સાલંકાયન વંશ (શાલંકાયન વંશ) : પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના મછલીપટ્ટમ્ વિસ્તારમાં આશરે બીજીથી પાંચમી સદી દરમિયાન થઈ ગયેલ વંશ. ઈ. સ. 140ના અરસામાં ટૉલેમી દ્વારા રચવામાં આવેલ ભૂગોળના ગ્રંથમાં જણાવ્યા મુજબ, અર્વાચીન મછલીપટ્ટમ્ વિસ્તારની ઉત્તરે સાલંકાયનો વસતા હતા. ગોદાવરી જિલ્લામાં ઇલોર પાસે કૃષ્ણા નદી અને ગોદાવરી નદીની વચ્ચેના મુખપ્રદેશમાં તેમનું પાટનગર વેંગી, આધુનિક પેડ્ડા-વેંગી હતું. ટૉલેમીના જણાવ્યા પ્રમાણે સાલંકાયનોનું મહત્ત્વનું શહેર વેંગીપુર હતું. સાલંકાયનોએ પછીના સાતવાહન રાજાઓનું આધિપત્ય સ્વીકાર્યું હોવું જોઈએ; પરંતુ આંધ્રપથના વિજેતાઓ ઇક્ષ્વાકુઓ અને પલ્લવોને પણ તેઓ તાબે થયા હતા કે નહિ તે ચોક્કસ કહી શકાતું નથી.
સાલંકાયનોની બધી સનદો વેંગી નગરમાંથી અપાઈ હતી. મહારાજા ચન્દ્રવર્મન્ના જ્યેષ્ઠ પુત્ર મહારાજા નંદિવર્મન્ દ્વારા કોલેર દાનપત્ર આપવામાં આવ્યું હતું. આ રાજા પેડ્ડા-વેંગી દાનપત્ર આપનાર મહારાજા નંદિવર્મન 2જા સાથે દેખીતાં સમાન લક્ષણો ધરાવે છે, કે જે મહારાજા ચન્દ્રવર્મન્ના જ્યેષ્ઠ પુત્ર, મહારાજા નંદિવર્મન્ 1લાના પૌત્ર અને મહારાજા હસ્તીવર્મન્ના પ્રપૌત્ર હોવાનું કહેવાય છે. અલ્લાહાબાદ સ્તંભ શિલાલેખ મુજબ આશરે ચોથી સદીની મધ્યમાં ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્ત દ્વારા હરાવવામાં આવેલ વેંગીનો રાજા એ જ નામ ધરાવતો સાલંકાયન હસ્તીવર્મન્ છે, તેમાં શંકા નથી. તાજેતરમાં શોધવામાં આવેલ કાનુકોલ્લુ અભિલેખો પ્રાકૃત ભાષામાં નોંધે છે કે નંદિવર્મન્ દ્વારા રાજ્યઅમલના 14મા વર્ષે દાન આપવામાં આવ્યું હતું. આ નંદિવર્મન્ ઘણુંખરું હસ્તીવર્મન્નો પુત્ર હતો. નંદિવર્મન્ 1લાનો પૌત્ર નંદિવર્મન્ 2જો હતો, તેનો સમય આશરે પાંચમી સદીનો ઉત્તરાર્ધ હતો. કન્ટેરૂ દાનપત્ર નંદિવર્મન્ નામના સાલંકાયન મહારાજા દ્વારા આપવામાં આવેલ. તે સનદમાં તેના પૂર્વજોનાં નામ આપવામાં આવ્યાં નથી. કન્ટેરૂ અને કાનુકોલ્લુ – એ બે દાનપત્રોના આધારે સ્કંદવર્મન્ નામના મહારાજાની માહિતી મળે છે. બીજો એક સાલંકાયન મહારાજા દેવવર્મન્ મહેશ્વરનો ભક્ત હતો. તેના વિશે માહિતી ઇલોરના દાનપત્રમાંથી મળે છે. ઇલોરનું દાનપત્ર પ્રાકૃત ભાષામાં લખાયેલું છે, જ્યારે નંદિવર્મન્ 2જા અને સ્કંદવર્મન્ વિશેની નોંધો સંસ્કૃત ભાષામાં છે, તેથી દેવવર્મન્ આ બંને કરતાં વહેલો થઈ ગયો હશે. દાનપત્રમાં જણાવેલ છે કે મહારાજા દેવવર્મને અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. આ હકીકત સૂચવે છે કે તે સમુદ્રગુપ્તના આક્રમણ પહેલાં થઈ ગયો હતો અને આંધ્રપથના પલ્લવ વિજેતાઓની ચડાઈઓ સામે સફળતા મેળવ્યા પછી સાલંકાયન કુટુંબની મહાનતા સ્થાપિત કરી હતી.
બધા સાલંકાયન રાજાઓ ચિત્રરથ-સ્વામી નામના તેમના કુળદેવતાને પૂજતા હતા. ચિત્રરથનો અર્થ ‘સૂર્ય’ થાય છે, તેથી તેઓ સૂર્યદેવની આરાધના કરતા હતા. સાલંકાયન રાજાઓનાં તામ્રપત્રો ઉપર લગાવેલી મહોર (મુદ્રા) બળદની છે, જે તેમના કુટુંબનું ચિહ્ન છે. ‘સાલંકાયન’ શબ્દ ભગવાન શંકરના નંદીનું સૂચન કરે છે. એવો સંભવ છે કે સાલંકાયન રાજાઓના વંશનું પ્રતીક (ચિહ્ન) તેમના કુટુંબના નામ સાથે સંબંધ ધરાવતું હશે.
સાલંકાયનો પશ્ચિમ ગોદાવરી અને કૃષ્ણા જિલ્લા અને તેની પાસેના પ્રદેશો ઉપર સત્તા ભોગવતા હતા. તેમના પતન વિશેની માહિતી મળતી નથી. નેલોર-ગંતુર પ્રદેશના પલ્લવ રાજા સિંહવર્મન્ના મંગલુર દાનપત્રમાં વેંગી રાષ્ટ્રમાં ઇનામમાં જમીન આપ્યાની નોંધ છે. આ હકીકત સૂચવે છે કે આશરે પાંચમી સદીના અંતમાં વેંગીના સાલંકાયનો સામે પલ્લવો સફળ થયા હતા (જીત્યા હતા). ઘણુંખરું તે પછીની સદીના શરૂઆતનાં વર્ષોમાં (વિષ્ણુકુંડીનોએ) તેઓને હરાવ્યા હતા.
જયકુમાર ર. શુક્લ