સારણગાંઠ (hernia) : કોઈ પોલાણમાંના અવયવનું પોલાણની દીવાલમાંના વિષમ છિદ્રમાંથી બહાર સરકીને આવવું તે. તેમાં કોઈ ગાંઠ (tumour) હોતી નથી માટે તેને સારણિકા (hernia) અથવા અવયવની સારણિકા (hernia of a viscus) પણ કહેવાય. પેટના પોલાણમાંથી આંતરડું છિદ્રમાંથી બહાર આવે તે સૌથી વધુ જોવા મળતી સ્વયંભૂ સારણિકાનું ઉદાહરણ છે. તેના મુખ્ય પ્રકારો છે : ઊરુપ્રદેશીય (inguinal, 73 %), જંઘાકીય (femoral, 17 %) અને નાભિકીય (umbilical, 8.5 %). આશરે 1.5 % સારણિકાઓ અન્ય પ્રકારની હોય છે. પેટના નીચલા છેડે જ્યાંથી પગની શરૂઆત થાય છે તે જોડાણવાળા ભાગને ઊરુપ્રદેશ (inguinal region) કહે છે. આ બધા જ પ્રકારની સારણિકાઓ પેટની આગળની દીવાલ(ઉદરભિત્તી, abdominal wall)માંથી થતી હોવાથી તેને ઉદરભિત્તીય સારણિકાઓ પણ કહે છે. પેટની દીવાલ પર શસ્ત્રક્રિયાને કારણે થયેલા ઘાવને સ્થાને જે રૂઝપેશી (scar) બને છે તે ઓછી ક્ષમતાવાળી હોય તો તેમાં પણ સારણિકા (સારણગાંઠ) બને છે. તેને અંત:છેદીય સારણિકા કે સારણગાંઠ (incisional hernia) કહે છે. આ સ્વયંભૂ પ્રકારની સારણિકાથી અલગ પડે છે અને તેને સંપ્રાપ્ત (acquired) સારણિકા કહે છે.

સારણિકાની સામાન્ય લાક્ષણિકતાઓ : જુદી જુદી ક્રિયાઓ અને સ્થિતિઓ પેટમાંનું દબાણ વધારે છે; જે સારણિકા સર્જે છે; દા.ત., વધુ પડતું વજન ઊંચકવું, ઉટાંટિયું (બાળકોમાં થતો તીવ્ર ખાંસીવાળો રોગ), મોટી ઉંમરે લાંબી ચાલતી ખાંસી, મળત્યાગ કે મૂત્રત્યાગ વખતે વધુ પડતું જોર કરવું પડે તેવા વિકારો વગેરે. ક્યારેક પેટમાં મોટી થતી ગાંઠ (કૅન્સર) પણ પેટમાંનું દબાણ વધારે છે અને તે સારણિકા સર્જે છે.

સારણગાંઠ (સારણિકા, hernias) : નોંધ : (1) ઊરુપ્રદેશીય (inguinal), (2) જંઘાકીય (femoral), (3) સપટલ છિદ્રક (obturators), (4) અધ:નાભિકીય (infraumbilical), (5) ઊર્ધ્વનાભિકીય, (6) નાભિકીય (supra-para-umbilical), (7) ઊર્ધ્વોદરી (epigastric), (8) કટિછિદ્રક (sciatic), (9) નિતંબીય (gluteal), (10) અને (11) અધિકટિક (lumbar) સારણગાંઠો, (12) શુક્રપિંડ, (13) સપાટીગત વલયિકા (superficial ring), (14) પેશી-અંતર્ગત વલયિકા (deep ring), (15) ઊરુપ્રદેશીય નલિકા (inguinal canal), (16) પરિતનગુહા (peritoreal cavity). (અ, આ, ઇ) વિવિધ પ્રકારની સારણગાંઠો (સારણિકાઓનાં સ્થાન), (ઈ) આંત્રપોલાણના પરિઘની સારણગાંઠ જેમાં વાહિની-સંદમનને કારણે કોથ (gangrene) થયું છે, (ઉ) ઊરુપ્રદેશીય સારણગાંઠની નલિકાની જુદી જુદી લંબાઈ.

કાલપૂર્વ જન્મવાળા શિશુમાં, વધુ પડતું વજન હોય અને પેટની દીવાલમાં મેદ જમા થયેલો હોય, સગર્ભાવસ્થા થયેલી હોય, પેટમાં પાણી ભરાયું હોય (જલોદર, ascites) વગેરે વિવિધ સ્થિતિઓમાં પેટની આગળની દીવાલ(અગ્રસ્થ ઉદરભિત્તી, anterior abdominal wall)ના સ્નાયુના પડ છૂટા પડેલા હોય છે તથા સ્નાયુબંધ પટ્ટ (aponeurosis) નબળો પડેલો હોય છે અને તેથી નાભિની આસપાસ (પરાનાભિ, paraumbilical), ઊરુપ્રદેશી (inguinal) કે ઉરોદરપટલીય સારણિકા કે સારણગાંઠ (hiatus hernia) થઈ આવે છે. સ્નાયુ જ્યારે હાડકાં કે શરીરની કોઈ સંરચના સાથે જોડાય ત્યારે તે રજ્જુ અથવા પટ્ટ (પાતળો, પહોળો છેડો) બનાવે છે. તેમને અનુક્રમે સ્નાયુબંધરજ્જુ (tendon) અને સ્નાયુબંધ-પટ્ટ (aponeurosis) કહે છે. પેટમાં દબાણ વધે ત્યારે પેટની દીવાલના સ્નાયુઓના સ્નાયુબંધ-પટ્ટ ઢીલા પડે છે અને તે સારણિકા થતી અટકાવી શકતા નથી. ઊરુપ્રદેશીય સારણિકા પુરુષોમાં 20 ગણી વધુ થાય છે અને તે સામાન્ય વસ્તીના 5 %થી 10 % પુરુષોમાં જોવા મળે છે.

સારણિકાનું બંધારણ : તેમાં 3 ભાગ હોય છે. કોશા (sac), આવરણો અને તેમાંનો અવયવ જેને સંપાત્રિત દ્રવ્ય (content) કહે છે. પેટના પોલાણનું અંદરથી આચ્છાદન કરતા (lining) પાતળા આવરણને પરિતનકલા (peritoneum) કહે છે. તેમાંથી બનતી કોથળીને કોશા કહે છે. પરિતનકલાની કોથળી (pouch) અથવા કોશામાં જુદા જુદા ભાગ હોય છે  મૂળ, ગ્રીવા (neck), કાય (body) અને ઘુમ્મટ (fundus). ગ્રીવા અથવા ડોક સામાન્ય રીતે સુસ્પષ્ટ હોય છે; પરંતુ કેટલાક ઊરુપ્રદેશીય અને અંતશ્ર્છેદીય સારણિકાઓમાં તે હોતી નથી. જો ગ્રીવા અથવા ડોક સાંકડી હોય તો તેમના અવયવને લોહી પહોંચાડતી નસો દબાય છે. તેને વાહિની સંદમન (strangulation) કહે છે. તેને કારણે કોશામાં સરકીને આવેલા અવયવ(દા.ત., આંતરડું)ના ભાગને પૂરતું લોહી પહોંચતું નથી અને તેનો પેશીનાશ અથવા કોથ (gangrene) થાય છે. આવું જંઘાકીય અને નાભિકીય (umbilical) સારણિકામાં વધુ જોવા મળે છે.

સારણિકાની કાય (body) અથવા મુખ્ય કાયાનું કદ ઘણું અલગ અલગ હોય છે. ઘણી વખતે તેમાં સંપાત્રિત અવયવ ન પણ હોય. શિશુઓમાં તેની દીવાલ ઘણી પાતળી હોય છે, પણ પુખ્તવયે લાંબા સમયની સારણિકા હોય તો બાહ્ય દબાણને કારણે જાડી થઈ જાય છે.

સારણિકાની દીવાલમાંનાં આવરણો પેટની દીવાલનાં પડળો (layers) વડે બને છે. લાંબા સમયે તેઓમાં અપક્ષીણતા (atrophy) થતી હોવાથી ઘણી વખતે તે એકબીજા સાથે ભળી જાય છે.

સારણિકાના સંપાત્રિકો(contents)માં યકૃત સિવાયના બધા અવયવો હોઈ શકે છે; પરંતુ સૌથી વધુ જે દ્રવ્યો અને અવયવો જોવા મળે છે તેમાં પ્રવાહી (દા.ત., જલોદર હોય તો), ઉદરાગ્રપટલ (omentums), આંતરડું, આંતરડાના પોલાણના પરિઘનો એક ભાગ, મૂત્રાશયનો એક ભાગ, અંડપિંડ તથા મેકેલની અંધનાલિ(Meckel’s diverticulum)નો સમાવેશ થાય છે. જો પેટમાં પ્રવાહી ભરાયું હોય ત્યારે સારણિકામાં સાદું પ્રવાહી ભરાય છે અને જો સંપાત્રિકોનું સંદમન (strangulation of contents) થયું હોય તો તેમાં લોહીવાળું પ્રવાહી ભરાય છે. જો પેટના પોલાણમાંનો આંતરડાંની આગળનો પડદો (ઉદરાગ્રપટલ) તેમાં હોય તો તેને ઉદરાગ્રકોષ્ઠ (omentocoele) કહે છે અને જો તેમાં આંતરડું હોય તો તેને આંત્રકોષ્ઠ (enterocoele) કહે છે. જો આંતરડાના પોલાણના પરિઘનો એક ભાગ સંપાત્રિત થયેલો હોય તો તેવી સારણિકાને રિચર(Richter)ની સારણિકા કહે છે. આંતરડા કે મૂત્રાશય જેવા પોલા અવયવની દીવાલમાંથી કોથળી જેવો ભાગ ઊપસીને બહાર તરફ મોટો થાય તો તેને અંધનાલિ (diverticulum) કહે છે, કેમ કે તેનો એક છેડો અવયવના પોલાણમાં ખૂલે છે; પરંતુ બીજો છેડો બંધ હોય છે. આંતરડામાંની મેકેલની અંધનાલિ જો સરકીને સારણિકામાં પ્રવેશે તો તેને લિટ્રે(Lettre)ની સારણિકા કહે છે. ક્યારેક મૂત્રાશયની અંધનાલિ ઊરુપ્રદેશીય, સરકતી (sliding) કે જંઘાકીય સારણિકાઓમાં સંપાત્રિત થાય છે. ક્યારેક કોઈક સારણિકામાં અંડવાહિકા સાથે કે તેના વગર અંડપિંડ સરકીને આવે છે.

સારણિકાના પ્રકારો : તેના મુખ્ય 5 પ્રકારો છે : (1) ન્યૂનશીલ (reducible), (2) અન્યૂનશીલ (irreducible), (3) અંતર્રોધિત (obstructed), (4) વાહિની-સંદમિત (strangulated) અને (5) શોથિત (inflammed).

દર્દી સૂઈ જઈને જાતે કે સર્જ્યન તેને દબાવીને સારણિકામાંના અવયવો(આંતરડું વગેરે)ને પેટના પોલાણમાં પાછાં ધકેલી દઈ શકે અને સારણિકા પોતે ન્યૂનવત્ થઈ જાય તો તેવી સારણિકાને ન્યૂનશીલ સારણિકા કહે છે. જ્યારે આંતરડું પાછું પેટમાં જાય ત્યારે ગુડગુડાટી (gurgling) થાય છે. તેમાં પહેલાં થોડી તકલીફ પડે છે; પરંતુ પાછળનો ભાગ સહેલાઈથી પેટમાં પાછો સરકી જાય છે. ઉદરાગ્રપટલ બાંધેલા લોટ જેવું દળ ધરાવે છે અને તેને પાછું ધકેલતાં સહેજ મુશ્કેલી પડે છે. ન્યૂનશીલ સારણિકાનું મૂળ અને ગ્રીવા પૂરતાં પહોળાં હોય છે. આ પ્રકારની સારણિકામાં ખાંસી વખતે પેટમાંનું વધતું દબાણ તેના પર હાથ મૂકવાથી અનુભવી શકાય છે. તેને વિસ્ફારણ-આવેગ (expansile impulse) કહે છે. આ તેના નિદાનનું મુખ્ય ચિહ્ન છે.

ક્યારેક સારણિકામાં સરકીને આવેલા સંપાત્રિત અવયવો તેની સાથે ચોંટી ગયા હોય પણ તેમનું પોલાણ તેમજ લોહીનો પુરવઠો અકબંધ હોય તો તેને જોકે ન્યૂનવત્ કરી શકાતાં નથી; પરંતુ તેમાં કોઈ અન્ય આનુષંગિક તકલીફ કે વિકાર પણ થયો હોતો નથી. તેમને અન્યૂનશીલ સારણિકા કહે છે. આવું ઉદરાગ્રપટલ કોષ્ઠમાં અને ખાસ કરીને નાભિકીય (umbilical) અને જંઘાકીય સારણિકામાં વધુ જોવા મળે છે. આવી સારણિકાની નસો બહારથી દબાઈ જાય (સંદમન) તો તેમાં વાહિની-સંદમન (strangulation) થાય છે. તેને કારણે અવયવનો જે તે ભાગ કોથમય થઈને મૃત્યુ પામવાનો ભય રહે છે. આવી સારણિકાને વાહિની-સંદમિત (strangulated) સારણિકા કહે છે. જંઘાકીય સારણિકામાં ગ્રીવા (ડોક) સાંકડી હોવાથી તેમાં વાહિની-સંદમન થવાની સંભાવના વધુ રહે છે. ક્યારેક આંતરડામાં દ્રવ્યોના ભરાવાને કારણે કે બહારના કોઈ દબાણને કારણે આંતરડામાં અંતર્રોધ (obstruction) ઉદ્ભવે છે. તે સમયે તેની નસોમાંનું રુધિરાભિસરણ અકબંધ હોય છે. આવી સારણિકાને અંતર્રોધિત (obstructed) સારણિકા કહે છે. તેમાં તીવ્ર પ્રકારની પણ વાહિની-રુદ્ધન કરતાં ધીમે ધીમે વધતી તકલીફો થાય છે. ઘણી વખત અંતર્રોધિત અને વાહિની-સંદમિત સારણિકાઓને એકબીજીથી અલગ પાડવી અઘરી પડે છે. આવા સમયે વાહિની-સંદમન હોવાની સંભાવના ગણીને સારવાર અપાય છે. અન્યૂનશીલ સારણિકાની માફક આ બંને પ્રકારની સારણિકાઓમાં પણ તેમાંના અવયવોને પાછા ધકેલી શકાતા નથી; પરંતુ તેની સાથે ઉપર જણાવેલી અન્ય તકલીફો પણ થાય છે.

વાહિનીસંદમિત સારણિકા(strangulated hernia)માં દર્દીને અચાનક દુખાવો થાય છે જે શરૂઆતમાં સારણિકા પર હોય છે પરંતુ પછીથી તે આખા પેટમાં ફેલાય છે. તેના વારંવાર લઘુહુમલા થઈ આવે છે. મોટેભાગે દુખાવો ડૂંટી(નાભિ)ની આસપાસ રહે છે. વારંવાર જોરદાર ઊલટી થાય છે. સારણિકા મોટી થયેલી હોય છે, તંગ અને સ્પર્શસમયે પીડાકારક બને છે. અન્યૂનશીલ હોય છે અને ખાંસી ખાતી વખતે મોટી થતી નથી, રિચરની વાહિની-સંદમિત સારણિકામાં લક્ષણો ઓછાં તીવ્ર હોય છે અને તેથી નિદાન અને ચિકિત્સામાં વાર થાય છે.

પેટના નીચલા છેડે જ્યાં પગની શરૂઆત થાય ત્યાં ઊરુપ્રદેશીય સારણિકા થાય છે. આંતરડું પેટના સ્નાયુઓ અને સ્નાયુબંધ પટલો વચ્ચે બનતી એક ઊરુપ્રદેશીય નલિકા(inguinal canal)માં સરકે છે. આ નળીના બંને છેડે આવેલા મુખને સપાટીગત (superficial) અને પેશી-અંતર્ગત (deep) વલયિકાઓ (rings) કહે છે. ઊરુપ્રદેશીય નલિકા 3.75 સેમી.ની હોય છે અને તેમાંથી વીર્યનલિકા (spermatic cord) ચેતા અને નસો પસાર થાય છે. તેમાં આંતરડું સરકે ત્યારે તે ઊરુપ્રદેશીય સારણિકા બનાવે છે, જે 2 પ્રકારની છે : સીધી અને આડકતરી. તે બંનેને એકબીજીથી તથા જંઘાકીય સારણિકાથી પણ અલગ પડાય છે.

ક્યારેક પરિતનકલા(peritoneum)નો પાછળનો દીવાલ તરફનો ભાગ તેની નીચેની પેશીમાં સરકે છે ત્યારે સરકતી સારણિકા (sliding hernia) બને છે. પરિતનકલા ઉપરાંત અંધાંત્ર (caecum), અવગ્રહાકારી આંત્ર (signaercolon) તથા મૂત્રાશયનો થોડો ભાગ પણ તેની પાછલી દીવાલ બનાવે છે. મોટેભાગે તે પેટમાં ડાબી બાજુએ હોય છે. નવજાત શિશુઓ, શિશુઓમાં અને બાળકોમાં ક્યારેક (દર 6000એ એક) આંત્રમાર્ગનો મધ્યભાગ નાભિક્ષેત્રમાં ઊપસેલી સારણિકા રૂપે રહી જાય છે. તેને નાભિકોષ્ઠ (omphalocele) અથવા ઉદનભિતા (exomphalos) કહે છે. પુખ્તવયે નાભિ(ડૂંટી)ની ઉપર કે નીચે શ્વેત રેખિકા (linea alba) નામની સ્નાયુઓ વચ્ચેની રેખામાંથી સારણિકા ઊપસી આવે છે. તેને પરાનાભિ (paraumbilical) સારણિકા કહે છે. તે 2 પ્રકારની હોય છે : ઊર્ધ્વ (supra) અને અધ: (infra). ક્યારેક નાભિની ઉપર પેટના ઉપરના ભાગમાં ઊર્ધ્વોદર(epigastrium)માં સારણિકા થાય છે. કેટલીક સારણિકાઓ જવલ્લે જ જોવા મળે છે. જેમ કે, અંતર્ભિત્તીય અથવા આંતરસ્તરીય (interparietal) સારણિકા કે જે પેટની દીવાલના સ્તરો વચ્ચે આંતરડું સરકવાથી બને છે. તેવી રીતે ક્યારેક અધિકટિક વિસ્તાર (lumbar region) નામના કેડની ઉપર અને પાંસળીઓની નીચેની બાજુ પરના વિસ્તારમાંથી આંતરડું સરકે તો તે અધિકટિક સારણિકા (lumbar hernia) બનાવે છે. ગુદા અને જનનાંગોની આસપાસના ઉપસ્થવિસ્તાર(perineum)માં ઉપસ્થીય સારણિકા (perineal hernia) અને સપટલછિદ્ર (obturator foramen) નામના કટિઅસ્થિના કાણા સાથે સંકળાયેલી સપટલછિદ્ર-નલિકા(obturator canal)માં થતી સારણિકાને સપટલછિદ્રક સારણિકા (obturator hernia) કહે છે. કેડના હાડકા-કટિઅસ્થિમાં પાછળની બાજુ 2 ખાંચ આવેલી છે. ત્યાં તંતુબંધો(ligaments)ની મદદથી છિદ્રો બને છે. તેમને મોટું અને નાનું પશ્ર્ચકટિછિદ્ર (sciatic foramina) કહે છે. તેમાં અનુક્રમે નિતંબીય (gluteal) અને પશ્ર્ચકટિછિદ્રક (sciatic) સારણિકાઓ થાય છે.

સારવાર : ન્યૂનશીલ સારણિકાને દબાવી રાખવા પટ્ટો પહેરવાનું સૂચવાય છે અને પેટનું દબાણ ન વધે તે જોવાનું કહેવાય છે. ઊરુપ્રદેશીય (inguinal) સારણિકાઓ 2 પ્રકારની હોય છે : સરલીય (direct) અને તિર્યક (indirector oblique). તિર્યક ઊરુપ્રદેશીય સારણિકામાં શસ્ત્રક્રિયા મુખ્ય સારવાર છે. તેમાં સારણિકાની કોથળી(કોશા)ને કાપી કાઢીને તેના સંપાત્રિકો(contents)ને પાછાં યથાસ્થાને ગોઠવીને સાંધી દેવાય છે. આ પ્રક્રિયાને સારણિકા-ઉચ્છેદન (herniotomy) અને સારણિકા-સીવણ (herniorrhapy) કહે છે. જરૂર પડ્યે સારણિકા-સીવણ વખતે સંધાનને મજબૂત કરવા તંતુપટ (fascia) કે પૉલિપ્રોપેલિનની જાળી (mesh) મૂકવામાં આવે છે.

આશરે 10 %થી 15 % ઊરુપ્રદેશીય સારણિકાઓ સરલ (સીધી) હોય છે અને અર્ધાથી વધુ સમયે તે બંને બાજુએ હોય છે. મોટેભાગે તે સંપ્રાપ્ત (acquired) હોય છે. તેમાં સારણિકાની કોથળીને કાપીને દૂર કરવાને બદલે સીવણકામ કરાય છે. જરૂર પડ્યે જાળી મુકાય છે.

સારણિકા-સીવણને કારણે ક્યારેક ચેપ લાગે, લોહીનો ગઠ્ઠો જામે, લસિકાતરલ (પ્રવાહી) ભરેલી પોટલી (કોષ્ઠ) બને જેને લસિકાકોષ્ઠ (lymphocele) કહે છે, ઘાવમાંથી વિવરિકા (sinus) બને, વીર્યનલિકાને ઈજા થાય, શુક્રપિંડના રુધિરાભિસરણમાં વિક્ષેપ પડે અને તેની અપોષીક્ષીણતા (atrophy) થાય, શુક્રપિંડનાં આવરણોમાં પ્રવાહી ભરાય, ચેતાઓને ઈજા થવાથી પરાસંવેદના અને પીડા થાય, ફરીથી સારણિકા થઈ આવે, મૂત્રત્યાગ કે શ્વસનમાં તકલીફ થાય, પગની નસોમાં લોહી જામી જાય વગેરે વિવિધ આનુષંગિક તકલીફો થઈ શકે છે.

જો દર્દીને વાહિની-સંદમિત (strangulated) સારણિકા થઈ હોય તો મૃત પામેલા આંતરડાને કાપીને દૂર કરવી પડે છે.

અન્ય પ્રકારની સારણિકાઓમાં પણ ઉપર જણાવેલા સિદ્ધાંતોને વધતે-ઓછે અંશે અમલમાં મૂકીને શસ્ત્રક્રિયા વડે સારવાર અપાય છે.

શિલીન નં. શુક્લ