સાલ્વિયાતી જુસેપે

January, 2008

સાલ્વિયાતી, જુસેપે (Salviati, Giuseppe) (જ. આશરે 1520થી 1525, તુસ્કની, ઇટાલી; અ. આશરે 1575) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. મૂળ નામ જુસેપે પૉર્તા. 1535માં રોમ જઈ તેમણે ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર ફ્રાન્ચેસ્કો સાલ્વિયાતી પાસે કલા-અભ્યાસ કર્યો અને ગુરુની ‘સાલ્વિયાતી’ અટક અપનાવી લીધી. 1539માં ગુરુ ફ્રાન્ચેસ્કો સાથે જુસેપે વેનિસ ગયા અને ચિત્ર ‘રેઇઝિન્ગ ઑવ્ લાઝારુસ’ ચીતર્યું. તેમાં ગુરુ ફ્રાન્ચેસ્કોના લાવણ્યનો અતિશય ઝોક સ્પષ્ટ જોઈ શકાય છે; પરંતુ પછીથી જુસેપેએ ધીમે ધીમે લાવણ્યનો અતિરેક દૂર કર્યો. વેનિસ ખાતેનાં દેવળોમાં ઘણાં ખ્રિસ્તી ધાર્મિક ચિત્રો તેમણે આલેખ્યાં. એ ચિત્રોમાંથી સેંટ મારિયા ગ્લોરિયોસા દેઈ આલેખિત ભીંતચિત્ર ‘પાલા વાલિયેર’ શ્રેષ્ઠ ગણાયું છે,

સાલ્વિયાતીનું એક ચિત્ર

 પણ વેનિસના સાન્તા ઝાકારિયા ચૅપલમાં તેમણે ચીતરેલા ભીંતચિત્ર ‘રિડિમર ઍન્ડ સેંટ્સ’માં સાદગી પરનો ઝોક સ્પષ્ટ બને છે. 1562થી 1565 સુધી જુસેપેએ રોમનિવાસ દરમિયાન વૅટિકનમાં ભીંતચિત્ર ‘ફ્રેડેરિક બાર્બારોસા સબ્મિટિન્ગ ટુ પોપ ઍલેક્ઝાન્ડર, ધ થર્ડ’ આલેખ્યું.

અમિતાભ મડિયા