સાલ્વિયા : દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબિયેટી) કુળની એક મોટી પ્રજાતિ. તે સુગંધિત અને શોભન પ્રજાતિ છે અને શાકીય તેમજ ક્ષુપ-સ્વરૂપ ધરાવે છે. આ પ્રજાતિનું વિતરણ સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 24 જેટલી જાતિઓ નોંધાઈ છે.

આ પ્રજાતિમાં વૃદ્ધિ, સ્વરૂપ અને પુષ્પના રંગ બાબતે પુષ્કળ વિભિન્નતાઓ જોવા મળે છે. સાલ્વિયાને સમૂહમાં ઉગાડવાથી તેનું સૌંદર્ય સૌથી વધારે નીખરે છે. તેઓ ક્યારીઓમાં કે સીમાવર્તી છોડ તરીકે ઉગાડી શકાય છે. તેનું પ્રસર્જન કટકારોપણ કે બીજ દ્વારા સહેલાઈથી થાય છે. તે 45-60 દિવસ સુધી પુષ્પનિર્માણ કરી શકે છે. સારું ખાતર આપી તેનું યોગ્ય કૃંતન કરવાથી ફરીથી પુષ્પનિર્માણ કરાવી શકાય છે.

આકૃતિ : Salvia lanata-ની પુષ્પ સહિતની શાખા

Salvia aegyptica Linn. નીચી, બહુશાખિત, ઢલોમી (hispid), ઉપક્ષુપ (undershrub) જાતિ છે અને ખડકાળ શુષ્ક વિસ્તારોમાં દિલ્હીથી પશ્ચિમે પંજાબ અને રાજસ્થાનમાં તેમજ દક્ષિણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં થાય છે. તેનાં પર્ણો કડક, રેખીય-ભાલાકાર (linear-lanceolate), કુંઠદંતી (crenate) અને લગભગ અદંડી હોય છે. પુષ્પો નાનાં, લાંબી કલગી-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. કાષ્ઠફલિકાઓ (nutlets) નાની, વાદળી-કાળી અને લીસી હોય છે.

તેનાં બીજ અતિસાર (diarrhoea) અને મસામાં શામક (demulcent) તરીકે ઉપયોગી છે. તે પુષ્કળ પ્રમાણમાં શ્ર્લેષ્મ ઉત્પન્ન કરતાં હોવાથી ઇસબગૂલનાં બીજ સાથે ઘણી વાર મિશ્ર કરવામાં આવે છે. બીજનો ઉપયોગ આંખમાંથી કચરો દૂર કરવા માટે થાય છે. શ્ર્લેષ્મના જલાપઘટન(hydrolysis)થી D-ગૅલેક્ટોઝ, L-એરેબિનોઝ, L-રહેમ્નોઝ અને D-ગૅલેક્ચ્યુરોનિક ઍસિડ ઉત્પન્ન થાય છે. ઘેટાં-બકરાં આ વનસ્પતિને ખાય છે.

S. lanata Roxb. મજબૂત, બહુવર્ષાયુ, ઘણાં પ્રકાંડો ધરાવતી, 30-50 સેમી. ઊંચી જાતિ છે અને સમશીતોષ્ણ હિમાલયમાં કાશ્મીરથી નેપાળ સુધી થાય છે. પર્ણો મૂળપર્ણ (radical) પ્રકારનાં, અદંડી, 13-17 સેમી. લાંબાં અને સાંકડાં પ્રતિભાલાકાર (oblanceolate) હોય છે. પુષ્પો ભૂખરાં-વાદળી, ચક્રિલ (whorl) સ્વરૂપે નિશ્ચિત અંતરે ગોઠવાયેલાં હોય છે. કાષ્ઠ-ફલિકાઓ નાની, બદામી અને ગોળ હોય છે.

S. officinalis Linn. (ગાર્ડન સેજ) સહિષ્ણુ, પરિવર્તી (variable) 15-30 સેમી. ઊંચી ઉપક્ષુપ જાતિ છે. તે દક્ષિણ યુરોપની વતની છે. તે ઘણી વાર મસાલા તરીકે, ઔષધકીય હેતુઓ માટે અને શોભન-વનસ્પતિ તરીકે વાવવામાં આવે છે. પ્રકાંડ સફેદ રોમો વડે ગાઢપણે આવરિત હોય છે. પુષ્પીય શાખાઓ ઘનરોમિલ (pubescent) હોય છે. પર્ણો સુગંધિત, અખંડિત, સદંડી અને લંબચોરસ હોય છે. પુષ્પો વાદળી, જાંબલી અથવા સફેદ હોય છે અને સરળ કલગી(raceme)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે.

ગાર્ડન સેજનું જમ્મુમાં બાષ્પશીલ તેલ માટે વાવેતર થાય છે. આ તેલની ગુણવત્તાની તુલના વિદેશી ઉદભવ ધરાવતા તેલની ગુણવત્તા સાથે થઈ શકે તેવી હોય છે. બાષ્પશીલ તેલનો ઉપયોગ સાબુ અને અત્તર-ઉદ્યોગમાં થાય છે.

પર્ણોના શુષ્ક વજનના 1.3 % – 2.6 % જેટલું બાષ્પશીલ તેલ પ્રાપ્ત થાય છે. યુગોસ્લાવિયા, સ્પેન, કોર્ફુ, સીરિયા અને રશિયામાં તેલનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરવામાં આવે છે. તેલના એક યુરોપિયન નમૂનાનું વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : a-પિનિન 3.3 %, b-પિનિન 5.6 %, લિનેલિલ એસિટેટ 14.8 %, થુજોન 51.0 %, કૅમ્ફર 8.2 %, બોર્નિયોલ 6.6 % અને બોર્નિયોલ એસિટેટ 1.7 %. આ તેલમાં મૉનો-અને સેસ્ક્વિટર્પેનોઇડો પુષ્કળ પ્રમાણમાં તેમજ ટ્રાઇટર્પેનોઇડો અને સ્ટેરોઇડો અલ્પ પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત અર્સોલિક અને ઓલિયેનોલિક ઍસિડ, થુજિન, 3-કેરિન અને વિરિડિફલોરલ – એ તેલમાં મળી આવતા ઘટકો છે. તેલની ગુણવત્તા થુજોનના પ્રમાણને આધારે નક્કી થાય છે. થુજોનનું જેમ પ્રમાણ વધારે તેમ તેલની ગુણવત્તા વધારે સારી ગણાય છે.

સેજના તેલનો અત્તરમાં ગંધનાશક (deodorant) તરીકે ઉપયોગ થાય છે. તે કીટનાશકોની બનાવટમાં અને છાલા (thrush) તથા દાંતના પેઢાના સોજામાં ઉપયોગી છે. તે વાતહર (carminative) ગણાય છે. તેના તેલનો ઉપયોગ આક્ષેપક (convulsant) તરીકે થાય છે.

સેજના તેલનો ઉપયોગ રોઝમેરી અને લવંડરના તેલના અપમિશ્રક (adulterant) તરીકે થાય છે. આ તેલનું અપમિશ્રણ અમેરિકન દેવદારના પર્ણના તેલ સાથે કરવામાં આવે છે. આ દેવદાર પણ થુજોન ધરાવે છે.

સેજ અને તેનું તેલ પ્રતિઉપચાયક (antioxidant) ગુણધર્મો ધરાવે છે. સેજનાં પર્ણોમાંથી પાંચ પ્રતિઉપચાયક ઘટકો અલગ કરાયા છે. તે પૈકીમાંનો એક પૉલિહાઇડ્રિક ફિનૉલ હોવાનું માલૂમ પડ્યું છે.

બાષ્પનિસ્યંદન પછી બાકી રહેતો અવશેષ સુગંધિત ઘટકો ધરાવે છે. વનસ્પતિદ્રવ્યના ગરમ પાણીના નિષ્કર્ષણથી ઓલિયોરેઝિન પ્રાપ્ત થાય છે. તેનો તેલ સાથે ખાદ્ય પદાર્થોને સુગંધિત કરવામાં ઉપયોગ કરવામાં આવે છે.

બાષ્પશીલ તેલ ઉપરાંત પર્ણો ટેનિન (3 %), ફ્યુમેરિક, મેલિક અને અર્સોલિક ઍસિડ, એક કડવું ઘટક, પિક્રોસાલ્વિન, સેપોનિન, પેન્ટોઝ, મીણ અને પોટૅશિયમ નાઇટ્રેટ ધરાવે છે.

સેજનો અન્ન-ઉદ્યોગમાં મસાલા તરીકે વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. તે મરઘી, માંસ અને સૉસિજના ભરણ(stuffing)માં વપરાય છે. તે રસોઈમાં સૌથી અગત્યનો છોડ ગણાય છે. રાંધેલાં શાકભાજી સાથે શુષ્ક પર્ણોનું ચૂર્ણ મિશ્ર કરવામાં આવે છે. આ ચૂર્ણ પનીરની ડિશ રાંધેલા માંસ અને અન્ય તેવી જ બનાવટો પર છાંટવામાં આવે છે. સેજનાં તાજાં પર્ણો સલાડ અને સેન્ડવિચ બનાવવામાં ઉપયોગી છે. કુમળાં પર્ણોમાંથી અથાણું અને ચા બનાવવામાં આવે છે.

ઔષધકીય દૃષ્ટિએ સેજનો ઉપયોગ સ્વાસ્થ્યવર્ધક, સંકોચક (astringent) અને વાતહર તરીકે થાય છે. પર્ણોનો આસવ ગળાના દુખાવામાં કોગળા કરવા માટે વપરાય છે. તેનો ગરમ આસવ સ્વેદક (diaphoretic) હોય છે. પર્ણોનો નિષ્કર્ષ જ્વરહર (antipyretic) છે. છોડના જલદ આસવનો ઉપયોગ ધાવણા બાળકને દૂધ છોડાવવા માટે, માતાના સ્તનનું દૂધ સૂકવવા માટે થાય છે. પ્રાચીન સમયથી સેજનો ઉપયોગ સ્ત્રીઓના રોગોના નિવારણ માટે થાય છે. તેનાં શુષ્ક અગ્રીય પર્ણોમાંથી ઇસ્ટ્રોજેનીય પદાર્થોનું નિષ્કર્ષણ કરવામાં આવ્યું છે. શુષ્ક પર્ણો ધુમાડો આપવાની ક્રિયામાં વપરાય છે. પર્ણો દાંત ઘસવામાં ઉપયોગી છે. છોડનો ઉપયોગ પોટીસ તરીકે, દંતમંજન માટેનાં ચૂર્ણ બનાવવા માટે અને વાળના પોષક દ્રવ્ય તરીકે થાય છે.

બીજમાં 18 % જેટલું પ્રોટીન હોય છે. બીજમાંથી શુષ્કન (drying) તેલ મેળવવામાં આવે છે. તેનો ઉપયોગ તૈલચિત્રમાં બંધક તરીકે થાય છે.

S. plebeia R. Br. (ભૂ-તુલસી) મજબૂત, ઘનરોમિલ, એકવર્ષાયુ, 15-50 સેમી. ઊંચી જાતિ છે અને ભારતનાં મેદાનોમાં અને 1,500 મી.ની ઊંચાઈ સુધી અપતૃણ તરીકે થાય છે.

S. coccinea Linn. અને S. splendens ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે. S. hians Royle., S. nubicola (Wall.) ex Sweet. syn. S. glutinosa Fl. Br. Ind., અને S. virgata Jacq. syn. S. dumetorum Fl. Br. Ind. કાશ્મીર અને પશ્ચિમ હિમાલયના પ્રદેશોમાં થાય છે.

સાલ્વિયાની ભારતમાં થતી અન્ય જાતિઓમાં S. farniaceae, S. cardinalis અને S. leucantha Cav.નો સમાવેશ થાય છે.

બળદેવભાઈ પટેલ

મ. ઝ. શાહ