સિંઘ, શ્રીરામ (. 29 જૂન 1950, બડાનગર, રાજસ્થાન) : ભારતીય દોડ-ખેલાડી. પિતાનું નામ કરણસિંઘ. તેઓ મધ્યમ દોડના ખેલાડી હતા.

શ્રીરામ સિંઘ રાજસ્થાન રાજ્ય તરફથી નૅશનલ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભાગ લેતા. તેમણે 1976માં 400 મી. દોડ; 1972, 1973, 1977 અને 1980નાં વર્ષોમાં 800 મી. દોડમાં અને 1977માં 1500 મી.ની દોડમાં ભાગ લીધો. શ્રીરામ સિંઘ સતત ત્રણ ઑલિમ્પિક રમતોત્સવમાં ભારત તરફથી રમ્યા. તેઓ 800 મી.ની દોડમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરતા. 1972માં મ્યૂનિક, 1976માં માટ્રિયલ અને 1980માં મૉસ્કો ઑલિમ્પિક રમતોત્સવ માટે ભારતીય ઍથ્લેટિક્સની ટીમમાં પસંદગી પામ્યા. 1976ની માટ્રિયલ ઑલિમ્પિક રમતોત્સવમાં 800 મી. દોડની ફાઇનલમાં મિ. 1 : 45.77 સેકન્ડના સમય સાથે સાતમા ક્રમે રમ્યા, જે સમયને એશિયાઈ રમતોત્સવના વિક્રમ તરીકે માન્ય રાખવામાં આવ્યો હતો. 1970માં એશિયાઈ રમતોત્સવમાં 800 મી.ની દોડ મિ. 1 : 48.3 સેકન્ડમાં પૂરી કરીને ભારતને રજતચંદ્રક અપાવ્યો હતો. 1974ના તેહરાન એશિયાઈ રમતોત્સવમાં 800 મી.ની દોડ મિ. 1 : 47.57 સેકન્ડમાં પૂરી કરીને ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો અને એશિયાઈ વિક્રમ પોતાના નામે કર્યો. ત્યારબાદ 1978ના બૅંગકોક એશિયાઈ રમતોત્સવમાં પણ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. શ્રીરામ સિંઘ ભારતીય 4 × 400 મી. રિલે-ટીમના સભ્ય હતા અને તેમણે 1974માં તેહરાન અને 1978માં બૅંગકોક એશિયાઈ રમતોત્સવમાં ભારતને રજતચંદ્રક અપાવ્યો હતો. 1973ની મનિલા ટ્રેક ઍન્ડ ફિલ્ડ મીટમાં 800 મી. દોડમાં રજતચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.

1975માં ટ્રેક ઍન્ડ ફિલ્ડ મીટમાં 400 મી., 800 મી. અને 4 × 400 રિલે-દોડમાં ભાગ લઈને ત્રણ સુવર્ણચંદ્રક ભારતને અપાવ્યા હતા.

1977માં ડસેલફૉર્ડ ખાતે યોજાયેલ પ્રથમ વિશ્વકપ ખેલકૂદ-સ્પર્ધામાં એશિયન ટીમમાં પસંદ પામ્યા હતા.

1973માં ભારત સરકાર તરફથી તેમને અર્જુન એવૉર્ડ અર્પણ કરાયો હતો. પતિયાલાની નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટસનો કોચિંગ ડિપ્લોમા તેઓ ધરાવે છે.

હર્ષદ ઈ. પટેલ