સિંધસભા (1882) : સિંધમાં નવચેતનાનો સંચાર કરવા સ્થપાયેલી સંસ્થા. સન 1843માં અંગ્રેજોએ સિંધ કબજે કર્યા બાદ ત્યાં નવયુગનું મંડાણ થયું હતું. શિક્ષણનો પ્રસાર વધતાં અને પ્રબુદ્ધ લોકોને નવયુગનાં એંધાણ દેખાતાં સદીઓથી વિધર્મી શાસન તળે કચડાયેલા સમાજમાં પ્રસરેલાં દરિદ્રતા, અંધવિશ્ર્વાસ અને કુરિવાજો નિવારવા આ પ્રબુદ્ધ લોકોએ જાગૃતિ દર્શાવી હતી. કોલકાતામાં બ્રહ્મોસમાજ થકી જે પરિવર્તનો થઈ રહ્યાં હતાં એ પ્રકારે સિંધમાં પણ પરિવર્તનોનો પ્રારંભ કરવા પ્રાર્થનાસભા અને બ્રહ્મોસમાજની સ્થાપના થઈ હતી.

સામાજિક પરિવર્તનો ઉપરાંત અંગ્રેજોના શૈક્ષણિક તેમજ અન્ય રીતરિવાજો સંદર્ભે રાજકીય અધિકારો અને સુધારાઓની આવશ્યકતા જણાઈ હતી. એ જ કાળમાં રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની પણ સ્થાપના થઈ હતી.

સામાજિક અને રાજકીય દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને સિંધમાં નવચેતના જગાવવા સન 1882માં સિંધસભાની સ્થાપના થઈ હતી.

દયારામ ગિદુમલ શહાણીના પ્રમુખપદે સ્થાપિત સિંધસભામાં સાધુ નવલરાય, સાધુ હીરાનંદ આડવાણી, દયારામ જેઠમલ જેવા પ્રખર લેખકો, ચિંતકો અને પ્રબુદ્ધો સભ્ય બન્યા હતા.

સિંધસભાએ અંગ્રેજી સરકાર સાથે મસલતો કરીને લોકોની માગણીઓ, અપેક્ષાઓ અને સામાજિક સુધારાઓનો અમલ કરવા માટે રજૂઆતો કરી હતી. કરાંચી, હૈદરાબાદ જેવાં શહેરોમાં સુધરાઈની સ્થાપના કરવા તથા એ રીતે નગરનો વિકાસ કરવા તથા આધુનિકીકરણ કરવા પણ પ્રયાસો કર્યા હતા.

સિંધસભા થકી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ઊભી કરવા, મહેસૂલી સુધારા લાવવા તથા ચૂંટણીપ્રથા શરૂ કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા અને લોકોના મતાધિકારની માગણી કરવામાં આવી હતી.

શિક્ષણના પ્રસાર માટે સિંધ બૃહદ્ મુંબઈ સાથે જોડાયેલું હતું તેથી મૅટ્રિક તેમજ સ્નાતકની પરીક્ષાઓનાં કેન્દ્રો સિંધમાં સ્થાપિત કરવાના સિંધસભાએ પ્રયત્નો કર્યા હતા.

આમ, સિંધમાં અંગ્રેજોના આગમન તથા આઝાદીની ચળવળના પ્રારંભ વચ્ચેના ગાળામાં સિંધમાં નવચેતના જગાવવા સિંધસભાએ અગત્યની ભૂમિકા ભજવી હતી.

જયન્ત રેલવાણી