સાર્ત્ર, જ્યાઁ પૉલ (જ. 1905, પૅરિસ; અ. 1980, પૅરિસ, ફ્રાન્સ) : વીસમી સદીના મહાન ફ્રેન્ચ સર્જક અને તત્ત્વચિન્તક. તેઓ ફ્રેન્ચ અસ્તિત્વવાદના સ્થાપક હતા. તેમનો અસ્તિત્વવાદ (existentialism) નિરીશ્વરવાદી (atheistic) હતો.
સાર્ત્રના પિતા જ્યાઁ બાપ્ટિસ્ટ ફ્રેન્ચ નૌકાદળમાં કામ કરતા હતા. સાર્ત્રનાં માતા એન મેરીચાર્લ્સ શ્વાઇત્ઝરનાં પુત્રી હતાં. ચાર્લ્સ શ્વાઇત્ઝર વિખ્યાત જર્મન મિશનરી ડૉક્ટર શ્વાઇત્ઝરના કાકા હતા. 1906માં સાર્ત્રના પિતાનું અવસાન થયું. 1907માં સાર્ત્ર તેમની માતા સાથે ચાર્લ્સ શ્વાઇત્ઝરને ત્યાં રહેવા ગયા. શ્વાઇત્ઝરના સમૃદ્ધ પુસ્તકાલયનો સાર્ત્રને બાલ્યાવસ્થાથી જ ઘણો લાભ મળ્યો હતો. 1911થી શ્વાઇત્ઝર કુટુંબ પૅરિસમાં સ્થાયી થયું. 1917માં જૉસેફ મેનસી સાથે સાર્ત્રની માતાનું પુનર્લગ્ન થયું. તેથી મેનસી સાથે સાર્ત્ર અને સાર્ત્રની માતા લૉ રોશેલમાં રહેવા ગયાં.
જ્યાઁ પૉલ સાર્ત્ર
પૅરિસની પ્રખ્યાત સંસ્થામાંથી 1929માં સાર્ત્રે તત્ત્વજ્ઞાનનું શિક્ષણ પૂરું કર્યું હતું. તે સમયે તેઓ સિમોન-દ-બૂવાના પરિચયમાં આવ્યા. લગ્નજીવન વગરનો મુક્ત પ્રેમ અને મૈત્રી સિમોન સાથે સાર્ત્રે જીવનભર નિભાવ્યાં હતાં. સિમોન (1908-1986) પણ પ્રતિષ્ઠિત નારીવાદી ચિન્તક અને સર્જક હતાં. બંનેએ રશિયા, જર્મની, અમેરિકા, ચીન, જાપાન એમ અનેક દેશોની મુલાકાતો લીધી હતી. કેટલાક દેશોના વડાઓને પણ તેઓ મળ્યાં હતાં.
બીજા વિશ્વયુદ્ધના પ્રારંભે ફરજિયાત લશ્કરી ભરતી પ્રમાણે સાર્ત્રને ફ્રેન્ચ લશ્કરમાં જોડાવું પડ્યું હતું. જૂન, 1940થી માર્ચ, 1941 સુધી જર્મન લશ્કરે તેમને યુદ્ધકેદી તરીકે રાખ્યા હતા. સાર્ત્ર ત્યાંથી મુક્ત થઈને ફ્રાન્સમાં જર્મન શાસન સામેના ભૂગર્ભ પ્રતિકાર દળોમાં જોડાયા હતા. સાર્ત્રે જુદી જુદી ફ્રેન્ચ સંસ્થાઓમાં તત્ત્વજ્ઞાનનું શિક્ષણકાર્ય થોડા સમય માટે કર્યું હતું; પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે અધ્યાપનકાર્ય કાયમ માટે છોડી દીધું હતું.
યુરોપીય સંસ્થાનવાદ, પશ્ચિમી સામ્રાજ્યવાદ, નાઝીવાદ, ફાસીવાદ, મૂડીવાદ, રંગભેદવાદ અને યહૂદીવિરોધી માનસનો સાર્ત્રે કટ્ટર અને સક્રિય વિરોધ કર્યો હતો. સાર્ત્રે એક બાજુ શ્રમિકોનાં હિતોને આગળ કરનાર તરીકે સોવિયેત રશિયાના સામ્યવાદી શાસનનો પક્ષ લીધો હતો, તો બીજી બાજુ તેમણે હંગેરી અને ચેકોસ્લોવાકિયા ઉપરના રશિયન આક્રમણને વખોડી કાઢ્યું હતું. સાર્ત્રે અલ્જિરિયાના હિંસક સ્વાતંત્ર્યસંગ્રામને ટેકો આપ્યો હતો. આવા સંગ્રામના પક્ષકાર સાર્ત્રની ધરપકડ થવી જોઈએ તેવા પૅરિસમાં થયેલા ઊહાપોહ અંગે ફ્રાન્સના તે સમયના પ્રમુખ દ’ગૉલે કહ્યું હતું કે ‘વૉલ્તેરને જેલમાં મોકલી શકાય નહિ.’ શાસનની સામે પડનાર સ્વતંત્ર બૌદ્ધિકો-સર્જકોની બીજા દેશો કરતાં ફ્રાન્સમાં વધારે પ્રતિષ્ઠા હોવાથી જ કદાચ રાજ્ય પણ તેમને આટલું માન આપતું હશે તેવું માની શકાય.
ત્રીજા વિશ્વના દેશોની સ્વાતંત્ર્યલડતો અને ક્રાંતિઓને સાર્ત્રનો ટેકો હતો.
1964માં તેમને મળેલા સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારનો તેમણે અસ્વીકાર કર્યો હતો. સાર્ત્રે રશિયન સામ્યવાદને ટેકો આપ્યો હતો તેથી વિખ્યાત સર્જક આલ્બેર કામૂ (1913-1960) સાથેની સાર્ત્રની મૈત્રીનો અંત આવ્યો હતો. ‘બીઇંગ ઍન્ડ નથિંગનેસ’ (1943) અને ‘ક્રિટિક ઑવ્ ડાયક્ટિકલ રિઝન’ (પહેલો ભાગ, 1960; બીજો ભાગ, 1983) – એ તત્ત્વચિંતન અંગેના સાર્ત્રના મુખ્ય ગ્રંથો છે. તેમની બીજી મહત્ત્વની કૃતિઓમાં આત્મકથા ઉપરાંત ચાર નવલકથાઓનો, પાંચ ટૂંકી વાર્તાઓનો, સાત નાટકોનો, ત્રણ જીવનવૃત્તાંતોનો અને અનેક નિબંધો અને સમીક્ષાલેખોનો સમાવેશ થાય છે. 1948માં કૅથલિક ચર્ચે સાર્ત્રની કૃતિઓને પ્રતિબંધિત પુસ્તકોની યાદી(Index)માં મૂકી હતી. સાર્ત્રની તમામ મહત્ત્વની કૃતિઓ અંગ્રેજી ભાષામાં સુલભ છે.
સાર્ત્રનું ચિંતન બીજા વિશ્વયુદ્ધ પહેલાં હુસેર્લના અનુભવ-સ્વરૂપ વિચારને આધારે તેમજ હાયડેગરના પ્રારંભિક માનવકેન્દ્રી વિચારને આધારે વિકસ્યું હતું. તેમના ચિંતનનો બીજો તબક્કો માર્ક્સવાદ અને અસ્તિત્વવાદનો સમન્વય નવી ભૂમિકાએ કરવાના પ્રયત્નોનો હતો. 1977ના એક ઇન્ટરવ્યૂમાં માર્ક્સવાદ તેમણે છોડી દીધો છે તેવું સાર્ત્રે કબૂલ્યું હતું. જીવનનાં છેલ્લાં વર્ષોમાં ક્યાંક તેઓ માઓવાદના પક્ષમાં કે ક્યાંક લગભગ અરાજકતાવાદી ષ્ટિબિન્દુના પક્ષમાં પ્રવૃત્ત થયા હોય એમ જણાય છે. પહેલાં ફિનૉમિનૉલૉજીથી અને પછી માકર્સવાદથી પ્રભાવિત સાર્ત્રના અસ્તિત્વવાદમાં એકવાક્યતા કે સંગતિ છે કે કેમ તે પ્રશ્ર્ન અંગે ખૂબ વિવાદ થયો છે.
સાર્ત્રનો તત્ત્વવિચાર :
1. સત્ત્વ અને અસ્તિત્વ : વસ્તુ ‘છે’ એમ જાણવું એટલે તેના અસ્તિત્વને જાણવું; વસ્તુ શું છે તે જાણવું એટલે તેના સત્ત્વ(essence)ને જાણવું. સાર્ત્ર મુજબ સત્ત્વ અને અસ્તિત્વ બંને બિનજરૂરી, વધારાનાં અને બિનઅનિવાર્ય છે. Contingency – બિનઅનિવાર્યતા – શું છે ?
તત્ત્વચિંતનમાં બિનઅનિવાર્યતા અને અનિવાર્યતાનો ભેદ પાડવામાં આવે છે. કોઈ પણ વસ્તુ અનિવાર્ય રીતે અસ્તિત્વ ધરાવે છે તેમ કહેવાનો અર્થ એ છે કે તે વસ્તુ અસ્તિત્વમાં છે, પણ તે વસ્તુ અસ્તિત્વમાં ન હોત તેવું શક્ય જ નથી; તે વસ્તુ છે અને તેનું ન હોવું શક્ય નથી; દા.ત., ઘણાંએ એમ કહ્યું છે કે ઈશ્વરનું અસ્તિત્વ અનિવાર્ય છે. તે ન હોય તેવું બની શકે જ નહિ. તેથી વિરુદ્ધ; કોઈ વસ્તુ ‘કન્ટિન્જન્ટ’ – બિનઅનિવાર્ય – છે તેનો તત્ત્વજ્ઞાનમાં એ અર્થ છે કે તે વસ્તુ છે ખરી, પણ તેનું અસ્તિત્વ ન હોત તેવું પણ બની શક્યું હોત. ‘Nausea’ નવલકથાનો મુખ્ય વિચાર એ છે કે માનવીનું કે જગતનું સાચું અસ્તિત્વ છે ખરું, પરંતુ તે ન હોત તેવું પણ બની શક્યું હોત; તેથી, તેમાં કોઈ અનિવાર્યતા નથી. એટલે જ, તમામ અસ્તિત્વ ‘કન્ટિન્જન્ટ’ છે, એ સાર્ત્રના અસ્તિત્વવાદનો મુખ્ય વિચાર છે. જેના હોવામાં કે ન હોવામાં કશી અનિવાર્યતા નથી તેનું અસ્તિત્વ ‘કન્ટિન્જન્ટ’ કહેવાય. સત્ત્વ અને અસ્તિત્વ – વસ્તુનું અમુક પ્રકારે હોવું અને માત્ર તેનું હોવું – એ બંને સાર્ત્ર મુજબ ‘કન્ટિન્જન્ટ’ છે. સત્ત્વમાંથી અસ્તિત્વ ફલિત થતું જ નથી.
વૃક્ષ કે ખડક જેવી કુદરતી વસ્તુઓમાં તેનું સત્ત્વ અને તેનું અસ્તિત્વ અભિન્ન કે એકરૂપ છે. ઘડિયાળ કે મકાન જેવી માનવ-નિર્મિત વસ્તુઓમાં એમનું સત્ત્વ તેમના અસ્તિત્વની પહેલાં આવે છે. મનુષ્યોમાં તેમનું અસ્તિત્વ તેમના સત્ત્વની પહેલાં આવે છે.
કેટલાકના મતે ઈશ્વરના સત્ત્વમાંથી જ તેમનું અસ્તિત્વ તાર્કિક અનિવાર્યતા(logical necessity)થી ફલિત થાય છે. નિરીશ્વરવાદી સાર્ત્ર માટે કોઈ પણ વસ્તુના વિચારેલા સત્ત્વમાંથી તેનું વાસ્તવિક અસ્તિત્વ અનિવાર્ય રીતે ફલિત થતું નથી. જગતનું અસ્તિત્વ આ અફલિતતા(underivability)ના અર્થમાં ઍબ્સર્ડ (absurd) છે. જગત મિથ્યા નથી. સાર્ત્ર પારમાર્થિક દૃષ્ટિએ આ જગતને સત્ય (real) માને છે. જગતનું કે મનુષ્યનું હોવું અનિવાર્ય નથી તેમજ તેનું ન હોવું પણ અનિવાર્ય નથી. આ ઍબ્સર્ડ જગત સિવાય બીજું કોઈ જગત છે જ નહિ.
‘મિથ ઑવ્ સિસિફસ’ – એ નિબંધમાં અને ‘સ્ટ્રેઇન્જર’ એ નવલકથામાં અલ્જિરિયન ફ્રેન્ચ ચિંતક આલ્બેર કામૂએ ‘ઍબ્સર્ડ’નું ચિંતન વ્યક્ત કર્યું છે. મનુષ્યની ઇચ્છા તાત્ત્વિક રીતે જગતને પૂરેપૂરી રીતે સમજવાની છે; જગત મનુષ્યની તાર્કિકતા(rationality)ની અપેક્ષા પ્રમાણે બુદ્ધિગમ્ય (intelligible) બનતું નથી અને તેથી મનુષ્યની તાર્કિક અપેક્ષાઓનો ભંગ કરતું આ જગત તે કારણે ઍબ્સર્ડ છે તેવું કામૂ માને છે. મનુષ્ય-નિરપેક્ષ એવા આ જગતને કે વિશ્વને મનુષ્યની પ્રગતિ કે તેના ઇતિહાસ કે તેની નિયતિ સાથે કોઈ સંબંધ નથી. અંતિમ પ્રશ્ર્નો પૂછ્યા કરતો મનુષ્ય સૃષ્ટિના તે બાબત અંગેના અકળ મૌનથી નિરાશ થાય છે. જોકે કામૂને અસ્તિત્વવાદી ગણવા કરતાં ઍબ્સર્ડવાદી ગણવા વધારે ઉચિત છે. કામૂ ઍબ્સર્ડનો સ્વીકાર કરીને તેની સામે વિદ્રોહ કરીને માનવીય મૂલ્યો પ્રમાણે જીવનને વ્યક્તિગત કક્ષાએ અર્થમય બનાવવાની શક્યતા જુએ છે. સમગ્ર વિશ્વ અંતે ઍબ્સર્ડ હોય તોપણ મનુષ્ય પોતાના જીવનને માનવીય અર્થ આપી શકે છે.
સાર્ત્ર પણ મનુષ્યના પસંદગીના આધારહીન સ્વાતંત્ર્યનો ઍબ્સર્ડ જગતમાં સ્વીકાર કરે છે.
2. માનવસ્વાતંત્ર્ય : સાર્ત્રના અસ્તિત્વવાદનાં મુખ્ય બે વિધાનો છે :
(1) અસ્તિત્વ સત્ત્વની પહેલાં આવે છે (existence precedes essence). (2) સ્વાતંત્ર્યમાંથી મનુષ્યનો કોઈ છુટકારો નથી (Man is condemned to be free).
પહેલા વિધાન દ્વારા સાર્ત્ર એ સ્પષ્ટ કરે છે કે મનુષ્ય પહેલાં અસ્તિત્વમાં હોય છે અને પછી જ પોતાની પસંદગીના સ્વાતંત્ર્યથી પોતાનું સત્ત્વ ઘડે છે. બીજા વિધાનનો અર્થ એ છે કે સ્વતંત્ર ન હોવા માટે મનુષ્ય સ્વતંત્ર નથી (I am not free not to be free). મનુષ્ય આ જગતમાં પોતાની ઇચ્છા વગર ફેંકાયેલો છે. જગતમાં આ રીતે મનુષ્યના ફેંકાયેલા હોવાની પરિસ્થિતિ(thrownness)માં પણ પસંદગીનાં સ્વાતંત્ર્ય(freedom of choice)નો ઉપયોગ ન કરવા માટે મનુષ્ય સ્વતંત્ર નથી. પસંદગી ન કરવી એ પણ એક પસંદગી છે. જોકે ચોક્કસ મૂર્ત પરિસ્થિતિમાં જ મનુષ્યે પોતાનું સ્વાતંત્ર્ય પ્રયોજવાનું છે. આવેલી પરિસ્થિતિ-તથ્યરૂપતા(facticity)ને મનુષ્ય પોતાની ચેતનાથી પાર કરીને નવાં લક્ષ્યો સ્થાપી શકે છે. તથ્યતા અને તેને મુક્ત અભાવાત્મક ચેતના દ્વારા પાર કરી જવાની ક્ષમતા (transecndence) — એ બંને ઘટકો મનુષ્યના અસ્તિત્વની સંરચનામાં રહેલાં છે.
3. જવાબદારી : સ્વાતંત્ર્યમાંથી જ મનુષ્યની સંપૂર્ણ જવાબદારી ફલિત થાય છે. મનુષ્યને જે સ્વતંત્રતા છે તે માત્ર પસંદગીની સ્વતંત્રતા છે. પોતે પસંદ કરેલા વિકલ્પથી તેને પ્રાપ્તિ જ થશે તેવી ખાતરી નથી. કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાવું કે ચર્ચના આદેશો પાળવા કે હિટલરના શાસનનો વિરોધ કરવો — આ અંગે વ્યક્તિ જે કંઈ નિર્ણય લે તેની સંપૂર્ણ જવાબદારી તેની પોતાની જ છે.
સાર્ત્ર પ્રમાણે મનુષ્ય પોતાની પસંદગીથી સર્વ મનુષ્યો માટે વર્તનનો એક આદર્શ પેદા કરે છે. તેથી, એક અર્થમાં વ્યક્તિ જ્યારે પોતાના સ્વાતંત્ર્યનો ઉપયોગ કરે છે ત્યારે પોતાને માટે જ નહીં, પણ સર્વને માટે તે કોઈક મૂલ્ય પેદા કરે છે. તેથી જ, કોઈ વ્યક્તિ માત્ર પોતાનાં સ્વાતંત્ર્યને જ નહિ, સર્વ મનુષ્યોના સ્વાતંત્ર્યને એક સર્વદેશી મૂલ્ય બનાવે છે. પોતાના સ્વાતંત્ર્યનો કે અન્યના સ્વાતંત્ર્યનો અસ્વીકાર કરવો એ સાર્ત્ર માટે સંનિષ્ઠ (authentic) અસ્તિત્વ ગણાય જ નહિ. સાર્ત્રના મતે તે જ કારણે ગુલામીનો પક્ષ લઈને રચાયેલી કોઈ સાહિત્યકૃતિ ઉત્તમ કૃતિ ન હોઈ શકે. સર્જક મુક્ત રીતે કૃતિ રચે છે; વાચક પોતાના સ્વાતંત્ર્યથી તેમાં ભાગીદાર બને છે; તેથી સર્જક અને ભાવકનું સ્વાતંત્ર્ય એ જ સાહિત્ય-સર્જનનો વિષય બની રહે છે. ચેતના તો વસ્તુઓના જગતથી તાત્ત્વિક રીતે મુક્ત જ છે. પણ સાહિત્ય-કલા-ક્ષેત્રે તેમજ સામાજિક-રાજકીય ક્ષેત્રે પણ સ્વાતંત્ર્ય સાથેની અને તેથી તેમાંથી ફલિત થતી સાર્વત્રિક જવાબદારી સાથેની નિસબત (concern) સ્વયં એક મૂલ્ય છે.
વાસ્તવવાદ : તાત્ત્વિક અર્થમાં સાર્ત્ર વાસ્તવવાદી છે. જગત ઍબ્સર્ડ છે, છતાં તે સત્ય (real) છે; એટલું જ નહિ, પણ મનુષ્યની ચેતનાથી જગતના પદાર્થોનું અસ્તિત્વ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. જોકે, વસ્તુઓનો અર્થ, તેની ઉપયોગિતા, તેનું મૂલ્ય વગેરે મનુષ્યોનાં પ્રૉજેક્ટો, ઇરાદાઓ, હેતુઓ કે લક્ષ્યોને લીધે જ શક્ય બને છે; મૂળ મુદ્દો એ છે કે જગતના પદાર્થો તેના અસ્તિત્વ માટે માનવચેતના ઉપર આધારિત નથી.
ચેતનાનું સ્વરૂપ : ચેતનયુક્ત સત્ તરીકે મનુષ્ય જડ પદાર્થોથી અત્યંત ભિન્ન છે. તે સંદર્ભમાંથી માનવચેતના વિશે નીચેનાં વિધાનો સાર્ત્ર મુજબ સ્વીકારવાં જરૂરી બને છે :
(i) ચેતના હંમેશાં કોઈ ને કોઈ વિષયનો નિર્દેશ કરે છે. ચેતનાથી આવી સવિષયકતા વિષય-લાક્ષણિકતા (intentionality) એટલે ચેતનાનું કશાક વિશેનું સભાન હોવું તે (aboutness). તમામ ચેતના એ રીતે સવિષયક જ હોય છે.
(ii) મનુષ્યચેતના હંમેશાં અ-વસ્તુરૂપ છે. તે એ અર્થમાં વસ્તુથી ઇતર અને તેના અભાવ રૂપે છે. માનવચેતના જેને જેને પોતાનો વિષય બનાવે છે તે તે વિષયથી હંમેશાં તે ભિન્ન જ રહે છે. ‘વૃક્ષની સભાનતા છે’ તેમ કહેવાનો અર્થ એ કે તે સભાનતા પોતે વૃક્ષ નથી. તે વૃક્ષથી કંઈક વિશેષ કે વધારે છે. વસ્તુના અભાવરૂપ, અ-વસ્તુરૂપ માનવચેતના તેનાથી ઇતર એવા વિષયોને પ્રકાશિત કરે છે અને સાથે સાથે જ તે તે વિષયોથી પોતાને વિયોજિત કરે છે. તે તે વિષયોનો પોતાનામાં નિષેધ કરે છે. માનવચેતના તેના કોઈ પણ વિષય સાથે ક્યારેય પણ એકરૂપ કે એકાકાર બની શકે જ નહિ. માનવચેતના સ્વયં વસ્તુના અભાવ રૂપે અને વસ્તુને પ્રકાશિત કરનાર તરીકે જ પ્રવર્તે છે; એટલું જ નહિ, પણ વસ્તુઓથી ભરપૂર એવા આ જગતમાં અભાવનો અનુભવ પણ માનવચેતનાથી જ શક્ય બને છે. મનુષ્યચેતના દ્વારા જગતમાં અભાવ (nothing) પ્રવેશે છે.
(iii) બાહ્ય વસ્તુઓ અંગેની અને સ્વ અંગેની સભાનતાનો સાર્ત્ર ભેદ પાડે છે. વૃક્ષથી સભાન થવું એ વસ્તુભાન છે, વૃક્ષાનુભવથી સભાન થવું એ સ્વ-સભાનતા છે.
(iv) પ્રથમ કક્ષાની અપ્રતિબિંબિત (unreflected) અને કેવળ વસ્તુને વિષય તરીકે સ્થાપનારી (positional) ચેતના અહમ્રહિત હોય છે. બીજી કક્ષાની ચેતના જ્યારે પ્રથમ કક્ષાની ચેતનાનું પ્રતિબિંબ પાડે ત્યારે જ અહમ્(ego)ની સભાનતા સ્થપાય છે.
ટૂંકમાં (ક) તમામ ચેતના વિષયાભિમુખ ચેતના જ હોય છે. (ખ) વિષયાભિમુખ ચેતના તરીકે તે હંમેશાં વિષયસ્થાપક (positional) ચેતના હોય છે. (ગ) તમામ વિષયસ્થાપક ચેતના તે જ સમયે પોતાને વિશેની અસ્થાપક સભાનતા તરીકે પ્રવર્તે છે. (ઘ) પ્રથમ કક્ષાની વસ્તુસ્થાપક અપ્રતિબિંબિત ચેતના અને તેનું પ્રતિબિંબ પાડતી બીજી કક્ષાની સ્વ-સ્થાપક ચેતના બંનેનો ભેદ પાડવો જરૂરી છે. બીજી કક્ષાએ જ અહમ્ (ego) સ્થપાય છે; પહેલી કક્ષાએ તો ચેતના મુખ્યત્વે બાહ્ય વસ્તુની સભાનતા તરીકે જ પ્રવર્તે છે. પુસ્તક વાંચનાર કે સંગીત સાંભળનાર વ્યક્તિની પ્રથમ કક્ષાની સભાનતા તો પુસ્તક અંગેની કે સંગીત અંગેની જ હોય છે. જ્યારે આવી પ્રથમ કક્ષાની સભાનતાને જ ચેતનાનો વિષય બીજી કક્ષાએ બનાવવામાં આવે ત્યારે જ ‘હું વાંચતો હતો’, ‘હું સાંભળતો હતો’ વગેરે પ્રકારની reflective સભાનતા સ્થપાય છે. ભૌતિક જગત મિથ્યા છે અને ચેતના જ સત્ય છે તેવો મત સાર્ત્ર સ્વીકારતા નથી.
સાર્ત્રનું મૂલ્યાંકન : સાર્ત્રનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે; હુસેર્લના અનુભવસ્વરૂપવિચારને અસ્તિત્વવાદી સ્વરૂપ આપવાનું આવશ્યક હતું ? જો તે જરૂરી હતું તો તેમાં સાર્ત્ર સફળ થયા છે ખરા ? બીજું અસ્તિત્વવાદનો માકર્સવાદ સાથેનો નવો સમન્વય સાધવાનું આવશ્યક હતું ? શું તેમાં સાર્ત્ર સફળ થયા છે ?
મૂળ પ્રશ્ર્ન તો એ છે કે ઈશ્વરવિહોણા જગતમાં ઍબ્સર્ડ અસ્તિત્વ અને આધારહીન સ્વાતંત્ર્ય સાથે મનુષ્યો કયાં મૂલ્યોમાં મેળ સ્થાપી શકે છે ? તમામ મૂલ્યો એકસરખાં આધારહીન હોય તો સાર્ત્રનાં મૂલ્યો કોઈએ શા માટે સ્વીકારવાં જોઈએ ? શા માટે માર્ક્સવાદ કે અસ્તિત્વવાદ સ્વીકારવાનું જરૂરી છે ?
સાર્ત્રને પોતાને પણ ઘણી વાર એવું જણાયું હતું કે સત્યનો પક્ષ લઈને શ્રમિકોનાં હિતોનો વિશ્વાસઘાત કરવો કે શ્રમિકોના પક્ષે જઈને સત્ય સાથે વિશ્વાસઘાત કરવો ? આવા પ્રશ્ર્નોના સીધા ઉકેલો મળતા નથી. નિરીશ્વરવાદી નિત્શે લોકશાહીવિરોધી, સમાજવાદવિરોધી અને સમાનતાવિરોધી હતા. નિરીશ્વરવાદી રસેલ ઉદારમતવાદી સ્વાતંત્ર્યવાદી ચિંતક હતા. નિરીશ્વરવાદી સાર્ત્રને શ્રમિકોનો ઉત્કર્ષ કેવળ માર્ક્સવાદથી જ થશે તેવું જણાયું હતું. નિરીશ્વરવાદી કામૂ અલ્જિરિયન સ્વાતંત્ર્યસંગ્રામને ટેકો આપી શક્યા નહિ અને માકર્સવાદના પક્ષકાર સાર્ત્રે અલ્જિરિયન સ્વાતંત્ર્યસંગ્રામને જોરદાર ટેકો આપ્યો. નિરીશ્વરવાદી બધા ચિન્તકો એકસરખાં મૂલ્યો સ્વીકારતા નથી તે અહીં સ્પષ્ટ થાય છે. પસંદગીના આધારહીન સ્વાતંત્ર્ય ઉપર ભાર મૂકવાથી પણ મૂલ્યવિચારમાં એકવાક્યતા આવતી નથી. કિર્કગાર્ડનો અસ્તિત્વવિચાર વ્યક્તિગત ખ્રિસ્તીશ્રદ્ધામાં પરિણમ્યો; અસ્તિત્વવાદી હાયડેગરે અચાનક હિટલરના શાસનને ટેકો આપી દીધો. રશિયન માકર્સવાદ પ્રત્યે સાર્ત્રનાં દ્વિધાયુક્ત વલણો અને અલ્જિરિયન સ્વાતંત્ર્યસંગ્રામ અંગે કામૂનાં તેવાં વલણો દર્શાવે છે કે અસ્તિત્વવાદી કે ઍબ્સર્ડની વિચારધારાઓ પણ સર્વસંમત એક જ પ્રકારનો મૂલ્યવિચાર રજૂ કરતી નથી.
(i) ભારતના વિખ્યાત રૅડિકલ હ્યૂમૅનિસ્ટ શિવનારાયણ રેએ સાર્ત્રની જન્મશતાબ્દી નિમિત્તે કલકત્તા યુનિવર્સિટીમાં 2005માં યોજાયેલા એક સેમિનારમાં મુખ્ય વ્યાખ્યાન આપ્યું હતું. રસેલ, કામૂ, ઍરૉન, સાર્ત્ર અને સિમોનની પોતાની મુલાકાતોનાં સંસ્મરણો તેમાં રજૂ કરતાં રેએ જણાવ્યું કે સાર્ત્રે તેમને સ્પષ્ટ કહ્યું કે રૅડિકલ હ્યૂમેનિઝમનો અસ્તિત્વવાદ સાથે મેળ ખાય નહિ.
‘Dirty Hands’ (1946) નામના સાર્ત્રના નાટકનો રેએ અનુવાદ કર્યો હતો, પણ સાર્ત્રે રેને જણાવ્યું કે કદાચ સામ્યવાદીઓ નારાજ થશે; માટે રેએ આ નાટકના વધુ પ્રયોગો બંગાળમાં ન કરવા જોઈએ. સાર્ત્રના આ દૃષ્ટિકોણને સાર્ત્રના પોતાના સિદ્ધાંતો પ્રમાણે સમજવો પણ મુશ્કેલ છે.
જોકે માનવસ્વાતંત્ર્યના પક્ષકાર બનવા બદલ રેએ સાર્ત્રની પ્રશંસા કરી છે. માનવસ્વાતંત્ર્યના પક્ષકારોને પણ કેટલીક સમસ્યાઓ નડે છે તેવું રેના વિશ્ર્લેષણથી સમજાય છે.
‘Philosophy Now’ એ જર્નલનો 2005નો એક અંક સાર્ત્રની જન્મશતાબ્દી નિમિત્તે પ્રકાશિત થયેલો વિશેષ અંક છે. તેના એક લેખમાં ડૉનહોઈ(Donhoe)એ જણાવ્યું છે કે સત્તરમી સદીના દ’કાર્ત અને પાસ્કલ, અઢારમી સદીના વૉલ્તેર અને રૂસો અને ઓગણીસમી સદીના હ્યુગો અને ઝોલાની કક્ષામાં સાર્ત્રને મૂકી શકાય છે. વીસમી સદીના જીદ, પ્રૂસ્ત અને કામૂ કરતાં પણ સાર્ત્રને ઘણે ઊંચે સ્થાને મૂકી શકાય. 1964માં તેમને મળેલા સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારનો અસ્વીકાર કરનારા સાર્ત્રના ચિંતનનો વ્યાપ ઘણો છે. પરંપરાનું પુનરાવર્તન જ કર્યા કરતા અને સ્થગિત થઈ ગયેલાં સામાજિક મૂલ્યોને પોષ્યા કરનારા સર્જકો-ચિન્તકો કરતાં સાર્ત્ર ઘણા જુદી કોટિના ચિન્તક હતા.
મધુસૂદન બક્ષી