સામ્રાજ્યવાદ : એક રાષ્ટ્ર અથવા રાજ્ય બીજાં રાષ્ટ્રો, વિસ્તારો અથવા લોકસમૂહો પર પોતાની સત્તા અથવા પ્રભાવ સ્થાપવા અને ફેલાવવા પ્રવૃત્ત થાય તેવું વલણ. તેની આ સામાન્ય અથવા વિસ્તૃત વ્યાખ્યામાં સત્તા અથવા પ્રભાવના અંકુશની વિવિધ માત્રાઓનો સમાવેશ થઈ શકે. સામ્રાજ્યવાદના કેટલાક અભ્યાસીઓ આ શબ્દનો સીમિત અર્થ કરે છે. તે અનુસાર અન્ય કોઈના પ્રદેશ પર ભૌગોલિક અંકુશ, સંસ્થાનોની સ્થાપના અને તે પર અંકુશ અથવા નાનાં-નબળાં રાજ્યો પર સંપૂર્ણ રાજકીય અંકુશ એટલે સામ્રાજ્યવાદ એવો અર્થ કરે છે. આવા અંકુશ હેઠળ જે તે પ્રદેશ કે રાજ્યના રાજકીય માળખામાં એવો ફેરફાર કરે જે અંકુશ રાખનાર(સામ્રાજ્યવાદી સત્તા)ને વધારે અનુકૂળ આવે. આવો સીમિત અર્થ સામ્રાજ્યવાદના ખ્યાલને વધુ સ્પષ્ટ બનાવે પણ સામ્રાજ્યવાદનાં વિવિધ પાસાંઓને તે ધ્યાનમાં લેતો નથી.

બીજા કેટલાક અભ્યાસીઓ તેનો વધુ વિશાળ અર્થ કરે છે. તેમની દૃષ્ટિએ સામ્રાજ્યવાદ એક બહુપરિમાણીય ખ્યાલ છે. તેમાં રાજકીય-લશ્કરી ઉપરાંત આર્થિક, સાંસ્કૃતિક અને અમુક અંશે સામાજિક પાસાંનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત, ઐતિહાસિક દૃષ્ટિએ તેનો અભ્યાસ કરનારા વિદ્વાનો ‘જૂનો સામ્રાજ્યવાદ’ અને ‘નવો સામ્રાજ્યવાદ’ એ રીતે પણ તેનું વર્ગીકરણ કરે છે.

સામ્રાજ્યવાદ શબ્દે જુદા જુદા એટલા બધા અર્થ ધારણ કર્યા છે કે સામાજિક વિજ્ઞાનોએ તેનો ઉપયોગ કરવાનું જ ટાળવું જોઈએ, એવું સૂચન 1950માં પ્રોફેસર હેનકોકે કર્યું હતું. તેઓ જણાવે છે કે ગ્રેટ બ્રિટન અને અમેરિકાના ઇતિહાસકારોએ આ શબ્દનો એવો તો ઉપયોગ કર્યો છે કે તેનો સાચો અર્થ શું થાય તે વિશે કોઈ સહમતી જ ઊભી થતી નથી. કેટલાક ઇતિહાસકારોએ સામ્રાજ્યવાદને બિનપશ્ચિમી દેશો અથવા સમાજો પરના પશ્ચિમી દેશોના પ્રભાવને ઉપકારક ગણીને વાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યો છે, તો માર્કસવાદી-લેનિનવાદી વિચારકોએ પશ્ચિમી ‘વિસ્તારવાદ’ ખાળવા અને તેની સામે યુદ્ધ છેડવાના એક સિદ્ધાંત તરીકે તેનો ઉપયોગ કર્યો છે.

આમ છતાં, વિદ્વાનો અન્ય રાજકીય શબ્દપ્રયોગોની જેમ સામ્રાજ્યવાદને વૈજ્ઞાનિક રીતે સ્વીકારી શકાય તેવો ખ્યાલ છે, એવું માને છે. અગાઉના અને હાલના સમાજોની વિવિધ ગતિવિધિઓને સમજવાસમજાવવા માટે તેની ઉપયોગિતા છે, એટલું તેઓ સ્વીકારે છે. સામ્રાજ્યવાદ શબ્દનો મૂળ ઉપયોગ નેપોલિયન પહેલાંની અને પાછળથી બ્રિટનની વિસ્તારવાદી નીતિની ટીકાના સંદર્ભમાં કરવામાં આવ્યો. ત્યારપછી ‘ત્રીજા વિશ્વના દેશો’ તરીકે ઓળખાતાં રાષ્ટ્રોના રાષ્ટ્રવાદી નેતાઓ અને માર્કસવાદી-લેનિનવાદી નેતાઓએ પશ્ચિમી દેશોની આધિપત્યવાદી નીતિની ટીકાના સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ કર્યો છે. એ જ રીતે બીજા વિશ્વયુદ્ધ પછી સામ્યવાદનો વિસ્તાર કરવાના હેતુથી સોવિયેત યુનિયને પૂર્વ યુરોપીય અને દક્ષિણ એશિયાઈ દેશો પર પોતાનો પ્રભાવ વિસ્તારવા કરેલા પ્રયાસોને કેટલાક પશ્ચિમી વિદ્વાનોએ ‘સોવિયેત સામ્રાજ્યવાદ’ તરીકે ઘટાવ્યો છે. આમ, સામ્રાજ્યવાદ શબ્દનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પોતાના વિરોધી અથવા પ્રતિસ્પર્ધી સામે પ્રચારના સાધન તરીકે પણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

સામ્રાજ્યવાદનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ કરતા વિદ્વાનો માને છે કે એક યા બીજા સ્વરૂપે સામ્રાજ્યવાદ ઇતિહાસના બધા યુગોમાં વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તેનાં લક્ષણો અને તે પાછળનાં પ્રેરક બળો જુદાં જુદાં હોઈ શકે. એક યુગમાં કોઈ એક લક્ષણ અથવા પ્રેરક બળ મહત્ત્વનું હોય તો બીજા યુગમાં બીજું. એક સમયે રાજવંશો વચ્ચેની સ્પર્ધા, લૂંટ કરવાના ઇરાદે ધસી આવતી ટોળીઓનું આક્રમણ રોકવા અથવા મજૂરી માટે ગુલામો મેળવવા વિસ્તારોનો કબજો મેળવવો વગેરે સામ્રાજ્યવાદ પાછળનાં પ્રેરક બળો હતાં તો બીજા યુગમાં એ અસ્તિત્વ ધરાવતાં ન હતાં. જે આર્થિક પ્રેરક બળોએ રોમન સામ્રાજ્યના વિસ્તારમાં ભાગ ભજવ્યો એ પ્રેરક બળો કરતાં 16મી અને 17મી સદી દરમિયાન પશ્ચિમી યુરોપીય દેશોએ અન્ય દેશોમાં સંસ્થાનો સ્થાપ્યાં એ આર્થિક પ્રેરક બળો જુદાં હતાં અને પાછળથી 19મી અને 20મી સદી દરમિયાન જે સામ્રાજ્યવાદ વિસ્તર્યો એની પાછળનાં આર્થિક કારણો પણ અગાઉ કરતાં જુદાં હતાં. સમાજવાદી સમીક્ષકોએ સામ્રાજ્યવાદ પાછળના એક મહત્ત્વના કારણ તરીકે મૂડીસંચયને ઘટાવ્યો છે, પણ સામ્રાજ્યવાદ મૂડીવાદ કરતાં પણ વધુ જૂનો છે. ઔદ્યોગિક મૂડીવાદના ઉદય પહેલાં પણ સામ્રાજ્યવાદ હતો; અલબત્ત, એનું સ્વરૂપ અને તેની પાછળનાં પ્રેરક બળો જુદાં હતાં. ટૂંકમાં કહી શકાય કે મૂડીવાદના બધા તબક્કાઓ અને તેનાં વિવિધ સ્વરૂપોનો ખુલાસો આપી શકે તેવું કોઈ એક કારણ કે સિદ્ધાંત રજૂ કરવો એ શક્ય નથી.

પ્રાચીન સમયમાં ચીન, પશ્ચિમ એશિયા અને ભૂમધ્ય સમુદ્રના આસપાસના વિસ્તારોમાં અનેક સામ્રાજ્યો સ્થપાયાં, તેમની વચ્ચે મોટાં યુદ્ધો થયાં અને છેવટે ઇતિહાસમાં નામશેષ થઈ ગયાં. કેટલાંક સામ્રાજ્યોના અવશેષો આજે તેમની ભવ્યતાની સાક્ષી પૂરે છે. યુરોપ અને એશિયામાં વિસ્તરેલા રોમન સામ્રાજ્યના પતન બાદ ઇસ્લામિક સભ્યતાના પાયા ઉપર નવાં સામ્રાજ્યો ઊભાં થયાં.

આધુનિક સમયમાં ઉદય અને વિસ્તરણના સંદર્ભમાં સામ્રાજ્યવાદને ત્રણ તબક્કાઓમાં વહેંચી શકાય :

1. 15મી સદીથી 18મી સદીનો મધ્યકાળ. ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, નેધરલૅન્ડ્ઝ, પોર્ટુગલ, સ્પેન વગેરે યુરોપીય દેશોએ બંને અમેરિકા(ઉત્તર અને દક્ષિણ અમેરિકા)માં, ભારત, ઈસ્ટ ઇન્ડિઝમાં વિશાળ સામ્રાજ્યો સ્થાપ્યાં.

2. 19મી સદીના મધ્યભાગથી પહેલા વિશ્વયુદ્ધ સુધીનો સમયગાળો. આ સમયગાળો સામ્રાજ્યવાદી રાષ્ટ્રો વચ્ચેની તીવ્ર કશમકશનો સમય બની રહ્યો. સામ્રાજ્યવાદની સ્પર્ધામાં રશિયા, જાપાન, ઇટાલી, જર્મની અને યુનાઇટેડ સ્ટેટ્સ જોડાયાં. પરોક્ષ અંકુશ(ખાસ કરીને નાણાકીય)નું સ્વરૂપ સામ્રાજ્યવાદે આ ગાળા દરમિયાન ધારણ કર્યું. પ્રથમ વિશ્વયુદ્ધ પછીના દાયકા દરમિયાન લીગ ઑવ્ નૅશન્સે વધુ સારા વિશ્વ માટેની અપેક્ષા ઊભી કરી, પણ તે ઠગારી નીવડી. 1931માં જાપાને ચીન ઉપર આક્રમણ કર્યું, તેની સાથે સામ્રાજ્યવાદમાં જાણે કે નવા પ્રાણ પુરાયા. 1930 અને 1940ના દાયકા દરમિયાન સર્વસત્તાવાદી રાજ્યો જેવાં કે જાપાન, ફાસીવાદી ઇટાલી, નાઝી જર્મની અને સામ્યવાદી સોવિયેત યુનિયન વગેરેની નેતાગીરી હેઠળ સામ્રાજ્યવાદનો એક નવો તબક્કો શરૂ થયો. બીજું વિશ્વયુદ્ધ સામ્રાજ્યવાદી સત્તાઓ વચ્ચેના ઉગ્ર સંઘર્ષનું સાક્ષી બન્યું.

3. બીજા વિશ્વયુદ્ધ પછી સામ્રાજ્યવાદનાં વળતાં પાણી થયાં. બીજા વિશ્વયુદ્ધે સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદને મરણતોલ ફટકો માર્યો. સામ્રાજ્યવાદી સત્તાઓની લશ્કરી અને આર્થિક તાકાતમાં ગણનાપાત્ર ઘટાડો થયો. બીજી બાજુ સામ્રાજ્યવાદનો ભોગ બનેલાં એશિયા-આફ્રિકી સંસ્થાનોમાં રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની ચળવળો વધુ તીવ્ર બની. 1945 પછીના બે-અઢી દાયકા દરમિયાન મોટાભાગનાં સંસ્થાનો સ્વતંત્ર બન્યાં.

આધુનિક સામ્રાજ્યવાદના ઉદય અને વિસ્તરણનાં કારણોનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ સામ્રાજ્યવાદના અભ્યાસીઓએ કર્યો છે. આ કારણોને જુદા જુદા ભાગોમાં વહેંચી શકાય.

આર્થિક કારણો : મોટાભાગના અભ્યાસીઓ આધુનિક સામ્રાજ્યવાદના મુખ્ય ચાલકબળ તરીકે આર્થિક જરૂરિયાતોને ગણાવે છે. તેમની દૃષ્ટિએ ઔદ્યોગિક ક્રાંતિએ ઊભી કરેલી આર્થિક જરૂરિયાતોએ સામ્રાજ્યવાદના વિસ્તાર અને દૃઢીકરણમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ઇંગ્લૅન્ડમાં શરૂ થયેલી ઔદ્યોગિક ક્રાંતિનો ફેલાવો અન્ય યુરોપીય દેશોમાં થતાં યંત્રોદ્યોગો ચલાવવા માટે મોટા પ્રમાણમાં કાચા માલસામાનની જરૂરિયાત ઊભી થઈ. બીજી બાજુ યંત્રોદ્યોગોને કારણે થોડા સમયમાં મબલક પ્રમાણમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન થવા લાગ્યું. આમ, ઉત્પાદન માટે કાચા માલસામાનનો પુરવઠો અને તૈયાર માલસામાનના વેચાણ માટે મોટાં બજારોની જરૂરિયાત ઊભી થઈ. ઔદ્યોગિક ક્રાંતિથી ઊભા થયેલા આ બે આર્થિક તકાજાઓએ અન્ય દેશો પર સામ્રાજ્યો સ્થાપવાની પ્રક્રિયાને મોટો વેગ આપ્યો. બીજા દેશો ઉપર અસરકારક રાજકીય અને વહીવટી અંકુશ વિના આ બંને આર્થિક જરૂરિયાતો પૂરી થઈ શકે તેમ ન હતી. આના થકી સામ્રાજ્યવાદના વિસ્તાર અને દૃઢીકરણની પ્રક્રિયા વધુ વેગીલી બની. આ આર્થિક સ્પર્ધાને કારણે યુરોપીય દેશો વચ્ચે નાનામોટા સંઘર્ષો પણ થયા.

‘નવા સામ્રાજ્યવાદ’ના આર્થિક અર્થઘટનમાં બ્રિટિશ ઉદારમતવાદી અર્થશાસ્ત્રી જ્હૉન એટ્કિન્સન હોબ્સનનો ફાળો સૌથી મહત્ત્વનો છે. ‘ઇમ્પીરિયાલિઝમ : એ સ્ટડી’ (1902) પુસ્તકમાં તેમણે સામ્રાજ્યવાદના વિસ્તારમાં દેશપ્રેમ, પરોપકાર, સાહસવૃત્તિ વગેરે પ્રેરકોના ફાળાનો ઉલ્લેખ કર્યો છે, પણ સૌથી મહત્ત્વનો ફાળો મૂડીવાદી વર્ગનાં નાણાકીય હિતોનો રહેલો છે. તેના ઉપર તેમણે સવિશેષ ભાર મૂક્યો છે. મૂડીવાદી વર્ગને તેમણે ‘સામ્રાજ્યવાદી એન્જિનનો ચાલક’ કહ્યો છે. તેમણે એવું પણ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે સામ્રાજ્યવાદી નીતિઓ ઉત્પાદન અને બજારના વિસ્તરણને બદલે નાણાકીય સટ્ટાખોરી પર વધુ ભાર મૂકે છે. ઇંગ્લૅન્ડની સામ્રાજ્યવાદી નીતિઓને કારણે કામદારોને લાભ થાય છે, એ માન્યતાનો તેમણે અસ્વીકાર કર્યો છે, એને બદલે કામદારોનાં વેતનોમાં વધારો કરવા અને ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો કરવા આંતરિક બજારો વિસ્તૃત કરવા ઉપર વિશેષ ભાર મૂક્યો છે. સામ્રાજ્યવાદથી સમગ્રતયા આખા રાષ્ટ્રને લાભ થાય છે, એમ કહેવું એના કરતાં નાણાકીય મૂડીવાદી વર્ગને વધુ લાભ થાય છે એમ કહેવું વધુ સયુક્તિક છે એમ તેઓ માને છે.

‘નવા સામ્રાજ્યવાદ’ના આર્થિક અર્થઘટનના બીજા છેડે આવે છે માર્કસવાદી વિચારકો. તેઓ સામ્રાજ્યવાદને મૂડીવાદના એક આગળ વધેલા (ઍડ્વાન્સ્ડ) તબક્કા અથવા સ્વરૂપ તરીકે ઘટાવે છે. તેમનો તર્ક આ પ્રમાણે છે : જ્યારે રાષ્ટ્રીય મૂડીવાદી અર્થતંત્રો ઇજારાશાહી લક્ષણો ધારણ કરે છે ત્યારે મૂડીવાદને પોતાના મબલક ઉત્પાદનને ઠાલવવા, બીજા શબ્દોમાં બજારોની શોધમાં નવા પ્રદેશો જીતવાની ફરજ પડે છે. ઉપરાંત મૂડીવાદી રાજ્યોમાં જે વધારાની મૂડી પેદા થાય છે, એનું અન્યત્ર રોકાણ કરવા માટે તેમની વચ્ચે ઉગ્ર સ્પર્ધા થાય છે, જે સામ્રાજ્યવાદમાં પરિણમે છે. લેનિન અને બુખારિન આવો મત ધરાવે છે. લેનિને તો પોતાના એક પુસ્તકનું નામ ‘ઇમ્પીરિયાલિઝમ : ધ હાઈએસ્ટ સ્ટેજ ઑવ્ કૅપિટાલિઝમ’ આપ્યું છે. મૂડીવાદના સંદર્ભમાં સામ્રાજ્યવાદનું આ રીતે અર્થઘટન કરવાની જરૂરિયાત, આ વિચારકો માટે એટલા માટે ઊભી થઈ કે માર્કસની આગાહી અનુસાર પોતાના આંતરવિરોધોના કારણે મૂડીવાદનું પતન અને સમાજવાદી ક્રાંતિ ક્યાંય ન થયાં. માર્કસવાદી વિચારકોએ મૂડીવાદનું આગળ વધેલું સ્વરૂપ તે સામ્રાજ્યવાદ એવું જે અર્થઘટન કર્યું છે, તેને ઐતિહાસિક આધાર નથી; કારણ કે તેનાથી મૂડીવાદ પહેલાંના સામ્રાજ્યવાદ કે ‘સામ્યવાદી વિસ્તારવાદ’નો કોઈ ખુલાસો પ્રાપ્ત થતો નથી. આવું અર્થઘટન ઐતિહાસિક કે આનુભવિક પુરાવા કરતાં વિશેષ તો વિચારધારા પ્રેરિત છે, એવી તેની ટીકા કરવામાં આવે છે.

મનોવૈજ્ઞાનિક અથવા વંશીય સર્વોપરીતા : કેટલાક લેખકોએ સામ્રાજ્યવાદને મનુષ્ય અથવા જૂથો(જેવા કે રાજ્ય)ના સ્વભાવ સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો છે. નબળા પર આધિપત્ય જમાવવું એ મનુષ્યનો સ્વભાવ છે અને મનુષ્યોનાં જૂથો(રાજ્ય, કબીલા, જાતિ)માં પણ તે સંક્રાંત થાય છે. જુદી જુદી રસ-રુચિ ધરાવતા અને જુદી જુદી ભૂમિકા પરથી વિચારતા વિચારકો જેવા કે મેકિયાવેલી, સર ફ્રાન્સિસ બૅકન, એડૉલ્ફ હિટલર, મુસોલિની વગેરે લગભગ એકસરખા તારણ પર આવે છે. તેમની દૃષ્ટિએ, વિશાળ અર્થમાં, સામ્રાજ્યવાદ એક પ્રકારનો અસ્તિત્વનો સંઘર્ષ છે. જેઓ ચઢિયાતી ગુણવત્તા અને વધારે શક્તિશાળી છે, તેઓ બીજા પર શાસન કરવા માટે નિર્માયા છે.

આ અર્થઘટનને બળ મળ્યું ડાર્વિનના સિદ્ધાંતોમાંથી. 19મી સદીના ઉત્તરાર્ધમાં ‘કુદરતી પસંદગી’ અને ‘સૌથી શક્તિશાળી હોય તેનું જ અસ્તિત્વ ટકે’ (બીજા શબ્દોમાં ‘મારે તેની તલવાર’ અને ‘શેરના માથે સવાશેર’)  એવા ડાર્વિનના વિચારો ઠીક ઠીક પ્રમાણમાં પ્રચલિત થયા. એ વિચારો સામ્રાજ્યવાદીઓએ સ્વીકારી લીધા અને નબળા, પછાત લોકો (પ્રદેશો, દેશો) પર વિજય મેળવવા અને તેમના પર સામ્રાજ્ય સ્થાપવાના વાજબી કારણ તરીકે તેનો ઉપયોગ કર્યો. આ તર્ક આગળ વધારતાં કેટલાક લેખકોએ તો પછાત, અસંસ્કૃત, અસભ્ય લોકોને ‘સભ્ય’ અને ‘સંસ્કૃત’ બનાવવા માટે તેમના પર આધિપત્ય જમાવવું જરૂરી છે; એટલું જ નહિ, એ લોકો અને પ્રદેશો માટે ઇચ્છનીય પણ છે. રુડ્યાર્ડ કિપલિંગે તો ‘વ્હાઇટ મેન્સ બર્ડન’ એવો શબ્દપ્રયોગ પણ યોજ્યો. ગોરી પ્રજાઓએ બિનગોરી (‘અસભ્ય, અસંસ્કૃત’) પ્રજાઓ પર આધિપત્ય જમાવવું જોઈએ અને એ બિનગોરી પ્રજાઓના હિતમાં છે એ વિચારે પશ્ચિમી સામ્રાજ્યવાદને વૈચારિક સમર્થન અને ઔચિત્ય પૂરાં પાડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.

આર્થિક સામ્રાજ્યવાદ સામે સામ્રાજ્યવાદનો એક વ્યવસ્થિત વૈકલ્પિક સિદ્ધાંત રજૂ કરવાનો યશ 20મી સદીના પૂર્વાર્ધના એક જાણીતા અર્થશાસ્ત્રી શુમ્પીટરને જાય છે. વિવિધ સામ્રાજ્યોના તલસ્પર્શી અભ્યાસ બાદ તેમણે સામ્રાજ્યવાદનાં મુખ્ય ત્રણ લક્ષણો તારવ્યાં છે : (1) સામ્રાજ્યવાદના મૂળમાં યુદ્ધ અને તેમાં વિજય પ્રાપ્ત કરવાની એક માનસિકતા રહેલી છે, જેને પરિણામે રાજ્યો અબૌદ્ધિક વિસ્તારવાદમાં પ્રવૃત્ત થાય છે, જેની કોઈ નક્કર આર્થિક ઉપયોગિતા હોતી નથી. (2) યુદ્ધ દ્વારા આધિપત્ય સ્થાપવાના આ આવેગો મનુષ્યમાં જન્મજાત હોય છે એવું નથી. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે યુદ્ધ અથવા સંઘર્ષ અનિવાર્ય છે એવા અનુભવોમાંથી તેમનામાં આ વલણો વિકસ્યાં હોય છે. (3) યુદ્ધ અને તેમાં વિજય પ્રાપ્ત કરવા માટેનું ખેંચાણ ઘણી વાર જે તે દેશના શાસક વર્ગોનાં પોતાનાં હિતોના રક્ષણમાંથી ઊભું થતું હોય છે, જેનો સૌથી વધુ લાભ આ વર્ગોની નેતાગીરીને થતો હોય છે. સામ્રાજ્યવાદ પાછળ જો આ પરિબળો ન હોત તો મૂડીવાદી સમાજના પૂર્ણ વિકાસ બાદ સામ્રાજ્યવાદ ઇતિહાસની કચરાપેટીમાં ક્યારનોય ફેંકાઈ ગયો હોત; કારણ કે શુદ્ધ સ્વરૂપમાં મૂડીવાદ સામ્રાજ્યવાદનો વિરોધ છે. શાંતિ અને મુક્ત વેપારના અનુકૂળ વાતાવરણમાં જ મૂડીવાદ તેના શુદ્ધ સ્વરૂપમાં પાંગરે છે.

આધુનિક યુરોપીય ઇતિહાસનો ઊંડાણથી અભ્યાસ કરનારાઓમાં હોબ્સવન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ‘ધી એજ ઑવ્ એમ્પાયર’ પુસ્તકમાં સામ્રાજ્યવાદ પાછળનાં બીજાં પરિબળોનું મહત્ત્વ સ્વીકારતાં તેઓ સામ્રાજ્યવાદી વિસ્તારના આર્થિક પરિમાણ ઉપર વિશેષ ભાર મૂકે છે. 19મી સદીના ઉત્તરાર્ધમાં સામ્રાજ્યવાદ શબ્દનો ઉપયોગ વધુ પ્રચલિત બન્યો તે હકીકત તરફ તેઓ ધ્યાન દોરે છે. તેમની મુખ્ય દલીલ છે કે મૂડીવાદના વિકાસથી સામ્રાજ્યવાદને જુદો પાડી શકાય નહિ. ચોક્કસ વિસ્તારો કે પ્રદેશો પર આધિપત્ય જમાવવા પાછળ વ્યૂહાત્મક કે પ્રતિષ્ઠાપરક પરિબળો જવાબદાર હોય એવું બને, પણ સામ્રાજ્યવાદનું મુખ્ય ચાલક બળ તો આર્થિક ગણતરીઓ જ છે, એમ તેઓ દૃઢપણે માને છે.

બિનપશ્ચિમી અભિગમ : સામ્રાજ્યવાદનો અભ્યાસ મુખ્યત્વે પશ્ચિમી વિચારકો અને ઇતિહાસકારોએ કર્યો છે, એટલે સ્વાભાવિક રીતે તેમનો અભિગમ પાશ્ર્ચાત્ય અથવા પશ્ચિમકેન્દ્રી વધુ રહ્યો છે. કોઈ પણ દેશના સાંસ્કૃતિક વારસાનું મહત્ત્વ અને સામ્રાજ્યવાદના સૂચિતાર્થોએ એમના બે મહત્ત્વના ગ્રંથો ‘ઓરિયેન્ટાલિઝમ’ અને ‘કલ્ચર ઍન્ડ ઇમ્પીરિયાલિઝમ’નું મુખ્ય વિષયવસ્તુ છે. પોતાનાં સંસ્થાનો સાથેની પશ્ચિમની આંતરક્રિયાએ પશ્ચિમ અને પૂર્વ બંનેની વિચારપ્રક્રિયાને ઠીક ઠીક પ્રમાણમાં પ્રભાવિત કરી છે. પશ્ચિમી આધિપત્ય સાથે ગાઢ રીતે સંકળાયેલા એવા એક વિમર્શને તેણે જન્મ આપ્યો છે, જેને આધારે પશ્ચિમ જાણે કે ‘નૉર્મલ’ છે અને પૂર્વ એના માટે ‘ઇતર’ છે. આ ‘ઇતર’ (પૂર્વ) પ્રત્યે પશ્ચિમને એક ખાસ પ્રકારનું આકર્ષણ છે તો બીજી બાજુ પૂર્વ તેને એક ‘ધમકી’રૂપ પણ લાગે છે. પશ્ચિમી સંસ્કૃતિ સંસ્થાનો પરના આધિપત્યને કારણે અમુક માત્રામાં પ્રભાવિત પણ થઈ છે. પશ્ચિમે નવલકથાઓ, પ્રવાસવર્ણનો, ચિત્રો, સ્મરણકથાઓ વગેરે દ્વારા પૂર્વને એવી રીતે ચીતરવાનો પ્રયાસ કર્યો છે કે જેથી એવી છાપ ઊભી થાય છે કે પશ્ચિમ પૂર્વ કરતાં ઘણી બધી રીતે ચઢિયાતું છે. પશ્ચિમાભિમુખ ચિંતનથી પૂર્વના અભ્યાસીઓ અને ચિંતકો ઠીક ઠીક પ્રમાણમાં પ્રભાવિત થયા છે. તેઓમાંના કેટલાક પૂર્વના હોવા છતાં, પશ્ચિમની નજરે પૂર્વને નિહાળે છે. રાજકીય સંસ્થાનવાદનો ભલે અંત આવ્યો હોય, પણ સાંસ્કૃતિક સંસ્થાનવાદે હજુ પોતાની પકડ ગુમાવી નથી.

છેલ્લા દોઢેક દાયકા દરમિયાન વૈશ્ર્વિક સ્તરે ગુણાત્મક પરિવર્તનો આવ્યાં છે. સોવિયેત યુનિયનના વિઘટન બાદ ‘દ્વિધ્રુવી’ (‘બાયપોલર’) વિશ્વ ધીરે ધીરે ‘એકધ્રુવી’ (‘યુનિપોલર’) બની રહ્યું છે. અનેક ઐતિહાસિક કારણો અને પરિબળો થકી વૈશ્ર્વિકીકરણની પ્રક્રિયા વેગીલી બની છે. કેટલાક ચિંતકો વૈશ્ર્વિકીકરણને પશ્ચિમી સામ્રાજ્યવાદના ‘નવા અવતાર’ તરીકે ઘટાવે છે. પશ્ચિમી રહેણીકરણી, વ્યક્તિવાદ અને ઉપભોગવાદ, મૂલ્યો અને અભિગમો, ટૂંકમાં, પશ્ચિમી સંસ્કૃતિનું ‘વૈશ્ર્વિકીકરણ’ થઈ રહ્યું છે. જેમાં બિનપશ્ચિમી સમાજો જાણ્યેઅજાણ્યે જોડાઈ રહ્યા છે.

શરૂઆતમાં જણાવ્યું તેમ સામ્રાજ્યવાદ બહુપરિમાણીય ખ્યાલ છે. તેનાં જુદાં જુદાં પાસાંઓનો વિગતે અને ઊંડાણથી અભ્યાસ વિવિધ વિદ્વાનોએ કર્યો છે. કાચિંડો જેમ પોતાનાં રૂપરંગ બદલે છે, તેમ તેણે પણ પોતાનાં રૂપરંગ બદલ્યાં છે. સમગ્રતયા તેનો ખુલાસો આપી શકે તેવા તેના કોઈ એક સિદ્ધાંત વિશે વિદ્વાનો સહમત થઈ શકતા નથી. બીજા પર આધિપત્ય અથવા પ્રભુત્વ જમાવવું અને શક્ય હોય ત્યાં સુધી જાળવી રાખવું, એ એનું હાર્દ તત્ત્વ છે એ વિશે બેમત નથી.

દિનેશ શુક્લ