સારમેય : વૈદિક સાહિત્યમાં પાત્ર રૂપે આવતું એક પ્રાણી. ઋગ્વેદ(10-108)માં કથા છે કે પણિઓ નામની પ્રજા પાસે ઇન્દ્રે ગુપ્તચર અને સંદેશવાહક તરીકે સરમાને મોકલી હતી. તેઓએ ગાયોને સંતાડી રાખી હતી. નિરુક્ત અને અન્ય ઉત્તરકાલીન વૈદિક સાહિત્યને આધારે માહિતી મળે છે કે આ સરમા દેવશુની (= દેવોની કૂતરી) હતી. આ સરમાને શ્યામ અને શબલ નામે બે પુત્રો હતા. સરમાનાં સંતાનો હોવાથી તેઓ ‘સારમેય’ કહેવાયા. આ બંને શ્વાનો યમના આધિપત્યમાં હતા. તે પ્રત્યેકને ચાર ચાર આંખો હતી. તેઓ યમના મુખ્ય સંદેશવાહકો હતા. ત્યારપછી એમના વંશજો પણ ‘સારમેય’ કહેવાયા. ‘અમરકોશ’(2/10/2122)માં શ્વાનના સાત પર્યાયો આપ્યા છે, તેમાં ‘સારમેય’નો સમાવેશ છે. આ શબ્દને કોશની વ્યાખ્યા ‘રામાશ્રમી’ સમજાવે છે. सरमाया: अपत्यम् । `सरनामुंसंतान’. પુરાણો 28 પ્રકારનાં નરક ગણાવે છે; તેમાં 19મા ક્રમે ‘સારમેયાશન’ છે. (ભાગવત – 5/26/7). જે કોઈ પારકાની મિલકત બાળી નાખે, કોઈના ખોરાકમાં ઝેર ભેળવે, સામૂહિક કતલ કરે, રાહદારીને લૂંટે, દેશને બરબાદ કરે  આવા પ્રકારનાં પાપો કરે તેને મરણ પછી આ નરક મળે છે. અહીં 700 દીપડાના જેવા ઘાતકી શ્વાનો તૈયાર જ હોય છે. તે પ્રવેશે કે તરત આ શ્વાનો પોતાના વિકરાળ દાંતોથી તેને ફાડી ખાય છે. આથી આ નરકનું નામ સારમેયાદન પણ છે. સારમેયને વરાહ સાથે આજન્મ વૈર હોય છે. ઋગ્વેદનું સૂક્ત (7-55) પ્રસ્વાપિની ઉપનિષદ છે. મહર્ષિ વસિષ્ઠ શ્વાનને કહે છે (7-55-4) : ‘તું વરાહને ફાડી ખા. તને વરાહ (ભલે) ફાડી ખાય (પરંતુ) તું અમારી પાસે – ઇન્દ્રના સ્તોતાની પાસે – શા માટે આવે છે ? (શા માટે) અમને પીડે છે ? (તું) શાન્તિથી સૂઈ જા.’ (ઋ. 7-55-4).

(2) યદુવંશના એક રાજાનું નામ ‘સારમેય’ હતું. ભાગવત(9/24/16-17)માં તેનો નિર્દેશ મળે છે. તે શ્વફલ્ક(અથવા સ્વવલ્ક)ના પુત્ર હતા. શ્વફલ્કને 13 પુત્રો હતા. તેમાં અક્રૂર પણ હતા. આ રીતે અક્રૂર સારમેયના ભાઈ હતા. આ સારમેયની માતાનું નામ ગાન્દિની હતું. અક્રૂરજીને કારણે સારમેયને પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી છે.

રશ્મિકાન્ત મહેતા