ અને રેતી ઓછાં થતાં જાય છે અને કાંપ તેમજ માટીનું પ્રમાણ વધતું જાય છે. કાંપનાં મેદાનોની માટીવાળા ભાગની, ખાસ કરીને, જૂના નિક્ષેપોની લાક્ષણિકતા અનિયમિત કાંકરાઓ, ચૂનામય દ્રવ્ય-કંકર રૂપે રજૂ થાય છે. કેટલાક પ્રદેશોમાં લગભગ 30 % જેટલું ચૂનાદ્રવ્ય જોવા મળે છે. બિહાર અને બંગાળમાં માટી સાથે કાંકરીમય લિમોનાઇટ પણ મળે છે.

વર્ગીકરણ : કાંપમય નિક્ષેપોના ભૂસ્તરીય વર્ગીકરણને અનુલક્ષીને નિક્ષેપક્રિયાની કોઈ સ્પષ્ટ કક્ષાઓ જોવા મળતી નથી, પરંતુ આખોય જથ્થો નિક્ષેપની એકધારી અને સળંગ શ્રેણીનો નિર્દેશ કરે છે. આ નિક્ષેપક્રિયા હજી આજે પણ ચાલુ છે, તેમ છતાં નિમ્ન વિભાગો તેમાં રહેલા સસ્તન પ્રાણીઓના જીવંત કે વિલુપ્ત ઉપજાતિઓના જીવાવશેષો દ્વારા જુદા પાડી શકાય :

3. સિંધુ-ગંગા, વગેરેના ત્રિકોણપ્રદેશોના નિક્ષેપો-અર્વાચીન
2. નૂતન કાંપ : પંજા­બનો ખદર.

જીવાવશેષો મુખ્યત્વે જીવંત ઉપજાતિઓ,

જેમાં માનવ-અવશેષોનો પણ સમાવેશ થાય છે.

1. જૂનો કાંપ : ગંગાની ખીણનો ભાંગર.

એલિફસ ઍન્ટિક્વસ, ઇક્વસ નમાડિક્સ,

મનિસ જાઇગેન્ટિયા જેવા અવશેષો;

રહાઇનૉસિરસ, હિપોપૉટેમસ વગેરેની વિલુપ્ત ઉપજાતિઓ.

અસંગતિ∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼∼
જુદા જુદા કાળના

નિક્ષેપો

: દ્વીપકલ્પના આર્કિયન, પુરાના અને ગોંડવાના

તેમજ બાહ્ય દ્વીપકલ્પના ન્યુમુલાઇટયુક્ત,

મરી અને શિવાલિકનાં સંભવિત વિસ્તરણો.


ખદર
: ભાંગરની તુલનામાં ખદર વયમાં નવો હોવા છતાં નીચલી સપાટીઓમાં મળે છે. તે વર્તમાન નદીમાર્ગોની આજુબાજુના વિસ્તાર પૂરતો મર્યાદિત છે; જોકે ક્રમે ક્રમે તે અર્વાચીન નિક્ષેપો સાથે ભળી જાય છે. તેના દળ(માટી)માં કંકરનું પ્રમાણ ઓછું છે. તેમાં દટાયેલા અવશેષો હાથી, ઘોડા, બળદ, હરણ, ભેંસ, મગર, માછલી વગેરેની જીવંત ઉપજાતિના છે. ખદર-નિક્ષેપો ત્રિકોણપ્રદેશો કે પ્રાગ્-ઐતિહાસિક કાળના નિક્ષેપો સાથે અસ્પષ્ટ રીતે ભળી જાય છે.ભાંગર : ઉત્તરપ્રદેશ અને બંગાળના જૂના કાંપને ભાંગર નામથી ઓળખવામાં આવે છે. વયમાં તે મધ્ય પ્લાયસ્ટોસીન ગણાય છે. નદીઓના કિનારાના ઊંચાણવાળા ભૂમિભાગોમાં તે મળે છે. પૂરનાં પાણી તેના પર ફરી વળી શકતાં નથી. જ્યાં જ્યાં નદીઓનાં વહેણ બદલાયાં છે ત્યાં તે ઘસારો પામ્યા છે.

ત્રિકોણપ્રદેશો : 1,30,000 ચોકિમી. જેટલું ક્ષેત્રફળ ધરાવતો ગંગા-બ્રહ્મપુત્રનો ત્રિકોણપ્રદેશ ખદર-નિક્ષેપોનું સમુદ્રતરફી વિસ્તરણ ગણી શકાય. બંધારણની દૃષ્ટિએ તે પીટ, લિગ્નાઇટ, વનસ્પતિજન્ય પડો સહિત વારાફરતી મળતી માટી, રેતી અને માર્લ(ખડક)નો બનેલો છે.

સિંધુનો ત્રિકોણપ્રદેશ સિંધુ નદીના ખદરનું વિસ્તરણ છે, તે ગંગાના ત્રિકોણપ્રદેશ કરતાં ઘણો નાનો છે, જે સૂચવે છે કે તે નવા વયનો છે. સિંધુએ પ્રાગ્-અર્વાચીન કાળ દરમિયાન વાયવ્ય કચ્છ અને પૂર્વ સિંધનાં મેદાનો પર વારંવાર સ્થાનાંતર કર્યા કર્યું છે અને વર્ષે વર્ષે કાંપના નિક્ષેપો દ્વારા આવરી લીધેલા પ્રદેશની સપાટીને ઊંચી લાવી મૂકી છે.

અન્ય લક્ષણો : સિંધુ-ગંગાનાં મેદાનો સાથે સંકળાયેલાં કેટલાંક અન્ય લક્ષણો નીચે મુજબ છે :

ભાબર : ટેકરીઓની બાહ્ય કિનારીઓ પર મેદાનોના સંપર્કમાં આવતા ઓછા ઉગ્ર ઢોળાવવાળા ગ્રૅવલના ઢાળનિક્ષેપો (talus) ભાબર તરીકે ઓળખાય છે. તે પંખાકાર કાંપને મળતા આવે છે. ટેકરીઓમાંથી આવતી નદીઓ છૂટા ભેજગ્રાહી ગ્રૅવલમાં વિપુલ સ્રવણ દ્વારા આપમેળે અશ્ય બની જાય છે.

તરાઈ : તરાઈ એ ભાબરથી નીચે આવેલો ગાઢ જંગલોવાળો અને પંકભૂમિવાળો વિભાગ છે, જ્યાં ભાબર ઢોળાવનું અદૃશ્ય થયેલું નદીજળ પ્રવાહ રૂપે ફરીથી ફૂટી નીકળે છે અને ત્યાં પંકભૂમિ રૂપે દેખા દે છે.

ભૂર : ગંગાને કિનારે કિનારે ઊપસી આવેલા ભૂમિપ્રદેશો ભૂર તરીકે ઓળખાય છે. તે વર્ષના સૂકા ગરમ મહિનાઓ દરમિયાન પવન દ્વારા ઊડી આવેલી રેતીથી બનેલા છે.

રેહ અથવા કેલાર : કાંપનાં મેદાનોના સૂકા ભાગોમાં સપાટી પર છવાઈ જતું ખેતી માટેની ફળદ્રૂપતાને નાશ કરતું ક્ષારીય પડ. તે કૅલ્શિયમ-મૅગ્નેશિયમના ક્ષારો સાથેનું સોડિયમના કાર્બોનેટ, સલ્ફેટ અને ક્લોરાઇડનું મિશ્રણ છે. તેની ઉત્પત્તિ સ્થાનાંતરિત થતા શિલાચૂર્ણના વિભંજન-વિઘટનથી થાય છે. શરૂઆતમાં તે જળદ્રાવ્ય બનીને પછીથી સૂકી ઋતુમાં કેશાકર્ષણ દ્વારા સપાટી સુધી ખેંચાઈ આવીને પથરાય છે.

ધાન્ડ : ધાન્ડ એ રેતીના ઢૂવાનાં પોલાણોમાં બનેલાં અલ્કલ લક્ષણવાળાં કે ક્ષારવાળાં નાનાં નાનાં છીછરાં સરોવરો છે. સોડિયમના કાર્બોનેટ-સલ્ફેટ અને ક્લોરાઇડ જેવા ક્ષારો ઊડી આવેલી રેતીમાંથી સ્રવણ પામતા પાણી દ્વારા ખેંચાઈ આવે છે અને આવાં નાનાં થાળાંઓમાં એકઠા થાય છે, કેટલાંક સ્થળોએ કુદરતી સોડિયમ કાર્બોનેટનાં અગત્યનાં સંકેન્દ્રણો બનાવે છે. ધાન્ડ સિંધના પ્રદેશમાં જોવા મળે છે.

આ જ પ્રમાણે અગ્નિ સિંધ અને કચ્છ વચ્ચેના કાંપ પ્રદેશમાં રેતી-નિક્ષેપોમાં દટાઈ ગયેલા શુદ્ધ સિંધવના ઠીક ઠીક પરિમાણવાળા સ્તરો અને વીક્ષાકાર જથ્થાઓ પણ મળે છે, જેનો કુલ જથ્થો અનેક લાખ ટન જેટલો છે.

મેદાનોનું આર્થિક મહત્વ : કાંપનાં મેદાનો કોઈ પણ પ્રકારની ખનિજ-સંપત્તિ ન ધરાવતાં હોવા છતાં પણ તેમની કૃષિવિષયક અગત્યને કારણે ભારત માટે તેમનું ઘણું ઊંચું આર્થિક મૂલ્ય છે. માટીનાં સાદાં વાસણો અને ઈંટો બનાવવા માટેના પદાર્થ તરીકે તેમાં માટીનો અમર્યાદિત જથ્થો રહેલો છે, જે મેદાનોના સમગ્ર વિસ્તારમાં બાંધકામ માટેનો એકમાત્ર પદાર્થ છે. ચૂનો અને સિમેન્ટ બનાવવા માટે, રસ્તાઓ બાંધવા માટે કંકર મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે.

આ મેદાનો, સંતૃપ્ત જલસપાટી નીચે, વધુ છિદ્રાળુ, મોટા કણોવાળા સ્તરોમાં એકઠો થયેલો તાજા, મીઠા પાણીનો વિપુલ સંગ્રહ ધરાવે છે. જે સામાન્ય શારકામો દ્વારા કૂવાઓ-સ્વરૂપે સરળતાથી મળી રહે છે. કેટલાંક ઊંડાં શારકામો પરથી કેટલાક ભાગોમાં પાતાળકૂવાના સંજોગો પ્રવર્તતા હોવાની પ્રતીતિ થયેલી છે અને તેનાં સફળ પરિણામો પણ સાંપડ્યાં છે. ટ્યૂબવેલ માટે શારકામોના અખતરા પણ સફળ નીવડ્યા છે. સિંચાઈવિહીન જમીનોમાં ખેતીના ઉપયોગ માટે વિપુલ જલસંચયવાળા 60થી 120 મીટરની ઊંડાઈના કૂવાઓ પાણી પૂરું પાડે છે.

વ્રિજવિહારી દી. દવે

ગિરીશભાઈ પંડ્યા