સિંઘ, સિંઘજિત (. 3 નવેમ્બર 1932, ઇમ્ફાલ, મણિપુર) : જાણીતા મણિપુરી નૃત્યકાર ને મૃદંગવાદક. ઇમ્ફાલ શહેરના રાજવી કુટુંબમાં જન્મ્યા હોવા છતાં સિંઘજિતને માતામહની જેમ મંદિરમાં ઉત્કૃષ્ટ મૃદંગવાદક બનવાની આકાંક્ષા હતી, તેથી આઠ વર્ષની ઉંમરે તેની તાલીમ લેવાની શરૂઆત કરી. મણિપુરમાં સંકીર્તન અથવા મૃદંગ સાથે નૃત્ય કરવું એ મંદિરના પ્રાંગણ સુધી કે તેના પ્રાસંગિક ઉત્સવ પૂરતું સીમિત નથી. સામાજિક કે ધાર્મિક પ્રસંગ કે ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા સાથે સંકીર્તન કરવું એ માન ગણાય છે. અગાઉના સમયમાં જુદાં જુદાં મંદિરો કે ગામનાં સંકીર્તન-જૂથો સાથે અવારનવાર સ્પર્ધા થતી અને તેના નટપાલા અથવા સંકીર્તનકારોને જાહેરમાં માન-સન્માન મળતું. આવા નટપાલાની માંગ હંમેશ રહેતી. સિંઘજિતના પિત્રાઈ ભાઈ જગોઈ જૂથમાં અચ્છા મૃદંગવાદક હતા. તેમાં તેઓ પણ જોડાયા. ત્યાં ગુરુ અમોબી સિંઘ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી. ઉપરાંત ગુરુ થામ્બાલ નગો સિંઘ અને છોબા સિંઘ પાસે પણ નૃત્યશૈલીઓનાં જુદાં જુદાં પાસાંનું જ્ઞાન મેળવ્યું. આ સાથે ઇમ્ફાલ વિદ્યાપીઠમાંથી સ્નાતકની ઉપાધિ પણ તેમણે મેળવી. 1954માં તેમણે દિલ્હીની ત્રિવેણી કળા સંગમના મણિપુરી વિભાગમાં તાલીમ આપવાની શરૂ કરી. મણિપુરીના કુદરતી અને ધાર્મિક વાતાવરણથી તદ્દન ભિન્ન પરિપ્રેક્ષ્યમાં, શૈલીના માળખામાં કોઈ તાત્ત્વિક વિકૃતિ લાવ્યા વગર, આધુનિક શહેરી રંગમંચ પર, તદ્દન ભિન્ન અને નવીન પ્રેક્ષકગણને ભોગ્ય બને એવી રંગરચના તૈયાર કરવાની હામ સિંઘજિત સિંઘે સફળતાપૂર્વક હાથ ધરી. સંસ્થાના નેજા હેઠળ તેમણે અનેક નૃત્યનાટિકાઓમાં રુચિપ્રદ નૃત્યગૂંથણી કરી. તેમની મૌલિક શક્તિને બિરદાવવા 1975માં મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદે તેમને ‘નૃત્યગુરુ’નું બિરુદ આપ્યું. એ જ વર્ષે દિલ્હી સાહિત્ય કલા પરિષદે પણ પારિતોષિક આપ્યું.

મણિપુરી નર્તન, મૃદંગવાદન ઉપરાંત થાંગ-તા જેવી યુદ્ધકલાનો પરિચય હોવાથી મણિપુરની લોકકથા ‘ઈંગેલ લેઈ’ જેવી નૃત્યનાટિકાઓમાં તેનો સુપેરે પ્રયોગ કર્યો. ‘બભ્રુવાહન’, ‘સાવિત્રી’, ‘શકુંતલા’ વગેરે તેમની યશસ્વી નૃત્ય-નાટિકાઓ છે. દિલ્હીના પ્રતિષ્ઠિત પરિવારની કન્યા ચારુ માથુર, જે તેમની શિષ્યા હતી, તેની સાથે તેમણે લગ્ન કર્યાં. બે પુત્રી સાથેના તેમના પરિવારમાં પણ મણિપુરી નૃત્યના પરિવર્ધનને પ્રાધાન્ય મળ્યું છે.

કેન્દ્રીય સંગીત નાટક અકાદમીએ 1985માં અને ભારત સરકારે ‘પદ્મશ્રી’થી 1986માં તેમને પુરસ્કૃત કરેલા.

પ્રકૃતિ કાશ્યપ