સાલ્વિનિયેસી : ત્રિઅંગી વનસ્પતિઓના વર્ગ – ટેરોપ્સિડાનું એક કુળ. સ્પૉર્નની વર્ગીકરણપદ્ધતિ પ્રમાણે તેને ઉપવર્ગ તનુબીજાણુધાનીય (Leptosporangiatae) અને ગોત્ર સાલ્વિનિયેલ્સમાં મૂકવામાં આવે છે. આ કુળમાં એકમાત્ર સાલ્વિનિયા પ્રજાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રજાતિની 12 જેટલી જાતિઓ નોંધાઈ છે. મોટાભાગની જાતિઓ આફ્રિકામાં થાય છે. ભારતમાં સા. નાટાન્સ, સા. ઓબ્લૉન્ગીફોલિયા અને સા. કુકુલાટા મળી આવે છે. સાલ્વિનિયા વનસ્પતિ જલજ અને પાણીની સપાટી ઉપર તરતી જોવા મળે છે. તેની જાતિ સા. નાટાન્સ એકવર્ષાયુ, જ્યારે અન્ય જાતિઓ બહુવર્ષાયુ પ્રકારની છે. વનસ્પતિ વિષમબીજાણુક (heterosporous) હોય છે. તેની બીજાણુધાનીઓ બીજાણુફલિકા(sporocarp)માં ઉત્પન્ન થાય છે. બીજાણુફલિકામાં એક મહાબીજાણુધાની અથવા અનેક લઘુબીજાણુધાની હોય છે. બંને પ્રકારની બીજાણુધાનીઓ કદી પણ એક બીજાણુફલિકામાં હોતી નથી. પુંજછદ(indusium)ના રૂપાંતરથી બીજાણુફલિકાની દીવાલ બને છે. આમ, દીવાલની દૃષ્ટિએ બીજાણુફલિકા માર્સિલિયાના બીજાણુફલિકાથી જુદી પડે છે.

તેનું પ્રકાંડ શાખિત, પાતળું અને નાજુક હોય છે, જ્યારે મૂળનો અભાવ હોય છે. પ્રકાંડની દરેક ગાંઠ ઉપર ત્રણ ત્રણ પર્ણોનો સમૂહ જોવામાં આવે છે. ત્રણ પર્ણના સમૂહમાં બે પર્ણો પાર્શ્ર્વ દિશામાં અને પાણી ઉપર તરતાં રહે છે, જ્યારે ત્રીજું પર્ણ પાણીમાં ડૂબેલું હોય છે. નિમગ્ન પર્ણ વિચ્છેદન પામી બહુકોષી 8થી 12 રોમમય રચનામાં રૂપાંતરિત થાય છે. જે મૂળ સાથે સામ્ય ધરાવે છે. તેનું કાર્ય પાણીનું શોષણ કરવાનું અને બીજાણુફલિકાને રક્ષણ આપવાનું છે. પ્રકાંડની એક ગાંઠ પર એક પર્ણસમૂહ બીજી ગાંઠ પર આવેલા પર્ણસમૂહથી એકાંતરિક હોય છે. આમ, પ્રકાંડ પર પર્ણો 6 હરોળમાં હોય છે. પાણી ઉપર તરતાં પર્ણો 1.0થી 1.5 સેમી. લાંબાં, એકશિરી જાલાકાર શિરાવિન્યાસવાળાં, લીલાં, હોડી આકારનાં અને મજબૂત કેશમય બહિરુદભેદોથી આચ્છાદિત હોય છે. સાલ્વિનિયાનું પ્રકાંડ જલદીથી તૂટી જાય છે અને તેથી જ વનસ્પતિ ઝડપી વાનસ્પતિક પ્રજનન કરે છે. પ્રકાંડની અગ્રવૃદ્ધિ બે બાજુવાળા અગ્રસ્થ કોષને લીધે થાય છે. પ્રકાંડની અંત:સ્થ રચનામાં એકસ્તરીય મૃદુતકીય અધિસ્તર, બહુસ્તરીય અને મોટા અવકાશયુક્ત બાહ્યક અને નળાકાર મધ્યરંભ (siphonostele) જોવા મળે છે. મધ્યરંભમાં અલ્પવિકસિત જલવાહક અને અન્નવાહક પેશી હોય છે. પ્રકાંડની અંત:સ્થ રચના જલજ વનસ્પતિનાં લક્ષણો દર્શાવે છે. પર્ણની અંત:સ્થ રચનામાં ઉપરી અધિસ્તર અને અધ:અધિસ્તર મૃદુતકીય હોય છે. બંને અધિસ્તરો વચ્ચે આંતર અવકાશયુક્ત પર્ણ મધ્યપેશી અને અલ્પવિકસિત વાહીપુલ હોય છે.

સાલ્વિનિયા વિષમબીજાણુક હોવાથી લઘુબીજાણુ ફલિકાઓ અને મહાબીજાણુફલિકાઓ જુદી જુદી ઉત્પન્ન થાય છે. આમ, લઘુબીજાણુફલિકા અને મહાબીજાણુફલિકા 4થી 20ના સમૂહમાં નિમગ્ન પર્ણ ઉપર જોવામાં આવે છે. બધી બીજાણુફલિકા ગોળ કે લંબગોળ અને સદંડી હોય છે. બાહ્યરચનાની દૃષ્ટિએ બંને પ્રકારની બીજાણુફલિકા એકસરખી દેખાય છે. પ્રત્યેક બીજાણુફલિકા સંયુક્તાક્ષની શાખાઓની ટોચ પર એકાકી રીતે જોવામાં આવે છે. બંને બીજાણુફલિકાનું પુંજછદ દ્વિસ્તરીય હોય છે. બંને સ્તર વચ્ચે ઊભા અવકાશો જોવામાં આવે છે. આ સમૂહમાં એક મહાબીજાણુફલિકા જ્યારે બાકીની બધી જ લઘુબીજાણુફલિકાઓ હોય છે. મહાબીજાણુફલિકાના તલભાગમાં સ્તંભીય પ્રકારની રચના ઉદભવે છે તેને બિંબ (receptacle) કહે છે. તેના પરથી 25 જેટલી મહાબીજાણુધાનીઓ ઉદભવે છે. લઘુબીજાણુફલિકામાં લઘુબીજાણુધાનીની સંખ્યા અનેક છે અને તેના બીજાણુધાનીવૃંત પર સદંડી લઘુબીજાણુધાની જોવામાં આવે છે. તેઓના દંડ પાતળા હોય છે અને તેમાં કોષો એક હરોળમાં હોય છે.

સાલ્વિનિયેસી : (અ) સાલ્વિનિયા ઑબ્લૉન્ગીફોલિયા; (આ) સા. નાટાન્સ – બે તરતાં પર્ણો અને એક નિમગ્ન-પર્ણ; (ઇ) સા. નાટાન્સ – વનસ્પતિ બાહ્ય દેખાવ; (ઈ) સા. નાટાન્સ – નિમગ્ન પર્ણ સાથે જોડાયેલી બીજાણુફલિકા; (ઉ) સા. ઑબ્લૉન્ગીફોલિયા – મહાબીજાણુફલિકામાં જોવા મળતા મહાબીજાણુ; (ઊ) સા. ઑબ્લૉન્ગીફોલિયા – લઘુબીજાણુફલિકામાં સ્ફોટન થવાથી જોવા મળતા લઘુબીજાણુ; (ઋ) સા. નાટાન્સ – મહાબીજાણુનો ઊભો છેદ : બીજાણુદીવાલ અને બીજાણુચોલ; (એ) સા. નાટાન્સ – માદાજન્યુજનક; (ઐ) સા. નાટાન્સ – સ્ત્રીધાની; (ઓ) સા. નાટાન્સ – નરજન્યુજનક અવસ્થા; (ઔ) સા. નાટાન્સ – માદાજન્યુજનકમાં ભ્રૂણવિકાસ.

પ્રત્યેક મહાબીજાણુધાની સદંડી હોય છે. પરિપક્વ મહાબીજાણુધાનીમાં પોષક સ્તરના તૂટવાથી ઉત્પન્ન થતો જીવરસ મજબૂત અને રસધાનીયુક્ત રચના બનાવે છે, જે મહાબીજાણુની ફરતે બીજાણુ આવરણ રચે છે. તેને બીજાણુચોલ (perispore) કહે છે. મહાબીજાણુ કદમાં મોટા હોય છે. તેમની દીવાલ જાડી હોય છે. તેઓ એકકોષકેન્દ્રી હોય છે.

પ્રત્યેક લઘુબીજાણુધાની ગોળ હોય છે. તે એકસ્તરીય દીવાલ, એકસ્તરીય પોષક સ્તર અને 16 બીજાણુમાતૃકોષો ધરાવે છે; જેના અર્ધસૂત્રીભાજન પ્રકારના વિભાજનથી 64 બીજાણુ બને છે. પરિપક્વ બીજાણુધાનીમાં પોષક સ્તર તૂટવાથી રસધાનીયુક્ત ફીણ જેવી રચના બને છે. તેને મેસૂલી (massulae) કહે છે; જેમાં 64 લઘુબીજાણુઓ ખૂંપેલા હોય છે. પ્રત્યેક લઘુબીજાણુ કદમાં નાનો, એકકોષકેન્દ્રીય અને દીવાલયુક્ત જીવરસ ધરાવે છે.

બીજાણુધાનીવૃંત પર બીજાણુધાનીનો વિકાસ તનુબીજાણુધાનીય પ્રકારનો હોય છે. મહાબીજાણુધાનીમાં આઠ મહાબીજાણુ માતૃકોષો હોય છે. તેમનું અર્ધસૂત્રીભાજન થતાં 32 મહાબીજાણુઓ ઉત્પન્ન થાય છે તે પૈકી ફક્ત એક જ મહાબીજાણુ સક્રિય રહે છે; બાકીના વિઘટિત થાય છે.

પરિપક્વ લઘુબીજાણુફલિકા અને મહાબીજાણુફલિકા માતૃ-વનસ્પતિથી છૂટી પડી પાણીના તળિયે જઈ બેસે છે. બીજાણુફલિકાનું આવરણ સડી જવાથી બીજાણુધાનીઓ બહાર આવે છે. બીજાણુધાનીઓ પાણી ઉપર તરે છે ત્યારે તેના અંદર રહેલા બીજાણુનું અંકુરણ થાય છે, જેથી જન્યુજનક (gametophyte) અવસ્થા ઉત્પન્ન થાય છે.

મહાબીજાણુ પાણીની સપાટી ઉપર ઊભો તરે છે. તેના કોષકેન્દ્રના પ્રથમ વિભાજનથી નાનો અગ્રસ્થ કોષ અને મોટો તલસ્થ કોષ બને છે. તલસ્થ કોષનું કોષકેન્દ્ર મુક્તકોષકેન્દ્ર નિર્માણપદ્ધતિથી વિભાજનો પામી બહુકોષકેન્દ્રી રચના બનાવે છે. અગ્રસ્થ કોષ ઊભું વિભાજન પામીને બે અસમ કદના કોષો બનાવે છે; જેમાંથી મોટા કદના કોષમાંથી સ્ત્રીધાની (archegonium) ઉત્પન્ન થાય છે. સ્ત્રીધાની ઊંડે સુધી ખૂંપેલી (neck canal cell) હોય છે. તેની ઉપર ગ્રીવા હોય છે. તેમાં એક દ્વિકોષકેન્દ્રીય ગ્રીવામાર્ગકોષ આવેલો હોય છે.

લઘુબીજાણુનું અંકુરણ મેસૂલીમાં અને લઘુબીજાણુધાનીમાં થાય છે. લઘુબીજાણુ કદમાં વધે છે અને કોષકેન્દ્ર બે વખત વિભાજિત થઈ ત્રણ કોષ બનાવે છે. સૌથી નીચેનો તલસ્થ કોષ વિભાજિત થઈ એક નાનો કોષ ઉત્પન્ન કરે છે, જે પૂર્વદેહકોષ (prothallial cell) જેવો હોય છે. ઉપરના બે કોષનાં બે વખત વિભાજન થવાથી બે પુંજન્યુમાતૃકોષ અને ચાર વંધ્યકોષ ઉત્પન્ન થાય છે. પ્રત્યેક પુંજન્યુમાતૃકોષમાંથી ચાર શુક્રાણુકોષો (spermatocytes) ઉત્પન્ન થાય છે. આમ, શુક્રાણુકોષો બે સમૂહમાં હોય છે. બંને સમૂહ નાના વંધ્ય કોષોથી આવરિત હોય છે. આ સમૂહને પુંધાની કહે છે. શુક્રાણુકોષમાંથી ચલપુંજન્યુ (spermatozoid) ઉત્પન્ન થાય છે.

ફલન બાદ ઉદભવતા ફલિતાંડમાંથી બહુકોષી ભ્રૂણ ઉત્પન્ન થાય છે. અષ્ટકોષી ભ્રૂણમાંથી પાદ, પ્રકાંડ અને પર્ણ બને છે.

વિલિસ (1969) આ કુળમાં બે પ્રજાતિઓ અઝોલા અને સાલ્વિનિયાનો સમાવેશ કરે છે. ક્રિસ્ટેન્સન સાલ્વિનિયેલ્સ ગોત્રમાં સાલ્વિનિયેસી અને અઝોલેસી – એમ જુદાં જુદાં કુળોમાં વર્ગીકૃત કરે છે; પરંતુ અગ્લર અને ડાયલ્સ, ઈમ્સ અને કૉપલૅન્ડ ઉપર્યુક્ત મંતવ્ય સાથે સહમત નથી. આ બંને પ્રજાતિઓ બાહ્યાકારવિદ્યાની ષ્ટિએ એકબીજી સાથે તેમજ બીજા હંસરાજથી સ્પષ્ટ જુદી તરી આવે છે. આથી તેને ક્રિસ્ટેન્સન પ્રમાણે સાલ્વિનિયેસી અને અઝોલેસી – એમ જુદાં જુદાં કુળોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

આ બંને પ્રજાતિઓને હોજમાં, ખાબોચિયામાં કે જળચરગૃહ(aquarium)માં શોભાની વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે.

યોગેશ ડબગર