સામ્બમૂર્તિ, પી. (જ. 14 ફેબ્રુઆરી 1901, ચેન્નાઈ; અ. ?) : કર્ણાટકી સંગીતના વિખ્યાત શાસ્ત્રકાર, તમિળ સાહિત્યકાર, સંશોધક, ગાયક અને વાદક. તેમના પિતા પી. ઐયર સ્ટેશનમાસ્તર હતા. સામ્બમૂર્તિ માત્ર ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થવાથી માતાએ તેમનો ઉછેર કર્યો હતો. તેમણે પ્રદર્શન-વીણા નામના વાદ્યનો આવિષ્કાર કર્યો હતો. તમિળ, તેલુગુ, સંસ્કૃત, અંગ્રેજી અને જર્મન ભાષાઓના તેઓ જાણકાર હતા. તમિળ તેમની માતૃભાષા હતી, પરંતુ અન્ય ભાષાઓમાં પણ તેમણે સંગીત વિષય પર ગ્રંથો લખ્યા છે.

પી. સામ્બમૂર્તિ

બાલ્યાવસ્થામાં માતા તરફથી તેમને સંગીતના પ્રાથમિક સંસ્કાર પ્રાપ્ત થયા હતા જેઓ તેમની પાસેથી તમિળ ભાષાનાં ગીતો ગવડાવતાં હતાં. તેમની ગાવાની શૈલી અત્યંત કર્ણપ્રિય હોવાથી બાલ્યાવસ્થામાં જ વિવાહ જેવા શુભ પ્રસંગે તેમને સ્થાનિક પરિવારોમાં ગાવા માટે આમંત્રણો મળતાં.

તેમની પ્રારંભિક ઔપચારિક શિક્ષા ચેન્નાઈ ખાતેની આર્ય પાઠશાળામાં થઈ હતી. 1916માં તેઓ મૅટ્રિક, 1918માં ઇન્ટર આર્ટસ અને 1920માં પ્રેસિડેન્સી કૉલેજમાંથી બી.એ. પાસ થયા.

બાર વર્ષની વયે તેમણે કર્ણાટકી સંગીતનું વિધિવત્ શિક્ષણ લેવાનો પ્રારંભ કર્યો. વી. ક્રિશ્ર્નૈયા નામના શિક્ષક પાસેથી તેઓએ વાયોલિન વગાડવાની તાલીમ લીધી. એક વર્ષ પછી વાયોલિન સાથે વાંસળી વગાડવાની તાલીમ પણ શરૂ કરી. વાંસળીવાદનના તેમના ગુરુ હતા વિખ્યાત બાંસુરીવાદક વેન્કટરામ શાસ્ત્રી. 1924માં ચેન્નાઈની પાદરીઓ દ્વારા સંચાલિત એક પાઠશાળામાં સંગીતશિક્ષક તરીકે તેઓ જોડાયા, જ્યાં 1927માં તેના મુખ્ય અધ્યાપક બન્યા. 1928માં ક્વીન મેરી કૉલેજમાં અને 1929માં લેડી વિલિંગ્ડન ટ્રેનિંગ કૉલેજમાં સંગીતના વ્યાખ્યાતા તરીકે તેમની નિમણૂક થઈ હતી. 1931માં ડચ અકાદમીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થતાં તે વર્ષે તેઓ જર્મની ગયા. યુરોપના આ પ્રવાસ દરમિયાન તેમણે પાશ્ર્ચાત્ય સંગીતના જુદા જુદા વિદ્વાનો પાસેથી વાયોલિન, વાંસળી અને હાર્મનીનું વિશેષ તથા પાર્શ્ર્વસંગીતનું વિશિષ્ટ જ્ઞાન હાંસલ કર્યું. આ પ્રવાસ દરમિયાન જુદાં જુદાં સ્થળોએ કર્ણાટકી સંગીતનાં વિભિન્ન પાસાંઓ પર તેમનાં વ્યાખ્યાનો આયોજિત થયાં હતાં. સાથોસાથ તેમણે પાશ્ર્ચાત્ય વાદ્યવૃંદ-સંગીત (ઑર્કેસ્ટ્રા) તથા તેની રચનાવિધિનું અધ્યયન કર્યું હતું. યુરોપના લગભગ બધા જ દેશોનાં મહત્ત્વનાં નગરોની તેમણે મુલાકાત લીધી અને ભારતીય સંગીતની ખૂબીઓ પર પ્રકાશ પાડતાં વ્યાખ્યાનો આપ્યાં; જેમાં બર્લિન, લિપઝિગ, પ્રાગ, બુડાપેસ્ટ, સ્ટૉકહોમ, પૅરિસ અને બ્રસેલ્સનો સમાવેશ થાય છે. ઑસ્ટ્રેલિયાનો પણ તેમણે વિદ્યાકીય પ્રવાસ ખેડ્યો હતો. એપ્રિલ, 1932માં તેઓ સ્વદેશ પાછા આવ્યા.

યુરોપના પ્રવાસ દરમિયાન પાશ્ર્ચાત્ય વાદ્યવૃંદ-સંગીતનું જે જ્ઞાન મેળવ્યું હતું તેને આધારે તેમણે સ્વદેશ પાછા આવ્યા પછી ભારતીય વૃંદવાદનની પદ્ધતિમાં કેટલાક સુધારાવધારા દાખલ કર્યા; જેનું પ્રસ્તુતીકરણ તેમણે મદ્રાસ યુનિવર્સિટીના બે વર્ષના દીક્ષાંત સમારોહોમાં ક્રમશ: 1933 અને 1935માં કર્યું હતું.

તેમના કેટલાક શિષ્યો દક્ષિણ ભારતની તથા શ્રીલંકાની સંગીત-સંસ્થાઓમાં સંગીતના વ્યાખ્યાતાના પદ પર કામ કરી રહ્યા છે. તેમાંના કેટલાક તો પોતાની સંસ્થાના વડા તરીકે પણ બઢતી પામ્યા છે. બીજા થોડાક તમિળ ચલચિત્રોમાં પાર્શ્ર્વગાયક તો કેટલીક ફિલ્મોમાં અભિનેતા તરીકે દાખલ થયા છે.

સામ્બમૂર્તિને તેમની કારકિર્દી દરમિયાન જે માનસન્માન કે ઍવૉર્ડ મળ્યાં છે તેમાંનાં મહત્ત્વનાં છે ‘ગંધર્વવેદ-વિશારદ’ તથા ‘સંગીતકલા સિખ મણિ’ – એ બે પદવીઓ, ભારત સરકાર દ્વારા પ્રાપ્ત ‘સંગીતશાસ્ત્ર પ્રવીણ’ની પદવી તથા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રાપ્ત સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમીની સદસ્યતા.

તેમણે લખેલા ગ્રંથોમાં ‘ડિક્શનરી ઑવ્ સાઉથ ઇન્ડિયન મ્યુઝિક ઍન્ડ મ્યુઝિશિયન્સ’, ‘ઇન્ડિયન મેલડીઝ ઇન સ્ટાફ નોટેશન’, ‘ધ ટીચિંગ ઑવ્ મ્યુઝિક’, ‘સાઉથ ઇન્ડિયન મ્યુઝિક’ (ચાર ભાગોમાં), ‘ધ ફ્લ્યૂટ’, ‘ગ્રેટ કૉમ્પોઝર્સ’ અને ‘મોડ શિફ્ટ ટોન’ ઉલ્લેખનીય છે.

આમાંના કેટલાક ગ્રંથોની તો સંગીતશિક્ષણમાં પાઠ્યગ્રંથો તરીકે પસંદગી થઈ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે