સામ્યવાદ : કાર્લ માર્કસ (1818-1883) અને ફ્રેડરિક એંજલ્સે (1820-1895) મળીને 19મી શતાબ્દીના મધ્ય અને અંતિમ ભાગ દરમિયાન વિકસાવેલી સમાનતાલક્ષી વિચારધારા. આ વિચારધારાને ઘણા માર્કસવાદના નામે પણ ઓળખે છે.

માકર્સે કેટલાક પાયાના પ્રશ્ર્નો વિચારી તેના ઉપર કામ કર્યું : માનવ-સમાજનું આજનું સ્વરૂપ આવું કેમ છે ? એમાં જે પરિવર્તનો આવે છે તે શાથી આવે છે ? અને ભવિષ્યમાં માનવજાતિએ કેવાં કેવાં પરિવર્તનોનો સામનો કરવો પડશે ? પછી તેમણે તારણ કાઢ્યું કે આ પરિવર્તનો અકસ્માતે જ આવતાં નથી, પણ કેટલાક વિશિષ્ટ નિયમો અનુસાર આવે છે. માર્કસનું લક્ષ્ય મનુષ્યજાતિના વાસ્તવિક અનુભવો ઉપર આધારિત વૈજ્ઞાનિક નિયમો સ્થાપવાનું હતું. આથી એમણે ધાર્મિક વિશ્વાસો, વંશગત અહંકારો, વીર-પૂજા, વ્યક્તિગત ભાવનાઓ અને કલ્પનાઓ પર આધારિત સમાજનો છેદ ઉડાડી દીધો.

કાર્લ માર્કસ

તેમણે પૂંજીવાદના આર્થિક સિદ્ધાંતો પર કામ કરી તેમને ઐતિહાસિક અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં મૂલવ્યા. વી. આઇ. લેનિને (1870-1924) પણ માર્કસના સિદ્ધાંતોને આગળ ધપાવવાનું કામ કર્યું.

સામ્યવાદ ઇતિહાસના અધ્યયનમાં સમગ્ર જનતાને આવરી લે છે. તેનું ધ્યેય માનવીય ઇતિહાસનું સંચાલન કરનાર તથ્યોને શોધવાનું છે. સમાજમાં વર્ગો શું છે ? વર્ગવિગ્રહ શું છે ? શા માટે છે ? પૂંજીવાદીઓ અને પૂંજીવાદ શું છે ? પૂંજી એટલે શું ? તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? આર્થિક સંકટો કેમ ઊભાં થાય છે ?  આવા આવા પ્રશ્ર્નો તેમજ શોષણ અને શોષિતો વચ્ચેના સંબંધો વગેરે બાબતો ઉપર સામ્યવાદ વૈજ્ઞાનિક રીતે તપાસ કરી, ઊંડો અભ્યાસ કરીને તર્કબદ્ધ પ્રકાશ પાડવાની કોશિશ કરે છે અને શોષણવિહીન સમાજરચનાનું સ્વપ્ન રજૂ કરે છે.

સામ્યવાદી વિચારધારાથી વિશ્વના ઘણા લોકો આકર્ષાયા અને એક સમયે તો લગભગ અર્ધી દુનિયાના લોકો સામ્યવાદી વિચારધારા ધરાવતા હતા.

રશિયા અને ચીન સહિત દુનિયાના કેટલાય દેશોમાં સામ્યવાદી વિચારધારાને અનુમોદન આપતી સરકારો સ્થપાઈ હતી. આજે પણ ચીનમાં અને દુનિયાના અનેક દેશોમાં સામ્યવાદી સરકારો અસ્તિત્વમાં છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી સામ્યવાદનાં વિશ્વસ્તરે વળતાં પાણી થયાં છે. ખાસ કરીને રશિયાના વિઘટન પછી તે પ્રક્રિયા ઝડપી બની છે અને વૈશ્ર્વિકીકરણ અને અનુઆધુનિકતાવાદ (post-modernism) પછી સામ્યવાદી વિચારધારા ઉપર એ બન્નેની અસરો પડી છે અને કેટલાક સામ્યવાદીઓ પણ વૈશ્ર્વિકીકરણના પરિપ્રેક્ષ્ય અંગે વિચાર કરતા થઈ ગયા છે.

સામ્યવાદનું સત્ત્વ : ઔદ્યોગિક ક્રાંતિ પછી પ્રવર્તતી સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિઓને લક્ષમાં રાખીને તેના પ્રત્યાઘાત રૂપે માર્કસનું ચિંતન આવ્યું. 1848માં તેમણે અને એંજલે સામ્યવાદી ઢંઢેરા(Communist Menifesto)ની જાહેરાત કરી. ગરીબ અને તવંગર એમ બે જ વર્ગમાં વહેંચાઈ ગયેલ તત્કાલીન સમાજમાં મૂળભૂત ફેરફારને પ્રાધાન્ય અપાયું. ક્રાંતિનું આવાહન અપાયું. આમ, તેના પાયામાં આર્થિક વિચાર રહેલ છે. તે દૃઢપણે માને છે કે આર્થિક અસમાનતા જ વર્ગભેદ અને શોષણને જન્મ આપે છે.

સામ્યવાદી ઢંઢેરા પછી ‘દાસ કૅપિટલ’(Das Capital)નો પ્રથમ ભાગ 1867માં અને બીજો તથા ત્રીજો ભાગ 1888 અને 1894માં પ્રગટ થયા તે ‘સામ્યવાદનું બાઇબલ’ ગણાય છે.

સામ્યવાદ માને છે કે રાજ્યની સત્તા શ્રમજીવી વર્ગ પાસે હોવી જોઈએ. સત્તા કબજે કરી ક્રાંતિ કરવા તેઓ હિંસાને પણ યોગ્ય ઠેરવે છે. તેમાં શ્રમજીવી વર્ગ એટલે કે સર્વહારા વર્ગની સરમુખત્યારશાહી (dictatorship of the proletariat) સ્થાપવાની વાત છે. શ્રમ સાથે જોડાયેલાં વેતનનાં બંધનો તોડી નાંખવાની સલાહ માકર્સ આપે છે. આ બંધનો તૂટે તે પછી જ સામ્યવાદી પદ્ધતિની સ્થાપના થઈ શકે એમ સામ્યવાદીઓ માને છે. ટૂંકમાં, સામ્યવાદ વર્ગવિહીન તથા રાજ્યવિહીન સમાજ રચવા માગે છે. તે સામૂહિક માલિકીનો ખ્યાલ રજૂ કરે છે.

પોતાના વિચારોને વિગતે સમજાવવા માકર્સ દ્વંદ્વાત્મક ભૌતિકવાદ (Dialectical Materialism), અધિશેષ મૂલ્યનો સિદ્ધાંત (Theory of Surplus Value), ઇતિહાસનું ભૌતિક અર્થઘટન (Economic Materialistic Interpretation of History) અને વર્ગવિગ્રહ (class war) – એવા ચાર સિદ્ધાંતો આપે છે.

દ્વંદ્વાત્મક પ્રક્રિયા માર્કસના મત મુજબ ત્રણ તબક્કાઓમાં વહેંચાયેલી છે. પ્રથમ જ્યારે કોઈ પણ વિચાર રજૂ કરવામાં આવે ત્યારે તે માનવામાં આવે. આ તબક્કો વાદ (thesis) તરીકે ઓળખાય છે. સમય જતાં તેનો પ્રતિવાદ (antithesis) થાય છે. બંને વચ્ચે સત્ય માટેના સંઘર્ષમાંથી નવો જ વિચાર જન્મે છે. તે સમન્વય(synthesis)-રૂપ હોય છે. વાદ અને વિવાદમાં રહેલા સત્યનો તેમાં સમાવેશ હોય છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે અને છેવટે સંપૂર્ણ સત્ય લાધે ત્યારે જ આ દ્વંદ્વાત્મકની પ્રક્રિયા પૂરી થાય છે.

અધિશેષ મૂલ્યના સિદ્ધાંત દ્વારા સમાજમાં શ્રમજીવીઓનું શોષણ કેવી રીતે કરવામાં આવે છે તે સમજાવવાનો પ્રયત્ન થયો છે. માર્કસ મજૂરીને પણ બજારવસ્તુ (market-commodity) ગણાવી તેને પણ માંગ અને પુરવઠાનો નિયમ લાગુ પડે છે તે પ્રતિપાદિત કરે છે. વસ્તુની જે કિંમત નક્કી કરવામાં આવે તેમાં મજૂરીની જે રકમ હોય તે રકમ અને મજૂરને જે મજૂરી આપવામાં આવે તે રકમની વચ્ચેના તફાવતને કાર્લ માર્કસ ‘અધિશેષ મૂલ્ય’ તરીકે ઓળખાવે છે. તે રકમ મજૂરને જ મળવી જોઈએ એમ તે માને છે અને હકીકતમાં તેમ થતું નથી અને તે રકમ ઉત્પાદક પોતાની પાસે રાખે છે તેનો વિરોધ કરે છે. ‘અધિશેષ મૂલ્ય’ કાળક્રમે નફો બની જાય છે અને તેમાંથી મૂડીવાદ રચાય છે. આ સ્થિતિના ઉપાય તરીકે તે ખાનગી મિલકતને દૂર કરી સામૂહિક મિલકતની સ્થાપના કરવાનું કહે છે.

ઇતિહાસનું ભૌતિક અર્થઘટન કરી સામ્યવાદે અસરકારક રજૂઆત કરી છે. માર્કસના મતે માનવસમાજની તમામ બાબતોનાં મૂળ જીવનની ભૌતિક સ્થિતિમાં રહેલાં છે. મનુષ્યનું આર્થિક જીવન ઉત્પાદનની પદ્ધતિને તથા સામાજિક, રાજકીય વગેરે બાબતોને નક્કી કરે છે. ઇતિહાસના દરેક તબક્કે વર્ગભેદ અને વર્ગવિગ્રહ હાજર હોય છે. તે ભાખે છે કે શ્રમજીવી વર્ગ અને મૂડીદાર વર્ગ વચ્ચે ચાલતા વિગ્રહમાંથી ક્રાંતિ પરિણમશે અને શ્રમજીવી વર્ગ વિજયી નીવડશે.

આમ, ઇતિહાસને વર્ગવિગ્રહના ઇતિહાસ તરીકે વર્ણવીને મૂડીવાદી પ્રથામાં જ તેના અંતનાં બીજ તે જુએ છે અને એવી આશા વ્યક્ત કરે છે કે સમય જતાં એવી સ્થિતિ સર્જાશે કે જ્યારે શ્રમજીવી વર્ગ ક્રાંતિ દ્વારા મૂડીવાદને સમૂળગો દૂર કરશે ને વર્ગવિહીન સમાજ રચાશે. વર્ગવિહીન સમાજમાં કાળક્રમે સમાનતા અને વેતનનાં વાજબી ધોરણો પ્રવર્તમાન હશે. તમામ લોકો તે કારણે સુખી હશે. આવા સુખી સમાજમાં રાજ્યની જરૂર જ નહિ રહે અને આપમેળે વ્યવસ્થા ચાલ્યા કરશે. માર્કસના મતે વર્ગવિહીન સમાજમાંથી લાંબે ગાળે ‘રાજ્ય અદૃશ્ય થઈ જશે’ અને એમ રાજ્યવિહીન સમાજ રચાશે. માર્કસના વિચારોની આ રજૂઆત અંતિમ ભાગમાં કાલ્પનિક બની જતાં રાજ્યવિહીન સમાજની તેની આગાહી સદંતર ખોટી પુરવાર થાય છે. વાસ્તવિક પરિસ્થિતિના વિશ્લેષણથી વિચારોની શરૂઆત કરનાર માર્કસ અંતે કાલ્પનિકતામાં સરી જાય છે અને ‘યુટોપિયન’ બની રહે છે.

જોકે સામ્યવાદના ટીકાકારો તેની ટીકા કરતાં કહે છે કે : નફો એ માત્ર મજૂરીનું જ પરિણામ નથી. વળી, ઇતિહાસનો અભ્યાસ માત્ર આર્થિક દૃષ્ટિ દ્વારા જ કરવો તે ભૂલભરેલું ગણાશે. એ ઉપરાંત સાધન-શુદ્ધિની અવગણના કરી હિંસાને માન્યતા આપવી એ પણ યોગ્ય ન ગણાય. છેલ્લે એમનું એમ કહેવું છે કે સામ્યવાદમાં સહકાર કરતાં સંઘર્ષ ઉપર વધારે પડતો ભાર મૂકવામાં આવ્યો છે.

લેનિને સામ્યવાદનું પોતાની રીતે અર્થઘટન કરી તેમાં ઘટતા ફેરફારો કર્યા હતા. તેણે પક્ષવ્યવસ્થાને પ્રાધાન્ય આપ્યું; એટલું જ નહિ, વિશ્વક્રાંતિની હિમાયત કરી, રાજ્ય બિનજરૂરી છે કહી સંસદીય પ્રથાનો સખત વિરોધ કર્યો અને સોવિયેત પદ્ધતિને સમર્થન આપ્યું. ભદ્રલોક(બુઝ્ર્વા)ની લોકશાહીમાં ધારાસભાઓને ‘વાતોડિયાઓની દુકાનો’ કહી વખોડી. લેનિનના અવસાન પછી ટ્રૉટ્સ્કી વિશ્વક્રાંતિની વાતને વળગી રહ્યા, પણ તે અંગે સ્ટાલિનને મતભેદ હતા. સ્ટાલિને ‘સોશિયાલિઝમ ઇન એ સિંગલ કન્ટ્રી’ની હિમાયત કરી. સાથે સાથે રાજ્યસત્તામાં વધારો કરવાની હિમાયત કરી. મલ્ટીનૅશનલ સ્ટેટ  બહુરાષ્ટ્રીયતા ધરાવતા રાજ્યના વિચારનો સ્વીકાર કર્યો.

તે પછી ક્રુશ્ચેવે પણ વિશ્વક્રાંતિના વિચારને ઓછું મહત્ત્વ આપ્યું. યુદ્ધ જેવા હિંસક માર્ગ કરતાં આર્થિક મદદ જેવા શાંતિભર્યા માર્ગની હિમાયત કરી. સોવિયેત રશિયામાંના આંતરવ્યવહારમાં અહિંસાને સ્થાન આપ્યું. સ્ટાલિને પોતાના રાજકીય વિરોધીઓને મૃત્યુના મોંમાં ધકેલી દીધા હતા, જ્યારે ક્રુશ્ચેવે પોતાના વિરોધીઓને સત્તા ઉપરથી દૂર કર્યા પણ મોતને ઘાટ ઉતાર્યા નહિ. તે પછી સત્તા ઉપર આવેલ બ્રેઝનેવ, ગોર્બાચૉવ વગેરેએ પણ સામ્યવાદી વિચારધારાના સ્વરૂપમાં ઘણા ફેરફાર કર્યા. ગોર્બાચૉવે તો ‘ગ્લાસનોસ્ટ  ઓપનનેસ’-(ખુલ્લાપણા)ની વાત અને ‘પેરિસ્ટ્રૉઇકા  રિકન્સ્ટ્રક્શન’(પુનર્રચના)ની વાતને મહત્ત્વ આપ્યું.

આમ, સામ્યવાદની મૂળ વિચારધારા સમયના વહેણમાં પરિવર્તિત થતી રહી છે.

સામ્યવાદી પક્ષ (ભારત) : માર્કસવાદી વિચારોમાંથી પ્રેરણા મેળવતી આંતરરાષ્ટ્રીય સામ્યવાદી ચળવળ. ‘કૉમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલ’ – ‘કૉમિન્ટર્ન’ તેમજ બ્રિટિશ સામ્યવાદીઓની પ્રેરણાથી ભારતમાં 1924માં સ્થપાયેલ રાજદ્વારી પક્ષ. ‘સશસ્ત્ર ક્રાન્તિ દ્વારા શ્રમજીવીઓની સરમુખત્યારશાહી સ્થાપવાનું ધ્યેય’ ધરાવતા સામ્યવાદીઓને મહાત્મા ગાંધીની નેતાગીરી હેઠળના કૉંગ્રેસનાં સ્વરૂપ અને કાર્યપદ્ધતિ સામે સૈદ્ધાંતિક વાંધો હતો. મોટા જમીનદારો અને મૂડીવાદીઓના વર્ચસ્વ અને રૂઢિચુસ્તોના પ્રભાવ હેઠળની કૉંગ્રેસ ભારતના મહેનતકશ શ્રમજીવીઓ, કિસાનો અને ગરીબોનું સાચું પ્રતિનિધિત્વ ધરાવતી નથી, એવું તેમનું માનવું હતું. તેની આ માન્યતા અને કૉંગ્રેસની સતત ટીકાને કારણે સામ્યવાદીઓ ભારતના રાષ્ટ્રવાદીઓમાં ખૂબ અળખામણા અને ધિક્કારને પાત્ર બન્યા હતા.

1929માં ‘મેરઠ કાવતરા કેસ’ તરીકે જાણીતા થયેલા કેસમાં આ પક્ષના ઘણા આગેવાનો સંડોવાયેલા હોવાથી તેમને જેલમાં પૂરવામાં આવેલા અને પક્ષ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તે દરમિયાન ઘણા સામ્યવાદી કાર્યકરો કૉંગ્રેસમાં દાખલ થયા અને તેમાંના ડાબેરી વિચારધારામાં માનતાં તત્ત્વો સાથે મળી જઈને કૉંગ્રેસની વિચારધારાને પ્રભાવિત કરવામાં થોડા પ્રમાણમાં સફળ પણ થયા.

બીજા વિશ્વયુદ્ધ વખતે સામ્યવાદી પક્ષે જે ઊલટા-સૂલટી ગુલાંટો ખાધી તેથી એક પક્ષ તરીકેની તેની છાપ ખરડાઈ. 1939માં નાઝીવાદ ફાસીવાદ સામે શરૂ થયેલા યુદ્ધને ‘શાહીવાદી’ યુદ્ધ તરીકે ઘટાવીને ભારતમાંની બ્રિટિશ સરકારને મૂંઝવવામાં તેણે કશી બાકી રાખી નહિ; પણ 1941માં હિટલરે રશિયા ઉપર હુમલો કરતાં ભારતના સામ્યવાદીઓ હિટલરના કટ્ટર શત્રુઓ અને બ્રિટિશરોના પરમ મિત્રો બની ગયા. એના વળતર તરીકે બ્રિટિશ સરકારે 1942માં સામ્યવાદી પક્ષ ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લીધો અને સામ્યવાદી નેતાઓને જેલમાંથી છોડી મૂક્યા. બ્રિટનના આ ‘નવા વફાદાર સાથીઓ’એ 1942ની ‘હિંદ છોડો’ ચળવળનો જોરદાર વિરોધ કર્યો; એટલું જ નહિ, કેટલાક રાષ્ટ્રવાદી નેતાઓને પકડાવી દેવામાં પણ તેમણે ભૂમિકા ભજવી. સામ્યવાદી રશિયાની ‘કઠપૂતળી’ તરીકે વર્તતા સામ્યવાદી પક્ષની છાપ એક ‘રાષ્ટ્રવિરોધી’ અને રાષ્ટ્રદોહી’ પક્ષ તરીકે ભારતના સામાન્ય લોકોમાં અંકિત થઈ. રશિયાના દોરીસંચાર હેઠળ ચાલતો સામ્યવાદી પક્ષ ભારતીય રાષ્ટ્રવાદના મુખ્ય પ્રવાહથી અળગો અને ક્યારેક તેનો વિરોધી રહ્યો છે.

1947માં જ્યારે દેશ આઝાદ થયો, ત્યારે સામ્યવાદી પક્ષે એવું વલણ લીધું કે ‘જ્યાં સુધી હિંસક ક્રાંતિ દ્વારા શ્રમજીવીઓની સરમુખત્યારશાહી હેઠળ સમાજવાદી રાજ્યની સ્થાપના ન થાય ત્યાં સુધી સાચી આઝાદી મળી છે એમ કહેવાય જ નહિ.’ વળી ભારત એક રાષ્ટ્ર નથી, પણ અનેક રાષ્ટ્રીયતાઓનો સમૂહ છે. એટલે દરેક લઘુમતી રાષ્ટ્રીયતાને આત્મનિર્ણયનો અધિકાર છે એવો સિદ્ધાંત રજૂ કરીને પાકિસ્તાનની માગણીનું સમર્થન કર્યું. એની આ બધી હરકતોને કારણે સામ્યવાદી પક્ષ સામાન્ય લોકોમાં ભારે અળખામણો અને ધિક્કારને પાત્ર બન્યો.

1948માં બી. ટી. રણદીવેના નેતૃત્વ હેઠળ સામ્યવાદી પક્ષે વધુ ઉગ્રવાદી અને અંતિમવાદી વલણ અખત્યાર કર્યું. દેશમાં ભાંગફોડ, તોફાનો અને હુલ્લડો દ્વારા અરાજકતા ફેલાવી, હિંસક ક્રાન્તિ દ્વારા ભારત સરકારને ઉથલાવી સત્તા કબજે કરવાનું દુ:સાહસ આદર્યું. આંધ્રના તેલંગાણા વિસ્તારમાં તેને થોડી સફળતા પણ મળી અને અઢી હજાર જેટલાં ગામડાં અને આશરે દસેક લાખ લોકો ઉપર તેણે સામ્યવાદી શાસન સ્થાપ્યું. ભારત સરકારે એને કડક હાથે દબાવી દીધું. રણદીવેની સાહસવાદી નીતિ નિષ્ફળ ગઈ. તેમના સ્થાને આંધ્રના કિસાન નેતા રાજેશ્વર રાવને 1950માં  પક્ષનું સુકાન સોંપવામાં આવ્યું.

દરમિયાન સામ્યવાદી પક્ષના આગેવાનોમાં મનોમંથન શરૂ થયું. સશસ્ત્ર અને હિંસક ક્રાન્તિ દ્વારા શ્રમજીવીઓનું રાજ્ય સ્થાપવાના અંતિમ ધ્યેય સાથે બાંધછોડ કર્યા વિના પક્ષે એક વ્યૂહરચના તરીકે બંધારણીય માર્ગ અપનાવ્યો અને 1952ની દેશની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવ્યું અને લોકસભામાં 3.3 ટકા મત સાથે 16 બેઠકો કબજે કરી. ભારતમાં સશસ્ત્ર ક્રાન્તિ કરીને સત્તા કબજે કરવાનો સમય પાક્યો નથી, એમ મન મનાવી ચૂંટણીઓ લડવાની વ્યૂહરચના ચાલુ રાખી. ભારત અને રશિયા વચ્ચેના ગાઢ બનતા જતા સંબંધો અને નહેરુના નેતૃત્વ હેઠળની કાગ્રેસને ટેકો આપવાની નીતિ સાથે તેણે બીજી સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવ્યું, તેમાં તેનો દેખાવ પ્રમાણમાં સારો રહ્યો. 8.9 ટકા મત સાથે તેણે 27 બેઠકો પ્રાપ્ત કરી. તેમાં કેરળમાં 9 બેઠકો અને પશ્ચિમ બંગાળમાં 6 બેઠકોનો સમાવેશ થાય છે. કેરળ વિધાનસભામાં તેને બહુમતી મળતાં ત્યાં સરકારની રચના પણ કરી, જ્યારે પશ્ચિમ બંગાળમાં મુખ્ય વિપક્ષ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું. સમગ્ર વિશ્વભરમાં બંધારણીય માર્ગે, ચૂંટણીઓ દ્વારા સત્તા ઉપર આવવાનો પ્રથમ દાખલો કેરળે (ભારત) પૂરો પાડ્યો. પરિણામે 1958માં તેણે પક્ષના બંધારણમાં સુધારો કર્યો કે ‘શાન્તિમય સાધનો દ્વારા, સશસ્ત્ર ક્રાન્તિનો આશરો લીધા સિવાય પક્ષ ભારતમાં લોકશાહી અને સમાજવાદ સ્થાપી શકશે.’

1960ના દાયકા દરમિયાન પક્ષમાં મુખ્યત્વે બે કારણોસર આંતરિક મતભેદો અને તીવ્ર જૂથબંધી ઊભાં થયાં. એક તો મુખ્ય બે સામ્યવાદી સત્તાઓ રશિયા અને ચીન વચ્ચે ઉગ્ર મતભેદો ઊભા થયા અને બીજું કારણ 1962માં ચીને ભારત ઉપર આક્રમણ કર્યું. આ બન્ને મુદ્દાઓ પરત્વે કયું વલણ લેવું એ વિશે પક્ષના નેતાઓમાં તીવ્ર મતભેદો ઊભા થયા.

સામ્યવાદી પક્ષને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વ્યાપક સ્વરૂપ આપનાર નેતાઓ :
વ્લાદિમિર લેનિન, જૉસેફ સ્ટાલિન, માઓ ત્સે-તુંગ

પક્ષના મવાળવાદી અને ઉદ્દામવાદી જૂથ વચ્ચે કોઈ પણ પ્રકારનું સમાધાન શક્ય નથી એવું લાગતાં છેવટે 1964માં પક્ષના ભાગલા પડ્યા. નાંબૂદ્રીપાદ અને જ્યોતિ બસુની આગેવાની હેઠળ માર્કસવાદી સામ્યવાદી પક્ષની સ્થાપના કરવામાં આવી. હવે બે સામ્યવાદી પક્ષો અસ્તિત્વમાં આવ્યા, જે આજે અનુક્રમે ‘કમ્યુનિસ્ટ પાર્ટી ઑવ્ ઇન્ડિયા’ (સી.પી.આઇ.) અને ‘કમ્યુનિસ્ટ પાર્ટી ઑવ્ ઇન્ડિયા – માકર્સિસ્ટ’ (સી.પી.આઇ.-એમ.) તરીકે ઓળખાય છે.

ત્યારપછી થયેલી સામાન્ય ચૂંટણીઓમાં બંને સામ્યવાદી પક્ષો અલગ અલગ રીતે ચૂંટણીઓ લડ્યા છે; પણ પશ્ચિમ બંગાળ, કેરળ અને ત્રિપુરામાં સામ્યવાદી મતો વહેંચાઈ ન જાય એ દૃષ્ટિએ તેમણે ડાબેરી મોરચો રચ્યો છે. ડાબેરી મોરચાના ભાગ રૂપે બંને સામ્યવાદી પક્ષોએ કેરળ અને પશ્ચિમ બંગાળમાં સરકારોની રચના કરી છે અને સત્તા પણ ભોગવી છે.

વિભાજન પહેલાં અને તે પછી સામ્યવાદી પક્ષને મળતા મતમાં ઝાઝો ફરક પડ્યો નથી. સમગ્ર દેશની દૃષ્ટિએ જોઈએ તો તેને મળતા મતની ટકાવારી આઠથી દસની આસપાસ રહી છે અને બેઠકોની ટકાવારી પણ લગભગ એટલી જ રહી છે. ડાબેરી મોરચાના ભાગ તરીકે કેરળ અને પશ્ચિમ બંગાળ તેમજ ત્રિપુરામાં તેની મતની ટકાવારી 30થી 35 ટકાની આસપાસ રહી છે. કેરળ કરતાં પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં ડાબેરી મોરચાનો પ્રભાવ વધુ છે. 1977થી પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચો સત્તા પર છે.

પશ્ચિમ બંગાળના ડાબેરી મોરચાના સૌથી મહત્ત્વના પક્ષ તરીકે સામ્યવાદી માર્કસવાદી પક્ષને 1960ના દાયકા દરમિયાન એક નવી જ દ્વિધાનો સામનો કરવાનો આવ્યો. પક્ષના આત્યંતિક ડાબેરી ઝોક ધરાવતા નેતાઓએ એવી દલીલ કરી કે સરકારની સત્તાનો ઉપયોગ જમીનદારોની જમીન આંચકી લઈને ભૂમિહીન ખેડૂતોમાં વહેંચી દેવા કરવો જોઈએ. આમ ન કરવું એ માઓવાદી વિચારોની વિરુદ્ધ છે. જો પશ્ચિમ બંગાળની ડાબેરી સરકાર એમ નહિ કરે તો માઓના વિચારોમાં માનતા નેતાઓ સશસ્ત્ર ક્રાન્તિ કરીને જમીનદારોની જમીન આંચકી લેશે અને ભૂમિહીન ખેડૂતોમાં વહેંચી દેશે, એવી ધમકી આપી. સરકારના એક ભાગ તરીકે સામ્યવાદી માર્કસવાદી પક્ષ આમ ન કરી શકે, એ દેખીતું છે. આથી પશ્ચિમ બંગાળના ઉત્તરે આવેલ દાર્જિલિંગ જિલ્લાના વ્યૂહાત્મક વિસ્તાર નક્સલબારીમાં માઓવાદી સામ્યવાદીઓએ સશસ્ત્ર, હિંસક અને આતંકવાદી આંદોલન શરૂ કર્યું. નક્સલબારી વિસ્તારમાં આ હિંસક આંદોલન શરૂ થયું હોવાથી આ સામ્યવાદીઓ નક્સલવાદીઓ તરીકે ઓળખાયા. એમની આત્યંતિક અને આતંકવાદી પ્રવૃત્તિઓને કચડી નાંખવા માટે ડાબેરી સરકારને આકરાં પગલાં ભરવાં પડ્યાં. છેવટે, નક્સલવાદીઓ તરીકે ઓળખાતા અને પોતાને ચૅરમૅન માઓના અનુયાયીઓ ગણાવતા આ સામ્યવાદીઓએ ત્રીજો સામ્યવાદી પક્ષ રચ્યો, જે માર્કસવાદી લેનિનવાદી (સામ્યવાદી) પક્ષ તરીકે ઓળખાયો. નક્સલવાદીઓ તરીકે ઓળખાતા આ સામ્યવાદીઓ આંધ્રપ્રદેશ સહિત ભારતનાં નવ રાજ્યોમાં વધતા-ઓછા પ્રમાણમાં સક્રિય છે. ડુંગરાળ પ્રદેશોમાં રહેતા આદિવાસીઓ અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા દલિતો અને અન્ય પછાત જ્ઞાતિઓમાં તેમનો પ્રભાવ છે. કેટલાક વિસ્તારોમાં તો તેમણે સમાંતર સરકારો સ્થાપી છે. ખેતમજૂરોને પૂરતું વેતન ન આપતા જમીનમાલિકો, વ્યાજવટુ કરનારા શાહુકારો, પોલીસ અને અર્ધસલામતી દળોના જવાનો વગેરે ઉપર તેઓ હુમલા કરે છે. રેલવેના પાટા ઉખેડી નાંખવા, સ્ટેશનો ઉડાવી દેવાં, સરકારી શસ્ત્રાગાર લૂંટી લેવા, અપહરણ કરવાં અને અપહૃતોને બાનમાં રાખવાં જેવી હિંસક-આતંકવાદી પ્રવૃત્તિઓ તેઓ કરે છે. એક આંકડા અનુસાર દેશના દોઢસો જેટલા જિલ્લાઓ તેમનાથી પ્રભાવિત થયેલા છે. આંધ્રપ્રદેશના નક્સલવાદી નેતાઓ સાથે વાટાઘાટો કરવાના બેત્રણ વાર પ્રયાસો થયા, પણ તેને સફળતા મળી નથી.

કિસાનો, મજદૂરો અને વિદ્યાર્થીઓમાં સામ્યવાદી પક્ષોએ જાગૃતિ ઊભી કરવાના અને તેમને સંગઠિત કરીને લડતો ચલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ઔદ્યોગિક કામદારો અને બૅન્કિંગ, વીમા કંપનીઓ, જાહેર ક્ષેત્રોના એકમોના કર્મચારીઓને સંગઠિત કરવામાં તેમણે મોટો ફાળો આપ્યો છે.

આટલા લાંબા સમય(લગભગ આઠ દાયકા)થી સામ્યવાદી પક્ષ ભારતમાં સક્રિય હોવા છતાં તેનો પ્રભાવ અને વ્યાપ અમુક રાજ્યો અને અમુક વિસ્તારો પૂરતાં જ સીમિત રહ્યાં છે. માર્કસવાદના સૈદ્ધાંતિક ચોકઠામાં જ વિચારવા ટેવાયેલા સામ્યવાદીઓ ભારતીય સમાજ અને તેની સંસ્કૃતિને સમજવામાં ક્યાંક ઊણા ઊતરે છે, એમ માનનારો એક ચોક્કસ વર્ગ છે.

હરબન્સ પટેલ

દિનેશ શુક્લ