સાર્વભૌમત્વ : આંતરિક વ્યવહારોમાં સર્વોપરી અને બાહ્ય રીતે (અન્ય દેશો સાથેના વ્યવહારોમાં) સ્વતંત્ર નિર્ણયો કરવાની અને અમલમાં મૂકવાની રાજ્યની સત્તા. તેને રાજ્યશાસ્ત્રની પરિભાષામાં સાર્વભૌમ સત્તા અથવા સાર્વભૌમત્વ કહેવાય છે.

જ્યારે લોકો કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં કાયમી ધોરણે વસવાટ કરતા હોય અને કોઈ ને કોઈ પ્રકારના સરકારના નિયંત્રણ હેઠળ રહેતા હોય અને એવો સમૂહ પોતાના આંતરિક વ્યવહારોમાં સર્વોપરી અને બાહ્ય વ્યવહારોમાં સ્વતંત્ર હોય ત્યારે તેને રાજ્ય કહેવાય છે. વસ્તી, વિસ્તાર અને સરકાર – આ ત્રણ ઘટકતત્ત્વો સાથે સાર્વભૌમ સત્તાનું ઘટકતત્ત્વ ઉમેરાય ત્યારે જ તે રાજ્ય કહેવાય છે. આમ સાર્વભૌમત્વ રાજ્યને વ્યાખ્યાયિત કરતું સૌથી મહત્ત્વનું ચોથું ઘટકતત્ત્વ છે.

રાજ્યની આ સત્તા અંતિમ અને નિર્ણાયક ગણાય છે. સમાજની કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે મંડળ તેની આજ્ઞાની અવગણના કરી શકે નહિ. એ જ રીતે, બીજા દેશો સાથે કેવા સંબંધો રાખવા (વિદેશનીતિ), પોતાનું રક્ષણ કેવી રીતે કરવું (સંરક્ષણ) એ નક્કી કરવાની અંતિમ સત્તા પણ રાજ્ય ધરાવે છે. આમ, સાર્વભૌમત્વ રાજ્યને આંતરિક સર્વોપરીતા અને અન્ય દેશો સાથેના સંબંધોમાં સ્વતંત્રતા બક્ષે છે.

સાર્વભૌમત્વ રાજ્યનું વ્યાખ્યાગત લક્ષણ છે, પણ વ્યવહારમાં એ સત્તાનો ઉપયોગ સરકાર (ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર) કરે છે; પણ બંને વચ્ચે તફાવત છે. સરકાર બદલાતી રહે, એક પ્રકારની સરકાર(જેમ કે, રાજાશાહી અથવા સરમુખત્યારશાહી)ને બદલે બીજા પ્રકારની સરકાર (જેમ કે, લોકશાહી) સ્થપાય પણ સાર્વભૌમત્વમાં કોઈ ફેરફાર થતો નથી. રાજ્યના અસ્તિત્વલોપ સાથે તે રાજ્યના સાર્વભૌમત્વનો અંત આવે. જ્યારે કોઈ રાજ્યના ભાગલા પડે, ત્યારે મૂળ રાજ્યના સાર્વભૌમત્વનો લોપ થાય, પણ તેની જગાએ બે સાર્વભૌમ રાજ્યો અસ્તિત્વમાં આવે, એવું બનતું હોય છે; જેમ કે, 1971માં મૂળ પાકિસ્તાન(પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન)ના સાર્વભૌમત્વનો લોપ થયો અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ – એમ બે સ્વતંત્ર, સાર્વભૌમ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં.

1947 પહેલાં રાજ્યનાં ત્રણેય અંગો – લોકો, વિસ્તાર અને સરકાર – ભારતમાં હતાં; પણ રાજ્યશાસ્ત્રની પરિભાષામાં ભારત ‘રાજ્ય’ ન હતું. આઝાદી બાદ ભારતની બંધારણસભાએ બંધારણ ઘડ્યું, તે અનુસાર 26 જાન્યુઆરીથી ભારત એક ‘સ્વતંત્ર, સાર્વભૌમ પ્રજાસત્તાક’ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય કાનૂન રાજ્યની સાર્વભૌમ સત્તાનો સ્વીકાર કરે છે. સંયુક્ત રાષ્ટ્રો(યુનાઇટેડ નૅશન્સ)ના ખતપત્ર(ચાર્ટર)માં પણ રાષ્ટ્રોના સાર્વભૌમત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્ર નાનું હોય કે મોટું આંતરરાષ્ટ્રીય કાનૂન અને સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રની દૃષ્ટિએ સૌ રાષ્ટ્રો સમાન છે.

સાર્વભૌમત્વનો ખ્યાલ રાષ્ટ્રની પ્રાદેશિક અખંડિતતા સાથે સંકળાયેલો છે. નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં જે તે રાજ્યનું સાર્વભૌમત્વ પ્રવર્તમાન હોય છે. રાષ્ટ્રની પરવાનગી વિના અન્ય રાષ્ટ્રો જો તેની સરહદો(ભૂમિ, દરિયાઈ કે આકાશી)નો ભંગ કરે તો તે પ્રાદેશિક અખંડિતતાનો ભંગ કર્યો ગણાય. તે માટે તે વળતી કાર્યવહી કરી શકે. પોતાની સરહદોનું રક્ષણ કરવું એ કોઈ પણ સાર્વભૌમ રાષ્ટ્રની પ્રાથમિક ફરજ અથવા સૌથી મહત્ત્વનું કાર્ય ગણાય છે.

આધુનિક સમયમાં, વૈશ્ર્વિકીકરણના સંદર્ભમાં, સાર્વભૌમત્વનો ખ્યાલ ધૂંધળો બન્યો છે. અવકાશવિજ્ઞાન અને સંચારમાધ્યમોના યુગમાં સાર્વભૌમત્વ છિદ્રાળુ બન્યું છે. આમ છતાં, આંતરરાષ્ટ્રીય રાજકારણમાં રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે સાર્વભૌમત્વનો ખ્યાલ ઢાલનું કામ કરે છે. સહિયારાં હિતોનાં રક્ષણ અને સંગોપન માટે રાષ્ટ્ર-રાજ્યોનાં પ્રાદેશિક સંગઠનો રચાય છે. તેમાં જોડાનારાં સભ્ય રાષ્ટ્રો પોતાના સાર્વભૌમત્વનો સ્વેચ્છાએ ત્યાગ કરે છે. યુરોપીય સંઘ એનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે.

સાર્વભૌમત્વનો ખ્યાલ ભલે ધૂંધળો અથવા છિદ્રાળુ બન્યો હોય, આંતરિક ક્ષેત્રે અને બાહ્ય વ્યવહારોમાં તેનું મહત્ત્વ હજુ આજે પણ છે. રાજકારણનો તે પ્રભુત્વ ધરાવતો ખ્યાલ છે.

દિનેશ શુક્લ