સારલૂઈ (Saarlouis) : જર્મનીના નૈર્ઋત્ય ભાગમાં સાર નદીને બંને કાંઠે વસેલું શહેર. ભૌગોલિક સ્થાન : 49° 14´ ઉ. અ. અને 6° 59´ પૂ. રે.. તે ફ્રાન્સની સીમા નજીક સારબ્રૂકેનથી વાયવ્યમાં આવેલું છે. 1680માં ફ્રાન્સના લૂઈ ચૌદમાએ તે વસાવેલું અને આ નામ આપેલું. સેબૅસ્ટાઇન દ લા પ્રેસ્ત્રે વૌબાન નામના લશ્કરી ઇજનેરે (1680-86) તેની કિલ્લેબંધી કરેલી. ત્યારપછી તે ફ્રેન્ચ સાર પ્રાંતનું પાટનગર બનેલું. નેપોલિયનના સમયગાળામાં આ સ્થળ લડાઈઓ માટેના જરૂરી શસ્ત્રસરંજામના કારખાનાનું મથક રહેલું. 1815માં તે પ્રશિયાને સોંપી દેવાયું. 1889માં અહીંનો કિલ્લો જમીનદોસ્ત કરી નખાયેલો, જોકે તેના અવશેષો હજી નજરે પડે છે. 1936થી 1945 દરમિયાન આ નગર સારલૉટર્ન નામથી ઓળખાતું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેનો મોટો ભાગ તારાજ થઈ ગયેલો, પરંતુ પછીથી તેનું પુનર્નિર્માણ કરવામાં આવેલું. તે સાર કોલસાક્ષેત્રોની નજીક આવેલું હોવાથી અહીં લોખંડ-પોલાદનું કારખાનું ઊભું કરવામાં આવેલું છે. આજે તો તે સારબ્રૂકેન નામથી ઓળખાય છે.

1998 મુજબ તેની વસ્તી 1,85,500 જેટલી છે. વસ્તીની દૃષ્ટિએ જર્મનીમાં તે 42મા ક્રમે આવે છે.

ગિરીશભાઈ પંડ્યા