સાયકિયા, ચન્દ્રપ્રસાદ (જ. 9 ઑગસ્ટ 1928, અમગુરી, જિ. શિવસાગર, આસામ) : આસામના વાર્તાકાર અને નવલકથાકાર. આ બંને સાહિત્યપ્રકારોમાં તેમનું મોખરાનું સ્થાન છે. તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1995ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી; કોલકાતા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. વિદ્યાર્થી અવસ્થામાં તેમણે ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લીધો અને થોડા મહિના માટે જેલવાસ પણ ભોગવ્યો.

તેમણે પત્રકાર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને સાહિત્યિક સામયિક ‘ગરિયોશી’ તથા ‘આસામ બાતોરી’ (1963-67), ‘મણિદીપ’ (1964-67), ‘અસમિયા’ (1970-73), ‘પ્રકાશ’ (1974-86) તથા ‘નાતૂન દૈનિક’(1988-93)નું સંપાદનકાર્ય સંભાળ્યું. 1998થી 2002 સુધી તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીની સામાન્ય સભાના સભ્ય રહ્યા. થોડો વખત તેઓ પ્રકાશન બોર્ડ, આસામના સેક્રેટરી રહ્યા. તેમણે 22 ગ્રંથો આપ્યા છે. તેમાં 16 તો નવલકથાઓ છે. તેમનાં પ્રકાશનોમાં ‘એ દિન’ (1958), ‘સૂર્યસ્નાન’ (1960), ‘જન્માંતર’ (1962), ‘ઉત્તરકાલ’ (1964), ‘પ્રતિધની’ (1974), ‘મંદાક્રાંતા’ (1960); ‘મેઘમલ્હાર’ (1962), ‘તોરે મોરે આલોકોરે યાત્રા’ (1990), ‘મહારથી’ (1992) એ તમામ નવલકથાઓ અને ‘અમેરિકાર ચિઠી’ એ પ્રવાસકથા મુખ્ય છે.

આ ઉપરાંત 2 વાર્તાસંગ્રહો : ‘માયામૃગ’ અને ‘નાચપતિ ફૂલ’ આપ્યા છે.

મહેશ ચોકસી