સિંઘલ, સી. આર. : પ્રસિદ્ધ સિક્કાનિષ્ણાત. તેમનું અધ્યયન-સંશોધન મોટેભાગે મુઘલ યુગના સિક્કાઓ અને તેની આનુષંગિક બાબતો અંગેનું રહ્યું છે. સલ્તનત અને મુઘલ સમય તે કાળના વિભિન્ન પ્રકારના સિક્કાઓથી સમૃદ્ધ રહ્યો છે. આ સિક્કાઓ તૈયાર કરવા માટેની ટંકશાળાઓ પણ મુઘલ સામ્રાજ્યના વિભિન્ન પ્રાન્તોમાં આવેલ. સિંઘલે આ અંગે ‘Mint-Towns of the Mughal Emperors of India’ નામે વિસ્તૃત શોધગ્રંથ લખ્યો છે. આમાં તેમણે ભારતના મુઘલ બાદશાહોની, તેમનાં સામ્રાજ્યનાં વિભિન્ન નગરો – સ્થળોએ આવેલી ટંકશાળાઓના પ્રાપ્ત સિક્કાઓ ઉપરના ઉલ્લેખિત (ટંકિત) ગામનાં નામોના આધારે અભ્યાસ કર્યો છે. મોટાભાગનું તારણ હકીકતલક્ષી હોઈ સ્વીકાર્ય થયું છે. અલબત્ત, કોઈક તારણ ચર્ચાસ્પદ પણ છે; જેમ કે, અહમદશાહના પ્રાપ્ત એકમાત્ર સિક્કા પર ‘જેતપુર’ – સૌરાષ્ટ્રનું ભાદરકાંઠાનું જેતપુર (કાઠી) વંચાયું. સિંઘલે સૌરાષ્ટ્રમાં આ નામનાં ચાર રજવાડાં હોવાનું ને એકેયમાં મુઘલ ટંકશાળ ન હોવાનો અભિપ્રાય દર્શાવ્યો. હકીકતે ‘જેતપુર’ નહિ પણ ‘જેતપર’ હોવાનું પછીથી સિદ્ધ થયું. સૂરતની ટંકશાળમાં અકબરના ગુજરાતના બનાવટી સિક્કા બનતા હોવાની પણ સંભાવના રજૂ કરી. આ અભ્યાસ ઉપરાંત સિંઘલનું બીજું મહત્વનું કામ છે મુંબઈના ‘પ્રિન્સ ઑવ્ વેલ્સ’ મ્યુઝિયમમાં સંગૃહીત, ગુજરાતનાં સુલતાનોના સિક્કાઓનો સૂચિગ્રંથ તૈયાર કર્યો તે. આ સૂચિ બે ભાગમાં છે : પહેલો ગ્રંથ છે પ્રાક્-મુસ્લિમ સમયની સૂચિનો – Bibliography of Indian Coins Vol. I (Non Muhammadan Series, Bombay, 1950) અને બીજો ગ્રંથ છે Catalogue of the Coins of Gujarat Sultans (In the Prince of Wales Museum, Bombay, 1950). તેમણે મુંબઈ નજીકના મરોલી ગામ પાસેથી પ્રાપ્ત સિક્કા-નિધિનો વિગતે અભ્યાસ કર્યો હતો. સિંઘલના સિક્કાઓ અને તેના સંદર્ભવિષયક અભ્યાસ-લેખો, ‘Journal of the Numismatic Society of India’માં અવારનવાર પ્રસિદ્ધ થયા છે.

હસમુખ વ્યાસ