સિંધિયા (શિન્દે) : ગ્વાલિયર રાજ્યના મરાઠા શાસકો. દક્ષિણ ભારતમાં બહ્મની રાજ્યમાં ઘણાં સિંધિયા કુટુંબો જાણીતાં થયાં હતાં. સાતારા જિલ્લામાં આવેલ કાન્હરખેડના પટેલો સિંધિયા હતા. તેમાંના એકની પુત્રી રાજા શાહૂ મુઘલો પાસે કેદ હતો ત્યારે, તેની સાથે પરણાવી હતી. મરાઠા ઇતિહાસમાં ખ્યાતિ મેળવનાર સિંધિયા કુટુંબનો સ્થાપક રાણોજી સિંધિયા હતો. સિંધિયાની ત્રણ પેઢીઓએ પેશવાઓની વફાદારીથી સેવા કરી અને તેમના માલિક તથા દેશ માટે પોતાના જીવનનો ભોગ આપ્યો હતો.
કાન્હરખેડના પટેલ કુટુંબનો જુનિયર સભ્ય રાણોજી સિંધિયા નસીબ અજમાવવા વાસ્તે પેશવા બાલાજી વિશ્ર્વનાથની અંગત સેવામાં જોડાયો. તેને પેશવાના સમર્થ પુત્ર બાજીરાવ હેઠળ અશ્ર્વદળના કૅપ્ટન તરીકે બઢતી આપવામાં આવી. ઈ. સ. 1720માં બાલાજી વિશ્ર્વનાથનું અવસાન થયું અને તેના પુત્ર બાજીરાવને પેશવાપદે નીમવાની ચર્ચા થતી હતી ત્યારે, રાણોજી પેશવાની સેવામાં મહત્ત્વનો આગેવાન હતો. ઈ. સ. 1724માં પેશવાના અશ્ર્વદળે મુબારીઝખાન સામે નિઝામને મદદ કરી ત્યારે લડાઈમાં રાણોજી ઘવાયો હતો. ઈ. સ. 1727-28માં નિઝામ સામેની પેશવાની ચડાઈમાં કટોકટીની પળે રાણોજી પર મુખ્ય આધાર હતો.
જુલાઈ, 1727માં રાણોજીને બઢતી આપીને સરંજામ તથા પાલખી વાપરવાનું માન મળ્યું. ઈ. સ. 1730માં, મલ્હારજી હોલ્કરને માળવા સૂબા(પ્રાંત)ની ચૉથ અને સરદેશમુખીનો અધિકાર આપવામાં આવ્યો. બીજે વર્ષે 20 ઑક્ટોબર 1731ના દિવસે રાણોજી સિંધિયાને સમાન સત્તા સહિત હોલ્કરની સાથે નીમ્યો અને પેશવાનાં સીલનો ઉપયોગ કરવા રાણોજીને મોકલ્યા. તે પછી, ઉજ્જૈનમાં મુખ્ય મથક રાખવા સાથે માળવા રાણોજીની પ્રવૃત્તિઓનું ક્ષેત્ર બન્યું. ઈ. સ. 1735-36માં સવાઈ જયસિંહને મળવા જવાના પ્રવાસમાં તે પેશવાની સાથે ગયો અને પેશવા પુણે પાછો ફર્યો પછી ખંડણી ઉઘરાવવા તેને ત્યાં મૂકવામાં આવ્યો. પેશવાએ મુઘલોના પાટનગર પર હુમલો કરીને મુઘલ સૈન્ય સામે વિજય મેળવ્યો ત્યારે રાણોજી પેશવાના સૈન્યનો સેનાપતિ હતો. રાણોજી સિંધિયાએ દમણ જિલ્લા પર આક્રમણ કર્યું અને નારગોલ, ખતલવાડ, ઉંબરગાંવ તથા દહાણુમાં રાખેલા સૈન્યને હરાવ્યું. રાણોજી સિંધિયા જુલાઈ, 1745માં શુજલપુર મુકામે મરણ પામ્યો. તેને પ્રથમ પત્નીના ત્રણ પુત્રો – જયપ્પા, દત્તાજી અને જોતીબા તથા બીજી પત્નીના બે પુત્રો – મહાદજી અને તુકોજી હતા. જોતીબા વહેલો મરણ પામ્યો. બાકીનાં વિવિધ ક્ષેત્રોમાં આગળ વધ્યા.
જયપ્પા વાર્ષિક રૂપિયા 65 લાખની આવક ધરાવતી જાગીરનો વારસ બન્યો. નવો પેશવા બાલાજી તાત્કાલિક લાભ જોતો અને નાણાંનો લોભી હતો. તેણે જયપુરના વારસાની તકરારમાં માધોસિંહને ટેકો ન આપવાની જયપ્પાની સલાહ માની નહિ. જયપ્પાની આગેવાની હેઠળ સિંધિયાનું સૈન્ય મારવાડ તરફ ગયું. જોધપુરનું રાજ્ય પાછું મેળવવા કાયદેસરના વારસ રામસિંહે મરાઠાઓની મદદ માગી હતી. ફેબ્રુઆરી, 1755 સુધીમાં કિશનગઢ, અજમેર અને મેરતા મરાઠા લશ્કરે કબજે કર્યાં અને નાગોરના કિલ્લાને ઘેરો ઘાલ્યો. તેના રાજદૂતો વાટાઘાટ કરતા હતા ત્યારે તેના એજન્ટોએ જયપ્પા પર હુમલો કરી 25 જુલાઈ, 1755ના રોજ તેને મારી નાખ્યો. જયપ્પાના ભાઈ દત્તાજીએ તેના લશ્કરને પ્રોત્સાહિત કર્યું. જયપ્પાના પુત્ર જનકોજીને જાગીરનો વારસ જાહેર કર્યો અને ઘેરો ચાલુ રાખ્યો. સિંધિયાની મદદે મરાઠાઓનાં બીજાં સૈન્યો આવ્યાં. છેવટે વિજયસિંહ મારવાડનું અર્ધું રાજ્ય તેના પિતરાઈ રામસિંહને આપવા તથા અજમેર અને ઝાલોરના કિલ્લા અને રૂ. 50 લાખ ખંડણી સિંધિયાને આપવા કબૂલ થયો.
પેશવાએ જનકોજીને સિંધિયાની જાગીર પર માન્ય રાખ્યો. ઈ. સ. 1759માં દત્તાજી સિંધિયાએ લશ્કર સાથે પંજાબમાં કૂચ કરી, સાબાજી સિંધિયાને તે પ્રદેશ સોંપ્યો અને ત્યાંથી યમુના ઓળંગીને નજીબખાન રોહિલાને શિક્ષા કરવા આગળ વધ્યો. તે પછી અહમદશાહ અબ્દાલીએ પંજાબ કબજે કર્યું. અહમદશાહ અબ્દાલી અને નજીબખાને દોઆબમાં સંયુક્ત રીતે સિંધિયાના લશ્કરને હરાવ્યું. દત્તાજી સિંધિયા દુશ્મનના ગોળીબારનો ભોગ બન્યો. 4 માર્ચ, 1760ના રોજ મલ્હારરાવ હોલ્કરને સખત પરાજય આપવામાં આવ્યો.
14 જાન્યુઆરી, 1761ના રોજ પાણીપતની લડાઈમાં મરાઠા લશ્કર સહિત સિંધિયાની સેનાનો પણ નાશ થયો. તુકોજી સિંધિયા લડાઈમાં મરાયો. જનકોજી સિંધિયા ઘવાયો, કેદ પકડાયો અને દુશ્મનોએ તેને મારી નાંખ્યો. સિંધિયાની સેનાને સખત ફટકો પડ્યો એટલે તેને તૈયાર થતાં કેટલાંક વર્ષો વીતી ગયાં; પરંતુ નસીબજોગે લડાઈના મેદાનમાંથી મહાદજી સિંધિયા નાસી ગયો. તે ભવિષ્યમાં સિંધિયાનું વિશાળ રાજ્ય સ્થાપવાનો હતો. પેશવા માધવરાવે રાણોજી સિંધિયાના પુત્રોની વફાદારીપૂર્વકની સેવાઓની કદર કરીને 1767માં મહાદજીને જાગીરમાં નીમ્યો. મે, 1766માં મલ્હારરાવ હોલ્કર મરણ પામ્યો અને 1768માં ધોડપમાં રાઘોબાનો પરાજય થયા બાદ મહાદજી તેની જાગીરની ગાદી પર નિશ્ર્ચિંત મને બેઠો. 1762થી સિંધિયાની જાગીરના વાસ્તવિક વડા તરીકે તે કાર્યરત હતો. ઈ. સ. 1766માં ગોહડના રાણા પાસેથી તેણે ગ્વાલિયર કબજે કર્યું અને ભવિષ્યમાં સિંધિયા પરિવારનું તે મુખ્ય મથક થયું.
ઈ. સ. 1769ના અંત દરમિયાન મરાઠાઓનું મોટું લશ્કર રામચંદ્ર ગણેશ અને વિસાજી કૃષ્ણની આગેવાની હેઠળ ઉત્તર ભારત તરફ પોતાનું વર્ચસ્વ સ્થાપવા રવાના કરવામાં આવ્યું. રામચંદ્રને પાછો બોલાવ્યા પછી લશ્કરની આગેવાની વિસાજી કૃષ્ણ અને મહાદજી સિંધિયા પાસે આવી. મહાદજીએ ફરૂખાબાદ પાસે પઠાણોને હરાવ્યા અને દોઆબમાં મરાઠાઓના જૂના કબજા હેઠળના પ્રદેશો પાછા મેળવ્યા. 10 ફેબ્રુઆરી 1771ના રોજ ઓચિંતો હુમલો કરીને મહાદજીએ દિલ્હીનો કિલ્લો કબજે કર્યો અને મુઘલ શહેનશાહ શાહઆલમને તેના પાટનગરમાં પાછા ફરવા નિમંત્ર્યો. દેશવટો ભોગવતો શહેનશાહ 6 જાન્યુઆરી 1772ના રોજ દિલ્હીમાં પુન: પ્રવેશ્યો. તે પછી મરાઠા સેનાએ નજીબખાનના પુત્ર જબેતાખાનનો પીછો કરી તેને શુકરતાલમાં હરાવી નજીબગઢ કબજે કર્યું. માધવરાવ પેશવાનું અવસાન થતાં મરાઠા સેનાની ઉત્તર ભારતમાં પ્રગતિ કેટલોક સમય અટકી ગઈ.
પેશવા નારાયણરાવનું ખૂન કરાવનાર રઘુનાથરાવને મહાદજીએ ટેકો આપ્યો નહિ અને તે બારભાયાનો ટેકેદાર બન્યો. રઘુનાથરાવ અંગ્રેજોની લશ્કરી મદદ લઈને જૂન 1778માં પુણે પર ચડી આવ્યો ત્યારે મહાદજી નાના ફડનવીસનો મુખ્ય સલાહકાર હતો. વડગાંવમાં અંગ્રેજ સેનાનો રકાસ થયો તે મહાદજીને કારણે. 3 ઑગસ્ટ 1780ના રોજ અંગ્રેજોએ મહાદજીની જાગીર પર હુમલો કરવા લશ્કર મોકલ્યું. ત્યારે ગુજરાતમાં લડાઈમાં રોકાયેલા મહાદજી સિંધિયા જૂન 1780માં તેના પ્રદેશનું રક્ષણ કરવા માળવા આવ્યો. સિંધિયાએ વારંવાર અંગ્રેજો પર હુમલા કરી સિપ્રી પાસે હરાવ્યા. 13 ઑક્ટોબર 1781ના રોજ મહાદજી અને અંગ્રેજો વચ્ચે સંધિ થઈ. તે પછી 1782માં અંગ્રેજો સાથે સાલબાઈની સંધિ કરવામાં આવી. અંગ્રેજોએ રઘુનાથરાવ પેશવાને સોંપી દીધો અને સાલસેટ તથા મુંબઈ પાસેના બે ટાપુઓ સિવાયના કબજે કરેલા બધા પ્રદેશો સોંપી દીધા. મુઘલ શહેનશાહ શાહઆલમે પોતાનું સ્થાન અને રાજ્ય બચાવવા મહાદજી સિંધિયાને 3 ડિસેમ્બર 1784ના રોજ જાહેર દરબારમાં ‘વકીલે-મુતલક’ – સર્વસત્તાધારી રીજન્ટ નીમ્યો. તેનો નાના ફડનવીસે ઈર્ષાથી વિરોધ કરવાથી પેશવાને ‘વકીલે-મુતલક’ અને મહાદજીને તેનો નાયબ નીમવામાં આવ્યો. આ અંગે થયેલી સમજૂતી મુજબ સિંધિયાને મુઘલ સમ્રાટના લશ્કર અને દિલ્હી તથા આગ્રા બે પ્રાંતો પર વહીવટ કરવાની સત્તા મળી. આમ, દિલ્હીથી શાસન કરવાની મરાઠાઓની લાંબા સમયની ખ્વાહિશ પૂરી થઈ. આ નવા સાહસમાંથી થનાર લાભ વિશે મહાદજી અને પુણે દરબારે ખોટી ગણતરી કરી હતી. લડાઈઓને કારણે શાહી તિજોરી ઘણુંખરું ખાલી થઈ ગઈ હતી. તેની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે તેની પાસે સાધનો ઘણાં ઓછાં હતાં. શહેનશાહને ખર્ચ માટેનાં નાણાં, મુઘલ લશ્કર અને તેના સૈનિકોને પગાર આપવા પૂરતાં નાણાં ન હતાં. તેથી નાણાં મેળવવા સિંધિયાએ મુઘલ અમીરોની જાગીરોના માલિકીહકની તપાસ શરૂ કરી અને રાજપૂત રાજાઓને શહેનશાહને આપવાની બાકીની ખંડણી ચૂકવવા દ્બાણ કર્યું.
જાગીરોના માલિકીહકની તપાસ સંપૂર્ણ ન્યાયી હતી. મુઘલ સમ્રાટોએ માત્ર આજીવન મનસબો આપી હતી અને મેળવનારના મૃત્યુ બાદ પાછી લેવામાં આવતી. તેમની સત્તા માટે ધમકીરૂપ બને એવી સામંતશાહી સર્જવાની સમ્રાટોની ઇચ્છા ન હતી; પરંતુ સામ્રાજ્યનું વિઘટન થયું ત્યારે જે જાગીરો હંગામી કે આજીવન આપવામાં આવી હતી તે કાયમી માલિકીની બની. આ પચાવી પાડનારાને દૂર કરી શકે તો સિંધિયાને આપવામાં આવેલા બે પ્રાંતોને આર્થિક દૃષ્ટિએ પોષાય એવા કરીને તેના લશ્કરનો ખર્ચ આપી શકે. જાગીરોના મુસ્લિમ માલિકો સમ્રાટના મરાઠા રીજન્ટ વિરુદ્ધ ભેગા થઈ ગયા.
જયપુર, જોધપુર અને ઉદયપુરના રાજપૂત રાજાઓએ મરાઠાઓના લોભને લીધે ઘણું સહન કર્યું હતું. તેઓને શહેનશાહના મરાઠા રીજન્ટની સત્તા મજબૂત કરવા શાહી ખંડણી ભરવાનો ઇરાદો ન હતો. મહાદજીની વધતી જતી સત્તા અને પ્રતિષ્ઠાનો આનંદ દેખાડવા છતાં નાના ફડનવીસને તેની ઈર્ષા થતી હતી. શીખો મુઘલોના પ્રાંતો પર હુમલા કરતા હતા. અંગ્રેજો મુઘલ બાદશાહને મદદ કરવા તૈયાર ન હતા. આ રીતે મહાદજીએ ઘણી મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવાનો હતો.
મહાદજીએ આધુનિક શસ્ત્રોથી સજ્જ શિસ્તબદ્ધ લશ્કર તૈયાર કરવા ફ્રેન્ચ કાઉન્ટ ડી બોઇન(De Boigne)ની 1784માં સેવા લઈને પાયદળની બે ટુકડીઓ તોપગોળાથી સજ્જ કરી. જુલાઈ, 1787માં લાલસોટની લડાઈમાં મુઘલ સૈનિકો સિંધિયાને છોડી જતા હતા ત્યારે ડી બોઇનની ટુકડીઓએ લડાઈમાં અને તે પછી પરિસ્થિતિ સાચવી લીધી. ડી બોઇને 1789માં યુરોપિયનોને અફસરો નીમીને ત્રણ બ્રિગેડો તૈયાર કરી. તેનાથી દેશના રાજાઓ સામે સિંધિયાને વિજયો મળ્યા; પરંતુ 1803માં આસાયે તથા લાસવારીમાં બ્રિટિશ સેના સામે લડતાં નિષ્ફળતા મળી કારણ કે યુરોપિયન અફસરો તેને છોડીને જતા રહ્યા હતા. મહાદજીએ પુણેની મદદ માગી, પરંતુ મદદ ઘણી મોડી મળી. લાલસોટમાં મહાદજી હારી રહ્યો હતો ત્યારે ગુલામ કાદર રોહિલાએ દિલ્હી કબજે કરી શહેનશાહ શાહઆલમ બીજાને કેદ કરી, અંધ કર્યો; તેના રાજમહેલને લૂંટ્યો. પઠાણ અને રોહિલા સૈનિકોએ દિલ્હી શહેરમાં લૂંટ કરી.
આ દરમિયાન મહાદજી મુશ્કેલીઓ પાર કરી ગયો. મહાદજીએ સેનાપતિ રાણાખાનને મોકલી દિલ્હી કબજે કરી ગુલામ કાદરને નસાડી મૂક્યો. મરાઠી સૈનિકોએ ગુલામ કાદરને ક્રૂરતાથી મારી નાખ્યો. મહાદજીએ મુઘલ બાદશાહને મળીને સાંત્વન આપ્યું. મહાદજીની સિદ્ધિઓથી ખુશ થઈ બાદશાહે તેનું સન્માન કર્યું અને તેને વૃંદાવનની જાગીર આપી. દિલ્હીમાં મહાદજીએ પુન: સત્તા સંભાળી અને આખા સામ્રાજ્યમાં 1789માં ગૌવધની મનાઈ ફરમાવી.
1785માં મહાદજીએ અંગ્રેજોના બંગાળમાંથી ચૉથ ઉઘરાવવાનો પોતાનો હક્ક રજૂ કર્યો અને ગવર્નર-જનરલ મેકફરસન પાસે તે સ્વીકારાવ્યો. આ દરમિયાન મહાદજીની વધતી જતી સત્તાથી નાના ફડનવીસ અને તુકોજી હોલકર ગભરાઈને ઈર્ષા કરવા લાગ્યા; પરંતુ તેને કંઈ હરકત કરી શક્યા નહિ. મહાદજીએ 1791માં જોધપુરના રાજા વિજયસિંહને સંધિ કરવાની ફરજ પાડી અને તેની પાસેથી રૂપિયા 40 લાખ દંડ વસૂલ કર્યો. વળી મહાદજીએ પોતે મુશ્કેલીમાં હતો ત્યારે આગ્રા શહેર કબજે કરનાર ઇસ્માઇલ બેગને હરાવી, કેદ કરી, આગ્રાની જેલમાં પૂર્યો, જ્યાં તે આઠ વર્ષ જેલ ભોગવી મરણ પામ્યો.
આમ 11 વર્ષના (1780-91) અથાગ પરિશ્રમ પછી મહાદજીએ ઉત્તર ભારતમાં ઉત્તરે સતલજથી નર્મદા નદી સુધી પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું અને પોતે દિલ્હી તથા ઉત્તર ભારતનો સર્વોપરી નેતા અને સર્વસત્તાધીશ બની રહ્યો. તેના પાશ્ર્ચાત્ય ઢબે તાલીમબદ્ધ અને શસ્ત્રસજ્જ સૈનિકોથી રાજપૂતો, જાટ, રોહિલા વગેરે ધ્રૂજતા હતા ! જયપુર, જોધપુર, અજમેર, મેવાડ, ઉદયપુર, આગ્રા, દિલ્હી, રોહિલખંડ, દોઆબ વગેરે પ્રદેશો ઉપર મહાદજીનું વર્ચસ્વ સ્થપાઈ ગયું હતું. આ રાજપૂત રાજાઓને નમાવીને મહાદજીએ અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી. દિલ્હીના બાદશાહના ‘વકીલે-મુતલિક’ તરીકે વાસ્તવમાં તે મુઘલ સામ્રાજ્યનો રક્ષક અને માલિક બન્યો.
મહાદજી 12 જૂન, 1792ના રોજ પુણે પહોંચ્યો. તેણે મુઘલ બાદશાહે આપેલો ‘વકીલે-મુતલિક’નો ખિતાબ પેશવાને અર્પણ કર્યો ! 12 ફેબ્રુઆરી, 1794ના રોજ વનાવડીમાં મહાદજી ટૂંકી માંદગીમાં મરણ પામ્યો. મહાદજીએ નવ લગ્નો કર્યાં હોવા છતાં તે અપુત્ર હતો; તેથી તેણે તેના પિતરાઈ આનંદરાવના પુત્ર દોલતરાવને દત્તક લીધો હતો. મહાદજીના મૃત્યુ સમયે તે 15 વર્ષનો હતો.
દોલતરાવ પુણે દરબારમાં તેની પ્રતિષ્ઠા વધારવા ઉત્સુક હતો. નવો પેશવા બાજીરાવ રઘુનાથ નાના ફડનવીસના કહ્યા પ્રમાણે વર્તવા તૈયાર ન હતો; તેણે દોલતરાવને ખજાનો આપવાનું વચન આપીને પોતાના પક્ષમાં લીધો. બાજીરાવ બીજો સિંધિયાની મદદથી પેશવા બન્યો (ડિસેમ્બર, 1796) ત્યારે તેણે સિંધિયાને પુણેના ધનિકો વગેરે પાસેથી નાણાં લેવાની છૂટ આપી. સિંધિયાએ આ કામ શર્જીરાવ ઘાટગેને સોંપ્યું, જેની સુંદર પુત્રીને તે પરણ્યો હતો અને તેનો માનીતો હતો. ઘાટગે જુલમગાર રાક્ષસ જેવો હતો. તેણે પુણેના લોકોને લૂંટીને ત્રાસ ગુજાર્યો. મહાદજી સિંધિયાની વિધવા રાણીઓની જરૂરિયાત પૂરતાં અને દોલતરાવે વચન આપ્યા પ્રમાણેનાં નાણાં ન મળ્યાની ફરિયાદો હતી. તેનું નિરાકરણ લાવવાનું શર્જીરાવને સોંપાતાં તેણે વિધવા રાણીઓને ખેંચીને ફટકા માર્યા, તેથી તેમણે બળવો કર્યો. દોલતરાવના સેનાપતિઓ વેતન ન મળવાને કારણે દુ:ખી હોવાથી રાણીના પક્ષે ભળ્યા. નાના ફડનવીસે પણ રાણીઓને ઉશ્કેરી. દોલતરાવ અને પેશવા વિરુદ્ધ જૂથ મજબૂત થયું. સિંધિયાની છાવણી પર હુમલો કરવામાં આવ્યો. આખરે સિંધિયાએ શર્જીરાવને પદભ્રષ્ટ કરી, અહમદનગરની જેલમાં પૂર્યો; દોલતરાવ અને રાણીઓ વચ્ચે સમાધાન થયું. સપ્ટેમ્બર, 1803માં અંગ્રેજો સામેની લડાઈમાં અલીગઢ, દિલ્હી તથા લાસવારી મુકામે સિંધિયાનો સખત પરાજય થયો. ડિસેમ્બર, 1803માં સર્જે અન્જાનગાંવની સંધિમાં સિંધિયાએ તેના બધા કિલ્લા, યમુના તથા ગંગા નદીઓ વચ્ચેના પ્રદેશો તથા જયપુર અને જોધપુરની ઉત્તર તરફના પ્રદેશો અને કિલ્લા અંગ્રેજ કંપનીને સોંપી દીધા. આ ઉપરાંત ભરૂચ અને અહમદનગરના કિલ્લા અને આસપાસના પ્રદેશો તથા અજન્તાની દક્ષિણના પ્રદેશો કંપનીને સોંપી દીધા. તે પછી ઈ. સ. 1804માં તેણે સહાયકારી સંધિ અનુસાર લશ્કર રાખવાનું સ્વીકાર્યું. ઈ. સ. 1809માં શર્જીરાવ ઘાટગે એક ધિંગાણામાં માર્યો ગયો. અગાઉ ઉજ્જૈન પાટનગર હતું તે બદલીને 1810માં ગ્વાલિયર નજીક સ્થળ પસંદ કરી પાટનગર વસાવવામાં આવ્યું. મધ્યભારતમાં સિંધિયાએ કરેલી લડાઈઓના પરિણામે પ્રદેશ વેરાન થયો હતો અને પીંઢારાનું જોખમ વધ્યું હતું. માર્ચ, 1827માં 48 વર્ષની યુવાનવયે દોલતરાવ સિંધિયા મરણ પામ્યો. તે અગાઉ અંગ્રેજોએ પીંઢારાઓનો નાશ કર્યો હોવાથી સિંધિયાના લશ્કરના ખર્ચમાં 25 ટકાનો ઘટાડો થયો અને મહેસૂલની આવક વધી. તેથી રાજ્યની સમૃદ્ધિમાં વધારો થયો હતો.
દોલતરાવ નિ:સંતાન હોવાથી, તેની વિધવા બૈઝાબાઈએ જૂન, 1827માં જનકોજીરાવને દત્તક લીધો; પરંતુ બૈઝાબાઈ વાસ્તવિક સત્તા ભોગવતી હતી. આખરે તેને ફરજિયાત નિવૃત્ત કરી પેન્શન આપવામાં આવ્યું અને જનકોજીએ સત્તા સંભાળી. જનકોજીરાવ સિંધિયા 7 ફેબ્રુઆરી 1843ના રોજ અપુત્ર મરણ પામ્યો અને તેની વિધવાએ જયાજીરાવ સિંધિયાને દત્તક લઈને ગાદીએ બેસાડ્યો. જાન્યુઆરી, 1844માં અંગ્રેજોએ કાઉન્સિલ ઑવ્ રીજન્સી નીમી. તે પછી 1857 સુધી ગ્વાલિયરમાં શાંતિ પ્રવર્તી. 1857ના વિપ્લવ દરમિયાન સિંધિયા બ્રિટિશ સરકારને વફાદાર રહ્યો અને મદદ પણ કરી. આ સેવાના બદલા રૂપે અંગ્રેજોએ તેની પાસેથી અગાઉ લઈ લીધેલા કેટલાક પ્રદેશો પાછા આપ્યા, દત્તક લેવાનો અધિકાર આપ્યો તથા લશ્કર વધારવાની સત્તા પણ આપી. સર હ્યુ રોઝે 1858માં ગ્વાલિયરનો કિલ્લો કબજે કર્યો હતો તે સિંધિયા સરકારની વારંવારની માગણી બાદ 10 માર્ચ, 1886ના રોજ અંગ્રેજોએ સિંધિયાને પાછો આપ્યો. જયાજીરાવનું 1886માં અવસાન થયા બાદ, માધવરાવ ગાદીએ બેઠો. ત્યારબાદ જૂન, 1925માં જિવાજીરાવ સિંધિયા નવ વર્ષની વયે ગાદીએ બેઠો. નવેમ્બર, 1936માં તેની પુખ્ત ઉંમરે તેને રાજસત્તા સોંપવામાં આવી. તેણે જવાબદાર સરકાર આપવાની જાહેરાત કરી હતી. 1948માં ગ્વાલિયર રાજ્યનું વિલીનીકરણ થયું અને મધ્યભારત સંઘ રચવામાં આવ્યો અને જિવાજીરાવ સિંધિયા તેના રાજપ્રમુખ બન્યા.
જિવાજીરાવનાં પત્ની વિજયારાજે સિંધિયા (1919-2001) 1957માં ગુના મતવિસ્તારમાંથી કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે લોકસભામાં ચૂંટાયાં. 1960માં પતિના અવસાન બાદ તેમના રાજકીય ગુરુ સંભાજીરાવ આંગ્રેના પ્રોત્સાહનથી તેઓ રાજકારણમાં સક્રિય બન્યાં અને 1962માં કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગ્વાલિયરમાંથી લોકસભામાં ચૂંટાયાં. રાજવીઓનાં સાલિયાણાં નાબૂદીની બાબતમાં વડાપ્રધાન ઇંદિરા ગાંધી સાથે મતભેદ થવાથી, કૉંગ્રેસ છોડીને તેઓ 1967માં ભારતીય જનસંઘમાં પ્રવેશ્યાં. 1980માં ભારતીય જનતા પક્ષની સ્થાપનાથી તેઓ તેના સક્રિય નેતા હતાં. બેતાલીસ વર્ષની રાજકીય કારકિર્દીમાં તેઓ આઠ વાર સંસદીય ચૂંટણીમાં વિજેતા થયાં હતાં. તેમના પુત્ર માધવરાવ તથા પુત્રી વસુંધરા રાજે પણ રાજકારણમાં સક્રિય થયાં. માધવરાવને માતા સાથે રાજકીય મતભેદો હતા.
માધવરાવ સિંધિયા (1945-2001) 26 વર્ષની યુવાનવયે રાજકારણમાં પ્રવેશ્યા અને ગ્વાલિયર મતવિસ્તારમાંથી 1971માં લોકસભામાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે પ્રવેશ્યા. 1977માં તેઓ કૉંગ્રેસ પક્ષમાં પ્રવેશ્યા. 1984માં અટલબિહારી વાજપેયી સામે જીતીને રાજીવ ગાંધીની સરકારમાં તેઓ રેલવે-મંત્રી (1984-89) બન્યા. ભારતીય રેલવેના આધુનિકીકરણ અને કમ્પ્યૂટરાઇઝેશનમાં તેમની પ્રગતિશીલ કાર્યશૈલી વ્યક્ત થઈ હતી. કૉંગ્રેસ પક્ષની નરસિંહરાવ સરકારમાં તેઓ સિવિલ એવિયેશન તથા પર્યટન-મંત્રાલય(1991-93)નો હવાલો સંભાળતા હતા. એક વિમાની અકસ્માતની નૈતિક જવાબદારી સ્વીકારી તેમણે રાજીનામું આપ્યું. તેમને 1995માં સંસાધન-વિકાસ ખાતાના મંત્રી (1995-96) બનાવવામાં આવ્યા. આ દરમિયાન એક નાણા-ચુકવણી કૌભાંડમાં તેમનું નામ સંડોવાતાં તેમણે રાજીનામું આપ્યું. સંરક્ષણ અને વિદેશ-મંત્રાલયની સમિતિઓમાં તેમણે કામ કર્યું હતું. તેમનું પ્રભાવશાળી વક્તૃત્વ અને આકર્ષક વ્યક્તિત્વ લોકચાહના મેળવવામાં ઉપયોગી થયાં. તેઓ ક્રિકેટ, ગૉલ્ફ, તરણ, બ્રિજ વગેરે રમતોમાં રસ ધરાવતા હતા. તેઓ 1990થી 1993 સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ હતા. ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, સોવિયેત સંઘ, ઑસ્ટ્રેલિયા વગેરે દેશોની ભારતીય પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે તેમણે મુલાકાત લીધી હતી. તેમનું વિમાની અકસ્માતમાં અવસાન થયું. તેમના યુવાન પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા લોકસભાના સભ્ય છે. જિવાજીરાવ અને વિજયારાજે સિંધિયાનાં પુત્રી વસુંધરા રાજે (જ. 1953) ધોલપુર(રાજસ્થાન)ના કુંવર હેમંતસિંહ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. તેઓ માતાના પગલે ભારતીય જનતા પક્ષમાં જોડાયાં અને 1984માં લોકસભાના સભ્ય ચૂંટાયાં. વાજપેયી સરકારમાં તેઓ વિદેશ-ખાતામાં રાજ્યકક્ષાના મંત્રી હતાં. ડિસેમ્બર, 2003થી તેઓ રાજસ્થાનની ભાજપની સરકારનાં મુખ્યમંત્રી છે. આ રાજ્યનાં તેઓ સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી છે.
જયકુમાર ર. શુક્લ
રક્ષા મ. વ્યાસ